મનને કાબૂમાં રાખવાની કોઈ જરૂર જ નથી

લાઉડમાઉથ : સૌરભ શાહ

(‘સંદેશ’, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૦)

કોઈ માને કે ન માને, છેવટે તો તમારું મન તમારા પોતાના કાબૂમાં છે. મન ચંચળ છે, અસ્થિર છે તો છે. એ જ એનો સ્વભાવ છે. દરેકને પોતાની આગવી વિશેષતા હોવાની. મૂર્તિ સ્થિર જ હોવાની. સૂર્ય ગતિમાન જ હોવાનો. જીવતો મનુષ્ય હલનચલન કરવા માટે સક્ષમ હોવાનો. મૃત શરીર સ્થિર જ રહેવાનું. લાકડાનું ટેબલ ક્યારેય હલવાનું નથી. સ્કૂટર-કાર-વિમાનને તમે ઈચ્છો ત્યારે ગતિમાન કરી શકો છો.

મનનો સ્વભાવ સ્થિર રહેવાનો નથી. મારું મન ચંચળ છે એવું માનીને જાતને ક્યારેય કોસવી નહીં. મન ભટકતું હોય તો એને ભટકવા દેવાનું – નક્કી તમારે કરવાનું કે એ જ્યાં જ્યાં ભટકવા માગે છે એ જગ્યાઓ પર તમારે જવું છે કે ત્યાંથી પાછા આવવું છે.

મન અમસ્તું ક્યાંય ભટકવા જતું નથી. તમારી અર્ધચેતન અવસ્થામાં તમારે જ્યાં જવુ હોય છે ત્યાં એ પહોંચી જાય છે. મનને ત્યાં ન જવા દેવું હોય તો તમારે પહેલાં તો નક્કી કરવું પડશે કે તો પછી તમારે મનને ક્યાં લઈ જવું છે. તમને ઑફિસમાં કામ કરતા ક્રિકેટ રમવાના વિચાર આવે છે. તમારું મન ક્રિકેટના મેદાનમાં તમને લઈ જવા માગે છે. આને કારણે તમારું ધ્યાન તમારા કામમાં પરોવાતું નથી. શું કરશો તમે?

ધ્યાનમાં બેસવાથી મન કાબૂમાં રહેશે? રહેતું હોય તો રાખી જુઓ. પણ મનને કાબૂમાં રાખવું છે એવું નક્કી કરીશું તો મન ક્યારેય કાબૂમાં રહેવાનું નથી. જે પ્રવૃત્તિ, જે કામ તમારે કરવાનું છે એ કામ કાં તો તમારે પરાણે કરવું પડે છે, કાં તો તમે સ્વૈચ્છિક રીતે કરો છો – તમને મઝા પડે એ માટે કરો છો. લખવું એ મારું મનગમતું કામ છે પણ પેનમાં શાહી પૂરવાની પ્રવૃત્તિ મને નથી ગમતી. શું કરીશું? થોડીક જ સમજણ કેળવવાની જરૂર છે. તમને હિલ સ્ટેશન પર કે દરિયા કિનારે જવાની ખૂબ મઝા આવે છે. વૅકેશનના દિવસો તમારા માટે બહુ મૂલ્યવાન છે – પણ તમારા ઘરેથી નીકળીને રેલવે સ્ટેશન કે ઍરપોર્ટ જતાં સુધીના રસ્તાનો ટ્રાફિક તમને અકળાવે છે. શું કરશો તમે?
કંટાળાની એ મિનિટો (કે ક્યારેક કલાકો) દરમ્યાન તમે ટ્રાફિકને કોસવાને બદલે આગામી વૅકેશનની કલ્પનામાં ખોવાઈ જશો. તમારો કંટાળો દૂર થઈ જશે કારણ કે તમારું ધ્યાન ટ્રાફિકની હોહાને બદલે આવી રહેલા આનંદના દિવસો તરફ દોરાઈ ગયું છે.

કોરા કાગળ પર ફાઉન્ટન પેનથી લખવાની મઝા, એક એક મરોડદાર અક્ષર પેનની નિબમાં પહોંચે છે તે પહેલાં મગજમાં એનું સર્જન થાય છે – આ પ્રક્રિયાનો લ્હાવો અમુલ્ય છે. પેનમાં શાહી ભરવાનું કામ કંટાળાજનક છે. વારંવાર હાથ ગંદા થાય, શાહી ઢોળાઈને ટેબલ પર પડે. લૂછવાનો કટકો ક્યાંક મૂકાઈ ગયો. પણ આ શાહી ભરવાની પ્રક્રિયા તમને કંટાળાજનક ને બદલે આનંદપ્રદ ત્યારે લાગે છે જ્યારે તમે કશુંક નવું લખવા માટે થનગનતો એ કોઈ નવો વિષય લઈને એના પર ચિંતન-મનન-મંથન કરતા કરતાં વાચકો સુધી પહોંચાડવાનો ઉત્સાહ શાહી ભરવાની કંટાળાજનક પ્રક્રિયાને સહ્ય જ નહીં, આનંદદાયી બનાવી દે.

મનને ખોરાક આપણે આપવો પડે. આપણે નક્કી કરવાનું છે કે આપણા મનને સાત્વિક ખોરાક આપવો છે કે પછી વાસી-ઉતરી ગયેલો. જો તમે મનની ભૂખ નહીં ભાંગો તો એ એની મેળે નીકળી જશે ખોરાકની શોધમાં અને પછી જે મળશે તે ખાવા માંડશે, ઉકરડો દેખાશે તો ઉકરડામાં મોઢું નાખશે.

મનને દબડાવવાની જરૂર નથી. મનને લાડ લડાવવાની જરૂર છે. ક્યારેક એ વણજોઈતા વિચારે ચડી જતું હોય તો જવા દઈએ પણ એના ગળામાં બાંધેલો પટ્ટો આપણે પકડી રાખીએ. જઈ જઈને એ ક્યાં જશે. મન સ્વૈરવિહાર કરતું હોય છે એ જ તો એની સર્જનાત્મકતાનો પાયો છે, એમાંથી જ તો નવી નવી શોધખોળો થાય છે, નવાં સર્જનો થાય છે, નવું સંગીત-સાહિત્ય રચાય છે, નવી વાનગીઓ શોધાય છે, દુનિયાને આગળ લઈ જતી અનેક બાબતો મનના સ્વૈરવિહારનું પરિણામ છે, મનના ભટકવાનું પરિણામ છે.

સ્થિર મન એક વહેમ છે. મન પર મારો કાબૂ છે એવું કહેવું એ એક ભ્રમણા છે. તમારે જે કંઈ કરવું છે આ જિંદગીમાં તે કરવા માટે મન જ ભટકી ભટકીને નવી દિશાઓ તમને શોધી આપે છે. ક્યારેક કંઈક એવું બન્યું જ્યારે મન તમને ન કરવાં જેવાં કામો માટે લલચાવે ત્યારે એના ગળામાં પહેરાવેલો પટ્ટો તમારા હાથમાં જ છે, સ્હેજ ખેંચીને એને ત્યાંથી પાછું વાળી લો. સિમ્પલ. તેજીને ટકોરો કાફી છે. મન તમારું છે. એ તમારી આજ્ઞા માનવાનું જ છે. પણ એ સતત તમારા નિયંત્રણમાં રહે એવી ભાવના રાખશો તો મન તમારા ગુલામ હોવાની લાગણીથી મુરઝાઈ જશે. મન તમારું ગુલામ નથી અને મન તમારા પર માલિકીભાવ પણ રાખતું નથી. મન તમારું જોડીદાર છે. તમારે જે કંઈ કરવું છે તે કરવાની પ્રેરણા એ જ તો આપે છે. અને જે ન કરવું હોય તે ન કરવાની સ્પષ્ટ સૂચના તમે મનને આપો છો ત્યારે એ કહ્યાગરા સાથીદારની જેમ તમારી આજ્ઞા પાળે છે. ક્યારેક પ્રયત્ન તો કરી જો જો!

સાયલન્સ પ્લીઝ

કોઈ પણ અઘરું કામ શરૂ કરતી વખતે આપણી માનસિકતા કેવી છે એના આધારે જ નક્કી થતું હોય છે કે એનું પરિણામ કેવું આવશે.
_વિલિયમ જેમ્સ (અમેરિકન ફિલોસોફર અને સાયકોલોજિસ્ટ. ૧૮૪૨ – ૧૯૧૦)

6 COMMENTS

  1. What an elaborate explanation, it stops one from feeling guilty that one cannot control one’s mind.

  2. મન તો એને ગમતી‌ પ્રવૃત્તિ શોધે છે. એને વશમાં રાખવાનો આગ્રહ છોડી એને ફાવે ત્યાં ભટકવા દો‌, બસ કાળજી એ રાખવાની‌ જરૂર છે કે મન જાય ત્યાં શરીર ન‌ જવા દેવું ‌, એમ કરવાથી ઘણાં દૂષણોથી બચાવ થશે એ નક્કી ‌‌‌છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here