તમને શું યાદ રહે છે, તમે શું ભૂલી જાઓ છો: સૌરભ શાહ

(લાઉડ માઉથ : સંદેશ‘, ‘અર્ધસાપ્તાહિકપૂર્તિ, બુધવાર, 19 જુલાઈ 2023)

અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડન હમણાં ઇંગ્લેન્ડના રાજા ચારલ્સને મળ્યા ત્યારે ગાર્ડ ઑફ ઑનર બનીને બાઈડન જે રીતે વારંવાર મૂંઝાઈ જતા હતા તે જોઈને ઘણાને લાગ્યું કે સાહેબ હવે સ્મૃતિભ્રંશના કોઈ રોગના શિકાર બની ગયા છે એ પાકું થઈ ગયું. ડિમેન્શ્યા કે અલ્ઝાઈમર્સ મોટી ઉંમરે થતા અનેક રોગમાંનો એક છે. ઉંમર વધતી જાય એની સાથે યાદદાસ્ત ઘટતી જાય એવું બધાની સાથે નથી બનતું. કેટલાય લોકોની 80 કે 90 કે 90 પ્લસની ઉંમરે પણ સ્મૃતિ ટકોરાબંધ હોય છે પણ કેટલાકને નથી હોતી.

તમને ક્યારેક તમારા ભૂતકાળની સ્મૃતિઓ સતાવતી હોય, અકળાવતી હોય ત્યારે વિચારવું જોઈએ કે, જ્યારે કશું પણ નહીં રહે ત્યારે કે પછી સિલેક્ટિવલી યાદ રહેશે ત્યારે તમારી શું હાલત હશે.

કેટલાક માટે સ્મૃતિ પીડદાયક હોય છે તો કેટલાક માટે જૂની સ્મૃતિઓ આનંદમાં તરબોળ થવા માટે હોય છે. હું માનું છું કે મનમાં જ યાદ સંઘરાઈ જાય છે તેને ફોટોગ્રાફ સાથે સરખાવી શકીએ. તમારા બાળપણ કે યુવાનીના દિવસોની સુખદ્ સ્મૃતિઓના ફોટોગ્રાફ તમારા મનમાં સંઘરાયેલા હોય છે પણ બે સુખદ્ સ્મૃતિ વચ્ચે, જેના ફોટા નથી પડ્યા એ ગાળામાં તમારી સાથે કોઈ કડવા-ખાટા- તૂરા પ્રસંગો બન્યા હોઈ શકે છે જે તમને યાદ પણ નથી. તમે તો જેની તસવીરો સંઘરાઈ ચૂકી છે તેના આધારે જ નક્કી કરતાં હો છો કે :આહા, શું દિવસો હતા એ!

આવું જ કોઈકના વિશેની દુઃખદ સ્મૃતિઓ વિશે. તમને આજે એ વ્યક્તિ સાથે ગાળેલા દિવસોની યાદ ભલે ભૂલી નાખવા જેવી લાગે પણ આ દુઃખદ સ્મૃતિઓના બે ફોટોગ્રાફ વચ્ચેના સમયગાળામાં તમે એમની સામે હસ્યા હશો, એકબીજાને વહાલ કર્યું હશે,અનેક રંગીન ક્ષણો માણી હશે પણ અત્યારે એ તસવીરો મગજમાંથી ભૂંસાઈ ગઈ છે એટલે જે ચિપકી ગઈ છે તે દુઃખદ સ્મૃતિઓના ફોટોગ્રાફ જોઈને જ તમે તમારા એ સમયગાળાનું મૂલ્યાંકન કરતાં હો છો.

એક બીજી પણ વાત અહીં ઉમેરવી જોઈએ. ઘણી વખત ભૂતકાળના કડવા બનાવોને આપણે સ્મૃતિરૂપે સંઘરીને મીઠા પણ બનાવી દેતા હોઈએ છીએ: એ વરસોમાં તો મહિનાના અંતે ઘરમાં એક પણ પૈસો ન હોય અને નવા મહિનાનો પગાર આવવાને પૂરા પાંચ દિવસ બાકી હોય- શું માજ આવતી હશે એ વખતે બે છેડા ભેગા કરવાની!

અને ક્યારેક મીઠી સ્મૃતિને કડવાશથી સંઘરી રાખીએ છીએ. બીજી બધી રીતે એ વ્યક્તિ સારી પણ એણે આવું નહોતું કરવું જોઈતું મારી સાથે.

સમજદાર આદમી એ છે કે જે પોતાની સ્મૃતિઓને પોતાના સમગ્ર જીવનનું સરવૈયું ના સમજી બેસે. આનું કારણ છે કોઈ પણ વ્યક્તિના સમગ્ર જીવનને ક્યારેય પૂર્ણપણે વ્યક્ત કરી શકાતું નથી. કોઈ પણ એટલે કોઈ પણ. ચાહે એ વ્યક્તિ જગમશહૂર હોય કે પછી દુનિયાના કરોડો લોકો જીવે છે એવી નોર્મલ એની જિંદગી હોય. ચાહે એ વ્યક્તિ પોતાની જિંદગીનું વર્ણન કરતી આત્મકથા લખે કે પછી એના જીવનના પ્રસંગો પરથી કોઈ અન્ય વ્યક્તિ એની બાયોગ્રાફી- જીવનકથા- લખે. ભગવાને બનાવેલા કોઈ પણ માણસના સમગ્ર જીવનને પૂરેપૂરું કોઈ જાણી શકતું નથી- વ્યક્તિ પોતે પણ નહીં, સિવાય કે એક અપવાદ- ભગવાન ખુદ.

સ્મૃતિઓ વરદાન છે અને શાપ પણ છે. વિસ્મૃતિ પણ ક્યારેક વરદાન હોય છે તો ક્યારેક શાપ. ધાર્યું યાદ રાખી શકાતું હોય તો સ્મૃતિ આશીર્વાદ છે, ધાર્યું ભૂલી શકાતું હોય તો વિસ્મૃતિ પણ આશીર્વાદ છે. એનાથી વિપરીત પણ એટલું જ સાચું છે. ધાર્યું યાદ ન રહે ત્યારે વિસ્મૃતિ શાપ છે, ધાર્યું ભૂલી ન શકીએ ત્યારે સ્મૃતિ પણ શાપ છે.

મારા એક સાહિત્યકાર મિત્ર છે જેમની સ્મરણશક્તિ લાજવાબ છે. અંગત મિત્ર છે- કૉલેજના જમાનાથી. બે-અઢી દાયકા પહેલાં કોઈ મુદ્દે અમારી વચ્ચે અબોલા થઈ ગયા. કેટલાંક વર્ષ કોરાં ગયાં પછી એક પ્રસંગે મળી ગયા અને પાછી એ જ જૂની દોસ્તી શરૂ થઈ ગઈ. એમણે પોતાનું તાજું જ પુસ્તક પ્રેમથી હસ્તાક્ષર કરીને મને ભેટ આપ્યું. મેં એ વખતે મારો નવો જ પ્રગટ થયેલો નિબંધસંગ્રહ તેમને ભેટ આપીને પુસ્તકના કોરા પાના પર એમનું નામ અને નીચે મારી સહી કરીને વચ્ચેની જગ્યામાં લખ્યું : ‘તને આશીર્વાદ છે સ્મૃતિના- યાદ રાખવા જેવું બધું જ યાદ રહે છે. મને વરદાન છે વિસ્મૃતિનું- ભૂલવા જેવું બધું જ ભૂલી જઉં છું.’

સ્મૃતિઓ મનમાંથી ઓસરતી જાય ત્યારે જીવવાનું આકરું બનતું જાય. જન્મતીં સાથે જ આપણા મનમાં સ્મૃતિનો સંગ્રહ થતો જાય છે. રાધર, જન્મના નવ મહિના પહેલાંથી જ, માતાના ગર્ભમાં હોઈએ ત્યારે જ આ સ્મૃતિઓ રચાતી જાય છે. આપણે તો પૂર્વ જન્મના સંસ્કારો પણ સ્મૃતિરૂપે મળે છે એવું હજારો વર્ષથી માનીએ છીએ. આધુનિક વિજ્ઞાને બે-એક સદી  પહેલાં પ્રથમ વાર ડી.એન.એ.ની વાત કરી.

આ સ્મૃતિ જ છે જેને કારણે આપણે સતત અહેસાસ કરતા રહીએ છીએ કે આપણે કોણ છીએ, આપણે શું કરી ચૂક્યા છીએ. આપણું અસ્તિત્વ આ સ્મૃતિઓના સંચયના પાયાઓ પર ઊભું છે.

અને એટલે જ જ્યારે આપણે ભૂલવાનું શરૂ કરીએ છીએ, અલ્ઝાઈમર્સ કે ડિમેન્શ્યાને કારણે, ત્યારે આપણા અસ્તિત્વનો અર્થ ભૂંસાતો જતો હોય એવું લાગતું હશે. કાકાસાહેબ કાલેલકરે ગયાના શ્રાદ્ધ વિશે વાત લખી ત્યારે એમણે કહ્યું હતું કે, ભૂતકાળમાં (કે સ્મૃતિમાં) છબછબિયાં કરવાનાં હોય, એમાં આખો વખત ડૂબકી મારીને પડ્યાપાથર્યા રહેવાનું ના હોય.

આ કે આની આસપાસના જ શબ્દો હતા કાકાસાહેબના ભૂલચૂક લેવીદેવી.

ભૂતકાળની કડવી સ્મૃતિઓને ભૂલી જવી હોય તો એનો એક જ ઉપાય છે- આજથી નવી સુખદ્ સ્મૃતિઓ જન્મે એવું જીવવાનું શરૂ કરીએ. આ નવી સુખદ્ સ્મૃતિઓના ભાર નીચે ભૂતકાળની દુઃખદ સ્મૃતિઓ જરૂર દબાઈ જશે. ભવિષ્યનું આખુંય જીવન હૂંફાળી, પ્રેમભરી, પ્રસન્ન સ્મૃતિઓથી છલકાવા માંડશે- જીવનના છેલ્લા શ્વાસ સુધી.

સાયલન્સ પ્લીઝ

કહેવાનું ઘણું હો

ને કશું યાદ ન આવે.

– ‘મરીઝ

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

3 COMMENTS

  1. સચીજ ઘણીવાર વિસ્તૃતિ વરદાન લાગતી હોય છે સારા પ્રસંગે સ્મૃતિ આનંદ આપે પણ ખોટા પ્રસંગને ભૂલી જઈએ તો ઘણી બધી નુકસાની માંથી બચી જઈએ ખુબ સરસ લેખ

  2. સ્મૃતિ વિસ્મૃતિ ઝકાસ વિષય.
    અમે ભણ્યા પછી ગણ્યા ભણ્યાનું યાદ જીવનયાત્રા માટે,ગણ્યાનું જીવન જીવવા માટે.. તમારી વાત સાચી જે યાદ કરવું હોય તે ન આવે. અને કચરો પ્રગટ્યા કરે. સ્મૃતિ ભ્રન્શ્ ભગવદ્દ ગીતાનો મન્ત્ર છે. તે મોટો દોષ છે. પણ ભગવાન કહે છે હું દુષ્ટ કામી,ક્રોધી લોભિયાઓની બુદ્ધિ ભ્રષ્ટ કરું છું. જેથી મતિ ભ્રષ્ટ તે સ્મૃતિભષ્ટ થાય છે, અને વિનાશ.
    પણ અહીં સાપેક્ષા વાત થઈ જીવનયાત્રા માં ખોટું બધું ભુલાય તો ઉત્તમ,
    કાકા કાલેલકરનું કહેવુ 200000. ઘણું સાચું તમે લખ્યું. વિવેક વગરની ભૂલથી થયેલી અને કોઈએ તેની જિંદગીને બચાવવા કરેલી બેવફાઈ યાદ કરે ત્યારે દુઃખ થયા કરે પણ. આપણે પણ ભૂલવું અવશ્ય જોઇએ તે અંતિમ વાત છે. તમને સલામ પ્રિય સૌરભભાઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here