ભગવાન શ્રીકૃષ્ણ, મહાભારત, ભગવદ્ ગીતા અને શ્રીમદ્ ભાગવત વિશેનો ગૂંચવાડો દૂર કરવા સ્વામી સચ્ચિદાનંદની મુલાકાત લીધી ત્યારે: સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક : શ્રાવણ વદ આઠમ, વિક્રમ સંવત ૨૦૭૮. શુક્રવાર, ૧૯ ઑગસ્ટ ૨૦૨૨)

મહર્ષિ વેદ વ્યાસે પાંચ હજાર વર્ષ પહેલાં ‘મહાભારત’ની રચના કરી જેમાં શ્રીકૃષ્ણ એક પ્રતાપી રાજા, વિચક્ષણ રાજદ્વારી અને ભલભલા સમકાલીન રાજા-મહારાજાઓ જેમની આમન્યા રાખતા એવા આદરણીય વિષ્ટિકાર હતા.

‘મહાભારત’માં જ ભગવદ્‌ ગીતા આવે છે. શ્રીકૃષ્ણનું એક ચિંતક અને વ્યવહારુ માર્ગદર્શક તથા વિરાટ અધ્યાત્મ પુરુષ તરીકેનું પાસું ગીતામાં પ્રગટ થાય છે.

મહાભારતની રચનાના લગભગ ત્રણ-સાડા ત્રણ હજાર વર્ષ બાદ જે પુરાણો રચાયાં તેમાંનું એક ‘શ્રીમદ્ ભાગવત’ (ભગવદ્ ગીતા’ સાથે માત્ર નામનું સામ્ય લાગે એટલું જ. કૉલગેટ નામની ટૂથપેસ્ટના પેકિંગ વગેરેની નકલ કરીને નામ કૉલગેટને બદલે કૉલેજિયન લખવામાં આવે એવું જ કંઈક સમજો).

આ શ્રીમદ્ ભાગવત પુરાણમાં શ્રીકૃષ્ણની બૅક સ્ટોરી ઘડી કાઢવામાં આવી એટલું જ નહીં એના રચયિતા પણ વેદ વ્યાસ જ હતા એવી હવા બાંધવામાં આવી. જ્યારે આ વાત પડકારવામાં આવી કે વેદ વ્યાસ તો ભાગવતના હજારો વર્ષ પહેલાં થઈ ગયા તો કોઈએ જોડી કાઢ્યું કે વેદ વ્યાસે મહાભારત અને ભાગવત બેઉ સાથે લખ્યાં હતાં!

ભાગવત જો વેદ વ્યાસે જ લખ્યું હશે તો એ વેદ વ્યાસ જુદા હશે, મહાભારતકાર વેદ વ્યાસ નહીં, એવું ઘણા સમજવા જ તૈયાર નથી થતા. એક જ નામવાળા એક કરતાં વધારે લોકો ન હોઈ શકે? આપણી જ આસપાસ કેટલા કાન્તિભાઈ પટેલ, સુરેશભાઈ શાહ કે મહેશભાઈ પંડ્યા છે!

ખેર, મહાભારતવાળા ઓરિજિનલ શ્રીકૃષ્ણની જે બૅકસ્ટોરી લખવામાં આવી તે ‘વાર્તા’ના બધા પ્રસંગોને આપણે પ્રતીકરૂપે લેવાના હોય — માખણચોરી, ગોવર્ધન પર્વત, ગેડીદડો અને કાલીયનાગ, રાસલીલા ઇત્યાદિ.

પણ ભોળી જનતાને મહાભારતવાળા પ્રતાપી અધ્યાત્મપુરુષ કરતાં ભેળસેળિયા કૃષ્ણની વાર્તાઓ વધુ ગમી ગઈ. કૃષ્ણની રાસલીલાનો ગંદો અર્થ કાઢનારા સંપ્રદાયો આવ્યા. પોતાના મનની ગંદકીને જસ્ટિફાય કરવા માટે ‘રાધા કા ભી શ્યામ હો તો મીરા કા ભી શ્યામ’ અને ‘રાધા કૈસે ન જલે’ જેવાં અગણિત ગીતો, લોકગીતો ઇવન ભજનો રચીને લોકો પોતપોતાની દબાવી રાખેલી ઇચ્છાઓને વાચા આપવા લાગ્યા. પોતાની ભવાઈને લીલાનો દરજ્જો આપવા માટે લોકો કૃષ્ણની લીલાને ભવાઈના સ્તરે લઈ આવ્યા. આટલું ઓછું હોય એમ કૉલેજમાં કોઈ રોડ સાઇડ રોમિયો અનેક છોકરીઓ પર લાઇન મારીને બધીઓને પટાવવાની કોશિશ કરતો હોય તો ખુદ છોકરીઓ એની પ્રશંસા કરતી હોય એમ કહેવા લાગતીઃ ‘એ તો અમારી કૉલેજનો કાનુડો છે.’

અરે મારી બહેની, તું જેને કાનુડો કહે છે તે તો સડકછાપ રોમિયો છે, એને કાનુડો ન કહેવાય. કાનુડો તો આપણા ભગવાન, આપણા સર્વોચ્ચ આરાધ્યદેવ શ્રીકૃષ્ણ માટે વપરાતું લાડકું પ્યારભર્યું નામ છે. આ શ્રીકૃષ્ણ કંઈ તું જેને લુચ્ચી નજરે જુએ છે એવા રોડસાઇડ રોમિયો નહોતા કે પછી એમના જીવનની રાધા, રુક્મિણી વગેરે એમનાં એક્સ્ટ્રા મરાઇટલ રિલેશન્સ-લગ્નબાહ્ય સંબંધો, આડા સંબંધો પણ નહોતાં. આ બધી વાતો પુરાણોમાં જોડી કાઢવામાં આવી છે જેને સમજવી જ હોય તો પ્રતીકરૂપે સમજવાની કોશિશ કરવાની અને આવી વાતો ન સમજાય કે ગળે ન ઉતરે તો એને બાજુએ મૂકી દઈને આગળ વધી જવાનું — ગીતાકાર શ્રીકૃષ્ણનું સ્મરણ કરીને એમણે જે જ્ઞાનસાગર દુનિયાને આપ્યો તેમાંથી યથાશક્તિ ચમચી-બે ચમચી લઈને પોતાના જીવનને સાર્થક બનાવવાની કોશિશ કરવાની.

કેટલાક લોકો વેદ-ઉપનિષદ-પુરાણોનો એકસાથે એકશ્વાસે ઉલ્લેખ કરે છે. આને કારણે આ તમામનો રચનાકાળ એક જ હશે એવી ભ્રમણા નીપજે છે જે હવે તો જાણે એટલી જડબેસલાક થઈ ગઈ છે કે કેટલાક લોકો તો દંડૂકો લઈને તમને મારવા દોડે જો તમે એવું કહો કે રામાયણ-મહાભારતની રચનાના હજારો વર્ષ પહેલાં વેદ-ઉપનિષદો રચાયાં અને રામાયણ-મહાભારતની રચનાના હજારો વર્ષ પછી પુરાણો રચાયાં.

આ ઉપરાંત એટલું પણ ધ્યાન રાખવાનું કે આ તમામ ગ્રંથો-શાસ્ત્રોની રચના બાદ કંઈક કેટલાય વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ધરાવતા લોકોએ એમાં ક્ષેપકો ઉમેર્યા અને આજની તારીખે એ ઉમેરાઓ પણ મૂળ રચનાકારના નામે ચડી ગયા હોવાથી કોઈ એને પડકારતું નથી જેને કારણે આપણી સંસ્કૃતિનું મોટું નુકસાન થાય છે, અપમાન થાય છે.

સ્વામી સચ્ચિદાનંદની રૂબરૂ મુલાકાત લઈને, એમની સમક્ષ મારું અજ્ઞાન પ્રગટ કરીને તથા મારું કુતૂહલ તથા મારી જિજ્ઞાસા ઠાલવીને મેં સમજવાની કોશિશ કરી કે આ બધો ગૂંચવાડો ક્યાં, કેવી રીતે, ક્યારે, શું કામ સર્જાયો. આ મંથનમાંથી તેર લેખોની જે સિરીઝ લખાઈ તે 22 એપ્રિલ 2021થી 4 મે 2021 દરમ્યાન ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થઈ. આ મુલાકાત 2018ની ધૂળેટી વખતે લેવાઈ હતી અને આ તેર લેખો તે જ ગાળામાં ‘મુંબઈ સમાચાર’માં પ્રગટ થતી મારી કૉલમમાં ‘ગુડ મૉર્નિંગ’માં છપાયા હતા.

આ સિરીઝમાં મેં મારા વિચારો પ્રગટ કર્યા છે, હું જે સમજ્યો છું તેને મેં મારી શક્તિ મુજબ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મારા આ વિચારો સાથે કોઈએ સહમત ન થવું હોય તો મને કોઈ જ વાંધો નથી. કોઈના વિચારો સાથે હું સહમત ન થતો હોઉં તો કોઈને પણ કશો વાંધો ન હોવો જોઈએ.

સ્વામી સચ્ચિદાનંદના વિચારો એમના શબ્દોમાં બે અવતરણ ચિહ્નો મૂકેલા છે. એ સિવાયના શબ્દોને કોઈએ સ્વામીજીના શબ્દો તરીકે ટાંકવા નહીં જેથી મેં કરેલી કોઈ ભૂલ એમના નામે પ્રચલિત ન થાય. એમણે આ વિશે વિપુલ ચિંતન કર્યું છે. એ વિશે પુસ્તકોમાં પણ લખ્યું છે.

આ શ્રેણીના લેખો ક્રમબદ્ધ વાંચવા જેથી એક પછી એક સમજણ ઉઘડતી જાય, આડાઅવળા વાંચવાથી અટવાઈ જવાની સંભાવના રહેશે.

તમારા પ્રતિભાવોની અપેક્ષા છે.

૧૩ લેખોની લિન્ક અહીં આપી છે:

1) ઓરિજિનલ કૃષ્ણ અને ભેળસેળિયા કૃષ્ણ : સૌરભ શાહ

2) કૃષ્ણ એમની દ્રષ્ટિએ, કૃષ્ણ આપણી દ્રષ્ટિએ : સૌરભ શાહ

3) સાચા કૃષ્ણ કયા, આરાધ્ય કૃષ્ણ કયા, રિલેવન્ટ કૃષ્ણ કયા : સૌરભ શાહ

4) ગીતાના શ્રીકૃષ્ણ અને ભાગવતના શ્રીકૃષ્ણ : સૌરભ શાહ

5) ‘વિદેશીઓને આપણે શ્રીકૃષ્ણ વિશે શું આવો બોધપાઠ આપવા માગીએ છીએ’ : સૌરભ શાહ

6) મહાભારતના કૃષ્ણ: વ્યવહારનેતા અને યુદ્ધનેતા : સૌરભ શાહ

7) વેદ-ઉપનિષદ અને રામાયણ-મહાભારત-પછી પુરાણો લખાયાં તેમાં ફાયદો થયો કે નુકસાન થયું? : સૌરભ શાહ

8) પુરાણોમાંની આઘાતજનક વાતો : સૌરભ શાહ

9) ભાગવતમાંના કૃષ્ણની કથાઓનું હવે શું કરવું : સૌરભ શાહ

10) ધર્મ અને જીવનને ગૂંચવી નાખનારાઓથી બચીએ : સૌરભ શાહ

11) મોક્ષની ચ્યુઇંગ ગમ અને આત્માની લૉલિપૉપ : સૌરભ શાહ

12) શું પ્રાચીન ગ્રંથોમાં જે કંઈ લખાયું તે બધું જ સ્વીકારી લેવાનું? : સૌરભ શાહ

13) મહાભારત, પુરાણો અને શેક્સપિયર : સૌરભ શાહ

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

9 COMMENTS

  1. ભાઇશ્રી સૌરભભાઇ, નમસ્તે, માત્ર મહાભારત ઉપરથી કૃષ્ણચરિત્ર (બાળપણના પ્રસંગો સાથે ) વાંચવું હોય તો, મુરબ્બીશ્રી ઉપેન્દ્રભાઇ સાંડેસરાએ “શ્રીકૃષ્ણ પુરુષોત્તમ અંતર્યામી” પુસ્તક બે ભાગમાં લખ્યું છે. દરેક પ્રસંગોમાં જરુરી મહાભારતના શ્લોકોનું અનુસંધાન આપેલું છે. ૧૯૭૮માં ગુર્જર ગ્રંથરત્ન વાળાએ પ્રકાશિત કર્યું છે. આપની એક સુંદર જીજ્ઞાસા જોઇ કોમેંટ મુકી છે. કદાચ ગમે!……… ઇતિ શ્રેયમ્ ભૂયાત્ ભવસુખ શિલુ.

  2. કથાકારો ખરેખર તો ભક્તિમાર્ગ ના પ્રવર્તક છે. દરેક વ્યક્તિ ગીતા તરફ તેના જ્ઞાન ને કારણે ન પણ આકાર્ષય. તેઓને કૃષ્ણ વિશે પહેલા સાંભળે, તેમાં રસ પડે પછી આકાર્શાય. ગીતા શંકરચાર્ય ના પહેલા લગભગ વિસરાઈ ગઈ હતી.ફક્ત વિદવાનો જ એનો અભ્યાસ કરતા.
    વૈષ્ણવ આચાર્યો એ ભારતભર માં ભ્રમણ કરી ભાગવત સપ્તાહ કરી, જેથી જનમાન સ કૃષ્ણ તરફ આકર્ષાયું.જેથી આજે હું અને તમે અને એવા ઘણા આજે પણ વૈષ્ણવ ધર્મ અનુસરીયે છીએ. નહીં તો જૈન હોત.
    કૃષ્ણ શ્રીમદ્દ ભગવત ગીતા માં કહે છે કે યે યથા માં પ્રપધ્યે ત્વામ તથાઈવે ભજમયહામ. કોઈ ભગવાન પાસે જ્ઞાન તો કોઈ અર્થ તો કોઈ પ્રેમ માંગે. પ્રેમ માગનાર કનિષ્ઠ નથી. પ્રેમલક્ષ્ણ ભક્તિ માં એણે ઉચ્ચ કોટિ ના ભક્ત કહેવાયા છે. પ્રેમરસ પાને તું મોર ના પીછાધર કહેવા વાળા નરસિંહ મહેતા અખિલ બ્રહ્માંડ માં એક તું શ્રી હરિ જૂજવે અનંત ભાસે. કહી જ્ઞાન ની ઉચ્ચ કક્ષા તરફ ગયા.
    પરદેશી ઓ આપણા ધર્મ કે ફિલોસોફી વિશે શું કહેશે ની ચિંતા શું કામ કરવી.
    મિશનરી ને અને સંયાવાડી ને તો ગમે તેમ કૃષ્ણ નવા રામ ને બદનામ કરવા છે કે કાલ્પનિક ચીતરવા છે. એના trap માં આવવું નહીં.

  3. આપ મહર્ષિ દયાનંદનું પુસ્તક સત્યાર્થપ્રકાશ અને ઋગ્વેદાદિ ભાષ્યભૂમિકા વાંચો. તેમાં તેમણે પુરાણો પર વિસ્તૃતથી વાત કરી છે. પુરાણીનો સાચો અર્થ પ્રમાણ સાથે બતાવ્યો છે.

  4. ખૂબ ગમે છે. કૃષ્ણ, રાધા વગેરેની ચોખવટો મનગમતો વિષય હોવાથી તમારા લેખો દ્વારા જ્ઞાન વધે છે. આભાર.

  5. સ્વામીજીને 👏👏
    સૌથી ઉપર શનીવારને બદલે શુક્રવાર લખશોજી.

      • સ સ્નેહ વંદન…. આટલું લખીને સંતોષ માની લેજો. કારણકે કડવું સત્ય કોઈને ગમતું નથી.મોટા ગજાના વિચારકો કે સંતો એમાં પરિવર્તન લાવી શક્યા નથી. ભાગવત પુરાણ તો અત્યારે આચાર્યો ને સંતનું આજીવિકાનું માધ્યમ છે.. પરિવર્તન ભલે ના આવે પરંતુ વિચારક જીવોને આ બાબતનો ખ્યાલ આવી ગયો છે એટલું પૂરતું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here