બાટાનાં ગાદીવાળાં ચંપલ : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક: શુક્રવાર, ૨૯ જુલાઈ ૨૦૨૨ )

જો ઈશ્વર એમ કહે કે ભઈલા, આ તારી (તથાકથિત) શોહરત-દૌલતના બદલામાં હું તને તારું બચપન પાછું આપું છું તો હું શું કરું? હું ભગવાનની આ એક્સચેન્જ ઑફર ઠુકરાવી દઉં.

કવિઓ, શાયરો માટે આવું બધું બરાબર છે અને કોઈ ગાય તો બે ઘડી મોજ પણ આવી જાય. પરંતુ આ પ્રકારની રોમાન્ટિસિઝમ મારા મિજાજમાં નથી. મને વિતેલા દિવસ પર ઉડતી નજર નાખીને આવતીકાલ તરફ જોવું ગમે છે.

નોસ્ટેલ્જિયા મારા માટે એક કિંમતી જણસ છે, ખૂબ મોંઘી મૂડી છે – પણ અતીતની સુવર્ણમુદ્રાઓને વારેઘડીએ તિજોરીમાંથી બહાર કાઢીને ગણ્યા કરવાની ના હોય. વચ્ચે મારા વિશે પૂછવામાં આવેલા પ્રોફાઈલનો એક સવાલ હતો: ‘તમારા બેડરૂમમાં શું શું છે?’

મેં લખ્યું :’થોડાક ડ્રીમ્સ, થોડાક નાઈટમેર્સ અને ખૂબ બધા ડે ડ્રીમ્સ…’

અશ્વિન વાડીલાલ શાહ અને સુરબાળા અશ્વિન શાહનું હું બીજું સંતાન. એટલે મા-બાપને કે કુટુંબમાં અન્ય લોકોને પ્રથમવાર ઘોડિયું બંધાવાનો રોમાંચ તો નહીં જ હોય. પહેલો દીકરો અને આ બીજો પણ દીકરો જ. એટલે લક્ષ્મીજી પધાર્યાંની ખુશાલી પણ નહીં હોય. જો કે, આ રોમાંચ – ખુશાલીની ગેરહાજરી મારી કવિકલ્પના છે. (અહીં કવિકલ્પના એટલે ‘કવિની’ કલ્પના નહીં, ‘કવિ જેવી’ કલ્પના). મને ત્યારે કે અત્યાર સુધી આવું કંઈ લાગ્યું નથી. હા, મજાકમાં હું પપ્પા – મમ્મીને મોટી ઉંમરે કહું ખરો કે તમને તો મોટો પરાગ વહાલો છે અને નાની અપેક્ષા વહાલી છે. પેરન્ટ્સની હયાતી દરમ્યાન હું એમને કહેતો કે : એ બંને જણા દર અઠવાડિયે અમેરિકા- નાસિકથી તમારી જોડે વડોદરા ફોન પર નિયમિત વાતો કરે છે એ તમે બધાંને કહો છો, પણ હું દર મહિને આવવા-જવાની લાંબી મુસાફરી કરીને કલાકો સુધી તમને રૂબરૂ મળતો હોઉં છું એવું તો તમે કોઇનેય નથી કહેતા..!

છુટીછવાયી યાદો રિવાઈન્ડ થઈ રહી છે. મારી અગિયાર વરસની ઉંમરે પપ્પાએ બે એક વર્ષ માટે વાપીમાં કામ લીધું હતું – જીઆઈડીસીનું સંકુલ નવું નવું ઊભું થઈ રહ્યું હતું. ત્યાં ફેક્ટરીઓના શેડ બાંધવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. પપ્પા બી.ઈ. (સિવિલ) એન્જિનિયર અને કન્સ્ટ્રકશનનો એમનો પોતાનો ધંધો હતો. એક દિવસ મેં મુંબઈના અમારા સૌથી પહેલા નિવાસસ્થાન, શિવાજી પાર્ક વિસ્તાર પાસેના સિટી લાઈટ સિનેમાની સામે એ-ફાઇવ દીનાથવાડીના અમારા નેક્સ્ટ ડોર નેબર સાવંતકાકા પાસે મેઇડ ઇન ચાઈનાનું ‘હીરો’ બ્રાન્ડનું માઉથ ઓર્ગન જોયું. તે વખતે ચાઈનાથી ક્વોલિટીવાળો માલ આવતો હતો. મેં મમ્મી આગળ જીદ કરી. મારે પણ આવું મોઢેથી વગાડવાનું વાજું જોઈએ. રોજ જીદ કરતો. વીક ઍન્ડમાં પપ્પા આવ્યા. બેઉ દિવસ એમની પાસે પણ ધમપછાડા કર્યા. સોમવારે સવારે, છેવટે એમણે વાપી જતાં જતાં મમ્મીને કહેવું પડ્યું કે છોકરાને વાજું અપાવી દેજે. સોમવારે એ વિસ્તારની દુકાનો બંધ. માએ બીજે દિવસે રમકડાંની દુકાને લઈ જઈને પાંચ રૂપિયાનું દેશી બનાવટનું વાજું અપાવ્યું અને આપણે કલ્યાણજી – આણંદજી બની ગયા.

થોડાં વર્ષો પછી જ્યારે મને રિયલાઈઝ થયું કે એ વર્ષો તો પપ્પાના સ્ટ્રગલિંગ યર્સ હતાં. પપ્પા પોતે તે વખતના થર્ડ ક્લાસની મુસાફરી કરતા. વાપીમાં પણ પોતાના સ્ટાફ સાથે તાણીતૂસીને રહેતા અને ઘરથી સાઈટ જવા-આવવા એક જૂનું લ્યુના વસાવ્યું હતું. જૂની પાર્ટનરશિપમાંથી છુટા થઈને પ્રોપરાયટર તરીકેનો આ એમનો પહેલો ધંધો હતો. બજારમાંથી મોંઘી ઈંટ ખરીદવી ના પડે એટલે બૅકવર્ડ ઈન્ટીગ્રેશન કરીને સાઈટ નજીક પોતાનો ભઠ્ઠો પણ ચાલુ કર્યો હતો. મને મારી જાત માટે ખૂબ શરમ છૂટી હતી.

આ બનાવના થોડાક મહિના પહેલાં કે પછી, મારાં ચંપલ લેવાનાં હતાં. થોડે દૂર, બાટાની દુકાનમાં મમ્મી મને લઈ ગઈ. બાર – તેર રૂપિયા (અને ઉપર પંચાણું પૈસા)ના ગાદી વગરનાં સાદા ચંપલ હતાં અને એનાથી પાંચેક રૂપિયા વધુવાળાં ગાદી સાથેનાં ચંપલ હતા. નેચરલી મને મોંઘા ચંપલ વધારે ગમ્યાં. મમ્મીએ સમજાવ્યું કે અત્યારે જરૂર છે એટલે સાદાં લઈ લઈએ. ભલે. ચંપલ જોઈને ઘરે પાછાં આવ્યાં મમ્મીએ મને દસ – દસ રૂપિયાની બે નોટ આપીને કહ્યું કે, ‘તું પેલા તેર રૂપિયાવાળાં ચંપલ લઈ આવ.’

હું જઈને બધા પૈસા વાપરી આવ્યો.

ગાદીવાળાં ચંપલ જોઈને મમ્મી ગુસ્સે થઈ ગઈ. ખૂબ રોષે ભરાઈ. નવા ને નવા ચંપલથી મને ખૂબ ફટકાર્યો.

પછી હું અને મમ્મી બેઉ બહુ રડ્યાં. સાંજે મને લઈને પાછી બાટાની દુકાને આવી અને દુકાનદારને સમજાવ્યો કે છોકરાએ ભૂલ કરી છે, હજુ વાપર્યા પણ નથી (જો કે, એ ખોટું બોલી કહેવાય, પહેરવામાં નહીં તો બીજા ઉપયોગમાં, પણ વપરાયાં તો હતાં જ), તમે બદલી આપો.

ચંપલ બદલાવીને, ઉપરના પૈસા પાછા લઈને અમે ઘરે આવ્યાં.

એ વર્ષોની પપ્પા-મમ્મીના આર્થિક સંઘર્ષની વાતો તો મોટા થયા પછી ખબર પડતી ગઈ. તે ગાળામાં મારા અજિતકાકા વડોદરા એમ.એસ.માંથી કૉમર્સ ગ્રેજ્યુએટ થઈને સી.એ. કરવા મુંબઈ આવ્યા હતા. અમે સાથે જ રહેતા. ઘરમાં વાસણો પિત્તળનાં હતાં. માત્ર પપ્પા માટે એક સ્ટીલની થાળી વસાવી હતી. અજિતકાકા અમારી સાથે રહેવાના હોય અને બેઉ ભાઈ જમવા બેસે ત્યારે મોટા ભાઈની સ્ટીલની થાળીની બાજુમાં નાનાની પિત્તળની થાળી ના પીરસાય એ માટે મમ્મીએ કાકા આવ્યા તે પહેલાં જ પસ્તીના પૈસા બચાવવાની શરૂઆત કરી દીધી હતી. એમાં થોડોક ભંગાર વેચાતાં પૈસા ઉમેરીને નવી નક્કોર સ્ટીલની થાળી લઈ આવી હતી. કાકાને એ નવી થાળીમાં પીરસાતું. મને તો આ બધું યાદ પણ નથી અને તે વખતે મેં આવું નોટિસ પણ ક્યાંથી કર્યું હોય. બહુ મોટા થયા પછી મમ્મી પાસે સ્મૃતિનો ડાબરો ખોલાવ્યો ત્યારે આ સ્ટીલની થાળી એમાંથી બહાર નીકળી હતી.

કાચી ઉંમરમાં મારી સમજ પણ કાચી હતી. એ તો એવું જ હોય. ખરેખર? ના. હું નથી માનતો કે એ તો એવું જ હોય. ધારે તો છોકરાઓ સમજી શકે, ધારે તો મા-બાપ પણ એ ઉંમરેય સમજાવી શકે.

મારો મોટો દીકરો તલ્કીન જ્યારે બાટાનાં ગાદીવાળાં ચંપલવાળી મારી ઉંમર કરતાંય ચારેક વર્ષ નાનો હતો ત્યારે એની વર્ષગાંઠે હું એને એની મનગમતી ગિફ્ટ અપાવવા જુહુ સ્કીમની મોટી રમકડાંની દુકાને લઈ ગયેલો. મારે એને બસો-ત્રણસોનાં સ્કેટસ અપાવવાં હતાં. એણે જોયાં પણ કહે કે સ્કેટિંગથી ડર લાગે છે. ભલે. બીજી બે ચાર છ ચીજો જોઈ. બજેટમાં બેસતી હતી તે બધી જોઈ. પણ તલ્કીનને કોઈ પસંદ ના આવી. છેવટે એણે કેસિયોનું નાનું સિન્થેસાઈઝર જોયું – અઢારસો રૂપિયાનું. એને ગમી ગયું. મેં ડરતાં ડરતાં એને કહ્યું કે બેટા, એટલા પૈસા તો આપણી પાસે છે નહીં, આપણું એટલું બજેટ જ નથી, ના પોસાય આપણને.

તલ્કીને તરત એ પાછું દુકાનદારના ટેબલ પર મૂકી દીધું. મને ગિલ્ટ ફીલ થયા કરે. હું એને આ બતાવું, તે બતાવું. બજેટમાં સોપચાસ રૂપિયા વધારે ઉમેરવા પડે એવી ચીજો પણ કઢાવી. પણ એને કશું ગમ્યું નહીં. હવે?

‘ડેડી, જવા દે ને, ફરી ક્યારેક તું કંઈ પણ અપાવજે આજે રહેવા દઈએ!’

દીકરાએ રિસાયા વગર, બાપાને રૉન્ગ બૉક્સમાં મૂકવાનો ઍટિટ્યુડ બતાડ્યા વગર, ખૂબ સાહજિકતાથી કહ્યું હતું.

વરસગાંઠને દિવસે કોઈ બાળક કશું જ ખરીદ્યા વિના, રમકડાંની દુકાનમાંથી બહાર નીકળીને હસતે મોઢે ઘરે પાછો આવે એવું બને ત્યારે બાપને કેવું લાગે?

બાટાનાં એ ચંપલ સાચવી રાખ્યાં હોત તો બેડરૂમ બંધ કરીને મેં પોતે જ મારા માથા પર ફટકાર્યા હોત.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

21 COMMENTS

  1. એ સમય મા મોટાભાગ ના લોકો ની લગભગ સરખી પરિસ્થિતિ હતી અને બધા જ આવી અગવડ મા જીવન પસાર કર્યું છે . પણ વાંચી ને આનંદ થયો . ધન્યવાદ

  2. ગરીબી અને મધ્યમ વર્ગ વચ્ચેની પરિસ્થિતિ- ત્યારે
    જન્મદિવસે રોજના કપડા પહેરવાના, બા કંકુ ચોખાનું ટીલું કરે, પછી ઠાકોરજીને પગે લાગી ઘરે તેમજ પડોશમાં તેમજ દૂર વડીલોના આશીર્વાદ લેવાના, ચપ્પલ તો લક્ઝરી- જરૂરી નહીં, પરંતુ ઉજવણી ખરી. બા જમવાનાં તુવેર દાળની પુરણપોળી ખવડાવે. આનંદ -આનંદ.
    હીરો – માઉથ ઓર્ગન ચીન નહીં પરંતુ હોંગકોંગની બનાવટ હતી, તેવો ખ્યાલ છે.

  3. સંઘર્ષથી આગળ આવેલાને આ વાત ખૂબ સ્પર્શી જાય એવી છે.સોનાની ચમચી સાથે જન્મેલા ને અભાવો શું ચીજ છે….તેની ખબર નહિ પડે…અભાવો જ માણસને સક્ષમ બનાવે છે.

  4. મારો મોટો દિકરો બહુ જીદ્દી. નાનાની કોઈ ડિમાન્ડ નહીં. મારા સ્ટ્રગલનાં દિવસમાં નાનાં બચ્ચાઓનો ઉછેર બહું કાળજી માંગતો., પણ મારી યુવાનીમાં વાંચેલ બાળઉછેરનાં લેખોનો સાર મને કામ આવ્યો. બાળકોની પોષાય તેવી અમુક ડિમાન્ડો હા પાડું પણ એક-દિવસ પછી અપાઉં. અને ગજાબહારની ડિમાન્ડો શર્તો પર મૂકી દઉંતે લોકોને પણ તે વસ્તુ મેળવવા મહેનત કરવી પડે અને મને પણ તે વસ્તુ લેવા માટે રૂપિયા ભેગા કરવા સમય મળે. પણ ભણતર અને ચારિત્ર્યનાં ભોગે કોઈ શર્તો ન માનું પછી ભલે ઘરમાં ધમપછાડા થાય. રૂપિયા મેળવવા કેટલી મહેનત કરવી પડે તે બાળકોને 7 થી 17 કે 22 સુધીમાં ખબર પડવી જોઈએ તો તેને મહેનતની કિંમત સમજાય.

  5. બાટા વાળો ‌કિસ્સો અગાઉ વાચ્યો ‌છે. પણ પુનરાવર્તન ગમે છે.

  6. आवो अनुभव बचपन माँ थयो तो तेनी याद अपावी दिधी

  7. I remembered my childhood days. And you are right, kids understand if you can make sense of your point of view. This can even imbibe values that mean a log for lifetime.

    And no, not buying something on a birthday is not a big deal. There is no big deal about birthday. Instead of getting, giving someone something can be encouraged.

  8. સર જી બધા નો ભૂતકાળ કઇંક આવો જ છે.એટલે આજની જનરેશન પૈસા ની કિંમત સમજતી નથી એ લોકો ને કઈ મોંઘું લાગતું જ નથી

  9. ઓહો – અત્યંત નાજુક લાગણીસભર સંસ્મરણો!

    ગમ્યું.

  10. ખુબ સરસ ભુતકાળ ની ખાટી-મીઠી વાતો વાંચી, મને મારો ભુતકાળ યાદ આવી ગયો. 😢
    આભાર 🙏🙏

  11. વાહ ખુબ સરસ. અમે પણ આવાં સંઘર્ષ ના દિવસો જોયાં છે. અને જેમણે પણ આવાં દિવસો જોયાં હોય એમને જ સમય અને રુપિયા ની કીંમત હોય છે. જો આજે આપણે આ બંન્ને ની કદર કરશું તો ભવિષ્યમાં એ આપણી કદર કરશે. માટે સમય અને રુપિયા સમજી ને વાપરવા જોઈએ.અમારો વીલે પાર્લે ખાતે સલુનનો ધંધો ઠીકઠાક ચાલતો. મારી મમ્મી લોકોના ઘરે રસોડા કરીને અને ઘરે મહીલાઓ ના બ્લાઉઝ સીવી ને અમારી નાનીમોટી જરુરિયાત પૂરી કરવામાં પપ્પાને મદદ કરતી હતી.હવે અમે મહેનતથી વડીલોના આશીર્વાદ થી અને ભગવાન માતાજી ની કૃપાથી સારી રીતે જીવન જીવી શકીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here