ચારે દિશાઓથી મારા પર હુમલો થઈ રહ્યો છે — હરદ્વારના યોગગ્રામમાં ૧૦મો દિવસ : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : ચૈત્ર સુદ નોમ, વિક્રમ સંવત ૨૦૭૮. રવિવાર, ૧૦ એપ્રિલ ૨૦૨૨)

આજે રામનવમી છે. સૌને પ્રણામ.

મને લાગે છે કે હું અત્યારે યોગગ્રામમાં આવ્યો એને બદલે દસ – બાર વર્ષ પહેલાં અહીં આવ્યો હોત તો સારું થાત. 8મી જૂન 2008ના રોજ સ્વામી રામદેવે હરદ્વાર શહેરથી વીસેક કિલોમીટરના અંતરે રાજાજી નૅશનલ પાર્કની પાડોશમાં યોગગ્રામની વિધિસર સ્થાપના કરી. યોગગ્રામમાં દસેક વર્ષ પછી (ટુ બી પ્રિસાઈસ 2017માં) નિરામયમ્ ઉમેરાયું. 2008 પછીનાં બે – ચાર વર્ષમાં જ હું અહીં આવી ગયો હોત તો અત્યારે મારી તબિયત જેટલી સારી છે તેના કરતાં વધારે સારી હોત (અને સ્વાસ્થ્યમાં જેટલી ખરાબીઓ છે તેનું પ્રમાણ ઘણું ઓછું, નહિવત્ હોત).

મારે હિસાબે 50 વર્ષની ઉંમરની આસપાસની કોઈ પણ વ્યક્તિએ, ચાહે એ પૂરેપૂરી હેલ્ધી હો – ચાહે એને નાની મોટી તકલીફો હો – યોગગ્રામમાં કમસેકમ અઠવાડિયા દસ દિવસ માટે આવીને રહેવું જોઈએ. જિંદગી અડધે પહોંચી હોય ત્યારે જ બાકીનાં પચાસ વર્ષ માટેની તૈયારી કરી લેવાની. પ્રથમ 50 વર્ષ દરમ્યાન જે કંઈ ખાધું – પીધું, જે કંઈ સારી – ખરાબ ટેવો જીવનશૈલીમાં પ્રવેશી તે બધાનું બેલેન્સ શીટ બનાવવા માટે આ અઠવાડિયા – દસ દિવસનું હેલ્થવેકેશન અમુલ્ય પુરવાર થશે.

જોકે, સારું થયું કે દસ – બાર વર્ષ મોડું તો મોડું પણ અહીં અવાયું ખરું. કોને ખબર કે હજુ જો બીજાં દસ – બાર વર્ષ મોડું કર્યું હોત તો અહીં વ્હીલચૅરમાં આવવું પડ્યું હોત!

મને તો ત્યાં સુધી વિચાર આવે છે કે દરેક હેલ્ધી – અનહેલ્ધી વ્યક્તિએ જીવનના દરેક દાયકે આવો અનુભવ લેવો જોઈએ જેથી જે કંઈ ફાઈનટ્યુનિંગની જરૂર હોય તે કરી શકાય અને ઘરે પાછા જઈને નવા રૂટિનને વળગી રહેવાની ટેવ પાડી શકાય. પહેલાં વીસ વર્ષની ઉંમરે, પછી ત્રીસ, પછી ચાળીસ, પછી પચાસ, સાઠ, સિત્તેર, એંશી કે નેવું વર્ષની ઉંમરે સાતથી દસ દિવસ માટેનું ઓવરહોલિંગ જરૂરી છે.

પણ આવી શિખામણ મારા જેવી કોઈ અજાણી વ્યક્તિ આપે એને બદલે તમારે જ તમારાં સંતાનોને આ બાબતમાં પ્રેરણા આપવી જોઈએ. સંતાનોના ગળે તમારી વાત ત્યારે જ ઉતરે જ્યારે તમે આવું આચરણ કરતા હો. જેમ તમે જુઠ્ઠું બોલતાં હો અને બાળકોને સત્યવાદી બનાવવાની પ્રેરણા આપતા હો તો બાળકો કંઈ તમારું માનવાના નથી. એમ તમે તમારાં સંતાનોને યોગ – પ્રાણાયામ – આયુર્વેદ – નેચરોપથી વિશે ગમે એટલાં લેકચર આપશો પણ તમે પોતે જ જો એલોપથીના રવાડે ચડી ગયેલા હશો તો બાળકો તમારું જ અનુકરણ કરશે.

ખાવાપીવાની ટેવોમાં ઘરનું વાતાવરણ ઘણો મોટો ભાગ ભજવે. ફાસ્ટ ફૂડ, જન્ક ફૂડ, ચૉકલેટ – આઈસ્ક્રીમ વગેરેની ટેવો માટે બાળકોના સ્કૂલના વાતાવરણ કરતાં એમનાં માબાપ વધારે જવાબદાર છે. બહુ કરડા થયા વિના નાનાં બાળકોને બે ટંક ઘરનું પૌષ્ટિક ભોજન અને બે ટંક ઘરના પૌષ્ટિક નાસ્તાની ટેવો પડી હશે તો જ એનું જન્ક ફૂડ – ફાસ્ટ ફૂડ તરફનું આકર્ષણ ઓછું રહેશે. પોતાનાં મિત્રો – ફ્રેન્ડ સર્કલને કારણે એ દેખાદેખીથી પિત્ઝા – કોકાકોલા વગેરેની ‘મઝા’ માણશે જ – તમે ના પાડશો તો ખાનગીમાં માણશે. પણ આવા ફૂડ પર જ એના શરીરનું બંધારણ ન થાય તે ત્યારે જ બને જ્યારે તમે એને ઘરમાં બનેલું તાજું સ્વાદિષ્ટ જમવાનું અને ઘરનો તાજો નાસ્તો પેટ ભરીને જમાડો. બાળક પર કોઈ જોર જુલમ કરવાની જરૂર નથી હોતી. એનું પેટ ભરેલું ને ભરેલું હશે તો એ જન્ક ફૂડના રવાડે નહીં ચડે. પણ પેરન્ટ્‌સ પોતે જ જો સ્વિગી – ઝોમેટોમાંથી મગાવેલું જન્ક ફૂડ નિશદિન આરોગતા હશે તો બાળક ક્યાંથી સ્વામી રામદેવની સલાહ કાને ધરશે?

સ્વિમિંગ, રનિંગ, કસરત, સ્પોર્ટ્‌સ, યોગ ઇત્યાદિ બાળકોના જીવનનો અભિન્ન અંગ બની જાય એવું ક્યા માબાપને ન ગમે. પણ આ બધું પ્રવેશે તે પહેલાં જો આહાર પ્રત્યે સભાનતા હોય તો આ બધાનો વધારે ફાયદો થાય.

યોગગ્રામમાં આવીને હું રોજેરોજ અનુભવી રહ્યો છું કે અહીં તમારા રોગ કે શરીરના વિકારો પર લિટરલી ચારે બાજુથી હુમલો કરવામાં આવે છે.

કઈ કઈ ચાર બાજુ?

સાંજે પાંચ વાગ્યે હમણાંની મને હર્બલ ટી ( વિધાઉટ હની)નું પ્રિસ્ક્રિપ્શન મળ્યું છે. હર્બલ ટી ભલે કહેવાય ટી પણ એ બનાવવામાં ચાની એકપણ પત્તી ન હોય. જડીબુટીઓમાંથી બને. બે ત્રણ ચમચી દૂધ નાખે. અહીં આવીને ચા – કૉફી તો સદંતર બંધ જ છે, દૂધ પણ બંધ છે.

સૌથી પહેલાં તો ખોરાક. ઘરે તમે જે કંઈ ખાતા હો તે બધું બંધ કરાવીને સવારના પાંચથી રાતના નવ સુધીની તમારી તમામ ખાણી (અને) પીણી કસ્ટામાઈઝ્‌ડ હોય છે. સવારે પાંચ વાગ્યે તમને એક કવાથ કે કાઢો મળે જેના માટે તમારે તમારું પ્રિસ્ક્રિપ્શન લઈને ડાયનિંગ હૉલમાં જવાનું. મને આજકાલ સવારે પાંચ વાગે તુલસી – હળદર – આદુનો ગરમાગરમ ક્‌વાથ મળે છે. પાંચ દિવસ પછી પ્રિસ્ક્રિપ્શન બદલાશે તો આ ક્‌વાથ પણ બદલાઈ જશે.

સાડા સાત વાગ્યે સ્વામી રામદેવજીની યોગાભ્યાસની અઢી કલાકની સેશન પૂરી થયા પછી ગાર્ડનમાં જ સર્વકલ્પ ક્‌વાથ મળે જેના અડધા કલાક પછી બ્રેકફાસ્ટ માટે ડાઈનિંગ હૉલમાં જવાનું. સવારનો આ નાસ્તો દરેકની પ્રકૃતિ – વિકૃતિ મુજબ ગોઠવેલો હોય અને એ પણ બદલાતો રહેવાનો. આજકાલ મારા બ્રેકફાસ્ટમાં લસણની બે કાચી કળી, ફણગાવેલી મેથી, બાફેલા ટામેટાં, પાંચ પલાળેલી બદામ અને થોડા અખરોટ તેમ જ મિક્‌સ્ડ વેજિટેબલ જયુસ હોય છે. ક્યારેક એમાં મિક્સ્ડ સ્પ્રાઉટ્‌સનું સલાડ ઉમેરાય તો ક્યારેક એમાં દાડમ, એપલ, પપૈયા, વૉટરમેલન, પેર(નાસપતિ), ઑરેન્જ જેવાં ફળમાંથી કોઈ એક ફળ મળે – રોજ નહીં.

એ પછી બપોરના ભોજનમાં પણ ડ્રાસ્ટિક ફેરફાર થઈ જાય. આજકાલ હું લંચમાં સૂપ (કોળાનો) અને એક ફ્રૂટ ખાઉં છું. જમ્યાની વીસ મિનિટ પછી મેથી – રાઈના ભૂકાનું ચૂર્ણ ફાકી જવાનું અને બપોરે બે વાગે ફરી એક ક્‌વાથ પીવાનો.

સાંજે પાંચ વાગ્યે હમણાંની મને હર્બલ ટી ( વિધાઉટ હની)નું પ્રિસ્ક્રિપ્શન મળ્યું છે. હર્બલ ટી ભલે કહેવાય ટી પણ એ બનાવવામાં ચાની એકપણ પત્તી ન હોય. જડીબુટીઓમાંથી બને. બે ત્રણ ચમચી દૂધ નાખે. અહીં આવીને ચા – કૉફી તો સદંતર બંધ જ છે, દૂધ પણ બંધ છે. મને નાનપણથી ચા – કૉફીની આદત નહોતી. આ ફિલ્ડમાં આવ્યા પછી હું ચા – કૉફી પીતો થયો પણ હજુય એની આદત નથી કે અમુક સમયે ચા જોઈએ એટલે જોઈએ જ. દૂધ પીઉં. ઘરે હોઉં તો સવારે અને રાત્રે બે વાર પીઉં. પણ ઘરની બહાર દૂધ પીવાનું ટાળું. ઘરે ગાયનું દૂધ આવે છે – પેશ્ચરાઈઝ્‌ડ કર્યા વિનાનું જે લાંબો સમય ઉકાળ્યા વગર પડ્યું રહે તો બગડી જાય એટલે કાચની બૉટલમાં આવે કે તરત જ ગરમ કરીને બે ઊભરા લાવી દેવા પડે, પછી ઠંડું કરીને ફ્રિજમાં મૂકો તો બીજા દિવસ સુધી વાંધો ન આવે. જોકે, દૂધની પણ ટેવ નથી. દૂધમાં હું એલચી નાખું, ખાંડ વગેરે નહીં. કોઈક જ વખત મૂડ આવ્યો હોય તો મસાલા મિલ્ક બનાવીને પીઉં અથવા હૉટ ચોકલેટ મિલ્ક બનાવું. અગેઈન એની આદત બિલકુલ નહીં. ન મળે તો સહેજ પણ અસુખ ન થાય.

અહીં આવીને ચા – કૉફી નથી મળતાં તો ઘણાને શરૂઆતમાં પ્રૉબ્લેમ થાય. સ્વામીજી એક વખત કહેતા હતા કે, ‘ક્યારેક કોઈ મને કહે કે બાબા, તમે આવડા મોટા માણસ છો તો પણ અમને એક કપ ચા સુદ્ધાં પીવડાવતા નથી!’

દૂધ નથી મળતું એનો પણ મને કોઈ પ્રૉબ્લેમ નથી. હા, ચાર દિવસ અગાઉ પહેલીવાર જરીક અમથા દૂધવાળી હર્બલ ટી મળી ત્યારે મન આનંદિત થઈ ગયું. હવે હું રોજ ઉઠીને સાંજના પાંચ વાગ્યે મળનારી હર્બલ ટીની આતુરતાપૂર્વક રાહ જોતો થઈ ગયો છું.

ગઈ કાલે એક કિસ્સો બન્યો. મેં હર્બલ ટીનો પહેલો ઘૂંટડો ભર્યો અને મને સ્વાદ જરા બદલાયેલો લાગ્યો. ગળ્યો લાગ્યો. પછી ખ્યાલ આવ્યો કે એમાં મધ નાખેલું છે જ્યારે મારા પ્રિસ્ક્રિપ્શન મુજબ મારે વિધાઉટ હની લેવાની છે. વેઈટરની સરતચૂક હતી. ગળ્યું ખાવાપીવાથી ટેવાઈ ગયેલી મારી જીભને આ ગળી ‘ચા’ ન ભાવી! અહીં આવીને મારો સ્વાદ જ સાવ બદલાઈ ગયો. આશા રાખું કે પચાસ દિવસ બાદ ઘરે જઉં એ પછી ગળપણ માટેનું આકર્ષણ ઓછું થઈ જાય અને નમક પણ મારા ખોરાકમાંથી એકદમ ઘટી જાય. (અહીં સફેદ નમક કોઈ ખોરાકમાં નથી હોતું. જરૂર હોય ત્યાં સિંધવ/સિંધાલુણ) વાપરે.

પાંચ વાગ્યાની ‘ટી પાર્ટી’ પછી રાત્રે સાડા સાત બાદ ડિનર. આજકાલ રાત્રિભોજનમાં મને એક જ ફ્રુટ મળે છે. બીજું કશું નહીં. ડિનરની વીસ મિનિટ પછી રાઈ – મેથીવાળી ફાકી અને સૂતાં પહેલાં એક ઔર ક્‌વાથ.

આ ઉપરાંત દિવસ દરમ્યાન જ્યારે જ્યારે પાણી પીવાની ઇચ્છા થાય ત્યારે ( કે દવાઓ – ગોળીઓ ગળવાની હોય ત્યારે) થર્મોસમાં અપાતું પાણી પીવાનું. મને અત્યારે કાયાકલ્પજળ આપે છે. અગાઉ ગિલોયનું પાણી મળતું આખા દિવસ દરમ્યાન આઠથી બાર ગ્લાસ આ પાણી જ પીવાનું. હું જોકે, વચ્ચે વચ્ચે પા – અડધો ગ્લાસ સાદું પાણી પી લેતો હોઉં છું. કમ સે કમ એટલી લક્‌ઝરી તો જોઈએ જ.

તો આ થઈ ચારે દિશાઓથી કરવામાં આવતા હુમલાની પહેલી દિશા—ખાણીપીણી.

બીજી દિશા થઈ યોગ અને પ્રાણાયામની. સવારે અઢી કલાક (પાંચથી સાડાસાત) અને સાંજે દોઢ કલાક (છથી સાડા સાત) એમ કુલ ચાર કલાકનો યોગાભ્યાસ કમ્પલસરી કરવાનો. ગેરહાજર રહો તો ફાઇન ભરવો પડશે અને વધારે અનિયમિત થશો તો તમારી અન્ય થેરપીઓ/ટ્રીટમેન્ટો બંધ થઈ જશે એવી સૂચના તમારા રૂમમાં ફ્રેમ કરીને મૂકેલી હોય છે. તમને તમામ આસનો શીખવાડી દેવામાં આવે અને એ પછી કહેવામાં આવે કે તમારા માટે જે જરૂરી છે એવા ચારથી છ આસનો પર કૉન્સન્ટ્રેટ કરો. પ્રાણાયામમાં અનુલોમ – વિલોમ, કપાલભાંતિ અને ભસ્રિકા પર સૌથી વધારે ભાર મૂકવામાં આવે. તો આ થઈ બીજી દિશા.

ત્રીજી દિશા તે વિવિધ ચિકિત્સાઓ – ટ્રીટમેન્ટ અથવા થેરપીઓ જેમાં, સવારના પહોરમાં ચક્ષુ પ્રક્ષાલન તથા જલનેતિથી શરૂ કરીને દિવસમાં બે સેશનમાં (સવારે અને બપોરે) થતી થેરપીઓ આવી જાય. આ બધી થેરપીઓ લેવા અહીંના થેરપી સેન્ટરમાં પહોંચી જવાનું – મડબાથ, ફૂલ બોડી મસાજ, કાફ (પીંડી) મસાજ, શંખ પ્રક્ષાલન, સ્ટીમ બાથ ઇત્યાદિ અનેક થેરપીઓ મેં વારાફરતી લીધી છે અને હજુ બીજી ઘણી બાકી છે જે આગામી દિવસોમાં લઈશ. ડૉક્ટરો નક્કી કરે કે ક્યારે, ક્યા દિવસે તમને કઈ ટ્રીટમેન્ટ આપવાની છે.

ચક્ષુ પ્રક્ષાલન માટેના આઈ કપ્સ તો અહીં આવ્યા એ જ દિવસે મને મળ્યા હતા. જલનેતિ માટેનું પાત્ર પણ સાથે આપ્યું હતું. મેં હવે શું કર્યું છે કે સવારે ઊઠીને ચાર વાગ્યે ટ્રીટમેન્ટ સેન્ટરમાં જઈને આ બે ક્રિયાઓ કરવાને બદલે મારા રૂમની પ્રાઈવસીમાં, મારા બાથરૂમના બેઝિનમાં જ હું આ બંને ક્રિયાઓ કરું છું. મેગાસ્ટોરમાંથી પતંજલિનું ત્રિફળા ચૂર્ણ તેમ જ સફેદ નમક ખરીદી લીધું છે. રાત્રે બે ચમચી ત્રિફળા એક ગ્લાસ પાણીમાં મિક્સ કરી દેવાનું. સવારે ખાદીના હાથરૂમાલથી બે વખત ગાળી લેવાનું. ચક્ષુ પ્રક્ષાલન માટેનું પાણી તૈયાર. એ જ રીતે જલનેતિ માટે, રૂમમાં જ પાણી ગરમ કરીને એમાં ચમચી નમક ઓગાળી લીધું એટલે જલનેતિ માટેનું જલ તૈયાર. ટ્રીટમેન્ટ સેન્ટર જવા – આવવાનો સમય બચી જાય અને આપણને આપણી પ્રાઈવસી પણ મળે.

સવારના વહેલા જાગી જવાની કોઈ જ તકલીફ નથી. સાડા ત્રણનું મારું એલાર્મ વાગે એની પાંચ – દસ મિનિટ પહેલાં જ આંખ ઊઘડી જાય છે. હા, રાત્રે આઠ – સાડા આઠ થાય એટલે લાગે કે હવે મગજની બત્તી ધીરે ધીરે ગુલ થઈ જશે અને નવ વાગ્યા પછી તો સાવ નિષ્ક્રિય થઈ જઈએ. ગઈ કાલે અપવાદરૂપે મુંબઈથી અંગત મિત્રનો ફોન આવ્યો તો પ્રેમથી ગપ્પાં માર્યાં જેને કારણે સૂવાનું મોડું થઈ ગયું એટલે આજે સવારે જાગતી વખતે સ્હેજ તકલીફ પડી પણ પછી દિવસ દરમ્યાન સ્ફૂર્તિ જ સ્ફૂર્તિ.

તો આ બધી જે થેરપીઓ અને ટ્રીટમેન્ટો જે છે તે ત્રીજી દિશા થઈ.

ચોથી દિશા તે આયુર્વેદિક મેડિસિન્સ. પતંજલિમાં દિવ્ય ફાર્મસીના બ્રાન્ડથી અનેક દવાઓ તેમ જ બીજી પ્રોડક્ટસ બને છે. પહેલા દિવસે મને જે દવાઓ લખી આપેલી તે મેં હવે શરૂ કરી દીધી છે. પણ દવાઓ લેતાં પહેલં જ શુગર – બીપી બેઉ નૉર્મલ થઈ ચૂક્યાં હતાં. અહીંના ડૉક્ટરની સલાહ છે કે અત્યારે દવાઓ લઈ લેવાની – ક્યારે બંધ કે ઓછી કરવાની છે તે જતી વખતે નક્કી કરીશું. ભલે. આ દવાઓની કોઈ કરતાં કોઈ આડઅસર નથી હોતી અને બીજું, આ દવાઓ તમારા રોગ – વિકારને હટાવવામાં મદદરૂપ થવા ઉપરાંત તમારા શરીરને બીજી ઘણી રીતે પોષણ આપવામાં ઉપયોગી થતી હોય છે. સ્વામીજી અને આચાર્ય બાલકૃષ્ણજીની પર્સનલ દેખરેખ હેઠળ આ દવાઓની ફૉર્મ્યુલા બને છે. મેડિકલ સાયન્સના જે પેરામીટર્સ છે તે મુજબ લેબમાં એની ચકાસણી થાય. એ પછી બીજાં ટેસ્ટિંગ થાય પછી એ બજારમાં પહોંચે છે. એલોપથીના ભરોસાપાત્ર ડૉક્ટરો પણ દિવ્ય ફાર્મસીની દવાઓની સો ટકા શુદ્ધતા અને ગુણવત્તાની ગેરેન્ટી આપતા હોય છે. બાકી, જેઓને આયુર્વેદનો કે સ્વામી રામદેવની પ્રવૃત્તિઓનો વિરોધ કરવો હોય તે કરવાના જ છે.

તો આ ચાર દિશાઓથી અત્યારે મારા શરીરમાં ભેગા થયેલા નાના મોટા રોગ – વિકારો ઉપર હુમલો થઈ રહ્યો છે. 21મી મે એ સવારે આ યુદ્ધનો વિજય દિવસ ઉજવીને હું મુંબઈ જવા નીકળવાનો છું. આજે જ રિઝર્વેશન કરાવી લીધું.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

23 COMMENTS

  1. સૌરભભાઈ વંદન
    ખુબ મજા આવી હવે કદાચ થોડા જ સમય માં યોગગ્રામ ની મુલાકાત લેવી પડે એવી તિવ્ર ઈચ્છા થઈ છે.

  2. યોગગ્રામ માં રહીને તાજામાજા થવા જુદા જુદા રોગમાંથી રોગમુક્ત થવામાં ત્યાંની કેટલા દિવસની શિબિર હોય અને તેના માટે કેટલો ખર્ચ થાય.અને તેના રજિસ્ટ્રેશન માટે શું કાર્યવાહી કરવી પડે. તેની જાણકારી આપશો.

  3. Yog Vise Na Tamara Anubhavo Vachine Amne Am Lagecheke Amo Pan Tamari Sathej Chia Tamara Roje Rojna Lekh Huvachuchu Khub Saras Mahiti Che Dhanyavad Dhanyavad Dhanyavad Apne Ak Rikvest Che Ke Babaji Ne Ak Sujav Apo Ke Apane Haridwar Jeva Senkulo Apane Deshma Alag Alag Jagyama Ubha Kari Sakiato Ak Motu Karya Thase Avnara Samayma Laifstail Ne Lagata Rogono Vadharo Thavanoj Che Tho Jevake Sugar BP Jeva Anek Rogo Mate Ayurved Sivay Koi Vikalp Nathi Mate Desma Alag Alag Jagya Ma Ataipna Nana Nana Sentaro Ubha Karine Saras Karya Thai Sake Hu Marivat Karuto Mane Hamnaj Daybitish Nu Nidan Thauche Mramate Halma Haridwar Jai Sakay Tem Nathi Jo AugaGram Mari Ajubaju Hoyto Hujai Saki Tamara Rojna Anubhavo Parthi Lagecheke Matra Ayurvedic Dava Levathi Tadurast Na Rahi Sakay Pan Anamate 20 .30 Divas Sampun Yogagrama Rahevu Pade Me Atyare Ayurvedic medicine Chalu Kari DidhiChe Pan Parinam Maltu Nathi Mate Apne Rikvesche Ke Avise Swamiji Sathe Charcha Karso ArthikRite Kary Motuche Pan Swamiji Mate ASakyache Tevo Dhyanma Leto Jarur Thase Bhalene Akha Deshma Temana Ayurvedic Stor Nijem Frenchaiji ApideJem Deshma Motimoti Hospitalo Chaleche To Ayurvedic Hospital Pan Chale Dhanyavad Aabhar

    • Aatlu laambu Roman lipi ma lakhasho toh koi nahi vaanchi shake. I haven’t read your comment after 2 sentences… we won’t be approving long comments written in the Roman script in future.

  4. ખરેખર સુંદર લેખ, ખૂબ ગમ્યો…. આમ તો હું સંદેશમાં તમારી કોલમ નો નિયમિત વાચક છુ જ….

  5. Really enjoying your articles and hoping that it makes my resolve strong to go there for about a month and enjoy this pure Natural treatments along with Yoga.

  6. Very good decision of reserving tickets. 4 level of transformation at a time will give you the best health. God bless you .Tc

  7. Drastic change in your in your thinking and lifestyle. Wish you sure success. Your inspiration to others is your social service. Thanks a lot.

  8. ખુબજ સરસ અને પ્રેરણા મળે તેવા લેખો તમે આપો છો ભવિષ્ય માં પણ આવા લેખ લખતા રહેજો જેથી અમને પ્રેરણા મળતી રહે

  9. I have almost read your article of each day at Patanjali. I am extremely inspired. Please keep writing and spreading awareness.

  10. સરસ લેખ જેમ જેમ વાચીયે છીએ તેમ તેમ તયાં જવાની ઈચ્છા વધતી જાય છે.

  11. દરેક લેખની આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ…. ખુબ ઉંડાણ પૂર્વક લખો છો એ ખુબ ગમે છે.સ્વસ્થ થઈ ને આવો એવી શુભેચ્છાઓ.

  12. સરસ છે લેખ
    સામાન્ય માણસ ને પતંજલી યોગપીઠમા સાત દિવસ રહી શકે તેવો ચાજૅ હોય તો સારું

  13. Vanchva ni majja to aave chhe ane aavani ichha pan thai chhe, pan chare tarafthi thata humla hu sahan kari sakish ke nahi eni khatri nathi.

  14. સરાહનીય લેખ સર…. શકય હોય તો બાબા ને મલી ને છુટાપડેલા વિઘમી બની ગયેલ ભાઈઓ ની ઘરવાપસી કેમ્પ બાબા કયારે કરવાના છે તેની જાણકારી મેળવી તેનો લેખ લખશો તો આનંદ થશે… જય માતાજી

  15. Sri Saurabhbhai
    Nanhskar
    ” ચારે દિશાઓ થી અત્યારે મારા ઉપર હુમલો થઈ રહ્યો છે. ”
    મજા આવી.

  16. Very nice ખૂબ સરસ લેખ વાંચી આનંદ થયો મારે પણ ત્યાં જવું જરૂરી લાગે છે તો થોડી સમજણ પાડવા વિનંતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here