એક કામ પૂરું થતાં જ બીજું શરૂ કરી દેવું: સૌરભ શાહ

(લાઉડમાઉથઃ ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 17 ઓગસ્ટ, 2022)

જિંદગીનાં બધાં દુખદર્દનો એક જ ઇલાજ છે- કામ, વર્ક, પ્રવૃત્તિ.

કામમાં ગળાડુબ હોઈએ ત્યારે ન તો કોઈ નાનીમોટી શારીરિક વ્યાધિ યાદ આવતી હોય છે, ન દિમાગને પરેશાન કરતા ભળતાસળતા વિચારો સતાવે છે.

અલગ અલગ દસ દિશાઓમાં ઘોડાઓ દોડાવીને ડિપ્રેશનના કે કંટાળાના કે જિંદગીમાં પેસી જતી નિરસતાના કે હતાશા, નિષ્ફળતા, ગમગીનીના ઇલાજો શોધવા જવાને બદલે એ તમામ મહેનત એક જ દિશામાં વાળવી જોઈએ— પ્રવૃત્તિ ચાલુ રહે, કામ અટકે નહીં— એ તરફ.

ડિપ્રેશન, કંટાળો, નીરસતા, હતાશા, નિષ્ફળતા, ગમગીની ઇત્યાદિ ડઝનબંધ માનસિક પરિસ્થિતિઓ મનોચિકિત્સકો માટે તેમજ મોટિવેશનનો ધંધો કરતા સ્પીકરો તથા સ્યુડો રાઇટરો માટે દૂઝણી ગાય છે. તેઓ તમારી આવી નેગેટિવ માનસિક પરિસ્થિતિની એક સાદી બ્રેડ સ્લાઇસમાંથી ચાર ઇંચ ઊંચી ક્લબ સેન્ડવિચ બનાવી નાખે છે જેથી તમારી મૂંઝવણ વધુ ને વધુ ગુંચવાતી જાય અને તેઓની ખોટી કમાણી વધતી જાય.

વિચારોની સ્વિચ બંધ થઈ શકતી નથી જેને કારણે સતત ટેન્શનનો અનુભવ થતો હોય છે. આવી પરિસ્થિતિ લાંબી ચાલે તો માણસ ભાંગી પડે, નિઃસહાય ફીલ કરે. છેવટે નિષ્ક્રિય બની જાય, કામકાજ છોડી દે, પ્રવૃત્તિઓ થંભાવી દે.

કામ નહીં કરવાનું કારણ શું? કામ કરીએ તો તેનું પરિણામ આવે. આ પરિણામની જવાબદારી તમારી પોતાની છે. મનમાં હતાશા-નિરાશા વ્યાપેલી હોય ત્યારે તમને લાગતું હોય છે કે હું કોઈ કામ કરીશ અને તે નિષ્ફળ જશે તો લોકો મારા માથે છાણાં થાપશે. મૂડ અપબીટ હોય, પ્રસન્ન હોય, ચારે તરફ પ્રકાશ અને ઉત્સાહનું વાતાવરણ હોય ત્યારે કામમાં નિષ્ફળતા મળશે તો સહન કરીને આગળ વધીશું એવો આત્મવિશ્વાસ હોય છે. પણ મનમાં જ્યારે કાળાં વાદળો ઘેરાયેલાં હોય ત્યારે મોટાભાગના લોકો જવાબદારી લેવાથી દૂર ભાગતા ફરે છે. જવાબદારી ઉપાડ્યા પછી એ નિભાવી શકાશે કે કેમ, નિભાવવા જઈશું તે તે સારી રીતે પાર પડશે કે નહીં, સારી રીતે પાર પડશે તો એ સફળતાની બીજાઓને ઇર્ષ્યા થશે તો? આવી અનેક ચિંતાઓ જવાબદારીની વાત આવે ત્યારે ઊભી થતી હોય છે.

ચિંતાથી બચવા માણસ કોઈકનું, કોઈ વ્યક્તિ કે ચીજનું, શરણું શોધે છે અને એ ન મળે ત્યારે પોતાની આસપાસ દીવાલ ચણીને બીજાઓથી દૂર જવાનો પ્રયત્ન કરે છે, એકલો પડી જાય છે.

ચિંતામુક્ત બનવા માટે જવાબદારીઓને ઘણી વખત નસીબના આધારે છોડી દેવાનું મન થાય છે. જવાબદારી લેવી એટલે કામમાં પ્રવૃત્ત થવું. જવાબદારીને નસીબ પર છોડી દેવી એટલે કામમાંથી નિવૃત્ત થઈને આળસ કરીને બેઠાં રહેવું અને જોયા કરવું કે હવે નસીબ કઈ તરફ લઈ જાય છે. આવી પરિસ્થિતિમાં મોટેભાગે નસીબ તમને ઊંડી ખાઈ તરફ ધક્કો મારતું રહે છે.

મનમાં કાળાં વાદળોને લીધે સર્જાતી દરેક માનસિક સમસ્યાનો સીધો સંબંધ કંટાળા સાથે છે. કંટાળાનો વિરોધી શબ્દ આનંદ છે. મન આનંદમાં હોય, પ્રફુલ્લિત હોય, પ્રસન્ન હોય, ત્યારે કોઈ પણ માનસિક સમસ્યા તમને સતાવતી નથી. પણ મન કંટાળે ત્યારે આ તમામ સમસ્યાઓ એક સાથે મનમાં મંડારાવા લાગે છે.

કંટાળાનું નેગેટિવ સ્વરૂપ જ મોટાભાગના લોકોને દેખાય છે. કોઈપણ ક્રિયામાંથી આનંદ મળતો અટકી જવાની પરિસ્થિતિને કંટાળો કહે છે. કંટાળો કામ પર ચોકડી મૂકી દેવાની સ્થિતિ નથી, પણ ચેતવણીનું સિગ્નલ છે.

કામમાંથી આનંદની હાજરી ગુમ થઈ જાય ત્યારે કંટાળો જન્મે અને કંટાળાની પરિસ્થિતિનું વારંવારનું આવર્તન મૂડ ઑફ કરી નાખે જેને ટેક્નિકલી માઇલ્ડ ડિપ્રેશન કહી શકીએ. બેચેની જેવું લાગે તેને ડિપ્રેશન ન કહેવાય પણ તેને મૂડ ઑફ થઈ જવાની પરિસ્થિતિ કહે, માઇલ્ડ ડિપ્રેશન કહે.

આનંદમાં રહેવાના અનેક રસ્તા છે પણ કંટાળાનો માત્ર એક જ ઉપાય છે – ખંત. અંગ્રેજીમાં જેને પર્સિવરન્સ કહે છે તે. મચી રહેવું, હેતુ પૂરો ન થાય ત્યાં સુધી મંડ્યા રહેવું. એક હેતુ પૂરો થઈ જાય એટલે બીજા હેતુને પૂરો કરવા પરોવાઈ જવું. ક્રિકેટર જેમ એક મૅચ રમ્યા પછી બીજી મૅચ માટે પ્રેક્ટિસ શરૂ કરી દે કે ગાયક જેમ એક ગીત ગાઈ લીધા પછી બીજા ગીતના રેકોર્ડિંગ માટે રિયાઝ શરૂ કરી દે તેમ.

કામમાં કંટાળો પ્રવેશ્યા પછી પણ કામ ચાલુ રાખવામાં આવે ત્યારે, ગમે એટલા માનસિક દબાણ હેઠળ પણ એ કામ નથી જ અટકાવવું એવી દ્રઢતા હોય ત્યારે, કોઈ ને કોઈ તબક્કે એ ખંતનું પરિણામ મળી જતું હોય છે.

છેવટે કામ પૂરું થાય છે અને કામ પૂરું થાય એ દરમિયાન કંટાળો દૂર થઈ ગયો હોય છે.

કંટાળો દૂર કરવા જેમ કામ ચાલુ રાખવું પડે એમ ડિપ્રેશનમાંથી આનંદ તરફ પાછા જવા માટે પણ કામ કરતાં રહેવું પડે.

અંગ્રેજીમાં લખતા ભારતીય લેખકોમાં ગ્રાન્ડ ઓલ્ડમૅન ગણાયેલા સ્વ. મુલ્કરાજ આનંદે એક વાત કહી હતી. કામ વિશે એમણે કહ્યું હતું: ‘લેખનથી જ મારા મનને શાતા મળતી હોય છે. આ ઉંમરે પણ હું રોજનાં બે પાનાં ન લખું તો બીમાર છું એવું મને લાગે. લેખનથી જ હું દર વખતે નર્વસ બ્રેકડાઉનમાંથી સાજો થયો છું’

કામ કરવું, સતત કરવું, પછી પરિણામ જે આવે તે. અહીં ફરી એકવાર, આ જ કૉલમમાં પંદર દિવસ અગાઉ ગીતાના જે સૌથી પ્રસિદ્ધ શ્લોકને ટાંક્યો હતો તે યાદ આવે છે. ‘ધીરુભાઈ બનવાની પાંચ ટિપ્સ’ લેખ વાંચીને વીરેન્દ્ર પારેખ નામના મારા વડીલ-વિદ્વાન પત્રકાર મિત્રે આ શ્લોક પર તદ્દન નવો જ પ્રકાશ પાડતાં મને લખ્યું:

“ગીતાના આ શ્લોકમાં જે ‘અધિકાર’ શબ્દ છે તેને લોકો હક્ક, right કે entitlement તરીકે ઘટાવે છે અને કહે છે કે આવું તે હોય? વાસ્તવમાં અહીં અધિકાર એટલે ‘અંકુશ’, ‘કાબૂ’, control. આપણો અંકુશ કર્મ પર હોય છે, પરિણામ પર નહીં, માટે તેનો બહુ વિચાર ન કરવો.’

ગીતાના એ શ્લોકમાં અધિકાર એટલે હક્ક નહીં પણ અંકુશ એટલું સમજી લીધા પછી કામમાં સાતત્ય રહેવાનું, સરળ બને જેને લીધે ન તો જીવનમાં ક્યારેય કંટાળો પ્રવેશે, ન ડિપ્રેશનના ભોગ બનવું પડે.

સાયલન્સ પ્લીઝ!

મોટા ભાગના લોકો સાચું શું છે એ શોધવાની તકલીફ ઉઠાવતા જ નથી, પહેલીવાર જે સાંભળ્યું તેને જ સાચું માની લેતા હોય છે.

—થુસિડિડીસ (માનવ સ્વભાવનો અભ્યાસકાર અને ગ્રીક ઇતિહાસકાર ઇ.પૂ.460-3095)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

  1. મને એમ લાગે છે કે આપ રજનીશજી ની જેમ મનુષ્યના મનને ખૂબ સારી રીતે પરખો છો. ધન્યવાદ સર, મજા પડવાની.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here