માલગુડી સ્ટેશનના પ્લૅટફૉર્મ પર ખાધેલા બોન્ડાનો સ્વાદ

ગુડ મોર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : સોમવાર, 15 ઓક્ટોબર 2018)

રાજુની પકડ છોડાવીને ભોલાનો ભાઈ ગામમાં પાછો જવા દોડ્યો. એને લાગ્યું કે સ્વામી પાસે એકલા આવીને એણે મોટી ભૂલ કરી છે. એણે રાજુને વચન આપ્યું કે રાજુએ જે વાત કહી તે એ ગામમાં જઈને બધાને કહેશે. રાજુની વાત ભોલાના ભાઈને બરાબર યાદ હતી. ગામના લોકો આપસમાં ઝઘડો કરવાનું બંધ નહીં કરે તો સ્વામી જમવાનું છોડી દેશે.

ભોલાનો ભાઈ હાંફતો હાંફતો ગામમાં આવ્યો. ચોરા પર ગામના વડીલો ટોળે વળીને ઊભા હતા. સૌ કોઈને વરસાદ નથી આવતો એની ચિંતા હતી. ચર્ચા એની જ ચાલી રહી હતી. ભાઈને જોતાં જ ભોલાએ પૂછ્યું, ‘શું થયું?’ ભોલાનો ભાઈ બોલતા પહેલાં જરાવાર શ્ર્વાસ લેવા રોકાયો. પછી બોલ્યો: ‘સ્વામી, સ્વામી… એમને હવે ખાવાનું નથી, જોઈતું, હવે એ નહીં ખાય…’

‘કેમ? શું થયું?’

‘કારણ કે… વરસાદ નથી પડતો’ ભોલાના ભાઈએ ગભરામણમાં પોતાની જ ધોરાજી હાંકી. પછી અચાનક યાદ આવ્યું એટલે બોલ્યો, ‘ના, ના… ગામમાં લોકો ઝઘડે છે એટલે.’

ભોલો ચિડાયો, ‘કોણે તને સ્વામી પાસે જવાનું કહ્યું હતું? શું કામ તેં આપણા ઝઘડાની વાત સ્વામી સુધી પહોંચાડી?’

‘મેં નથી કહ્યું, મેં કશું નથી કહ્યું. પણ હું ત્યાં ગયો ત્યારે એમણે મને પૂછ્યું એટલે મેં કહ્યું…’

‘શું કહ્યું તેં એમને?’

ભોલાનો ભાઈ ચિંતામાં પડી ગયો. નક્કી હવે મોટોભાઈ ગુસ્સે થવાનો. ગામવાળાઓના દંગા-ફસાદ વિશે પોતે સ્વામીને ચાડી ખાધી છે એવી મોટાભાઈને ખબર પડશે તો નક્કી અહીં ને અહીં જ એ મને ધોઈ કાઢશે, ભોલાના ભાઈએ વિચાર્યું. એને અફસોસ થયો કે આ બબાલમાં પોતે ક્યાં ફસાયો. આખી વાતનું હવે પડીકું વાળીને જાન બચાવી લેવી જોઈએ. ત્યાં જ ભોલાએ એને ખભો પકડીને જોરથી હચમચાવ્યો, ‘બોલ, તેં શું કહ્યું એમને?’

‘મેં કહ્યું કે વરસાદ નથી આવતો’

‘લે, બહુ મોટો તું સ્વામીને કહેવા ગયો! એમને શું ખબર નથી કે વરસાદ નથી આવતો?’ લોકો હસી પડ્યા, ભોલાના ભાઈની મશ્કરી કરવા લાગ્યા. એેને લાગ્યું કે વાતાવરણ જરા પોતાને અનુકૂળ થયું છે, ભાઈનો ગુસ્સો ઓસરી ગયો છે. એ બોલ્યો, ‘બધું સમુંસૂતરું ન થાય ત્યાં સુધી એમને ખાવાનું નથી જોઈતું.’

‘શું કહ્યું? જરા ફરીથી બોલ તો?’

‘એમણે કહ્યું: જા, તારા ભાઈને જઈને કહેજે કે મારા માટે ખાવાનું ના મોકલે. હું નહીં ખાઉં. જો હું નહીં ખાઉં તો બધું થાળે પડી જશે અને પછી બધું સમુંસૂતરું થઈ જશે.’

સૌ કોઈ ચક્તિ થઈને એની સામે જોવા લાગ્યું. એ હરખાયો. ગામના વડીલો એને જિંદગીમાં પહેલીવાર માનની નજરે જોઈ રહ્યા હતા એવું એને લાગ્યું. ટોળામાંથી કોઈકે કહ્યું,

‘આ ગામ પર પ્રભુના આશીર્વાદ છે કે સ્વામીજી જેવા મહાનુભાવ આપણી વચ્ચે વસે છે. એ છે ત્યાં સુધી ગામ પર કોઈનોય કાળો પડછાયો પડવાનો નથી. એ તો મહાત્મા છે મહાત્મા. મહાત્મા ગાંધી જ્યારે જ્યારે ખાવાનું છોડી દેતા હતા ત્યારે આ દેશમાં કેવી મોટી ઘટનાઓ ઘટતી હતી. આ સ્વામીજી પણ એવા જ છે. એ જો ઉપવાસ કરશે તો વરસાદ જરૂર વરસવાનો. આપણા સૌના માટે એમને પ્રેમ છે એટલે તેઓ ઉપવાસ પર ઊતરી રહ્યા છે. મહાન માણસો જ બીજાઓ માટે આ રીતે પોતાનો ભોગ આપતા હોય છે.’

વાતાવરણમાં નવું જોશ પેદા થવા માંડ્યું. બધા ઝઘડો ભૂલીને વરસાદ માટે સ્વામી દ્વારા થનારા ઉપવાસની ચર્ચા કરવા લાગ્યા.

જોતજોતામાં આ વાત આસપાસનાં ગામોમાં, સમગ્ર પંથકમાં પ્રસરી ગઈ. સૌ કોઈએ નક્કી કર્યું: ચાલો, આપણે સૌ સાથે મળીને આપણા તારણહારનાં દર્શને જઈએ, સ્વામીના ચરણ સ્પર્શ કરીને એમના આશીર્વાદ મેળવીએ.

આ બાજુ રાજુ રાહ જોઈને બેઠો હતો કે ક્યારે ગામવાળાઓ આવે અને રોજની જેમ એમની સાથે પોતાના માટે ખાવાનું લાવે. જોકે, એની પાસે આગલા દિવસનાં વધેલાં ફળ અને બીજું થોડુંક ખાવાનું તો હતું જ. પણ એણે કોઈને કહી રાખેલું કે ઘઉંનો લોટ, ચોખાનો લોટ અને થોડા મસાલા લઈ આવજે જેથી કંઈક જુદું બનાવીને ખાઈ શકાય. રોજ એનું એ ખાઈને હવે કંટાળો આવતો હતો. રાજુને બોન્ડા (વડાં) ખાવાનું મન થતું હતું. વર્ષો થઈ ગયાં. માલગુડીના રેલવે સ્ટેશન પર એ હંમેશાં બોન્ડા ખાતો. એક નાનકડા સ્ટૉલ પર ગરમાગરમ બોન્ડા તળાતાં. લોટ, બટાટા, કાંદા, કોથમીર, લીલું મરચું, બીજા મસાલા – આહ, શું સ્વાદ હતો. ખબર નહીં કેવા તેલમાં તળાતાં પણ એ જે હોય તે, કેરોસીનમાં તળાતા હોય તોય ભલે, સ્વાદ ગજબનો હતો. એક દિવસ રાજુએ સ્ટૉલવાળાને પૂછ્યું પણ હતું. તું કેવી રીતે બોન્ડા બનાવે છે? પેલાએ વાનગી બનાવવાની રીત વિગતવાર સમજાવી હતી: પહેલાં તો આદુનો એક નાનકડો ટુકડો લેવાનો… બે દિવસ પહેલાં સાંજે ગામ લોકોને ગીતાનો શ્ર્લોક સંભળાવીને એમાં રહેલી જીવનની ફિલસૂફી સંભળાવી રહ્યો હતો ત્યારે રાજુને આ રેસિપી યાદ આવી હતી. ત્યારથી રાજુને બોન્ડા ખાવાની ભયંકર ઈચ્છા થઈ આવી હતી. અને હવે તો એની પાસે ચૂલો પણ હતો, તળવા માટે કઢાઈ હતી. ઉકળતા તેલમાં તળાતાં બોન્ડાનું સંગીત સાંભળવા એ ઉત્સુક હતો. એણે બાકીની જરૂરિયાતની સામગ્રી લાવવા માટે ભોલાના કાનમાં ફૂંક મારી દીધી હતી.

રાજુને દૂર દૂરથી આવતા અવાજો નજીક આવી રહેલા સંભળાયા. એને શાંતિ થઈ. છેવટે ગામ લોકો આ તરફ આવી રહ્યા છે. જરૂર બોન્ડા બનાવવાની સામગ્રી સાથે લાવ્યા હશે.

વધુ આવતી કાલે

આજનો વિચાર

સાવધાન! આજનું ‘સ્વીટુ’ અને ‘જાનુ’ આવતી કાલનું ‘મીટુ’માં પલટાઈ શકે છે!

– વૉટ્સએપ પર વાંચેલું.

એક મિનિટ!

બકાને સ્કૂલના ગણિતના શિક્ષક મળે તો પૂછવું છે:

જિંદગીનાં પાછલાં વર્ષો ચાલી રહ્યાં છે…

અને રિટાયર થવાની ઉંમર નજીક છે…

સાહેબ, હવે તો કહો કે… તમે જે એમને સોટી મારી મારીને સાઈન થિટા અને ક્રોસ થિટા ભણાવ્યું તે ક્યાં વાપરવાનું હતું?

1 COMMENT

  1. Although all articles are nice as usual, Continuity is broken many a times. Please write consistently as otherwise it’s difficult to keep track. In case of stories, Interuptions break link.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here