શું માયનોરિટીઝ દેશનું અહિત કરે છે?

ન્યુઝવ્યુઝઃ સૌરભ શાહ

(newspremi.com, રવિવાર, ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૦)

ગોવાના એક ખિસ્તી યુવાન છે. એ કહેતા હતા કે મને ‘માયનોરિટી’ કહેવડાવવું પસંદ નથી. હું ‘લઘુમતી કોમ’નો છું એવું કહેવાય છે ત્યારે મને સાઈડલાઈન કરી નાખવામાં આવતો હોય તેવું મને લાગે છે. હું એક ઇન્ડિયન છું. મને ‘માયનોરિટી’નું લેબલ પસંદ નથી, ‘ઇન્ડિયન’ મારી અસલી પહેચાન છે.

એક આદરણીય નેતા પાસે સાંભળ્યું કે કેટલાક મુસલમાનો એમને એમ કહેતા હતા કે ભારત અમારી જન્મભૂમિ છે અને અમે અમે અમને લોકોને હિન્દુ-મુસલમાન તરીકે ઓળખાવવા માગીએ છીએ.

જે ખ્રિસ્તી મિશનરીઓનો હેતુ ભારતમાં કન્વર્ઝન કરીને હિન્દુઓની સંખ્યા ઓછી કરીને ખ્રિસ્તીઓની સંખ્યા વધારવાનો હોય એમની સામે આપણે જરૂર તાકાત દેખાડીએ. યાદ નથી આવતું પણ કદાચ સ્વામી વિવેકાનંદ કે પછી એવા જ કોઈક મહાપુરુષે કહ્યું હતું કે, ધર્માંતરણને કારણે એક હિન્દુ ઓછો થાય છે એવું નથી, ધર્માંતરણ કરીને એ એટલો કટ્ટર બની જાય છે કે હિન્દુઓનો એક દુશ્મન વધી જાય છે.

વાત સો ટકા સાચી છે. પણ જેઓ બે-ચાર-છ પેઢીએથી વટલાઈને ભારતની સંસ્કૃતિમાં ભળી ગયા છે એમની વાત જુદી છે. નવા નવા કન્વર્ટ થયેલાઓના સંસ્કારોમાં અને દાયકાઓ-સૈકાઓથી હિન્દુ ધર્મ છોડીને અન્ય રિલિજિયન અપનાવનારાઓને એક ત્રાજવે તોળવાની ભૂલ ન કરાય. પ્રજામાં ધિક્કાર ફેલાવતા, લોકોને કન્વર્ટ કરવાનો આશય રાખતા, આતંકવાદીઓને પનાહ આપનારા – એમને પ્રોત્સાહન આપનારા જે ખ્રિસ્તીઓ કે જે મુસલમાનો છે એમની સામે અને એમનું ઉપરાણું લેનારા મિડિયાની સામે લડવામાં આપણી બધી જ ઍનર્જી ચેનલાઈઝ કરીએ. પણ પાપડી ભેગી ઈયળ બફાઈ ન જાય એનું ધ્યાન રાખીએ. પેલા ગોવાનીઝ મિત્રને કે પોતાને હિન્દુ-મુસલમાન તરીકે ઓળખાવવા માગતા ઇસ્લામના બંદાઓને આપણી સાથે રાખીએ.

આ દેશમાંથી ‘માયનોરિટી’વાળી કન્સેપ્ટ જ આખી દૂર કરવાની જરૂર છે. પારસી, શીખ, જૈન, બૌધ્ધ પણ ટેક્‌નિકલી માયનોરિટીમાં ગણાય છે પણ ન તો ક્યારેય તેઓએ ગેરવાજબી માગણીઓ કરી છે, ન ક્યારેય આ દેશ વિરુધ્ધ કોઈ કાવતરાં કર્યાં છે. તેઓએ એટલે તેઓના નેતાઓએ, તેઓના વતી બીજા કોઈ લીડરોએ. આ તમામ પ્રજા પર્સન્ટેજવાઈઝ એક-બે ટકાની આસપાસ હોવા છતાં સલામતી અનુભવે છે. જ્યારે મુસ્લિમો બાર-પંદર ટકા હોવા છતાં અસલામતી અનુભવે છે. આ સ્ટેટમેન્ટ ફરીવાર વાંચોઃ ‘મુસ્લિમો બાર-પંદર ટકા હોવા છતાં અસલામતી અનુભવે છે.’ સાચી વાત છે આ? શું આ દેશમાં વસતા વીસેવીસ કરોડ મુસ્લિમો અસલામતી અનુભવે છે?

ના, સાહેબ. એવું બોલનારા તો રડ્યાખડ્યા લોકો છે. નસિરુદ્દીન શાહ દાખલા તરીકે. એક જમાનામાં આમિર ખાન પોતાની પત્નીના નામે આવું બોલતો. જાવેદમિયાં અને એમનો વંઠી ગયેલો પુત્ર ક્યારેક આવા બફાટ કરે છે.

શું આ લોકો વીસ કરોડ મુસ્લિમોના રિપ્રેઝેન્ટેટિવ છે? ના. ઈવન જે મુસ્લિમ વિધાનસભ્યો કે સંસદસભ્યો દેશના મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરે છે તે પણ અસલમાં ભારતના તમામ મુસ્લિમોનો અવાજ નથી. આ સમજવું અત્યંત જરૂરી છે. મુસ્લિમોને ‘માયનોરિટી’ના ખાનામાં મૂકાવીને એમનો લાભ લેવાની સાઝિશ નેહરુના જમાનામાં રચાઈ. એમને વિશેષ આર્થિક સહાય અપાતી થઈ જેમાંથી મોટાભાગની રકમ તો આ નેતાઓ જ હજમ કરી ગયા – મુસ્લિમ પ્રજા તો ત્યાંની ત્યાં જ રહી. ન એમના સુધી શિક્ષણ પહોંચવા દીધું, ન સ્વાસ્થ્યની સુવિધાઓ, ન સામાજિક પ્રગતિ થવા દીધી. ન એમને મેઈનસ્ટ્રીમમાં ભળવા દીધા, ન એમના ભવિષ્ય માટે ફિકર કરવામાં આવી. આમ છતાં આમ મુસ્લિમ તો સલામતી જ અનુભવી રહ્યો છે આ દેશમાં. એને ઉશ્કેરવાની લાખ કોશિશો છાશવારે થતી રહી છતાં એણે ક્યારેય ભારત છોડીને પાકિસ્તાન-બાંગ્લાદેશ તો શું સાઉદી અરેબિયા કે યુ.એ.ઈ. જેવા સમૃધ્ધ દેશોનું નાગરિકત્વ લેવાનું કે ત્યાં જઈને શરણ માગવાનું વિચાર્યું સુધ્ધાં નથી. આમ મુસ્લિમે આ દેશને પોતાનો દેશ માન્યો છે. ગોવાના યુવાનમિત્રની જેમ આમ મુસ્લિમ પણ પોતાને લાગેલું ‘માયનોરિટી’ વાળું લેબલ ફગાવીને માત્ર ‘ઇન્ડિયન’ તરીકે અને ક્યારેક તો હિન્દુ-મુસ્લિમ તરીકે ઓળખાવા આતુર છે.

કેટલાક સ્વાર્થી રાજકારણીઓ અને લેભાગુ મિડિયા દ્વારા આપણા મનમાં એવું વાતાવરણ પેદા કરવામાં આવ્યું છે અને હજુય એવી જ હવા ફેલાવાઈ રહી છે કેઃ આ માયનોરિટીઝ દેશનું અહિત કરે છે. હકીકત એ છે કે માયનોરિટીઝના નામે જેમણે ચરી ખાધું છે તે નેતાઓ તથા મિડિયા દેશનું અહિત કરે છે. આ વાત વારંવાર કહેવી પડે છે કારણ કે આ સમજવું અત્યંત જરૂરી છે જેથી આ દેશને થઈ રહેલું નુકસાન અટકાવી શકીએ અને દેશમાં જ રહેલા દેશના દુશ્મનો જેવા કેટલાક નેતા તથા કેટલાક મિડિયા હાઉસીસને થઈ રહેલા ફાયદા બંધ કરાવી શકીએ. છોકરીઓની છેડતીનો બનાવ બને તે નીંદનીય છે પણ આવું ઘૃણાસ્પદ કૃત્ય કરનારા છોકરાઓ ‘જય શ્રી રામ’ના નારાઓ બોલતા હતા એવું જુઠ્ઠું રિપોર્ટિંગ થાય તે વાત એથીય વધુ ધૃણાસ્પદ છે. મેઈન સ્ટ્રીમ મિડિયાની એક વુમન જર્નાલિસ્ટે રિપોર્ટિંગ કરતી વખતે ‘જય શ્રી રામ’વાળું જુઠ્ઠાણું ઉમેરી દીધું અને લેફ્‌ટિસ્ટોની ટોળકી તોફાન કરવા ઉમટી પડી. સીએએ અંગે ગેરસમજ ફેલાવવામાં મિડિયાનો મોટો ફાળો છે. મિડિયાએ તો સીએએ કે પછી ૩૭૦ વિશેની ગેરસમજો દૂર કરવાની ફરજ બજાવવાની હોય. એને બદલે મિડિયા પોતે જ મિસઈન્ફોર્મેશન ફેલાવે છે. વર્ષોથી આ ચાલતું આવે છે. બાબરી વખતે, ગોધરા વખતે મિડિયાએ પેટભરીને ગેરમાહિતીઓનો પ્રચાર-પ્રસાર કર્યો જેને આધારે આ દેશવિરોધી રાજકારણીઓએ પ્રજાને ઉશ્કેરી. પ્રજા તો ઉશ્કેરાવાની જ છે. ટોળું સર્જાય ત્યારે એને અક્કલ ન હોય. માત્ર ટોળાનો વાંક ન કઢાય. સૌથી પહેલો વાંક ગેરમાહિતી ફેલાવનારાનો અને આ ગેરમાહિતીને આધારે ઉશ્કેરનારાઓનો છે. પ્રથમ એમને શોધીને ચૂપ કરવા જોઈએ. પણ મિડિયા સામે તમે આ લોકશાહીમાં કડક પગલાં લઈ શકતા નથી. સદંતર જુઠ પર જુઠ પર જુઠ બોલ્યા કરતા મિડિયાની તમે બોલતી બંધ કરી શકતા નથી. અને ઉશ્કેરણી કરનારાઓ પાવરફુલ રાજકારણીઓ હોય છે એટલે તેઓ પણ છટકી જતા હોય છે. છેવટે જેમને ગેરમાર્ગે દોરીને ઉશ્કેરવામાં આવ્યા છે એવા દેખાવકારોમાંથી કેટલાકને પકડવામાં આવે છે. જેઓ આવા દેખાવોમાં નથી જોડાતા એમનો મત પણ આ દેખાવકારો જેવો જ છે એવું માની લેવાની ભૂલ આપણે કરીએ છીએ. તેઓ આ દેખાવકારો સાથે નથી અથવા તો કમ-સે-કમ આ મુદ્દે હજુ અસમંજસમાં છે એવું આપણે માની શકતા નથી.

મિડિયાની તોડમરોડને અસરકારક રીતે સંપૂર્ણપણે રોકી શકવાની નથી કારણ કે ચીન, સિંગાપોર કે યુ.એ.ઈ. જેવા કાયદાઓ આપણે લાવી શકવાના નથી. અમેરિકા-બ્રિટનની જેમ આપણે ત્યાં પણ હરામખોર મિડિયાને છૂટો દોર આપવો પડે છે એ કમનસીબી છે. મિડિયા જે મિસ-રિપોર્ટિંગ કરે છે તે વિશેની સ્પષ્ટતા એ માટેનું ક્‌લેરિફિકેશન આવતાં કલાકો, ક્યારેક દિવસો નીકળી જાય છે. મિડિયાનું જુઠ્ઠાણું પ્રસારિત થાય કે તાબડતોબ એ જ ઘડીએ, રિયલ ટાઈમમાં, સ્પષ્ટીકરણ થાય એવી સિસ્ટમ ઊભી કરવાની તાતી જરૂર છે. સોશ્યલ મિડિયામાં કેટલાક નિષ્ણાતો આ કામ કરી રહ્યા છે પણ હજુ આ કામ કારા સમંદરમાં ચમચી ખાંડ નાખવા જેટલું જ થયું છે.

મિડિયાની બદમાશીનો વિરોધ સભ્યતાપૂર્વક થવો જોઈએ, કોઈ આક્રોશ વિના એમને ખુલ્લા પાડવા જોઈએ. આપણામાંના કેટલાકમાં ગુસ્સાનું કલ્ચર ઘૂસી ગયું છે તેને તાત્કાલિક હટાવવું જોઈએ. ગાળાગાળ કરવાથી કંઈ નહીં નીપજે. પેલા લોકો ખોટા હશે અને તમારી વાત સો ટકા સાચી હશે તો પણ ગાળાગાળી અને ગુસ્સાભરી એટિટ્‌યુડથી આપણો કૉઝ નષ્ટ પામશે, આપણે આપણા ટેકેદારોમાં જ સહાનુભુતિ ગુમાવી દઈશું અને વિરોધીઓ બમણા જોરથી આપણા પર ચડી જશે. એ લોકો આપણને ઉશ્કેરવા ગાળાગાળી કરશે, ગુસ્સો કરશે અને સંદર્ભવિહિન-અતાર્કિક દલીલો પણ કરશે. આવું કરીને તેઓ આપણને કાદવમાં કુસ્તી લડવાનું આમંત્રણ આપતા હોય છે. એમના ટ્રેપમાં ફસાવાની કોઈ જરૂર નથી.

છાપાં વાંચતી, પુસ્તકો વાંચીને ઉછરેલી, એક પેઢી છે. એને એનેલોગ જનરેશન કહીશું. હવે ડિજિટલ જનરેશન આવી છે જે મોબાઈલ પરથી ન્યુઝ મેળવે છે, સોશ્યલ મિડિયા પર સક્રિય છે. આ એનેલોગ અને ડિજિટલ – બેઉ જનરેશન સુધી એક સાથે અસરકારક રીતે અસરકારક રીતે પહોંચવાનું કામ કપરું છે. કરવું પડશે. આપણી પાસે બધું જ છે. સંખ્યા છે, ઈરાદાઓ છે, સગવડ છે અને સંસાધનો પણ છે. દિશા નથી. એ નક્કી કરીને મંડી પડવાનુ છે.

ભારત વિવિધતામાં એકતાવાળો દેશ છે એવું કહેવાને બદલે કહેવાનું એ હોય કે ભારતમાં દરેક વિવિધતાનું આગવું મહત્વ છે. આ વિવિધતાઓ કંઈ એકબીજામાં ઓગળી નથી ગઈ. આપણે દરેક પ્રજાની આગવી ઓળખને સાચવવા દીધી છે અને તેની ઉજવણી કરી છે. સેલ્ફ પ્રોક્‌લેમ્ડ લિબરલો જાણે પોતે બહુ સહિષ્ણુ હોય એ રીતે કહેતા હોય છે કે અમે દરેક મંતવ્યને ટૉલરેટ કરતા હોઈએ છીએ. જ્યારે જ્યારે કોઈ કહે છે કે ‘આય એમ ટૉલરેટ યુ’ ત્યારે એમાંથી ઈનટૉલરન્સીની બૂ આવતી હોય છે. હું તમને સહન કરું છું એવું કહેનાર અંદરખાનેથી તમને સહન કરવા માગતો નથી, સહન કરવા જેટલી ઉદારતા પણ એનામાં નથી એટલે જ આ ભાષા એની જુબાન પર આવે છે.

સારું છે કે આવા વામપંથીઓની, સ્યુડો સેક્‌યુલરોની, લિબ્રાન્ડુઓની સંખ્યા ધીમે ધીમે ઘટતી જાય છે, સંકોરાતી જાય છે અને આપણા મતને સમર્થન આપનારાઓ આગળ આવતા જાય છે, અત્યાર સુધી એમનો સપોર્ટ અદૃશ્ય હતો તે હવે પ્રગટ થઈ રહ્યો છે, તેઓ બોલકા બનેને પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે – ટૂંકમાં આપણી સંખ્યા, આપણી તાકાત વધતી જાય છે. આ હકીકત છે. આપણે કરવાનું છે માત્ર એટલું જ કે એમની સ્ટ્રેટેજિ સમજીએ, એને ઉઘાડી પાડીએ અને એને વિફળ બનાવીએ. અને પછી આપણે જે કરવાનું છે તે કરતાં રહીએ.

આપણા વિચારોના પ્રચાર તથા પ્રસાર માટે, આપણા નરેટિવને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે અનેક દિશાઓમાં પ્રયત્નો થઈ રહ્યા છે. અધીરા બનીને કોઈને કોસવાની જરૂર નથી. રામમંદિર અને ૩૭૦ના મુદ્દાને લઈને આપણે જ કેટકેટલી વાર આપણા જ લોકોને ગાળો આપતા હતા. સમજવું જોઈએ કે દરેક વસ્તુનો સમય હોય છે. વટવૃક્ષ જોઈએ છે તો ધીરજ પણ જોઈશે. હમણાં જ વાવેલા કુમળા છોડને ખેંચીને લાંબું કરીને વૃક્ષ બનાવી શકવાના નથી. રામમંદિર અને ૩૭૦ના બેઉ મુદ્દાઓ કેવા સળગ્યા હતા. જો એને યોગ્ય રીતે ટેકલ કરવામાં ન આવ્યા હોત તો ઉકેલ આવ્યા પછી વધારે સળગ્યું હોત. એને બદલે તમે જોઈ શકો છો કે કેટલી સહેલાઈથી, શાન્તિથી સુલઝાઈ ગયા. હવે પછી આવનારા દિવસોમાં એના કરતાં મોટાં મોટાં કામ થવાના છે જેની હિન્ટ વડા પ્રધાને ‘ટાઈમ્સ નાઉ’ની સમિટમાં આપી દીધી છે. માટે હવે કોઈએ મોઢામાં ૧૩૫નો માવો દબાવીને યુનિફોર્મ સિવિલ કોડ તો હજુ આવ્યો નથી એવી દલીલો કરવી નહીં. આપણે આપણું કામ કરીએ. સાહેબને એમનું કામ કરવા દઈએ.

આજનો વિચાર

આપણે સમજવું જોઈએ કે નારાબાજી કરતી વખતે જે બોલાય છે તે નિરાકરણ નથી.
–ઍડવર્ડ આર. મરો

છોટી સી બાત

છોકરીઃ હું બાજુવાળા છોકરાને પ્રેમ કરું છું અને એની સાથે ભાગી જાઉં છું.
બાપઃ જાને… મારે પએસા ને ટાઈમ બેય બચે.
છોકરીઃ હું તો પત્ર વાંચું છું, મમ્મી ટેબલ પર મૂકીને ગઈ છે…
બાપ હૉસ્પીટલમાં છે.

6 COMMENTS

  1. tame to needar patrakar chho , tame naam sathe print and social media na naam lakho jevi rite film
    industries kherkhao na naam lakho ccho

  2. તમે કહો છો કે મુસલમાન કોમ નો નાનો વર્ગ અસહિષ્ણુ છે અથવા આ દેશ ના હિત ની વિરુદ્ધ કામ કરે છે. તો પ્રશ્ન એ છે કે તો એ સમુદાય ની silent majority કેમ ચૂપ છે, એમના માનો કોઈ ડાહ્યો અવાજ કેમ આ દેશદ્રોહી અને ગદ્દારો સામે બોલતો નથી, એનો અર્થ એ થયો કે તેઓ ની મૂક સંમતિ છે ??!! ખુલ્લેઆમ જાહેર સભા ઓ ના વીડિયો ફરે, અશાંતિ ફેલાવવા ના ભાષણો આપે, અને …. નીચે રેલો આવે ત્યારે કહે, હું તો આવું બોલ્યો જ નથી, કાયદો કેમ આવા દેશદ્રોહી ને ડરાવતો નથી ?

    ૨૦/૨૫ કરોડ નો સમુદાય માયનોરિટી કઈ રીતે ગણાય ? અને માયનોરીટી ને નામે કેટલી વખત એમની દાદાગીરી સહન કરવા ની ?? શાહીન બાગ ના તાયફાઓ ક્યાં સુધી સહન કરવા ના ?? સરકાર સુપ્રીમ કોર્ટ બધા મૂક પ્રેક્ષક બની તમાશો જોઈ રહ્યા છે, કે પછી મેજોરિટી ની સહન શક્તિ પૂરી થાય એની રાહ જોવે છે ??

    મેઈન સ્ટ્રીમ મીડિયા આને માટે જવાબદાર હોય તો, કાયદા હેઠળ એમની સામે શું કશા પણ પગલાં લેવાય છે ? મીડિયા ના કાળા કરતૂતો બહાર પાડવા સામાન્ય નાગરિક શું કરી શકે ??

  3. આપની વાત સાચી છે પરંતુ જે લઘુમતિ ના સમજદાર લોકો છે તેમણે પણ આગળ આવી ખોટા લોકો ને ઉઘાડા પાડવા પડશે, જેમ કે મુસ્લિમ વોરા સમાજમાં કેમ આતંકવાદી કે તેના મદદગાર નથી નિકળતા?
    બીજું સાઉદી અરેબિયા માત્ર મૂળ સાઉદી નિવાસી આરબો ને જ પોતાની નાગરિકતા આપે છે, બાકી કોઈ પણ લોકો ને સાઉદીની નાગરિકતા મળતી નથી (જન્મ કે ધર્મ થી તથા નાણાં રોકાણથી પણ નાગરિકતા આપતા નથી) તેમજ કોઈ ને પણ શરણ આપતા નથી તથા તેવા લોકોને પણ નાગરિક બનાવાતા નથી

  4. સમઝણ દાખવીને લખવો પડેલ તમારો લેખ 50% સાચો છે..;પણ વન-સાઇડેડ agenda સાથે કામ કરતી ઝનૂની પ્રજાને ઓછી આંકવી, કુહાડા પર પગ મારવા જેવું છે ! બર્મિંગહામ, બારસેલોના અને બેલ્જીયમના ધોળીયાઓની દશા બેઠા પછી, માંડ હવે તેમની આંખ ખુલી છે, મોડી, બહુ મોડી..!

  5. આ દેશ માં દરેક વ્યક્તિ નાગરિક જ છે અને તે તેની ફરઝ અને અધીકાર માટે કાંઈ પણ કરે કોઈ વાંધો નથી ત્યાં સુધી તમે નાગરિક જ છો
    પણ
    દરેક વાત ને તમે ધર્મ સાથે જોડો અને ફરજ ભૂલી હક ની માંગણી કરો તો તમે અલ્પ સંખ્યક જ છો અને અમે હિંદુ બહુ સંખ્યક જ છીએ અને કોઈપણ સમયે તે રહેવાનાં જ ચાહે અમારે ગમે તેટલું બલિદાન આપવું પડે કે ફરી થી મૂળ સંસ્કૃતિ નો આધાર લેવો પડે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here