ઉત્સાહ, અરમાન, વિકલ્પો, પસંદગી : સૌરભ શાહ

લાગ્યું તો તીર નહીં તો તુક્કો એવું વિચારીને જ્યારે કામ શરૂ કરવામાં આવે છે ત્યારે મનમાં ક્યાંક અનિશ્ર્ચિતતા હોય છે. આને કારણે જીવનમરણનો ખેલ હોય એવું સમજીને કામમાં જાતનું સર્વસ્વ રેડી દેવાની ભાવના નથી જાગતી. છેવટે એ કામ તુક્કાની જેમ અધૂરું જ અટવાઈ જાય છે.

કોઈ પણ નવું કામ શરૂ કરવું હોય એ નાનકડું હોય કે વિશાળ પાયા પર કરવાનું હોય ત્યારે એમાં જીવ રેડી દેવાની ભાવના હોય તો જ શરૂ કરવું. અન્યથા પડતું મૂકવું જોઈએ, થાય તો સારું છે, નહીં તો શું ફરક પડે છે – એવું વિચારીને જે કામ શરૂ થાય છે એમાં પૂરેપૂરી સિન્સિયારિટી નથી ઉમેરાતી એટલે તે કામ પૂર્ણતા સુધી પહોંચતું નથી.

નવું કામ શરૂ કરતી વખતે ઉત્સાહ હોય છે. આ ઉત્સાહ આરંભિક ધક્કા માટે, સ્ટાર્ટર તરીકેના સ્પાર્ક પ્લગ માટે અનિવાર્ય. ઉત્સાહ વિના કોઈ કામ શરૂ થાય જ નહીં. ચડેલું મોઢું લઈને, મોઢા પર મોકાણના સમાચાર લખ્યા હોય એવી લાગણી સાથે કોઈ કામનો આરંભ ન થાય. જોઈએ છીએ – થશે તો થશે – એવા નિરુત્સાહ સાથે શરૂ થયેલું કામ બે ડગલાં ચાલીને ફસડાઈ પડવાનું. એટલે ઉત્સાહ તો નવા કામ માટેનું પહેલું પગથિયું.

પણ ઉત્સાહનો અતિરેક થાય ત્યારે ગાડી શરૂ થતાંની સાથે જ પાટા પરથી ખડી પડે. ઉત્સાહનો અતિરેક હોય ત્યારે તમે તમારી કૅપેસિટીને ઓવર એસ્ટિમેટ કરતાં થઈ જાઓ છો. તમને તમારી ઔકાત બહારનું કામ કરવાનું મન થઈ જતું હોય છે, એવા ગજા બહારના કામ માટે જે પૂરતી તૈયારીઓ કરવી પડે તે કરવા તરફ તમે દુર્લક્ષ સેવો છો. ઉત્સાહના અતિરેકમાં તમે તમારા અગાઉના પ્લાનિંગને જરા વધુ પહોળું-મોટું બનાવી દો છો. ઉત્સાહના અતિરેકમાં તમે તમારા કામ સાથે જોડાયેલી વ્યક્તિઓ સાથે ઓવર કમિટમેન્ટ કરી નાખો છો. માટે ઉત્સાહવાળું પગથિયું સાચવીને ચઢવું.

બીજું પગથિયું તે અરમાન. ટારગેટ. લક્ષ્ય. તમારું અરમાન, તમારું સ્વપ્ન મૂકેશ અંબાણી બનવાનું હોય, શાહરુખ ખાન બનવાનું હોય કે નરેન્દ્ર મોદી બનવાનું હોય. સારું છે. પણ પહેલે જ કૂદકે તમે આમાંના કોઈ બની શકવાના નથી. અત્યારે જે કામ તમે હાથમાં લીધું છે એવાં તો અનેક કામ તમારે કરવાં પડશે. એ પછી જઈને તમે એવા બનશો તો કદાચ બનશો. અત્યારે તમારે એ નક્કી કરવાનું છે કે પર્ટિક્યુલર કામ કરીને તમારે શું મેળવવું છે. આ કામ તમને તમારી લાંબી જીવનયાત્રાના જે પ્રથમ કે બીજા કે ત્રીજા પડાવ સુધી લઈ જશે તે પડાવ કયો હશે, ત્યાં શું શું હશે એ વિચારવાનું છે. આવાં અનેક અરમાનોનો સરવાળો તમને તમારા આખરી ગોલ સુધી પહોંચાડશે.

ઉત્સાહ અને અરમાનનાં પગથિયાં ચડી લીધા પછી વિકલ્પોનું પગથિયું આવશે. દરેક કામ કરવાના અનેક સાચા માર્ગ હોય છે, અનેક ખોટા માર્ગ પણ હોય છે. તમારે એ તમામ વિકલ્પોની યાદી બનાવવી પડશે. સાચા માર્ગના વિકલ્પોમાં પણ પાછા પેટાવિકલ્પો હોવાના. દા.ત.: આ કામમાં કોને કોને સાથે રાખવા, આ કામ માટે કેટલો સમય ફાળવવો, કેટલી શક્તિ વાપરવી, કામ સફળ નીવડે છે કે નિષ્ફળ એનાં માપદંડો કયા કયા હશે, એમાં જો પૈસા ઈન્વેસ્ટ કરવાના હોય તો કેટલા કરવા અને જો કોઈ ઈન્વેસ્ટર કે ફાઈનાન્સરને સાથે લેવાનો હોય તો કોના પૈસા સ્વીકારવાના, કોના નહીં. આ અને આવા અનેક વિકલ્પો તમારી પાસે રહેવાના. આ તમામ વિકલ્પો વિશે બારીકાઈથી આભ્યાસ કર્યા પછી જે આવે છે તે ચોથું પગથિયું છે: પસંદગી.

અનેક વિકલ્પોમાંથી તમે કયા વિકલ્પની પસંદગી કરો છો તેના પર તમારા કામની સફળતા-નિષ્ફળતાનો આધાર છે. ઘણી વખત તમારી પાસે વિકલ્પો પૂરતા હોય પણ પસંદગીની સૂઝ તમારામાં ન હોય અથવા પસંદગી કરતી વખતે તમે બેધ્યાન હો અથવા કોઈક ટૂંકા ગાળાની લાલચને લીધે તમે ખોટી પસંદગી કરી બેસો ત્યારે તમારા કામનું ધાર્યું પરિણામ આવતું નથી અને તમે નાસીપાસ થઈને તમારી કૅપેસિટીને જવાબદાર ઠેરવતા થઈ જાઓ છો, તમારામાં એ કામ કરવા માટેની યોગ્યતા નથી એવું માનતા થઈ જાઓ છો. વાસ્તવમાં, તમારી યોગ્યતા હતી જ, કૅપેસિટી હતી જ પણ જે વિકલ્પો તમારી આંખ સામે હતા તેમાંથી તમે જેને પસંદ કરવાના હતા તે વિકલ્પોને બદલે ખોટા વિકલ્પો ઉપાડ્યા જેને લીધે તમારે શોષાવું પડ્યું.

તમારું એક કામ પૂરું થાય અને બીજું શરૂ થતું હોય ત્યારે ઘડીભર પાછળ નજર કરીને આ ચારેય પગથિયાં જોઈ લેવાના: ઉત્સાહ, અરમાન, વિકલ્પો અને પસંદગી. જ્યાં શીખવા જેવું લાગે ત્યાં શીખીને બીજું કામ શરૂ કરવાનું અને શરૂ કરતી વખતે ફરી એક વાર આગળ નજર રાખીને આ ચારેય પગથિયાં વિશે ધીરજથી વિચાર કરીને એક પછી એક શિખર સર કરવાનાં. શરત માત્ર એટલી જ કે જે કામ શરૂ કરીએ તે પૂરું કરવાનું જ છે એવી દૃઢતા રાખવાની, કોઈ કામ અધૂરું છોડી દેવાનું નહીં. કામ અધૂરાં છોડી દેવાની ટેવ પડી ગયા પછી જલદીથી એ છૂટતી નથી. પરિણામ જે આવે તે કામ પૂરું જ કરવું છે એવું વિચારવા કરતાં પણ સારું એ છે કે મનમાં દૃઢ વિશ્ર્વાસ હોય કે પરિણામ સારું જ આવવાનું છે અને એટલે કામ પૂરું કરવાનું જ છે.

પાન બનાર્સવાલા

તમારી જિંદગીના આનંદનો આધાર તમારી હિંમત પર અને તમારા કામ પર રહેલો છે.

– બાલ્ઝાક (ફ્રેન્ચ નવલકથાકાર, નાટ્યકાર, પત્રકાર: ૧૭૯૯-૧૮૫૦).

(તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, 29 મે 2022)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

  1. દરેક વ્યક્તિ ને મળેલી તક અથવા સોંપાયેલી જવાબદારી ને ખંતપૂર્વક પુરી નિષ્ઠા થી આત્મવિશ્વાસ સાથે કરો તો સફળતા પ્રાપ્ત કરી શકશો. જો અને તો કરો તો અસફળ થશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here