હઝારોં ખ્વાહિશેં ઐસી કિ હર ખ્વાહિશ પે દમ નીકલે : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક : મંગળવાર, ૧૬ ઑગસ્ટ ૨૦૨૨)

ઇચ્છાઓ દર સેકન્ડે જન્મતી હોય છે. જિંદગીમાં મારે આ કરવું છે, પેલું કરવું છે, અને તેવું પણ કરવું છે. ઇચ્છાઓ સતત જન્મતી રહે છે.

મૉલમાં આંટો મારવા ગયા તો દર ત્રીજી દુકાનના વિન્ડો ડિસ્પ્લેને તાકીને ઇચ્છાઓ વાગોળતા રહીએ છીએ. મારી પાસે આ હોત તો કેવું સારું. ટીવી પરની જાહેરખબરોને લીધે ઇચ્છાઓ થતી રહી છે કે મારી પાસે આટલું મોટું ટીવી, આવી સરસ ગાડી, આવો રૂપાળો બંગલો અને આવી પત્ની હોવાં જોઈએ.

ગાલિબે લખ્યું હતું:

હઝારોં ખ્વાહિશેં ઐસી કિ હર ખ્વાહિશ પે દમ નીકલે…

દરેક ઇચ્છા પૂરી કરવા માટે જીવ નીચોવાઈ જવાનો છે એની તમને ખબર છે. છતાં જરાક નવરા પડીએ છીએ ને મનમાં સંધરેલી ઇચ્છાઓને પંપાળ્યા કરીએ છીએ અથવા નવી ઇચ્છાઓની પ્રસૂતિ કર્યા કરીએ છીએ.

મૅન ઈઝ અ બન્ડલ ઑફ ડિઝાયર્સ. એક ડાહ્યા અર્થશાસ્ત્રીએ કહ્યું હતું. માનવી ઇચ્છાઓનું પોટલું છે.

આપણા પૂર્વજોના પોટલામાંની ઇચ્છાઓને કારણે જ આ દુનિયાની પ્રગતિ થઈ છે. આ ઇચ્છાઓને કારણે જ માણસ કાચું ખાવામાંથી અગ્નિ પર પકવેલું ખાતો થયો અને આ ઇચ્છાઓને કારણે જ પૈડાની શોધ થઈ જેને કારણે ગાડું-મોટરની શોધથી લઈને ઔદ્યાગિક ક્રાન્તિમાં પાયાનો ભાગ ભજવનારાં ચક્રોવાળાં યંત્રો શોધાયાં.

ઇચ્છાઓ ન હોત તો હજુય આપણે પ્રાગૈતિહાસિક કાળમાં જીવતા હોત અને ટોમી હિલફિગરને બદલે ઝાડનાં છાલ-પાંદડાં પહેરીને ફરતા હોત.

પણ આ જ ઇચ્છાઓના પોટલાનો ભાર આપણને ક્યારેક નિષ્કિય બનાવી દે છે, એના વજનથી આપણે બેસી જઈએ છીએ, હતાશ-નિરાશ અને ફ્રસ્ટ્રેટ થઈ જઈએ છીએ.

એનું કારણ શું?

એનું મોટું કારણ એ કે આપણે ઈચ્છાઓને સંઘર્યા કરી. પોટલું ફાટફાટ થાય ત્યાં સુધી એમાં એને ઠાંસ ઠાંસ કરી. કોઈ એવું નથી કહેતું કે તમારે કેટલી ઇચ્છા રાખવી અને કેટલી નહીં. કોઈ તમને કહેતું નથી કે તમારે આ ઇચ્છા રાખવી અને પેલી નહીં. તમે તમારા ગજા પ્રમાણેની ઈચ્છાઓ રાખો. રાખવી જ જોઈએ. જેઓ ઇચ્છાઓનો ત્યાગ કરી જાણે છે તેઓ સન્યાસી છે, ત્યાગી છે અને મહાન છે. ઇચ્છાઓના ત્યાગનું આખું ક્ષેત્ર જ જુદું છે. જેમને એ દિશામાં જવું હોય તે ખુશીથી જઈ શકે છે. અત્યંત આદરણીય માર્ગ છે એ.

પણ બેબી બારમામાં હોય, બાબો આવતા વર્ષે ગ્રેજ્યુએટ થવાનો હોય, વાઈફ જીમમાં જઈને વજન ઘટાડવા માગતી હોય અને તમે જૂનું બાઈક વેચીને ઈ.એમ.આઈ. પર વેગન-આર વસાવવાનાં મિડલક્લાસી સપનાં જોતાં હો ત્યારે ઇચ્છાત્યાગના માર્ગે જઈ શકવાના નથી. તમારે તો વેગન-આરને બદલે હોન્ડાસિટી અને એથીય વધારે સારી કારની ઈચ્છા રાખવી જોઈએ.

પણ ઇચ્છાઓ રાખવાથી કંઈ વળવાનું નથી. દરેક ઇચ્છાને પૂરી કરવા માટે પ્રયત્નો થવા જોઈએ. પૂરેપૂરા પ્રયત્નો થવા જોઈએ. છેવટ સુધીના પ્રયત્નો થવા જોઈએ. છેલ્લામાં છેલ્લો પ્રયત્ન કરી જોયા પછી બેમાંથી એક  વાત બનશે : કાં તો તમારી એ ઈચ્છા પૂરી થઈ જશે અને કાં પછી એ ઈચ્છા પૂરી નથી થવાની એવી ખાતરી થઈ ગઈ હશે. ઈન આઇધર કેસ તમારા પોટલામાંની એક ઇચ્છા ઓછી થઈ જશે.

ઇચ્છાઓનો ભાર ઓછો કરવા માટે આપણા જેવાઓ માટે આ માર્ગ છે. ત્યાગી પુરુષોનો, સંન્યાસીઓનો માર્ગ જુદો છે. આપણા માટેનો માર્ગ એ છે કે ઇચ્છાને પૂરી કરવા માટે જીવ નીચોવી દઈએ. એક સામટી બઘી જ ઇચ્છાઓને પૂરી કરવાનાં સપનાં નથી જોવાનાં. એવું કરવાથી બધાં જ સપનાં એક સાથે તૂટી જશે અને એને લીધે તમે તૂટી જશો. વન બાય વન સપનાં પૂરાં કરવાનું રાખીએ. પોટલામાં ઇચ્છાઓ ઉમેરતાં જવાને બદલે એમાંની એક એક ઇચ્છા લઈને એને સાકાર કરીએ. મોટું ટીવી લેવાની ઈચ્છા છે? ચાલો, પહેલાં એ પૂરી કરીએ. કેવી રીતે કમાઈ લઈશું એટલા પૈસા. એટલા પૈસા કમાતા હોઈએ ત્યારે એમાંથી આ જ ઇચ્છા પૂરી કરવાની ગણતરી રાખીએ. બાઈક કે કાર લેવાની ઇચ્છા એ પૈસામાંથી પૂરી થવાની નથી. માટે એ ઇચ્છાઓ જો જન્મી ચૂકી હોય તો પણ અત્યારે એને વાગોળવાની નહીં. બહેતર તો એ છે કે બીજી ઇચ્છાઓ જન્મી જ ન હોય જેથી આ-વાળી ઇચ્છાને પૂરી કરવા માટે જી-જાનથી કામ કરી શકીએ. પણ ઈચ્છાઓનું જન્મવું— ન જન્મવું ઘણી વખત આપણા તાબામાં નથી હોતું. આપણા કાબૂમાં માત્ર એટલું જ હોય છે કે બાકીની ઈચ્છાઓને આપણે ઑબ્સેશન બનતાં રોકીએ, વળગણ  બની જતાં રોકીએ જેથી એકાદ બે ઇચ્છા પર કૉન્સન્ટ્રેટ કરીને એને પૂરી કરવા માટે તમામ પ્રયત્નો કરીએ અને એ પ્રયત્નોનું જે પરિણામ આવે તેને સ્વીકારી લઈને બીજી એકાદ-બે ઇચ્છાઓ હાથમાં લઈને એને પૂરી કરવાની કોશિશ કરીએ.

પ્રયત્નો કર્યા વિના કોઈપણ ઇચ્છા પૂરી થવાની નથી.

પ્રયત્નો કર્યા વિના તમને ખબર પણ નથી પડવાની કે તમારી એ ઇચ્છા પૂરી થશે કે નહીં થાય. પ્રયત્નો કર્યા પછી, પૂરેપૂરા નીચોવાઈને પ્રયત્નો કર્યા પછી જ, કઈ ઇચ્છાનું પરિણામ શું આવવાનું છે એની ખબર પડે.

પ્રયત્નો કર્યા વિના પોટલામાં પડી રહેલી ઇચ્છાઓ નર્યો પલાયનવાદ છે. મનમાં ઇચ્છાઓ રમ્યા કરતી હોય એને કારણે તમારું જીવન એક ઇંચ પણ સુધરી જવાનું નથી, તમારું વ્યક્તિત્વ સહેજેય વધુ સારું કે ઓછું ખરાબ બનવાનું નથી. જેને પ્રયત્નોનો સ્પર્શ નથી થયો એવી ઇચ્છાઓનો ભાર તમને ડૂબાડી દેશે. એક પછી એક ઇચ્છાને હાથમાં લઈ એને પૂરી કરવા માટેના સો ટકાના પ્રયત્નો પછી જે પરિણામ આવે છે એ તમને હળવાફુલ બનાવી દે છે અને જ્યારે તમે હળવાફુલ બની જાઓ છો ત્યારે પોટલામાંની એક ઔર ઇચ્છાનું પરિણામ આવે એનો પ્રયત્ન કરવા માટે થનગનતા થઈ જાઓ છો.

આજનો વિચાર

પોતાની ઈચ્છા પૂરી કરવા માટે પ્રયત્નો કરવામાં મહેનત કરવાને બદલે માણસ કરે છે શું? એને જેનો ડર છે એવું ન બને એવા પ્રયત્નો કરવામાં તમામ શક્તિઓ ખર્ચી નાખે છે.

—ડૅન બ્રાઉન ( ‘દ વિન્ચી કોડ’ અને અન્ય બેસ્ટસેલર્સનો નવલકથાકાર)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

3 COMMENTS

  1. Respected Sir
    I read you very very regularly. I do fervently agree to almost all the types of topics you have been covering as of now. Just a humble suggestion if you could write something about women of day to day life, the middle class ‘classy’ ladies, who support their households equally without being valued or noticed much, it would really be appreciated. Or, if you have already penned down about them, kindly guide me towards those articles. Thank you!

  2. નમસ્તે, હમણાંથી આપની કોલમ વાંચી રહ્યો છું, આપને માન સાથે મારી આપને નમ્ર વિનંતી છે કે ઉદાહરણ આપતી વખતે એ ઉદાહરણ યોગ્ય છે કે નહીં તે આપના અનુભવથી નક્કી કરશો તો સામાન્ય વાચક વર્ગને ગેરમાર્ગે જવામાં વિચાર કરશે જેમ કે માણસની પ્રગતિ માં તમે કાચું ખાવાથી અગ્નિની શોધ થી રાંધેલું ખાતો થયો, પણ તમારા હમણાં જ હરિદ્વાર ના અનુભવમાંથી આ વિધાન ખોટું છે, કારણ આજે વર્લ્ડ ઓવર કાચું ખાઈને લોકો અસાધ્ય બીમારીમાંથી સાજા થઈ રહ્યા છે અને એ હકીકત કહેવાતા વિકસિત દેશોના ઘણા ડોક્ટરો પણ સલાહ આપી રહ્યા છે,

    • Please don’t misquote me to suit your thinking.

      Raw food is helpful ONLY in some particular disease and for certain time period only. Depending ebtirely on raw food is not advisable.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here