પેલા ભાઈ વિશે તમે શું માનો છો : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : શનિવાર, 8 મે ૨૦૨૧)

કોઈકે આવો સવાલ કર્યો ત્યારે તમે કહી દીધું – જવા દોને, એનામાં બહુ પડવા જેવું નથી.

માત્ર એક વાક્યમાં તમે એક આખા માણસનો, અત્યાર સુધી આ દુનિયામાં રહીને એણે જે કંઈ કર્યું છે તેનો અને બાકી રહેલી જિંદગીમાં એ જે કંઈ કરવા માગે છે અથવા કરી શકશે તેનો, એકઝાટકે છેદ ઉડાડી નાખ્યો.

તમને કદાચ ખબર પણ નહીં હોય કે વગર લેવેદેવે તમે પેલા ભાઈને કેટલો મોટો અન્યાય કરી નાખ્યો. બીજા વિશે જજમેન્ટ પાસ કરતી વખતે આપણે કેટલા બેજવાબદાર હોઈએ છીએ એનો ખ્યાલ સુદ્ધાં આપણને નથી હોતો.

મૅચ્યોર ન થયેલા મનને સતત કશુંક ગમતું, કશુંક ન ગમતું રહે છે. ગમા-અણગમાની પેલે પાર રહેલાં, ગીતામાં જેને સાક્ષીભાવ કહે છે એવાં, સંવેદનો સુધી મોટા ભાગના લોકો પહોંચી શકતા નથી. આપણા અંગત ગમા-અણગમાને તેમજ ચોક્કસ ચોકઠામાં ઊછરેલા પૂર્વગ્રહને અભિપ્રાયના પડીકામાં બાંધીને બીજાના હાથમાં પકડાવી દઈએ છીએ અને બીજો માણસ રૂપાળા પૅકિંગને તમારી તટસ્થતા માની ત્રીજી વ્યક્તિ વિશેનો તમારો મત યથાવત સ્વીકારી લે છે.

માણસના આર્થિક વ્યવહાર વિશે, ચારિત્ર્ય વિશે, કામ કરવાની શક્તિ તથા દાનત વિશે, એની ઉદારતા કે કૃપણતા વિશે, એના સ્વભાવની ખસિયતો તથા એની ટેવો વિશે કે પછી તમારા તરફની એની લાગણી વિશે તમને એનો જે અનુભવ થયો હોય એવો જ, કાર્બન કૉપી અનુભવ, બીજાને પણ થાય એ જરૂરી નથી. તમને પોતાને પણ એની સાથેનો એ અનુભવ ભવિષ્યમાં ફરીથી થાય એ પણ જરૂરી નથી.

કોઈ તમારી સાથે અમુક ચોક્કસ પરિસ્થિતિ વખતે કેવું વર્તન રાખે છે એના આધારે તમે એના સમગ્ર વ્યક્તિત્વ વિશે સર્વકાલીન અભિપ્રાય ફેંકવાની લાયકાત ધરાવતા થઈ જતા નથી. ફોન પરની વાતચીતથી માંડી ઓવર અ ડ્રિન્ક થતી બહેકી બહેકી વાતો દરમ્યાન તમે બીજા લોકો વિશેના કેટકેટલા અભિપ્રાયો ઉછાળતા રહો છો એની ગણતરી કરજો. તમારા પોતાના વિશે પણ તમારા મિત્રો, સંબંધીઓ અને પરિચિતો પણ આટલી જ બેજવાબદારીથી અભિપ્રાયો વરસાવતા રહેતા હોય છે એ પણ ધ્યાનમાં રાખજો. આવા વર્તાવથી દુઃખી થઈ જાઓ ત્યારે હ્યુ પ્રેથરનું આ સદાબહાર વાક્ય યાદ રાખજો: ‘કોઈ મારી ટીકા કરે તેના કારણે હું એવો થઈ જતો નથી.’

કોઈ વ્યક્તિ, વિચાર, ઘટના કે સ્થળ વિશે અંગત દષ્ટિબિંદુ હોવામાં અને સટાક દઈને ફેંકાતા અભિપ્રાયમાં ઘણું મોટું અંતર છે.

કેટલાક લોકો ક્યારેય અભિપ્રાય ન આપવાના બીજા જ અંતિમે જઈને બેસતા હોય છે અને માની લેતા હોય છે કે પોતાની ગણના તટસ્થ વ્યક્તિમાં થશે. આવા લોકોની ગણના સાદા શબ્દોમાં મીંઢા તરીકે અને મસાલેદાર શબ્દોમાં લુચ્ચા અને લબાડ માણસ તરીકે થતી હોય છે.

મગનું નામ મરી ન પાડવાની વાણિયાશાહી ચતુરાઈમાં માનનારા લોકો તમારા ભોળપણનો કે પછી તમારી અસાવધતા કે તમે મૂકેલા વિશ્વાસનો લાભ લઈ તમારા પેટમાં પેસી દરેકેદરેક વાત જાણી લેતા હોય છે. તેઓ તમારા મોંમાં આંગળાં નાખી જગતાઆખા વિશેના અભિપ્રાયો ઓકાવતા હોય છે. પણ તમે જ્યારે એ જ મુદ્દા વિશે એમનો અભિપ્રાય પૂછો તો તેઓ ચૂપ થઈ જશે અથવા વાત આડી ફંટાવશે. બહુ આગ્રહ કરશો તો એવી ગોળ ગોળ જલેબીઓ પાડશે કે તમે ચોવીસ જન્મારા સુધી નક્કી નહીં કરી શકો કે તેઓ કે તેઓ શું કહેવા માગે છે.

કેટલાકને પોતાના પૂર્વગ્રહો ટાંકીને તટસ્થ દેખાવાની એટલી હોંશ હોય છે કે તેઓ મણની ટીકા કરતાં પહેલાં નવટાંક પ્રશંસાની પ્રસ્તાવના અચૂક બાંધવાના.

કોઈકના વિશે તમને કોઈ પણ બાબત માટે પૂછવામાં આવે ત્યારે શું કરવું? ખબર ન હોય તો ના પાડવી અને કારણ આપીને જણાવવું કે એ વ્યક્તિની આ બાબત વિશે મને કશી જાણકારી નથી. પણ આપણા બહાદુરો ન જાણતા હોવા છતાં જાણવાનો દેખાવ કરતા હોઈએ છીએ.

આનાં બે કારણો હોય: એક તો, પોતે સર્વજ્ઞ છે એવો દેખાવ, જેને કારણે પાંચમાં પુછાવાની આપણી અબળખા પૂરી થતી હોય છે.

બીજું, જે વ્યક્તિ વિશે અભિપ્રાય માગવામાં આવ્યો હોય એ વ્યક્તિ લોકપ્રિય કે વિખ્યાત હોય તો એના વિશે કશું પણ કહીને આડકતરી રીતે આપણે એ વાત સ્થાપિત કરવા માગતા હોઈએ છીએ કે એ ફેમસ વ્યક્તિની આપણે નિકટ છીએ અને નિકટ છીએ એટલું જ નહીં, નિકટ હોવા છતાં આપણને એની કંઇ પડી પણ નથી.

કોઈના વિશે બોલતી વખતે કયા સંદર્ભમાં અને ક્યા આધારે આ અભિપ્રાય આપી રહ્યા છીએ તે સ્પષ્ટ કરવું જરૂરી. કોઈ જાણીતો ક્રિકેટર હજારો ચાહકોની ભીડ વચ્ચેથી પસાર થઈ રહ્યો હોય અને દૂરથી એનો નાનકડો દીકરો એને બૂમ પાડે ત્યારે ક્રિકેટર એ ન સાંભળે ત્યારે આ દૃશ્ય જોનાર જો તમે હો તો શક્ય છે કે કોઈકને કહી બેસો કે એને તો એના દીકરાની પડી જ નથી. પછી ઉમેરો, ઑટોગ્રાફ આપવામાંથી ઊચો આવે તો ને. પછી ટોળા માથી સુંદર છોકરીઓને વીણી વીણીને એને જ પહેલાં ઑટોગ્રાફ આપતો હતો અને છેલ્લે તમે જેને અંતિમ સત્ય તરીકે ફેંકો છો તે વાક્ય ‘છે જ પહેલેથી એવો.’ છેવટે પૃથક્કરણ: હું ઓળખુંને એને. એના જેવો ખરાબ માણસ એકેય નથી.

કોઈકને તમે મળવા જાઓ છો. પેલા ભાઈ મુલતવી ન રાખી શકાય એવા કામમાં ગળાડૂબ પડ્યા છે. તમે શાંતિથી ગપ્પા મારવાના ઈરાદે ગયા હો છો. તમારી મુલાકાત ડિઝેસ્ટર પુરવાર થાય છે. આ વાતનો ગુસ્સો આજે નહીં તો આવતી કાલે એ વ્યક્તિ વિશેના અન્ય કોઈ બાબતના અભિપ્રાયમાં ભેળવીને તમે ઠાલવો છો.

કોઈ પણ માણસ જે કંઈ કહે છે તેમાંથી કેટલું સ્વીકારવું અને કેટલું નકારવું એ વિશેની આપણી સમજ એટલે જ વિવેકબુદ્ધિ.

કોઈનોય કોઈનાય વિશેનો અભિપ્રાય અંતિમ સત્ય નથી હોતો, હોઈ શકે પણ નહીં. એવો અભિપ્રાય બાંધવા પાછળનો કે તમારા સુધી પહોંચાડવા પાછળનો એમનો આશય શો હોઈ શકે એની બહુધા તમને ખબર નથી હોતી.

આશય શુભ હોય તો પણ કયા સંજોગોમાં અને અગાઉના કયા પ્રસંગોને આધારે આ અભિપ્રાય બંધાયો છે તેનો પણ તમને ખ્યાલ નથી હોતો .માની લો કે હકીકતોને સંપૂર્ણપણે સાચા સંદર્ભો સાથે ટાંકીને અભિપ્રાય ઉચ્ચારવામાં આવ્યો છે. ત્યારે પણ તમારી પાસે એક વાત જાણવાની કોઈ ચાવી હોતી નથી કે જે વ્યક્તિ વિશે અભિપ્રાય આપવામાં આવે છે એવ્યક્તિ માટે અભિપ્રાય આપનારાના મનમાં કોઈક કારણોસર કે કારણ વિના પૂર્વગ્રહ બંધાઈ ગયો છે કે નહીં. આવા પૂર્વગ્રહો ઘણી વખત તટસ્થ અભિપ્રાયના નામે તમારા મગજમાં ઠોકી બેસાડવામાં આવતા હોય છે.

ગામ આખાની સતત પંચાત કર્યા કરતા લોકો અભિપ્રાય આપવામાં ઉસ્તાદ હોય છે એવું મારું માનવું છે. તમારો અભિપ્રાય શું છે?

આજનો વિચાર

“તમારા મનમાં મારા વિષે સ્વર્ગ જેટલો ઉંચો કે પાતાળ જેટલો નીચો વિચાર હો,
તમે મારા કટ્ટા વેરી કે સાચા સ્નેહી હો, તો પણ હું તમારા શહેરમાં એક ક્યારેક્ટર છઉં,પછી ગમે તેવો.”

–્ કવિ નર્મદ

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here