અતિ વિચાર કે ઓવર થિન્કિંગનો રોગઃ સૌરભ શાહ

(તડકભડકઃ ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, 10 એપ્રિલ, 2022)

અતિ આહારથી શરીરમાં અનેક રોગ થાય છે એ સૌ કોઈ જાણે છે. અતિ વિચારથી થતા વિકારો અંગે બહુ ઓછાને ખબર છે.

અતિ વિચાર એટલે ઓવર થિન્કિંગ. કોઈ એક બાબત વિશે મનમાં વિચારો ઘૂંટ્યા કરવા એટલે ઓવર થિન્કિંગ કરવું. આવું કરનારાઓ કંઈ વિચારક નથી હોતા, વિચારવંત પણ નથી હોતા. તેઓ કાં તો પલાયનવાદી હોય છે અથવા તો પછી આળસુ હોય છે.

જો આમ થશે તો પછી તેમ થશે અને તેમ થશે એ પછી પેલું બનશે એવું વિચારતા રહીને એક તાંતણા સાથે બીજો તાંતણો, પછી ત્રીજો, ચોથો એવું કરીને વિચારોનું જાળું ગૂંથનારાઓ છેવટે નિષ્ક્રિય બની જતા હોય છે.

અતિ વિચારમાંથી છૂટવાના એક જ ઉપાય છે. કામ કરવા માંડો, કામ કરતા રહો – ઓવર થિન્કિંગ કરવાનો સમય જ નહીં મળે.

લોભને કારણે અને ભયને કારણે અતિ વિચારની પ્રકૃતિ જન્મે છે. વાસ્તવિકતાનો સામનો કરવાને બદલે એમાંથી છટકી જવાના પલાયનવાદને કારણે અતિ વિચારની શ્રૃંખલા સર્જાય છે.

વધુ પડતા વિચારો કર્યા કરવાથી કામ કરવાની ટેવ છૂટી જાય છે. આખો વખત વિચારો કર્યા કરવાથી કામ ન કરીએ છતાં આપણે ખૂબ વ્યસ્ત છીએ એવું લાગવા માંડે છે. આપણે પોતાની જાતને અત્યંત વિચારવંત, વિચારશીલ વ્યક્તિ માનવા માંડીએ છીએ.

અમલમાં મૂક્યા વિનાના વિચારોનું મૂલ્ય શૂન્ય હોય છે. મારે સારા થવું છે, દયાળુ થવું છે, સૌના પ્રિય બનવું છે; મારે જિંદગીમાં પ્રગતિ કરવી છે, ખૂબ મોટા માણસ બનવું છે, ચાર જણમાં પૂછાતા થઈ જઈએ એવું કરવું છે – આ બધા જ વિચારો અને આવા દરેક વિચારો મનમાં જન્મે એ સારી વાત છે, જન્મવા જ જોઈએ પણ આવા વિચારો જન્મ્યા પછી એને માત્ર ઉછેર્યા કરીએ, મોટાં મોટાં પ્લાનિંગ કરતાં રહીએ અને એને અમલમાં મૂકવા માટે દિવસરાત એક ના કરીએ તો આવા વિચારોનો કોઈ મતલબ નથી.

વિચારોની અવરજવરનો સીમિત ઉપયોગ છે. જે છે તે ખરેખર થયેલું કામ છે. મોટી મોટી વાતોના વિચારો કર્યા કરવાથી કોઈ મોટું બનતું નથી, મહાન બનતું નથી. વ્યક્તિ મહાન બને છે પોતાનાં કાર્યોથી, પોતાની કલ્પનામાં રમતા વિચારોને વાસ્તવિકતાની ધરતી પર લાવીને એનો અમલ કરે છે ત્યારે પુરવાર થાય છે કે એના વિચારો ખરેખર મહાન હતા કે નહીં.

આપણને ડર લાગે છે. વાસ્તવિકતાનો સામનો કરતાં આપણે ગભરાઈએ છીએ. આપણા વિચારોની કસોટીના પથ્થર પર ચકાસણી કરતાં ડરીએ છીએ – જેને ચોવીસ કૅરેટના માનતા હતા તે વિચારો ક્યાંક કથિર જેવા ના નીકળે. બાંધી મુઠ્ઠી લાખની એવું માનીને આપણે આપણા વહેમને પોષતા રહીએ છીએ. સંભવિત નિષ્ફળતામાંથી બચવા માટે નિષ્ક્રિય થઈ જઈએ છીએ જેને કારણે નિષ્ફળતાની સંભાવના રહેતી નથી, સો ટકા નિષ્ફળતાની ગેરન્ટી સર્જાય છે.

વિચારોમાં રચ્યાપચ્યા રહેવાથી કોઈ જ્ઞાની નથી બની જતું, ડહાપણનો ભંડાર નથી બની જતું. જે ઋષિમુનિઓએ વેદ-ઉપનિષદ રચ્યાં તેઓએ મનમાં પ્રગટેલા વિચારોને શબ્દસ્થ કરવાનું કામ કર્યું. એ ઉત્તમ વિચારો જો એમના મનમાં જ રહ્યા હોત, ક્યારેય શબ્દસ્થ ન થયા હોત, તો એ વિચારોનું મૂલ્ય આજે છે એટલું કદાપિ ન હોત. તેઓએ પોતાના મનમાં પ્રગટતા વિચારોને શબ્દસ્થ કર્યા એટલું જ નહીં, એ વિચારોનો પોતાના જીવનમાં અમલ પણ કર્યો અથવા અમલમાં મૂકવાના નિષ્ઠાભર્યા પ્રયત્નો કર્યા. પોતે જે વિચારો દુનિયાને આપ્યા તેને જીવનનો નક્શો માનીને એ નક્શામાં ચીંધેલા માર્ગે આગળ વધવાનો આ મહાન ઋષિમુનિઓએ પ્રયત્ન કર્યો જેને કારણે સનાતન પરંપરા વધુને વધુ ઉજળી બનતી ગઈ.

આજની તારીખે આપણે એ ઋષિમુનિઓની જેમ સમગ્ર રાષ્ટ્રને, સમાજને કે આપણી આસપાસના લોકોને લાભકારી થઈ શકીએ કે નહીં, આપણે આપણી જાતને તો નુકસાનીમાંથી બચાવી જ શકીએ છીએ – અતિ વિચારની આદતનો ત્યાગ કરીને.

જે સતત કામ કરે છે એના મનમાં હાથમાં લીધેલા કામ સિવાયના બીજા વિચારો પ્રવેશી શકતા નથી. ખૂબ કામ કર્યા પછી પથારીમાં પડતાંવેંત ઘસઘસાટ ઊંઘ આવી જાય છે. દિવસ આખો ચિંતાઓમાં વીતાવીને, ઓવર થિન્કિંગમાં પડ્યો પાથર્યો રહીને માણસ રાતે પથારીમાં પડખાં ઘસતો રહે છે અને રાત આખી વધારે ને વધારે ચિંતાઓ કરવામાં ગાળે છે.

લોભ અને લાલચને કારણે લાંબા લાંબા વિચારો કરવાની ટેવ શરૂ થાય છે. જો હું આટલું કરું તો મારી પાસે આટલું આવી જાય એવું વિચારતાં વિચારતાં માણસ એટલો આગળ નીકળી જાય છે કે પછી એને આટલાથી સંતોષ નથી થતો; આટલા ગુણ્યા બે, આટલા ગુણ્યા દસ અને આટલા ગુણ્યા સો સુધી એ પહોંચી જાય – માત્ર વિચારોમાં જ. એ સમજતો નથી કે માત્ર વિચારો કરવાથી એને આટલુંય નથી મળવાનું. વિચાર કરવાનું છોડીને કામ કરવાનું શરૂ કરશે તો જ જે ઇચ્છ્યું છે તેમાંથી જે મળવાનું હશે તે મળશે.

ભયને કારણે પણ ઓવર થિન્કિંગની આદત પેદા થાય છે. માણસના મનમાં જાતજાતના ભય જડાયેલા હોય છે. કશુંક ન મળવાનો ભય, ધાર્યું ન થવાનો ભય, અપમાનનો ભય, નિર્ધન થઈ જવાનો ભય, સ્વાસ્થ્યહીન થઈ જવાનો ભય, પ્રિય વ્યક્તિઓને અને કુટુંબીજનોને ગુમાવી દેવાનો ભય, ધંધામાં નિષ્ફળ જવાનો ભય, નોકરી ગુમાવી દેવાનો ભય. હજાર પ્રકારના ભય સતાવતા રહે છે. આવા અનેક ભયનો જન્મ થાય એ સ્વાભાવિક છે પણ એને પાળીપોષીને મોટા કરવાનું કામ ઓવર થિન્કિંગ કરે છે. અતિ વિચારને કારણે આપણા ભય કાગનો વાઘ બની જાય છે, રાઈનો દાણો પર્વત જેવો લાગવા માંડે છે. ભયના નિવારણ માટે શું શું કરીશું એ વિચારીને આપણે મૂળ ભયને નિવારવા માટે સક્રિય થઈ જવાને બદલે એને એના કદ કરતાં સોગણો વધારી દેતા હોઈએ છીએ.

જે સતત કામ કરે છે એના મનમાં હાથમાં લીધેલા કામ સિવાયના બીજા વિચારો પ્રવેશી શકતા નથી. ખૂબ કામ કર્યા પછી પથારીમાં પડતાંવેંત ઘસઘસાટ ઊંઘ આવી જાય છે. દિવસ આખો ચિંતાઓમાં વીતાવીને, ઓવર થિન્કિંગમાં પડ્યો પાથર્યો રહીને માણસ રાતે પથારીમાં પડખાં ઘસતો રહે છે અને રાત આખી વધારે ને વધારે ચિંતાઓ કરવામાં ગાળે છે. કામમાં રચ્યાપચ્યા રહેવાથી દિવસ દરમ્યાન સાચા સમયે સાચી ભૂખ લાગે છે. વિચારો કરનારાઓને અડધી રાત્રે ઊઠીને રસોડામાં જવાની ટેવ પડી જાય છે. ખોરાકની આ આદતો તમારું સ્વાસ્થ્ય કેવું હશે તે નક્કી કરે છે. ઓવર થિન્કિંગની સીધી અસર તમારી તબિયત પર પડતી હોય છે.

ઓવર થિન્કિંગના લપસણા ઢાળ પરથી નીચે સરકતાં બચવાનો એક જ ઉપાય છે – કામ કરવું. એનાથી માત્ર બ્રેક જ નહીં લાગે, ઉર્ધ્વગમન પણ શરૂ થઈ જશે.

પાન બનાર્સવાલા

રામ રસાયન તુમ્હરે પાસા,
સદા રહૌ રઘુપતિ કે દાસા

—હનુમાન ચાલીસા

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

11 COMMENTS

  1. I am m.b.b.s doctor practicing since 1975 .I have treated many pt by counciling to prevent over thinking responded very nice way I agree with you sir overthinking is harmful and invite many diease

  2. I have started reading your posts two weeks ago. I am from USA. First two articles were very interesting since I am interested in knowing about yoga Ram, treatment, impact etc. However it vanished. Appreciate if you can write on your experience at Patanjali.

  3. Superb article 👌🏼, to the point 🎯
    લેખ વાંચીને ઝેર ની વ્યાખ્યા તરત સમજાઇ જાય કે,
    “Everything in excess is a poison”

  4. ખૂબ સુંદર. માત્ર થિયરી નહીં પણ તમે વાસ્તવિક વિચારો અને તેનું મંથન વિશેષ ઉપાય પણ બતાવ્યો છે

  5. ઓવર થીંકીંગ ન ઇચ્છીએ તો પણ થઈ જતું હોય છે
    એનો ઉપાય બતાવો સર જી

    • સાવ સાચી વાત છે કદાચ એની ટેવ કારણભૂત હોય શકે

  6. તમે સમસ્યા તો બતાવી પણ ઉપાય ના બતાવ્યા ખાસ કરીને સીનીયર સીટીઝન માટે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here