આજે નીડર પત્રકાર કરસનદાસ મૂળજીની ૧૮૬મી જન્મજયંતિ

આજે નીડર પત્રકારત્વના સ્તંભ એવા કરસનદાસ મૂળજી નો જન્મ દિવસ છે. ૨૫ જુલાઈ ૧૮૩૨ના રોજ એ જન્મ્યા. ૨૮ વર્ષની ઉંમરે એમના પર રૂપિયા ૫૦,૦૦૦ (આજના લગભગ પાંચ કરોડ રૂપિયા)નો બદનક્ષીનો દાવો મુંબઈની તે વખતની સુપ્રીમ કોર્ટમાં થયો. કરસનદાસ મૂળજીએ સુરતના ધર્માચાર્ય જદુનાથ મહારાજનાં કુકર્મોને પોતાના સાપ્તાહિક ‘સત્યપ્રકાશ’માં ઉઘાડા પાડ્યા હતાં.

‘મહારાજ’ નવલકથા કરસનદાસ મૂળજી અને જદુનાથ મહારાજ નામના વચ્ચેના જંગની કથા છે. ૧૮૬૨માં મુંબઈની સુપ્રીમ કોર્ટમાં લડાયેલા ઐતિહાસિક `મહારાજ લાયબલ કેસ’ની આસપાસ ગૂંથાયેલી આ નૉવેલ વાચકોને પહેલાથી છેલ્લા પ્રકરણ સુધી એક થ્રિલરની જેમ જકડી રાખે છે. “મહારાજ’ નવલકથામાં ૧૮૬૦ના મુંબઈમાં રહેતા ગુજરાતીઓ, પારસીઓ અને યુરોપિયનોની વાત છે; હૉલિવુડની ટોચની કોર્ટરૂમ ડ્રામાની ફિલ્મો જેવી નાટયાત્મકતા છે; મની, ધર્મ અને સેક્સના અપવિત્ર ત્રિવેણી સંગમથી રચાતા કિસ્સાઓ છે. `Truth Is Stranger Than Fiction’ એ કહેવત કેવી રીતે પડી હશે? સત્યધટના પર આધારિત `મહારાજ’ નવલકથા વાંચશો એટલે એ રહસ્યની ખબર પડી જશે. સૌરભ શાહની આ નવલકથા ભારતીય સાહિત્ય જગતની એક લૅન્ડમાર્ક કૃતિ છે.
આ નવલકથાને દસ દિવસ પહેલાં સુરતમાં યોજાયેલા એક સમારંભમાં નર્મદ સાહિત્ય સભા દ્વારા ‘નંદશંકર ચંદ્રક’ થી નવાજવામાં આવી. અગાઉ ગુજરાત સાહિત્ય અકાદમીએ ‘મહારાજ’ને શ્રેષ્ઠ નવલકથાનું બહુમાન આપ્યું છે.

કરસનદાસ મૂળજીને આજે એમની જન્મજયંતિ નિમિત્તે યાદ કરીને ‘મહારાજ’ નવલકથાનું એક રોમાંચક પ્રકરણ વાંચીએ:

‘મી લોર્ડ, આ સુપ્રીમ કોર્ટમાં લાયબલનો મુકદ્દમો નોંધાયેલો છે અને તેની તપાસ થવાની હજુ બાકી છે. એ મુકદ્દમામાં મહારાજ જદુનાથ વિરુદ્ધ કોઈ સાહેદી ન આપે, વિટનેસ કે સાક્ષી તરીકે ન આવે એવું કાવતરું ઘડાયું હોવાનો આરોપ મારા અસીલ તથા અગાઉના ‘સત્યપ્રકાશ’ના અધિપતિ કરસનદાસ મૂળજીએ કર્યો છે’

મહારાજ – સૌરભ શાહ

પ્રકરણ-૩૯

બૃહસ્પતિવાર, તારીખ બારમી ડિસેમ્બર ૧૮૬૧. મુંબાઈની સુપ્રીમ કોર્ટની ૪થી ક્રાઉન સાઈડ, અપરાધીઓની સેશન અદાલતમાં બરાબર અગિયારના ટકોરે નામદાર ન્યાયમૂર્તિ સર જોસેફ આર્નોલ્ડે ધીમા અને મક્કમ પગલે પ્રવેશીને ઊંચા ન્યાયાસન પર સ્થાન ગ્રહણ કર્યંુ. કોરા કાગળની થપ્પીમાંથી બે કાગળિયાં પોતાની નજીક લઈ શાહીના ખડિયામાં કલમ બોળી કશીક નોંધ ટપકાવી. ભાટિયા કોન્સપાયરસી કેસનો આજે પહેલો દિવસ હતો. આ કેસનો ચુકાદો આવ્યા પછી જ મહારાજ લાયબલ કેસનો આરંભ થવાનો હતો. મહારાજ લાયબલ કેસનો આરોપી કરસનદાસ મૂળજી ભાટિયા કોન્સપાયરસી કેસનો ફરિયાદી હતો. ન્યાયમૂર્તિ જોસેફ આર્નોલ્ડે ફરિયાદીના બે વકીલ મિસ્ટર ઑનેસ્ટી અને મિસ્ટર ડનબારની દિશામાં જોઈને માથું હલાવી કેસની રજૂઆત કરવાની અનુમતી આપી.

પ્રેક્ષકોની પ્રથમ હરોળમાં કરસનદાસ ગંભીર વદને બેઠો હતો. એની બાજુમાં નાનાભાઈ રાણીના અને બીજી બાજુએ સોરાબજી બંગાળી બેઠા હતા. આખોય ખંડ કરસનદાસ તરફી વૈષ્ણવોથી અને જદુનાથ તરફી ભાટિયાઓથી ખીચોખીચ ભરાયેલો હતો. વકીલ મિસ્ટર ઑનેસ્ટી ખુરશી પાછળ ધકેલીને ઊભા થયા. આખી અદાલતે કરસનદાસ મૂળજી વતી લડી રહેલા આ વિખ્યાત અંગ્રેજ ધારાશાસ્ત્રીના પ્રભાવશાળી વ્યક્તિત્વની નોંધ લીધી. છ ફીટ કરતાં એકાદ ઇંચ વધુ ઊંચાઈ, તીક્ષ્ણ નાક અને સુરેખ મુખરેખા ધરાવતો ગૌર ચહેરો જે હિન્દુસ્તાનની ગરમીમાં રહીને સહેજ લાલાશ પડતો તામ્રવર્ણ થઈ ગયો હતો, ચાળીસેક વર્ષની ઉંમર માથા પરના કાળા-સફેદ વાળને કારણે પિસ્તાળીસથી વધુ લાગી રહી હતી. ઑનેસ્ટીએ ખભા ઉલાળી કાળો ગાઉન ઠીક કરીને ટેબલ પરનાં સોનેરી ફ્રેમનાં ચશ્માં ચડાવી ન્યાયમૂર્તિ સમક્ષ સહેજ ઝૂકીને પોતાના ઊંડા ખરજ સ્વરમાં કહ્યું,

‘મી લોર્ડ, આ સુપ્રીમ કોર્ટમાં લાયબલનો મુકદ્દમો નોંધાયેલો છે અને તેની તપાસ થવાની હજુ બાકી છે. એ મુકદ્દમામાં મહારાજ જદુનાથ વિરુદ્ધ કોઈ સાહેદી ન આપે, વિટનેસ કે સાક્ષી તરીકે ન આવે એવું કાવતરું ઘડાયું હોવાનો આરોપ મારા અસીલ તથા અગાઉના ‘સત્યપ્રકાશ’ના અધિપતિ કરસનદાસ મૂળજીએ કર્યો છે. અદાલતને મેં આપેલા ઈન્ડાઈટ્મેન્ટમાંના પાંચ મુદ્દામાં એ આરોપ વિશે સવિસ્તર સમજ આપવામાં આવી છે…’

મિસ્ટર ઓનેસ્ટીની વાગ્ધારા અખંડ વહેતી હતી. એમના બ્રિટિશ ઇંગ્લિશ ઉચ્ચારો મોટાભાગના ભાટિયાઓના કાન પાસે આવીને અટકી જતા હતા. કરસનદાસ અને એના બેઉ પારસી મિત્રો ઑનેસ્ટીના સંભાષણનો એકે એક શબ્દ મગજમાં ઉતારી એની સાથે સહમત થતા હોય એમ ક્યારેક ક્યારેક માથું સહેજ ઝુકાવી લેતા હતા.

ઑનેસ્ટી બોલતા જતા હતા, ‘અત્યારના આ મુકદ્દમાનો ફરિયાદી કરસનદાસ મૂળજી સુધારાની ટોળીમાંનો ગણાવાય છે. એણે પોતાના પત્રમાં સુધારાના વિચારો અનેક વખત જાહેર કર્યા છે. હિંદુ ધર્મની સારી વાતો પુરાતન વખતની છે અને હાલના જમાનામાં પાખંડીઓએ નવાં પાખંડ ઊભાં કરીને ખરાબી કરી નાખી છે એવું મારા અસીલનું માનવું છે. આ પાખંડીઓ ધર્મને નામે કેટલાંક એવાં કામ કરે છે કે તે અસલ ધર્મથી ઊલટાં અને અનીતિ ભરેલાં છે અને એવાં કામને જાહેરમાં લાવવાની મારા અસીલે પોતાની ફરજ જાણી છે. લાયબલની જે ફરિયાદ મારા અસીલની ઉપર માંડવામાં આવી છે તે વિશે હાલ હું એટલું જણાવવા માગું છું કે તેણે જે કંઈ બીના મહારાજ વિશે લખી છે તે બોલેબોલ સાબિત કરવાને એણે માથે લીધું છે. આ સાબિત કરવાના કામમાં કેટલાક ભાટિયાઓની સાહેદી એના માટે ઘણી જ અગત્યની છે. પણ આ વાત જ્યારે બહાર પડી કે મારા અસીલે મહારાજ વિશે જે કંઈ લખ્યું છે તે બોલેબોલ સાબિત કરવાને એ તૈયાર થયો છે ત્યારે તે પુરાવાઓ ન આપી શકે એવી મતલબથી આ લોકોએ સખત ઉપાય કીધા અને તે માટે મારા અસીલને કોર્ટનો આશરો લેવાની ફરજ થઈ પડી છે. કોન્સપાયરસીની શરૂઆત કેવી રીતે થઈ, કરસનદાસે જોઈતી સાક્ષીઓ ન મળે તે માટેનું આખું કાવતરું કેવી રીતે ઘડાયું, તે બાબત કેવી કેવી ગોઠવણો થઈ અને તેને લગતી કેટલી સભા ભરવામાં આવી એ સઘળી વાત આ કેસ માટે આગળ આવેલા સાક્ષીઓ દ્વારા રજૂ થશે.’

મિસ્ટર ઓનેસ્ટીએ લગભગ સાઠ મિનિટ સુધી અટક્યા વિના કેસની પૂર્વભૂમિકા રજૂ કરી. રજૂઆત પૂરી કરીને તેઓ કોર્ટની પરવાનગી લઈ બેસી ગયા. ન્યાયમૂર્તિએ કરસનદાસ મૂળજીને પોતાનું બયાન નોંધાવવાની અનુમતી આપી. કરસનદાસ ઊભો થઈને સાક્ષીના પાંજરા તરફ જતો હતો ત્યારે સૌની ડોક એના તરફ ખેંચાઈ. ઓગણત્રીસ વર્ષના કરસનદાસનો તરવરાટ એની ચાલમાં છતો થતો હતો. એના પહોળા ખભા અને ટટ્ટાર દેહમાંથી એની મક્કમતા ટપકતી હતી. સખત રીતે ભીડાયેલા એના હોઠમાં પોતે જે કંઈ કરી રહ્યો છે એ માટેનો આત્મવિશ્ર્વાસ પ્રગટતો હતો. બેઉ ભ્રમર સહેજ ઊંચી કરીને એણે અદાલતના ખંડ પર અછડતી નજર કરી ન્યાયમૂર્તિ સર જોસેફ આર્નોલ્ડ તરફ જોઈને બોલવાનું શરૂ કર્યંુ,

‘મારું નામ કરસનદાસ મૂળજી. હું ‘રાસ્ત ગોફ્તાર તથા સત્યપ્રકાશ’નો અધિપતિ છું. હું વલ્લભાચાર્યના પંથમાંનો છું. અમે વૈષ્ણવો કહેવાઈએ. મહારાજો આ પંથના ગુરુ છે. હિન્દુસ્તાનમાં આશરે સાઠથી સિત્તેર મહારાજ છે. આ કોર્ટ મધ્યે જદુનાથજી મહારાજે માંડેલી લાયબલની ફરિયાદમાં હું એક પ્રતિવાદી છું, ડિફેન્ડન્ડટ છું. અગાઉના ‘સત્યપ્રકાશ’માં એક બીના લખાઈ છે તેને વાસ્તે ફરિયાદ માંડવામાં આવી છે. ‘સત્યપ્રકાશ’ ૧૮૬૧ની શરૂઆતથી ‘રાસ્ત ગોફ્તાર’ સાથે જોડાયું છે અને તે હવે ‘રાસ્ત ગોફ્તાર તથા સત્યપ્રકાશ’ના નામે ઓળખાય છે. જે બીના મેં ‘સત્યપ્રકાશ’ મધ્યે લખી તે સાબિત કરી આપવાની પ્લી મેં કોર્ટ મધ્યે રજૂ કીધી છે. એ લાયબલની બીના મધ્યે મેં મહારાજોના પંથ તથા તેમનાં આચરણો પર ટીકા કીધી છે. મારી લખેલી બીના સાબિત કરવાને વાસ્તે કેટલાક સાહેદીઓને રજૂ કરવાને હું તૈયાર છું. એ સાહેદીઓની જુબાની મોઢેથી અને દસ્તાવેજોથી રજૂ કરવામાં આવશે. તે મધ્યેનો એક દસ્તાવેજ ગોકુળનાથજી મહારાજની ટીકા વિશેનો છે. મેં કેટલાક ભાટિયાઓને સાહેદીના સમન્સ આપ્યા છે તથા કેટલાકને સાહેદી આપવાને બોલાવ્યા છે. તેઓનાં નામ જો હાલ જાહેર થાય તો મને લાયબલના મુકદ્દમામાં નુકસાન પહોંચે.’

કરસનદાસે ઘડીભર અટકીને પોતાના વકીલ મિસ્ટર ઑનેસ્ટી તરફ જોયું. ઑનેસ્ટીએ આંખના ઈશારે સમજાવ્યું કે કરસનદાસ ઠીક રીતે આગળ વધી રહ્યો છે. કરસનદાસે પોતાનું બયાન જારી રાખ્યું, ‘ભાટિયાઓનું મહાજન થોડા સમય પહેલાં મળ્યું હતું. ત્યાં જવાનો મને અખત્યાર નથી. કેટલાક ભાટિયાઓની મારફત મને ખબર પડી તે ઉપરથી આ કેસમાં જેમને મેં પ્રતિવાદી ઠેરવ્યા છે તે નવ બાંધવો પર ૯મી સપ્ટેમ્બરે મેં સમન્સ કાઢ્યા અને ૧૧મી સપ્ટેમ્બરે મિસ્ટર ક્રાફર્ડ આગળ એઓની હાજરીમાં મેં મુખજુબાની આપી. પોલીસ કોર્ટમાં તે વેળા આશરે બે હજારથી ત્રણ હજાર ભાટિયા હાજર હતા. જેવો હું પોલીસ કોર્ટમાંથી બહાર નીકળ્યો કે તરત મારા પર હુમલો થયો. કેટલાક ભાટિયા મારા પર તૂટી પડ્યા. હું કાંઈ બોલ્યો નહીં તથા પ્રતિવાદીઓ પણ કાંઈ નહીં બોલ્યા. પોલીસ કોર્ટમાં પાછા જઈને મેં મેજિસ્ટ્રેટસાહેબ પાસે આશરો માગ્યો હતો. આ નવમાંના કોઈ પણ પ્રતિવાદી ઉપર મેં હુમલો કર્યો નથી’ આટલું કહીને કરસનદાસે પોતાનું બયાન પૂરું કર્યંુ.

ન્યાયમૂર્તિએ બચાવ પક્ષના વકીલ મિસ્ટર બેલીને ફરિયાદીની ઊલટતપાસ લેવી હોય તો તેમ કરવાનું જણાવ્યું.

દુનિયામાં પોતાને કોઈની પડી નથી એવી બેફિકરાઈ જેમના ચહેરા પર તરવરતી હતી એવા ધારાશાસ્ત્રી મિસ્ટર બેલીએ પોતાના વિશાળ કપાળ પર ત્રણ આડી કરચલીઓ પાડી કરસનદાસની નજીક આવીને પૂછ્યું,

‘મિસ્ટર કરસનદાસ, કહેવાય કે તમે સોશ્યલ રિફોર્મર છો, સુધારાવાળા છો અને એક વૈષ્ણવ તરીકે મહારાજની સત્તા તમે છો. આમ છતાં મહારાજો વિશે તમે ગલીચ લખાણ શા માટે લખ્યું? બીજી વાત, તમારી પોતાની મૂડી હજાર રૂપિયાથી પણ ઓછી છે અને કોર્ટ કચેરીના હજારો રૂપિયાના ખર્ચા તમને પોસાય એમ નથી. તમને ગોકલદાસ તેજપાલ જેવા શેઠિયાઓ તરફથી આવા મુકદ્દમાઓ લડવા માટે રકમ આપીને ચડાવવામાં આવે છે એ વિશે તમે શું કહેવા માગો છો?’

બેબુનિયાદ આક્ષેપો સાંભળીને કરસનદાસ સમસમી ગયો. મિસ્ટર બેલીએ જોયું કે કરસનદાસના આત્મવિશ્ર્વાસને વિચલિત કરવાની પોતાની પ્રયુક્તિ પહેલા જ ધડાકે સફળ નીવડી હતી. કરસનદાસનાં નસકોરાં ફૂલ્યાં અને એણે ઊંડો શ્ર્વાસ લીધો. મિસ્ટર ઑનેસ્ટીએ હોઠ પર અડધું સ્મિત લાવીને પોતાના અસીલ કરસનદાસ સામે જોયું, જાણે કહેતા હોય: કરસનદાસ, મેં તમને આ બેલીની ક્રોસ એક્ઝામિનેશન કરવાની રીતથી પહેલેથી જ ચેતવીને તૈયાર કર્યા છે. હવે જ્યારે ખરેખર એનો સામનો કરવાનો વખત આવ્યો છે ત્યારે એના અણધાર્યા હુમલાઓથી પાણીમાં બેસી જવાને બદલે જે કંઈ સત્ય છે તે રજૂ કરતા રહો. આપણી પાસે આ કોન્સપાયરસીના કેસમાં અને એ પછીના લાયબલ કેસમાં મોટામાં મોટું શસ્ત્ર જે છે તે આ સત્ય જ છે.

કરસનદાસે મિસ્ટર ઑનેસ્ટી તરફથી મળેલો અબોલ સંદેશો સ્વીકારી લીધો હોય એમ મિસ્ટર બેલી તરફ એક તુચ્છ નજર ફેરવી ન્યાયમૂર્તિના આસન ભણી જોતાં કહ્યું,

‘જેઓ સુધારાવાળાઓ કહેવાય છે તેમાંનો હું એક જરૂર છું, પણ મહારાજની સત્તા તળે હું છું એમ હું સમજતો નથી. લાયબલની બીનાને હું ગલીચ ગણતો નથી. તે કોઈ પણ રીતે ગલીચ નથી. મહારાજો અમારા લોકોની વહુ-દીકરીઓને બગાડે છે, એ વાત દુનિયામાં જાહેર કરવી તેને હું ગલીચ સમજતો નથી. હું ધારું છું કે એવા લખાણથી અનીતિનો સુધારો થશે. આ કેસના પ્રતિવાદીઓ સુધારાની ટોળીના કહેવાતા નથી. આશરે છ વર્ષથી વર્તમાનપત્રો સાથે મારે સંબંધ છે. મેં અગાઉ ઘણી વેળાએ મહારાજની વિરુદ્ધ લખાણ છાપી પ્રગટ કીધું છે. મેં તેઓને કાંઈ ગાળો દીધી નથી. તેઓનાં આચરણ કેવાં છે તે હું આજ કેટલાંક વરસ થયાં જાહેર કરતો આવ્યો છું. મેં તેઓને અરજ કરીને ઘણી વેળાએ કહ્યું છે કે એવાં ખરાબ આચરણથી દૂર રહો. ૧૮૫૮માં ભાટિયાઓનું મહાજન આ લેખો વિશે વિચાર કરવાને મળ્યું હતું તે મને યાદ છે. તેઓએ લાયબલની ફરિયાદ માંડવાનો ઠરાવ કર્યો હતો કે નહીં તે વિશે હું જાણતો નથી. મુંબાઈમાં આશરે દસ હજાર ભાટિયાઓ છે. તેઓ સઘળા મહારાજને ધર્મગુરુ ગણે છે. હું મહારાજોને ધર્મગુરુ માનું છું પણ ઈશ્ર્વર ગણતો નથી. ભાટિયાઓ અને બીજા લોકો તો તેઓને ઈશ્ર્વરથી પણ મોટા ગણે છે. મારી પૂંજી હજાર રૂપિયાની અથવા તેથી ઓછી છે કે નહીં તે જણાવવાની હું ના પાડું છું. હાલ આ મુકદ્દમાનો સઘળો ખર્ચ હું આપું છું. મારા કુટુંબમાં આવા સુધારાવાદી વિચારો માટે લડનારો હું જ એકલો છું. મારા જેવા વિચારના પચાસથી વધારે વાણિયા સમાજમાં નહીં હોય. લાયબલની ફરિયાદમાં મેં આશરે ૫૦ શખસોને સાહેદીના સમન્સ આપ્યા છે. તેમાંના ચાર-પાંચ ભાટિયાઓએ મને જણાવ્યું છે કે તેઓને ધાસ્તી આપવામાં આવી છે. તે મધ્યેના બે જણાએ મેજિસ્ટ્રેટની હજૂર સાહેદી આપી. ત્રીજા ભાટિયા ખટાઉ મકનજીને બોલાવ્યા પણ તે હાજર થયા નહીં. મારો ખર્ચ ગોકળદાસ તેજપાલ આપતા નથી. ગોકળદાસે આ કામને સારુ કાંઈ રકમ બાજુએ કાઢી છે કે નહીં તે વિશે મને ખબર નથી. હું એક ભલા અને નીતિના કામને સારુ આ મુકદ્દમો ચલાવું છું. મને પૂરી આશા છે કે સુધારામાં માનતા

મારા મિત્રો આનો બોજો મારે માથે પડવા દેશે નહીં. અત્યાર સુધી મને બે નનામી ચિઠ્ઠીમાં રૂપિયા છસો મળ્યા છે.’

કરસનદાસનો જવાબ સાંભળી મિસ્ટર બેલીએ ફરી એને ભીંસમાં લેવાનો પ્રયત્ન કરતાં પૂછ્યું,

‘તમારી પૂંજી વિશે તમે કોર્ટને જણાવ્યું નહીં મિસ્ટર કરસનદાસ કે તમારી પાસે માંડ હજાર રૂપિયાથી વધુ મૂડી નથી અને એટલી રકમમાં તમે આ મુકદ્દમાનો ખર્ચ કાઢી શકો એમ નથી.’

કરસનદાસે દૃઢતાથી જવાબ આપતાં કહ્યું, ‘મારી પૂંજી હજાર રૂપિયાની કે તેથી ઓછી છે તે જણાવવાની હું ના પાડું છું તે એટલા માટે કે એ સવાલને આ મુકદ્દમા સાથે કાંઈ લાગતુંવળગતું નથી.’

ન્યાયમૂર્તિએ ઈશારાથી કરસનદાસના આ જવાબને સ્વીકારી લીધો હોવાનું મિસ્ટર બેલીને જણાવ્યું અને બેલીએ પોતાના તરફથી કરસનદાસની ઊલટતપાસ પૂરી થઈ હોવાનું કહી હતાશામાં મુઠ્ઠીઓ વાળી બેઉ હાથ ઝાટકી ખુરશી પકડી લીધી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here