ખરો ગુજરાતી કોણ છે? : સૌરભ શાહ

(તડકભડકઃ ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, 21 ઑગસ્ટ, 2022)

ગુજરાતીઓનું ગુજરાતીપણું શેમાં છે? હેલો, હાય કે ગુડ મૉર્નિંગને બદલે જય શ્રીકૃષ્ણ, જય જિનેન્દ્ર કે જય સ્વામિનારાયણ બોલવામાં?

રાત્રે સૂતી વખતે પાઇપિનવાળો અને બાબાસૂટના બુશકોટ જેવો નાઇટડ્રેસ પહેરવાને બદલે દરજીએ સિવેલા સુતરાઉ લેંઘાની ઉપર સદરો પહેરવામાં?

બાબાની બર્થડેને દિવસે કેક કાપવાને બદલે સત્યનારાયણની કથા રાખવામાં?

ગુજરાતીઓ હૉલિવુડની ફિલ્મો કે હિન્દી સિનેમાને બદલે સાતસો રૂપિયાની ટિકિટવાળું ગુજરાતી નાટક જુએ કે ગુજરાતી ફિલ્મ જોઈ આવે એને કારણે એમની ગુજરાતી સંસ્કૃતિ પ્રત્યેની વફાદારી સ્થપાઈ જતી નથી.

પાક્કો ગુજરાતી એ છે જેની ધોરી નસમાં ખળખળ ગુજરાતી લોહી વહે છે. હવે સવાલ એ છે કે ગુજરાતી લોહી એટલે શું અને એ કેવું હોય? શું એમાં ભજિયાં જેમાં તળાતાં હોય તે કપાસિયાનું તેલ હોય? કે પછી ફાફડા જેમાં બોળીને ખવાતા હોય તે પીળી કઢી ભળેલી હોય? જવાબ શોધવાની કોશિશ કરવી જરૂરી છે કારણ કે આજકાલ ચારેકોર બૂમાબૂમ થઈ રહી છે કે ગુજરાતીઓ, તમારી અસ્મિતાને સાચવો, ગુજરાતીઓ પોતાનું ગુજરાતીપણું ગુમાવતા જાય છે.

સૌ પ્રથમ તો એ સવાલ કે ગુજરાતી કોને કહીશું? જેનાં મૂળ ગુજરાતમાં છે એ ગુજરાતી છે. આજની તારીખે એ ગુજરાતમાં ન વસતો હોય એ શક્ય છે. ગુજરાતમાં વસતો હોય, વરસોથી વસતો હોય પણ જન્મ સમયે એની માતૃભાષા બિનગુજરાતી ભાષાઓમાંની કોઈ એક હોય એ પણ ગુજરાતી જ છે.

દરેક માણસને પોતાની આઇડેન્ટિટીની ખોજ હોય છે. ગુજરાતી વાતાવરણ કે ગુજરાતી સંસ્કૃતિ સાથે જે પોતાની જાતને આઇડેન્ટિફાય કરી શકે છે તે ગુજરાતી છે. જો કોઈને ડર લાગતો હોય કે ગુજરાતી હોવાનું અભિમાન પ્રદેશવાદ કે સંકુચિતતા ગણાશે તો એ એનો પ્રૉબ્લેમ છે. એવા લોકોને પોતાની વિશ્વબંધુત્વની સ્યુડો ફિલોસોફી મુબારક.

આપણે ગુજરાતીતાની વાત કરીએ.

બર્ટ્રાન્ડ રસેલે કહ્યું હતું કે સંસ્કૃતિના બે માપદંડ છે- પ્રજાની અગમદ્રષ્ટિ અને પ્રજા પાસેની માહિતી, એને પ્રાપ્ત થતું જ્ઞાન. ગુજરાતી પ્રજા પાસે આગળ જોવાની દ્રષ્ટિ છે એ વાતમાં કોઈ શંકા નથી. ભવિષ્યનું વિચારી શકનારી આ પ્રજા છે. ભવિષ્યનો વિચાર હતો એટલે જ સ્તો કચ્છી, કપોળ, ભાટિયા કે મોઢ પોતપોતાનું વતન છોડીને વેપાર કરવા પરદેશ ગયા. દરિયો ખેડીને મુંબઈ આવ્યા, આફ્રિકા ગયા.

વેપાર-વણજની બાબતમાં ગુજરાતીઓ જેવી દ્રષ્ટિ બહુ ઓછી પ્રજા પાસે છે. પરંતુ આજથી પચ્ચીસેક વર્ષ પહેલાંના સમયગાળા સુધી વેપારના ક્ષેત્રની બહાર ગુજરાતીઓએ પોતાની સંસ્કૃતિને એટલી વિકસવા દીધી નહોતી જેટલી અન્ય પ્રજાઓએ પોતપોતાની સંસ્કૃતિને વિકસાવી હતી.

ગુજરાતીઓ પાસે સ્થાનિક, રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે દિગ્ગજ રાજકીય નેતાઓ હોવા છતાં રાજકીય ચેતના જગાવવામાં, આઝાદીના પચાસેક વર્ષ પછી પણ, ગુજરાતીઓ બીજાની સરખામણીએ પાછળ રહ્યા. સામાજિક પુનર્ઘડતરની બાબતમાં ગુજરાતીઓ રૂઢિચુસ્ત હતા જે તમામ પરિસ્થિતિ ત્રણેક દાયકાથી બદલાઈ ગઈ છે.

વેપાર સિવાયની સાહસિકતા ગુજરાતીઓમાં નહિવત હતી. ભણેલાં ગણેલાં માબાપો પણ પોતાનું સંતાન લશ્કરમાં કરીઅર બનાવવાની વાત કરશે તો એને ટપલું મારીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવી દેતા એવું ઘણા વર્ષો સુધી ચાલ્યું. આ તમામ બાબતોમાં સુખદ અપવાદો જરૂર હતા. પણ એ અપવાદો હતા. આપણે વાત કરીએ છીએ બીજી પ્રજાઓની સાથેની સરખામણી કરીને. એ જમાનામાં પર્સન્ટેજવાઇઝ આપણામાં આ બધું ઓછું હતું, ઘણું ઓછું હતું.

ગુજરાતના ગુજરાતીઓએ ગુજરાતની બહાર મુંબઈમાં કે ભારતના અન્ય શહેરો-ગામોમાં વસતા ગુજરાતીઓએ તેમ વિદેશમાં વસતા ગુજરાતીઓ પોતાનો ઇતિહાસ જાણી લેવો જોઈએ. પોતે કોણ છે અને શા માટે છે એ પ્રશ્નોના જવાબ સામાજિક સંદર્ભમાં એની પાસે આવી જવા જોઈએ.

ગુજરાતી સંસ્કૃતિ માત્ર વાણિયા સંસ્કૃતિ નથી. દાળભાત ખાઉ અને સાલા બનિયા જેવા અપશબ્દો કેટલાક બિનગુજરાતીઓ આપણા માટે તુચ્છકારમાં વાપરતા આવ્યા છે. આપણે પણ એમના માટે એથીય હલકા શબ્દો વાપરી શકીએ છીએ. પણ આપણા સંસ્કાર ના પાડે છે.

ગુજરાતી વાણિયાને વાણિયા હોવાનું અભિમાન છે. ગુજરાતના સમૃદ્ધ દરિયાકાંઠેથી વેપાર કરવા માટે વહાણમાં દેશપરદેશ ગયેલા વેપારીઓ ‘વહાણિયા’ કહેવાયા. આ વહાણિયા તે વાણિયા. વાણિયો નવા બંદરે ઊતરીને પોતાના માલની શુદ્ધતાની પરખ કરાવીને જેની પાસેથી સર્ટિફિકેટ લે તે પરીખ હતા અને જેની પાસે માલની ચોક્સાઈ કરાવે તે ચોક્સી હતા. માલ વેચતાં પહેલાં જેના ગોડાઉન, વેરહાઉસ કે કોઠારોમાં સંઘરી રાખવામાં આવતો તે કોઠારી હતા. માલની સામે જે નાણાં ધીરતા તે નાણાવટી હતા.

ગુજરાતીઓની આ વહાણિયા સંસ્કૃતિ વ્યાપકરૂપે દેશપરદેશમાં ખીલી. એડિસઅબાબા, મસ્કત, કોઇમ્બતુર કે મુંબઈ. ગુજરાતીઓ વિશ્વભરમાં ફેલાઈ ગયા.

વીરજી વોરા, ભીમજી પારેખ અને સુંદરજી સોદાગરનાં નામો આજની પેઢીના ગુજરાતીઓ માટે અજાણ્યાં હશે. મૂળજી જેઠા માત્ર એક માર્કેટનું નામ નથી, પણ એ મહાન હસ્તીના ખરેખર મુંબઈના આર્થિક જગતમાં એક જમાનામાં ડંકા પડતા હતા એ સમજવાનું કામ નવી ગુજરાતી પેઢી માટે જરા અઘરું છે, જીવરાજ બાલુ, મથુરાદાસ લવજી, લખમીદાસ ખીમજી, મોરારજી ગોકુલદાસ, દ્વારકાદાસ ધરમસી, રણછોડલાલ છોટાલાલ, શાંતિલાલ ઝવેરી. સંખ્યાબંધ નામોની હારમાળા છે. આ તમામ નામ એક, બે કે ત્રણ સૈકા પહેલાં થઈ ગયેલાં ગુજરાતીઓનાં છે અને આજની ગુજરાતી પ્રજા આ અને આવાં અનેક નામોની એક કરતાં વધુ રીતે ઋણી છે.

શાંતિદાસ ઝવેરી, 1980ની સાલમાં સ્વર્ગસ્થ થયેલા, કસ્તુરભાઈ લાલભાઈના પૂર્વજ હતા. સોળમી સદીમાં ઈ.સ.1550ની આસપાસ શાંતિદાસના પિતા સહસ્ત્રકિરણે ધંધાની શોધમાં મેવાડથી અમદાવાદ સ્થળાંતર કર્યું હતું, એવું ઇતિહાસવિદ્ મકરન્દ મહેતાઓએ નોંધ્યું છે. શેઠ સહસ્ત્રકિરણ મારવાડી ઝવેરીઓની દુકાનોમાં હુન્નર અને વ્યાપારની રીતરસમો શીખ્યા જે એમના પુત્ર શાંતિદાસને વારસામાં મળી. બળદગાડાના એ જમાનામાં પણ ગુજરાતી ઝવેરીઓ પૅરિસ અને એન્ટવર્પ સાથે વેપાર કરતા. શાંતિદાસ માટે 1655 અને 1656માં શાહજહાંએ ફરમાન મોકલ્યું હતું કે તેઓ અમદાવાદથી બેનમૂન હીરા લઈને દિલ્હીના શાહી મહેલમાં આવી પહોંચે.

શાંતિદાસ વેપારીઓના કાફલા કાઢીને રક્ષણ માટે શસ્ત્રધારી વળાથિયાઓ રાખીને જાલોર, જોધપુર, મેડતા, અજમેર, આગ્રા અને મથુરાના માર્ગે દિલ્હી જતા. દિલ્હી પહોંચ્યા બાદ જ્ઞાતિપંચો કે મહાજનોના વાડાઓમાં ઊતરતા જ્યાં તેમના ભોજન તથા સ્નાનાદિની વ્યવસ્થા થતી. એક દંતકથા એવી છે કે શાહજહાંનો પિતા જહાંગીર શાંતિદાસ ઝવેરીને ‘શાંતિમામા’ કહીને બોલાવતો. પણ એ વખતે બધા સાથે બેસીને જમે એવો જમાનો નહોતો. ગુજરાતીઓ માટે આજે ઘણું બધું બદલાઈ ગયું છે અને ઘણું બધું બદલાયા વિનાનું રહ્યું છે.

વધુ આવતા રવિવારે.

પાન બનાર્સવાલા

તાકાત જિંદગી છે, કમજોરી મૃત્યુ છે.

—સ્વામી વિવેકાનંદ

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

16 COMMENTS

  1. આવા પુર્વજો ના લેખ આજની પેઢી ને આપી ને એમને એમના વડીલો, પુર્વજો, તથા દાદા, પરદાદા ના ગૌરવવંતા ઇતિહાસ નું જ્ઞાન આપી વડીલો નો ગૌરવશાળી વારસો તે પણ ગૌરવ થી આગળ વધારે તેવી શુભેચ્છા આપને ખુબ ખુબ અભિનંદન

  2. ખૂબ જ સરસ ! ગુજરાતીનું ખરું શાન- માન રહેવું જ જોઈએ….આવું જ કંઈક નવું પીરસતાં રહો મારા સાહેબ ! ! !

  3. સૌરભ ભાઈ નમસ્તે, આજે તમારો આણંદજી ‌‌‌ભાઈ મોટે નો ઓડીઓ જોયો સાંભળી ને બહુ ગમ્યો મજા આવી. તમે એમના કચ્છી પણા ની વાત ન કરી.
    ્ ્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્

    • આણંદજીભાઈ નહીં કલ્યાણજીભાઈની પુણ્યતિથિ છે. આણંદજીભાઈ તો સો વર્ષ સુધી જીવવાના છે!

  4. બહુ સરસ માહિતી મળી. આવી વધુ વિગતો વાંચવી ગમશે.

  5. Aavu j kaik search Kari ne lakhta raho Gujarati bhasha ni uttam Deva 6 tamari.we love and appreciate the articles of your presence

  6. અમારી અટક પરીખ છે.પરીખ કેવી રીતે આવી તે જાણીને રોમાંચ થયો.મુંબઈ ડેવલપમેન્ટ માં ભાટિયા કોમનો પણ ઘણો જ ફાળો છે. એવો આછો ખ્યાલ છે.સરસ માહિતી બદલ ધન્યવાદ.

  7. ખરો ગુજરાતી કોણ ખરેખર ખુબ જ ઇનટેરસટીગ વિષય છે આજની પેઢી ને મુળજી જેઠા માર્કેટ કાલબાદેવી ઉપર છે પણ મુળજી જેઠા પોતે કોણ હતા એની ઞતાઞમ નથી હોતી. અને આજ ની પેઢી ને તમારા જેવા સમર્થ લેખક નુ નિરૂપણ વાચવા મળેલ છે . એજ સૌભાગ્ય ની વાત છે.

  8. ગુજરાતી અટકો વિશે આજે જાણવા મળ્યું. આભાર.

  9. મૂળજી જેઠા અને બીજા અમુક નામો આજે જ જાણવા મળ્યાં.

  10. સરસ લેખ સૌરભભાઈ, આવી જ રીતે દરેક જ્ઞાતિ કે સમાજ વિશે રસપ્રદ માહિતીસભર લેખ અથવા આખી સિરીઝ લખવા વિનંતી જેથી વૃક્ષના સૌથી ઉપરના પાનને પણ ખબર પડે કે તેનું મૂળ ક્યાં છે.

  11. “મૂળજી જેઠા”
    આ નામ થી હું હચમચી ગયો, nostalgic થઈ ગયો.
    વર્ષો પહેલાં ગુજરાત માંથી મુંબઈ સ્થળાંતર કરતાં ગુજરાતીઓ માટે પ્રથમ સ્થાન હતું મૂળજી જેઠા માર્કેટ.
    મારા પિતા પણ ૧૧/૧૨ વર્ષની ઉંમરે મુંબઈ આવી ત્યાં ગુમાસ્તા ની નોકરી લીધી ( એ સમયે ગુમાસ્તા ની વ્યાખ્યામાં સવારે દુકાન ખોલી કચરો વાળવો, municipality ના નળ પર નાહિ લેવાનું,આખો દિવસ શેઠ બતાવે એ તમામ કામ કરવાના અને રાત્રે દુકાન બંધ થાય એટલે તેનાજ ઓટલા પર સૂઈ જવાનું)
    પરંતુ આજ મૂળજી જેઠા એ ગુજરાતીઓ ને સચવ્યા,ધીરે ધીરે કલ્બાદેવી ની ચાલ,ગોરેગામ મલાડ બોરીવલી ના ફ્લેટ થી લઈ પેડર રોડ કે વાલકેશ્વર સુધી ગુજરાતીઓ પહોંચ્યા.
    છોડ ને પાંગરવા માટે ટેકા ની જરૂર પડે પરંતુ સમય જતાં તે વટવૃક્ષ બની જાય છે.
    આવા મૂળજી જેઠા ને હૃદય થી અંજલી.

  12. બહુ સરસ ગુજરાતીઓ ની વિગત જાણવા મળી.આજ ના વિધાર્થીઓ ને પણ આ ગૌરવશાળી ઈતિહાસ જાણવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here