ગુડ મૉર્નિંગ
સૌરભ શાહ
ભારતની હિન્દુ વસ્તી 900 વર્ષના ઈસ્લામ-અંગ્રેજ શાસન બાવજૂદ આજની તારીખે 82 ટકા છે અને ઈરાન, ઈજિપ્ત, ઈરાક વગેરે પરના ઈસ્લામ આક્રમણને લીધે ત્યાંની સ્થાનિક પ્રજા અડધા દાયકા કરતાં ઓછા સમયમાં ભૂસાઈ ગઈ. ભારતમાં તે વખતે પાકિસ્તાન અને બાંગ્લાદેશ પણ સામેલ હતું અને એ બે દેશોનું ઈસ્લામીકરણ થઈ ગયું હોવાથી પ્રેક્ટિકલી ઓરિજિનલ ભારતની વસ્તીમાંથી 50-60 ટકા જેટલા જ હિન્દુઓ બચ્યા કહેવાય એવી દલીલ કેટલાક લોકો કરે છે જેનો આધાર સત્ય નથી, અર્ધસત્ય છે. સંપૂર્ણ સત્ય એ છે કે તે વખતના ભારતમાં નેપાળ, શ્રીલંકા અને બર્મા (મ્યાનમાર) પણ સામેલ હતાં જે ત્રણેય દેશો હજુય ઈસ્લામની અસરથી મુક્ત છે, ત્યાંની બહુમતી વસ્તી મુસ્લિમ નથી.
સુબ્રમણ્યમ સ્વામી પોતાના પ્રવચન દરમ્યાન જણાવે છે કે કશ્મીર અન્ય રાજ્યોની જેમ ભારતમાં સંપૂર્ણપણે ભળી ગયું હતું, પણ જવાહરલાલ નેહરુએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોતાનું નામ થઈ જશે એવા ખોટા ખ્યાલને લીધે કશ્મીર પ્રશ્ર્નને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં લઈ જવાનું પસંદ કર્યું.
અંગ્રેજોએ જ્યારે ભારતને સ્વતંત્રતા આપતો કાયદો પસાર કર્યો ત્યારે બ્રિટિશ વડા પ્રધાને સ્પષ્ટ કહ્યું હતું કે અમારો હેતુ બે દેશને જન્મ આપવાનો છે એક દેશ મુસ્લિમ શાસિત પાકિસ્તાન અને બીજો હિન્દુ શાસિત ભારત.
આમ આપણો દેશ સેક્યુલર કન્ટ્રી બનવા માટે સર્જાયો જ નહોતો – હિન્દુ રાષ્ટ્ર હતો અને એ જ હિન્દુ રાષ્ટ્ર તરીકે 1947માં ફરી ભારતની સ્થાપના થઈ હતી, પરંતુુ જવાહરલાલ નેહરુની આ દેણ છે, એમને કારણે આ દેશમાં સેક્યુલરિઝમ ઘૂસી ગયું.
1950માં અમેરિકાએ યુનોની સિક્યુરિટી કાઉન્સિલમાંથી ચીનને વિદાય કર્યું, કારણ કે ચીન કમ્યુનિસ્ટ ક્ધટ્રી બની ગયું હતું. અમેરિકાને કમ્યુનિઝમ સાથે (વાજબી રીતે જ) બાપે માર્યા વેર હતાં. અમેરિકાએ ચીનની બેઠક ભારતને ઓફર કરી હતી. 1945માં યુનોની સિક્યુરિટી કાઉન્સિલની રચના થઈ ત્યારે ભારતને એમાં સ્થાન નહોતું મળી શક્યું, કારણ કે તે વખતે ભારત બ્રિટિશ કબજા હેઠળ હતું. તે વખતે અમેરિકા અને ચીન સહિતનાં પાંચ રાષ્ટ્રો સિક્યુરિટી કાઉન્સિલના સભ્યો હતા. તે વખતે ચીનના વડા ચ્યાંગ કાઈ શેક હતા. માઓત્સે તુંગે એમને ઉથલાવીને ચીનમાં સામ્યવાદની સ્થાપના કરી હતી. એ ગાળામાં અમેરિકાના વિદેશ મંત્રીએ યુનોના ભારતના પ્રતિનિધિ વિજ્યાલક્ષ્મી પંડિતને જવાહરલાલ નેહરુને આપવા માટેનો પત્ર સોંપ્યો હતો કે હવે ભારતે યુનોની સિકયુરિટી કાઉન્સિલમાં ચીનનું સ્થાન લઈ લેવું જોઈએ. જવાહરલાલે શું જવાબ પાઠવ્યો? આ બધું રેકોર્ડ પર છે. નેહરુએ ઉત્તર મોકલ્યો છે એ સીટ ચીનનો હક્ક છે માટે કમ્યુનિસ્ટ ચીનને એ સીટ સોંપી દેવી જોઈએ.
જવાહરલાલ નેહરુએ તો વિનોબા ભાવેની ભૂદાન ચળવળમાં જોડાઈ જવાની જરૂર હતી. આપી દો આપણી જમીન બીજાને, આપણું જે કંઈ છે તે બીજાને આપી દો. અને એ આપતા રહ્યા જાણે આ બધું એમની અંગત માલિકીનું હોય!
નેહરુ આપણી શિક્ષણ પદ્ધતિમાં કોઈ પરિવર્તન લાવ્યા નહીં. અંગ્રેજો જે રીતે આર્યો અને દ્રવિડોને લડાવી મારવા માગતા હતા તે ચાલુ જ રહ્યું. અને આને કારણે આપણે હજુય માની બેઠા છીએ આપણે એક રાષ્ટ્ર નહોતા. બ્રિટિશે આપણને સૌને એક કર્યા. આપણે આપણી સુરક્ષા કરી શકતા નહોતા. કોઈ પણ પરદેશી આપણા પર આક્રમણ કરવા આવી ચડતા અને આ દેશ પર કબજો જમાવી બેસતા. હજુય આપણે આવું જ માનીએ છીએ.
આ રીતે સતત બ્રેઈન વૉશિંગ થતું રહ્યું આપણી પ્રજાનું અને આપણે લઘુતાગ્રંથિથી પીડાતા રહ્યા.
આજની વાત કરીએ. નરેન્દ્ર મોદીએ સાચું જ કહ્યું છે કે આ કૉન્ગ્રેસની ‘બેલગાડી’ છે. હું (સ્વામી) કહું છું કે એ હવે તિહાર-વિહાર માટે જવાની છે! છેલ્લાં દસ વર્ષમાં સોનિયા ગાંધીના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારે કેવાં કેવાં પાપ કર્યાં છે? વીકિલિક્સના ડૉક્યુમેન્ટ્સ મુજબ 2006ની સાલમાં રાહુલ ગાંધીએ અમેરિકન ઍમ્બેસીમાં જઈને ત્યાંના કોઈ ઑર્ડિનરી અધિકારીને કહ્યું હતું કે અમે કૉન્ગ્રેસીઓ એક નિર્ણય પર આવ્યા છીએ કે હિન્દુ આતંકવાદ લશ્કર-એ-તોયબા કરતાં વધુ ખતરનાક છે. રાહુલ ગાંધીએ અમેરિકાને આ સંદેશો મોકલ્યો છે. રેકોર્ડ પર છે. અને કોઈએ આ વાતને રદિયો આપ્યો નથી. અને 2007માં કૉન્ગ્રેસે સમઝૌતા એક્સપ્રેસ કેસમાં કેવી ગુલાંટ મારી હતી. મનમોહન સિંહની સરકારે અમેરિકાની સરકારને લખ્યું હતું કે, આ કૃત્ય લશ્કર-એ-તોયબાનું છે એવું જણાય છે અને અમેરિકાએ જાતે પોતે માહિતી મેળવીને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં જઈને કહ્યું કે લશ્કર-એ-તોયબા એક આતંકવાદી સંગઠન છે. અને 2008માં મુંબઈમાં 26/11ના તાજ-ઓબેરોયના બૉમ્બધડાકાઓ બાદ મિસ્ટર ચિદમ્બરમ્ હોમ મિનિસ્ટર બન્યા પછી એમણે સમઝૌતા એક્સપ્રેસ કેસમાં નવી એફ.આઈ.આર. નોંધાવી. એક જ કેસમાં બબ્બે એફઆઈઆર નોંધાઈ. પહેલીમાં જણાવાયું કે લશ્કર-એ-તોયબાનું આ કાવતરું છે અને બીજીમાં લખાયું કે ઈન્ડિયન આર્મીના કર્નલ હેમંત પુરોહિતે આ ષડ્યંત્ર રચ્યું છે. ભારતીય લશ્કરના એ જાંબાઝ અફસરને ચિદમ્બરમ્ે ભેરવી દીધા. કર્નલ પુરોહિતને જવાબદારી સોંપવામાં આવી હતી કે ઈસ્લામિક ટેરરિસ્ટો વિશે માહિતી મેળવીને એક ડોઝિયર તૈયાર કરો. પણ એમના પર જુઠ્ઠા આક્ષેપો મૂકીને એમને કમકમા આવે એ રીતે ટૉર્ચર કરવામાં આવ્યા (સ્વામી અસીમાનંદને પણ આ જ કેસમાં ફસાવવામાં આવ્યા હતા અને વલસાડના ભરત રતેશ્ર્વરને પણ સંડોવવામાં આવ્યા હતા જે સૌને લગભગ દાયકાની યાતનાઓ ભોગવ્યા પછી અદાલતે નિર્દોષ જાહેર કર્યા છે). કર્નલ પુરોહિતે નવ વર્ષ જેલમાં રહેવું પડ્યું. શું કામ? પેલા લોકો પુરવાર કરવા માગતા હતા કે હિન્દુ આતંકવાદનું અસ્તિત્વ છે. જોકે, હવે હું (સ્વામી) ચિદમ્બરમ્ને બતાવી આપવાનો છું કે રિયલ હિન્દુ ટેરર કેવો હોય! (અડધી મિનિટ સુધી તાળીઓનો પ્રચંડ ગડગડાટ). અફકોર્સ, હું કંઈ કોઈ ક્રૂર માણસ નથી (એટલે જેલમાં એમને એકલું ન લાગે તે માટે એમના પર દયા ખાઈને) એમની પત્નીને, એમના પુત્રને અને એમની પુત્રવધૂને પણ એમની સાથે જેલમાં મોકલીશ! કૉન્ગ્રેસના એટલા બધા લોકોને હું જેલમાં મોકલી આપવાનો છું કે કૉન્ગ્રેસ વર્કિંગ કમિટીની નેક્સ્ટ મીટિંગ તેઓ તિહાર જેલમાં ગોઠવી શકશે.
વધુ કાલે.
આજનો વિચાર
નાની નાની વાતોમાંથી ખુશી શોધી લેવાની. ટ્રેનના સેક્ધડ ક્લાસમાં ટ્રાવેલ કરતી વખતે ફોનને ફલાઈટ મોડ પર મૂકી દેવાનો.
– વૉટ્સઅપ પર વાંચેલું.
એક મિનિટ!
બકો: અરે પપ્પુ તે આટલા ઝીણા વાળ કેમ કરાવ્યા?
પપ્પુ: શું કરું? વાળંદને 50 રૂપિયા આપવાના હતા. મારી પાસે 100ની નોટ હતી. એની પાસે છુટ્ટા નહોતા. તો મેં કહ્યું કે બાકીના 50ના વાળ પણ કાપી નાખો, બીજું શું!
(મુંબઈ સમાચાર, 25 જુલાઈ 2018)
સ્વામીજીને વિનંતી કરવાની કે, બોલ્યા વગર સહુને તિહાર જેલ મોકલી આપો..!