( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 19 એપ્રિલ 2026 )
મૂડ ઑફ થઈ જવો’ હવે ગુજરાતી રૂઢિપ્રયોગ બની ગયો છે. પાંચ-પચીસ વર્ષ પછી નવા ગુજરાતી શબ્દકોશોમાં પણ એનો સમાવેશ થઈ જશે. મૂડ ઑફ થઈ ગયા પછી એને ફરી ઑન થતાં કલાકો, દિવસો અને ક્યારેક મહિનાઓ નીકળી જતા હોય છે. શું કારણ એનું? વિગતે તપાસીએ.
સેન્ટ ફ્રાન્સિસ દ સેલ્સે કહ્યું હતું: ‘તમારી સામે તમારું આખેઆખું જગત કડડભૂસ થઈ રહેલું નિહાળતી વખતે પણ તમે ધારો તો તમારી આંતરિક શાંતિને અકબંધ રાખી શકો છો.’
માણસ જીવે છે ત્યાં સુધી ક્યારેય એનું આખું જગત તૂટી પડતું નથી. ક્યારેક એનો અંશ કે એના એકથી વધુ અંશ ખરી પડતા હોય ત્યારે તમને એવું લાગે ખરું કે તમારું જગત આખું તૂટી પડી રહ્યું છે. માથે આભ તૂટી પડવું અને એવા બધા રૂઢિપ્રયોગો આલંકારિક ભાષામાં બયાન કરતી વખતે ઠીક લાગે, પરંતુ હકીકતમાં એવું બનતું નથી, માત્ર તે ઘડીએ આપણને એવું લાગતું હોય છે, ક્યારેક આપણી આસપાસનાને પણ લાગતું હોય છે. માણસના મરી ગયા પછી એનું એકલાનું જ નહીં, દુનિયાના તમામ લોકોનું જગત કડડભૂસ થઈ જાય એમાં મરનારે શું અનુભવવાનું? આપ મૂઆ, પીછે ડૂબ ગઈ દુનિયા.
આપણા મનની શાંતિના એકમાત્ર રખેવાળ આપણે પોતે છીએ. કોઈએ તમને કશુંક કહ્યું કે કર્યું અથવા કોઈકે તમારા માટે કશુંક ન કહ્યું કે ન કર્યું અને તમારા મનની શાંતિ ખોરવાઈ ગઈ તો એમાં વાંક કોઈકનો નથી હોતો, આપણો પોતાનો જ હોય છે, આપણી પોતાની પ્રતિક્રિયાનો. ભગવાન મહાવીર તો એક કાનમાંથી પ્રવેશેલી શલાકા બીજા કાનમાં પસાર થઈ ગઈ તોય પૂર્ણપણે શાંત રહ્યા હતા. માણસ રોજબરોજના વ્યવહારમાં અનુભવે છે એ યાતના મહાવીરે ભોગવેલી યાતનાના એક કરોડમાં ભાગ કરતાંય ઓછી હોય છે. આવી યાતનાઓ સહેલાઈથી સહન થઈ શકે, પરંતુ નથી થતી. આનું કારણ શું? મન, જે આપણું પોતાનું છે તેના પર, આપણો જ કાબૂ શા માટે નથી હોતો?
માણસ સ્વભાવે પ્રતિક્રિયાવાદી છે. કોઈ સારી વાત સાંભળીને ખુશ થઈ જવું, કોઈની રમૂજ સાંભળીને હસી પડવું, કોઈ કરુણ વાતે દુ:ખી થઈ જવું – આવી અનેક પ્રતિક્રિયાઓ કોઈપણ સીધી-સાદી વ્યક્તિમાં હોવાની. પણ કઈ પ્રતિક્રિયાનું કેટલું મહત્ત્વ છે તે જાણી શકતા નથી
એટલે આપણે વધારે દુ:ખી થઈએ છીએ. કોઈએ રમૂજી ટુચકો કહ્યો અને હસી પડ્યા. બે મિનિટ પછી ફરી હસ્યા, હસવાનું ચાલુ જ રાખ્યું, ચોવીસ કલાક સુધી હસતા જ રહ્યા – હસવાની આ પ્રતિક્રિયા જો અટકાવી નહીં તો આપણે કઈ હૉસ્પિટલમાં ભરતી થવું પડશે એની ખબર છે. હસવાની બાબતમાં આપણે જાણીએ છીએ કે પ્રતિક્રિયા ખૂબ લાંબી ન ચાલવી જોઈએ.
પણ ખરાબ કે અણગમતી બાબતમાં આવું નથી બનતું. મૂડ ઑફ થઈ જવાની પરિસ્થિતિ આવી જ એક બાબત છે.
જીવનમાં કઈ પ્રતિક્રિયાને કેટલું સ્થાન હોવું જોઈએ એની જાણકારી આપતો કોઈ તૈયાર ચાર્ટ નથી આવતો – કૅલરી ચાર્ટ જેવો. જો આવતો હોત તો આ બધી સમજવાની – સમજાવવાની પળોજણ મટી જાત. પણ કમનસીબે, માણસની લાગણીઓને માપીજોખી શકાય એવાં યંત્રો હજુ બન્યાં નથી (ઑન સેક્ધડ થૉટ, કમનસીબેની જગ્યાએ સદ્નસીબે જોઈએ!). દરેક વ્યક્તિએ પોતે નક્કી કરી લેવું પડે કે એ પોતાની કઈ પ્રતિક્રિયાને કેટલી લંબાવવા માગે છે, ક્યાં અટકાવી દેવા માગે છે. આમાંથી કયાં અને કેટલીવાળી વાત તો જાણે કે શક્ય છે; કશીક દુર્ઘટના બની અને એને કારણે પ્રતિક્રિયારૂપે આ વાતની લાગણી જન્મી ત્યારે આપણે નક્કી કર્યું કે હવે આઘાતની લાગણીને એક કલાકમાં કે એક દિવસમાં કે એક સપ્તાહમાં અટકાવી દેવી છે. આવું નક્કી કરવું સહેલું છે. એટલા સજાગ કદાચ રહી શકાય. પણ ખરો સવાલ એ છે કે નક્કી કરી લીધા પછી શું એ આઘાતની લાગણીને નિશ્ર્ચિત સમયમર્યાદામાં અટકાવી શકાય?
જોઈએ.
એ સ્તર સુધી પહોંચતાં પહેલાં મન વિશેની તદ્દન સાદીસીધી સમજ મેળવી લેવી પડે. મન એટલે બીજું કશું નહીં પણ વિચારોનો પ્રવાહ, જેમાં ભૂતકાળના અનુભવોમાંથી જન્મેલા વિચારો આવી ગયા અને ભવિષ્યની કલ્પનામાંથી પ્રગટતા વિચારો પણ આવી ગયા. વિચારોના આ કાયમી અથવા સ્થાયી તેમ જ કામચલાઉ અથવા અસ્થાયી જથ્થાનો સરવાળો એટલે મન. માણસનું મન એના જીવનની સૌથી મોંઘી મૂડી છે, ભગવાને સર્જેલી સૌથી દુર્લભ અસ્ક્યામત છે. ભૌતિક તમામ ચીજવસ્તુઓ તમારી પાસેથી છીનવાઈ જઈ શકે. પ્રતિષ્ઠા, પૈસો, સંબંધો – બધું જ આપોઆપ જતું રહી શકે કે કોઈ આંચકીને પણ લઈ જઈ શકે. પણ તમારા મન પર કોઈ તરાપ નહીં મારી શકે. એના પર એટલે કે તમારા વિચારો પર કોઈ બીજી વ્યક્તિ કાબૂ નહીં મેળવી શકે. જગતની સૌથી જુલમી, સૌથી દુષ્ટ અને સૌથી ક્રૂર વ્યક્તિ પણ તમારી પાસે એના ધાર્યા વિચારો નહીં કરાવી શકે. માણસમાં બીજાના કહ્યા મુજબના વિચારો ન સ્વીકારવાની શક્તિ હોય એનો અર્થ એ થયો કે એનામાં પોતાના ધારવા મુજબના વિચારો કરવાની શક્તિ હોવાની. આ શક્તિને ઓળખવાની આપણે મહેનત જ કરી નથી. કેટલાકને મનની આવી શક્તિ વિશે જ શંકા હોય છે. એક વખત માણસ સ્વીકારતો થઈ જાય કે પોતાના મન પાસે એવી શક્તિ છે, તો જ એ આ શક્તિનો ક્યાં-કેટલો-કેવો ઉપયોગ કરવો એ શીખી શકે. તમે જે વિચારો કરવા નથી માગતા એ વિચારો સૌથી જુલમી વ્યક્તિ પણ તમારી પાસે નથી કરાવી શકતી એનો અર્થ એ પણ થયો કે મનની આ શક્તિ પર તમારું સંપૂર્ણ નિયંત્રણ છે. તમારી ઈચ્છા વિરુદ્ધનું વર્તન કોઈ કરાવી શકે તમારી પાસે. પોતાની ઈચ્છા મુજબનું વર્તન જ કરાવી શકે, પોતાની ઈચ્છા મુજબના વિચારો ન કરાવી શકે. કોઈ તમને એ પ્રકારની લાલચ આપીને કે નિ:સહાય પરિસ્થિતિમાં મૂકીને તમારી મરજી વિરુદ્ધનું, એમની ઈચ્છા મુજબનું વર્તન કરવાની ફરજ પાડી શકે. પણ તમે જેને સ્વીકારતા નથી એવા મારા વિચારો તમારા મનમાં પણ હોવા જ જોઈએ એવું એ કેવી રીતે કરી શકે? એ તો શક્ય જ નથી ને. આમ, આપણે ધારીએ તો આપણા મન પર કાબૂ રાખી શકીએ છીએ. આપણું મન કયા વિચારો કરે અને કયા ન કરે એના પર આપણું સો ટકા નિયંત્રણ શક્ય છે. મન પર કાબૂ રાખવો શક્ય છે. મનને નિયંત્રણમાં રાખી શકાય એટલી વાતનો સૈદ્ધાંતિક સ્વીકાર તમે કરી લીધો હોય તો એના વ્યવહારુ અમલીકરણ તરફ આવતા અઠવાડિયે આગળ વધીએ?
પાન બનારસવાલા
શરીર તમને મગજ આપે છે. જિંદગી એને મન બનાવે છે.
– જેફ્રી યુજીનીડ્ઝ
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો











