તડકભડક: સૌરભ શાહ
(‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૦)
કશું પણ તોડી નાખવું આસાન છે, કશું પણ બનાવવું અઘરું છે. છ મહિના, બાર મહિના કે બે વર્ષની દિવસરાતની મહેનત પછી ઊભી થયેલી મલ્ટી સ્ટોરીડ ઈમારતને બે જ મિનિટમાં જમીનદોસ્ત કરી શકાય છે. ઓસામા બિન લાદેને તો ન્યુ યોર્કના ટ્વિન્સ ટાવરો સાથે એવું કર્યું જ હતું, હમણાં કોચીનમાં દરિયાનાં બૅકવૉટર્સને કાંઠે ઊભી થયેલી ગેરકાયદે બહુમજલી ઈમારતોને વૈજ્ઞાનિક રીતે દારૂગોળાથી ઊડાવી દેવામાં આવી.
એક પુસ્તક લખતાં છ-બાર મહિના કે પછી એટલાં વર્ષ લાગી શકે પણ એ પુસ્તકની હસ્તપ્રતને આગમાં નષ્ટ કરતાં છ મિનિટ પણ નહીં લાગે.
કોઈની રેપ્યુટેશન ઊભી કરવામાં જિંદગી આખી ખર્ચાઈ જાય પણ અફવા દ્વારા એને બે કોડીનો કરવાનું કામ ચપટીમાં થઈ જાય.
મહામહેનતે જે કંઈ તૈયાર થાય છે એની કદર કરતાં શીખવું જોઈએ – પછી ભલેને એ આપણા ટેસ્ટ મુજબનું, આપણી પસંદગી મુજબનું હોય કે ન હોય. વર્ષોની તપશ્ચર્યા પછી, દાયકાઓ સુધી ટાઢતડકોવરસાદ ખમીને ધરતીએ જતનપૂર્વક જે વિશાળ વૃક્ષ ઉગાડ્યું છે તેની તો પૂજા કરીએ જ છીએ, આપણા સંસ્કાર છે; પણ વર્ષો સુધી કોઈએ ખંતપૂર્વક નિરંતર અભ્યાસ કરીને જે જ્ઞાન-માહિતીનો સંચય ભેગો કર્યો હોય તેના અભિપ્રાય સાથે સહમત ન થતા હોય એવા લોકો ટ્વિટર પર ધડ દઇને લખી નાખે છે – આનાંમાં તો અક્કલ નથી. જૂનું એટલું બધું સોનું નથી હોતું પણ એની સાથે ઉતાવળિયા ઊભરાઓમાં અને ધીમે ધીમે મૅચ્યોર્ડ થયેલા કન્સિડર્ડ ઓપિનિયનમાં જમીન-આસમાનનો ફરક છે એ પણ સમજવું જોઈએ.
વાણી સ્વાતંત્ર કે અભિવ્યક્તિ સ્વાતંત્રનો લાભ લઈને તમે ભારતની પ્રાચીન સંસ્કૃતિને સમજ્યા વગર તોરમાં આવીને ઊતારી પાડો છો ત્યારે નુકસાન તમારું થાય છે, તમારી નાદાનિયત ખુલ્લી પડી જાય છે, તમારું ખોખલાપણું પ્રજા જોતી થઈ જાય છે.
સર્જન ચૂપચાપ થાય છે, ધીમી ગતિએ થાય છે. તોડફોડ બોલકી અને ઝડપી હોય છે. તોડફોડનાં કાર્યોને લોકો જલદીથી નોટિસ કરે છે. તોડફોડ કરનારાઓ જલદી લોકોની આંખે ચડી જાય છે એને કારણે એમને જલદી પબ્લિસિટી મળી જાય છે, પછી એ નેગૅટિવ પબ્લિસિટી કેમ ન હોય. તોડફોડ કરનારાઓને આવી (કુ)ખ્યાતિનો નશો થઈ જાય છે. પછી આ પ્રવૃત્તિ એમની કારકિર્દી બની જાય છે. એમનું જોઈને બીજાઓ પણ ભાંગફોડિયા પ્રવૃત્તિઓ તરફ દોરાય છે. પછી એક ટ્રેન્ડ બની જાય છે – ભાંગફોડ કરવાથી જ આદર પ્રાપ્ત થશે એવી ગેરમાન્યતા ફેલાય છે.
કશું પણ સર્જાય ત્યારે તે રાતોરાત નથી થતું. સર્જનની પ્રોસેસ ધીમી હોય છે અને આ પ્રોસેસને જોનારાઓ માટે કંટાળાજનક પણ હોય છે. ફિલ્મો જોવાનો શોખ રાખનારાઓ જો એક આખો દિવસ સ્ટુડિયોમાં રહેશે કે સાઉન્ડ-એડિટિંગની પ્રક્રિયાના સાક્ષી બનશે તો થોડા જ કલાકોમાં કંટાળી જશે.
સર્જનની પ્રક્રિયા કોઈ હોહા વિનાની હોય છે. લેખક માટે નવલકથાનું લેખન એકાન્તની પ્રક્રિયા છે. સરદાર પટેલની સ્ટેચ્યુ ઑફ યુનિટીની પ્રતિમાને વર્ષોની જહેમત બાદ આખરી સ્વરૂપ મળ્યું. સર્જન માટે સૌથી મોટો અભિશાપ એ છે કે આ પ્રક્રિયામાંથી શું નીપજશે એની જાણ ન હોવાથી લોકો કાં તો એને ઈગ્નોર કરશે, નિગ્લેક્ટ કરશે અથવા તો એના વિશે નકારાત્માતા ફેલાવશે અથવા પોતાને એ વિશે કંઈ સમજ ન હોવાથી પૂરતો સાથ નહીં આપે. સર્જન પૂરું થઈ ગયા પછી, એને આખરી ઓપ મળી ગયા પછી લોકો તાળીઓ પાડવા માટે દોડી આવશે, જે ટીકાકારો હતા તે પણ આવી જશે. પણ કશુંય બનતું હોય છે ત્યારે એ લાંબી પ્રક્રિયામાં અડગ રહીને સાથ આપીને તમારો આત્મવિશ્વાસ વધારનારાઓની સંખ્યા આ તાળી પાડનારાઓની સંખ્યા સામે દસમા ભાગની પણ નથી હોતી.
એક એક તણખલું ભેગું કરીને, એને ગોઠવીને ચકલી કે કબૂતર કેવી રીતે માળો બનાવે છે તે આપણે જોયું છે. એક એક વ્યક્તિનો સાથ લઈને વિશાળ સંગઠન કેવી રીતે બને છે તે પણ જોયું છે. ઈન્ડસ્ટ્રી, બિઝનેસ, કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ – આવી હજારો બાબતો એક એક ઇંટ ગોઠવીને સર્જાય છે. આ સૌને એપ્રિશ્યેટ કરતાં શીખવું જોઈએ. એમાં ખામીઓ શોધવાની, સતત ખોડ-ખાંપણ શોધવાની, એ વિશે ટિપ્પણીઓ કર્યા કરવાની આદતથી મુક્ત થવું જોઈએ.
તકલાદી માલના આ જમાનામાં ટકાઉપણાની કન્સેપ્ટ જાણે જૂનવાણી થઈ ગઈ છે. તમે એકનું એક ફર્નિચર કેમ વાપરો છો, અમે તો દર પાંચ વર્ષે આખું ઘર રિનોવેટ કરી નાખીએ – એવી શેખી મારનારાઓનું અનુકરણ નહીં કરીએ તો ન્યાત બહાર મૂકાઈ જઈશું એવો ભય સતાવે છે. દસ વર્ષ જૂનું જિન્સ હજુ પણ પહેરવું કે વીસ વરસથી એકની એક રિસ્ટવૉચ વાપરવી એ હવે ગૌરવની નિશાની નથી રહી. એક જમાનામાં કાર જેટલી જૂની એટલું તમારું સ્ટેટસ વધારે એવું વાતાવરણ હતું. આજે ત્રણ વર્ષ જૂની ગાડી થઈ ગઈ ને હજુય એ જ ખટારો વાપરો છો? એવી મેન્ટાલિટી થઈ ગઈ છે.
કન્ટેમ્પરરી ફૅશનને ફૉલો કરનારા કે નવી નવી ચીજવસ્તુઓ વસાવનારાઓની માનસિકતા કે એમના વિચારો મોડર્ન હોય એ જરૂરી નથી. જૂની ચીજવસ્તુઓ વાપર્યા કરનારાઓ કે નવી ફૅશનના ટ્રેન્ડમાં નહીં ઘસડાનારા લોકો જૂનવાણી હોય એ પણ જરૂરી નથી.
શાશ્વત મૂલ્યો ધરાવનારા વિચારોને વળગી રહેવું. જે કંઈ નવું નવું આવે છે તે બધું જ કંઈ ગળે વળગાડવા જેવું નથી હોતું. જમાના સાથે રહેવું હશે તો મારે આંખ મીંચીને તમામ ટ્રેન્ડ્સને ફૉલો કરવા પડશે એવું માનવાની જરૂર નથી. વિચારોમાંની તાજગી જળવાઈ રહે એ માટે સતત અપડેટ થતા રહીએ, રિફ્રેશનું બટન દબાવતા રહીએ એ અનિવાર્ય છે. દોઢસો વર્ષ પહેલાંના નર્મદ કે સો વર્ષ પહેલાંના ગાંધીજી એ જ રીતે સમકાલીન જગત સાથે તાલ મિલાવતા. પણ તેઓ આંધળું અનુકરણ નહોતા કરતા. આપણે માટે અને આ જગત માટે શું સારું છે અને શું બિનઉપયોગી છે એવો વિચાર કર્યા વિના નવું કશું અપનાવવું નહીં, જૂનું કશું પડતું મૂકવું નહીં.
પાન બનાર્સવાલા
‘હંમેશાં’ અને ‘ક્યારેય નહીં’ – આ બંને પર નિયંત્રણ રાખો.
–એમિ પોહલર ( અમેરિકન ટીવી સ્ટાર )
Well written excellent article showing and teaching matured and rational thinking pattern.
Thank you sooooo Kuch. Keep it up Sir !
???? ???
I prefer to read all your articles. They are always BALANCED.
Thanks.
A very matured message. Strikes a perfect balance between old and new. Wish that it gets into a sequel with more practical examples. Will be a must read and easy to follow for today’s youth…