જિંદગીના છેલ્લા ત્રીસ દિવસ બાકી હોય તો: સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: 21 મે 2020)

જિંદગી તો રૈનબસેરા છે, એક રાતનો વિસામો છે, આજે આવ્યા છીએ તો કાલે જવાનું છે એવી ફિલસૂફીઓ બહુ થઈ.

વિચાર કરો કે તમારા મોતની તારીખ નિશ્ચિત કરી નાખવાની હોય તો બાકીની આવરદામાં તમે શું કરો? હજુ કેટલાં વર્ષ જીવવું પસંદ કરો?

દીકરી ગ્રેજ્યુએટ થઈ જાય ત્યાં સુધી? દીકરો પરણી જાય ત્યાં સુધી? દીકરાને ત્યાં પારણું બંધાય ત્યાં સુધી? દીકરાને ભણવા માટે અમેરિકા મોકલવાનું સપનું હતું. ના જામ્યું. દીકરાનો દીકરો પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં ભણીને ડિગ્રી લે ત્યારે એના કૉન્વોકેશન ફંક્શનમાં જવું છે. ભગવાન ત્રાસી જાય ત્યાં સુધી તમે મૃત્યુને મુલતવી રાખવા માગો છો. એટલે હવે નક્કી એવું થયું છે કે જીવવા માટે તમારી પાસે પૂરા ત્રીસ દિવસ, રોકડા સાતસો વીસ કલાક બાકી છે. ત્રીસ દિવસ પછી છાપામાં તમારી છબી સાથે ફૂલ ગયું ને ફોરમ રહી ગઈવાળી જાહેરખબર આપવાનું તમારા ભાગ્યમાં લખાઈ ગયું છે. તો હવે આ ત્રીસ દિવસમાં તમે શું શું કરો?

જિંદગીના અંતિમ દિવસોમાં કોને કોને મળી લેવાનું મન થાય? કોના કોનાથી છૂટા પડી જવાનું મન થાય?

જિંદગીના અંતિમ દિવસોમાં કોને કોને મળી લેવાનું મન થાય? કોના કોનાથી છૂટા પડી જવાનું મન થાય? કયા દોસ્તો સાથે મેહોગની લાઉન્જના બારના સોફા પર બેસીને એન્ટિક્વિટીના ચાર કડક પેગ પીવાનું પસંદ કરો? કોની જોડે ગંગોત્રી-જમનોત્રીની યાત્રાએ જવાનું મન થાય?

કયાં ત્રણ પુસ્તકો ફરીથી વાંચી લેવાનું મન થાય? જિંદગીમાં ક્યારેય ન વાંચ્યા હોય, પણ વાંચવાની વારંવાર ઇચ્છા થઈ હોય એવાં કયાં ત્રણ પુસ્તકો વાંચી લેવાનું મન થાય? જિંદગીની છેલ્લી કઈ ચાર ફિલ્મો જોઈ લેવાની લાલચ થાય? છેલ્લા મહિનામાં કેટલી વાર પાણીપુરી ખાવા જાઓ? પાણીપુરીવાળાને તમારું ખાતું બંધ કરવાનું કહીને બાકી નીકળતી રકમ રોકડી ચૂકવી દેતાં મનમાં સહેજ ચુભન થાય? પાણીપુરીવાળો તમારી પાસે ખાતું બંધ કરવાનું કારણ પૂછે તો તમે શું કારણ આપો? સાચેસાચું કહી દો? મરતાં પહેલાં કિસી રાહ મેં કિસી મોડ પર કહીં ચલ ન દેના તુ છોડ કર અને વો ભુલી દાસ્તાં લો  ફિર યાદ આ ગઈ કેટલી વખત સાંભળી લો?

લાકડાથી બળવું છે કે વિદ્યુતભઠ્ઠીમાં એનો વિકલ્પ નક્કી કર્યા પછી ભૂંજેલી બદામનો આઈસ્ક્રીમ ખાઓ કે અંજીરનો?

રોજ સવારનાં છાપાં વાંચો?  વાંચતી વખતે તમારી મરણનોંધમાં કઈ ત્રણ સગાઈઓનો ઉલ્લેખ હશે એની કલ્પના કરો? જે સગાંનો ઉલ્લેખ નહીં હોય એમાંથી તમને કોણ કોણ યાદ આવે? જે વહાલાંનો ઉલ્લેખ નહીં હોય એમાંથી કોણ કોણ યાદ આવે? પ્રાર્થનાસભામાં ચંદનની અગરબત્તી જલાવવી કે કેવડાની એ વિશે કોને સૂચના આપતા જાઓ?

લાઈફ ઈન્શ્યોરન્સ કૉર્પોરેશનને છેતરી લેવાના ઈરાદાથી બે-પાંચ કરોડ રૂપિયાનો વીમો ઊતરાવી પ્રીમિયમનો પ્રથમ હપ્તો ભરીને રસીદ ઓશીકાની નીચે મૂકી રાખો? તમારા વારસદારમાંથી તમારી પત્નીને કે તમારાં સંતાનોને આ રકમ મળશે એ વખતે એમને છૂપો આનંદ થશે એવું વિચારીને અત્યારે તમને છૂપો વિષાદ થશે?

ત્રીસ દિવસ પછીની તમારી ઉર્ધ્વયાત્રામાં તમને છૂટ આપવામાં આવે તો સાથે કોને કોને લઈ જવાનું પસંદ કરો? તમને છેતરી જનારા, તમારી સાથે દગાબાજી કરનારા, તમારી આડે આવનારા લોકોને કે પછી તમારા મનગમતા લોકોને?

છેલ્લા ત્રીસ દિવસમાં તમે કોની કોની માફી માંગવાનું પસંદ કરો? કઈ કઈ બાબતો માટે પસ્તાવો વ્યક્ત કરો? તમારા શહેરનાં કયાં કયાં  સ્થળોની પુન: મુલાકાત લેવાનું પસંદ કરો? બહારગામનાં કયાં સ્થળોએ જઈ આવવાનું નક્કી કરો? સાથે કોને કોને લઈ જાઓ?

ત્રીસ દિવસ પછીની તમારી ઉર્ધ્વયાત્રામાં તમને છૂટ આપવામાં આવે તો સાથે કોને કોને લઈ જવાનું પસંદ કરો? તમને છેતરી જનારા, તમારી સાથે દગાબાજી કરનારા, તમારી આડે આવનારા લોકોને કે પછી તમારા મનગમતા લોકોને? તમારા દુશ્મનોને તમે માફી બક્ષી દો કે પછી જૂના ઘા ખોતર્યા કરીને સૈફ પાલનપુરીની ગઝલ ગાતા રહો : જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી / બહુ થોડાં પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતાં. આ અંગત નામો તમારી શોકસભા વખતે માઈક સાથે મંચ પર બેઠા હશે એવી તમને ખાતરી હોય તો તમે ભૂત બનવાનો વિકલ્પ પસંદ કરી એમને રંજાડવાની કોશિશ કરો?

રેલવેનો પાસ વીસ દિવસ પછી ખલાસ થતો હોય તો નવી સિઝન ટિકિટ કઢાવો કે પછી છૂટક ટિકિટ માટે રોજ લાંબી લાઈનમાં ઊભા રહેવાનું પસંદ કરો?

હવેથી રોજ કેટલા કલાક સૂવાનું નક્કી કરો?

ઓગણત્રીસમા દિવસે પેટ્રોલપંપ પર પેટ્રોલ લેવા ગયા હો ત્યારે ગાડીમાં દર વખતની જેમ ફૂલ ટૅન્ક ભરાવો કે બે-પાંચ લિટરથી ચલાવી લો? ચંપલની પટ્ટી તૂટી જાય તો મોચીને બે રૂપિયા આપીને સંધાવી લો કે મોટા શોરૂમમાં જઈને અત્યાર સુધી જેનું માત્ર વિન્ડૉ શોપિંગ કર્યું હતું એવા મનગમતા ચંપલની જોડ ખરીદી લાવો?

હવેથી રોજ કેટલા કલાક સૂવાનું નક્કી કરો? રોજ રાત્રે સૂતી વખતે સોસાયટીમાં કોઈકના ઍસેમ્બલ્ડ અને ખખડધજ ઍરકંડિશનરનો ખટારા જેવો અવાજ સાંભળીને પાડોશી જોડે મધરાતે ઝગડવા જાઓ કે પછી હશે, હવે કેટલા દિવસ…

આ તમામ સવાલોના જવાબ મનોમન આપજો, લખીને રાખી મૂકતા નહીં. ભૂલેચૂકે ઘરમાં કોઈના હાથમાં આવી જશે તો માની લેશે કે તમારું ચસકી ગયું છે અને પૂના, થાણા કે મરોલી, જ્યાંની ઈસ્પિતાલમાં જગ્યા હશે ત્યાં દાખલ કરાવી દેશે અને વર્ષો સુધી તમારે તમારી મૂર્ખાઈનું પરિણામ ભોગવ્યા કરવું પડશે. આફ્ટર ઑલ, હજુ તો ખૂબ લાંબું જીવવાનું છે તમારે.

17 COMMENTS

  1. હું હમણાં દૂરદર્શન પર ચાલી રહેલી, હવે પૂરી થયેલી મહાભારતનું ગુજરાતી ભાષામાં કરી રહ્યો છું. અને એમાંથી એક વાત શીખવા મળી કે મૃત્યુ એ જીવનનું અંતિમ અને એકમાત્ર સત્ય છે. મૃત્યુ થી ડર શા માટે…?
    હું પોતે મૃત્યુ સાથે 3 વાર મુલાકાત કરી આવ્યો છું. માટે હવે મને મૃત્યુનો જરા પણ ભય નથી.
    ખૂબ જ સુંદર લેખ. ધન્યવાદ સૌરભભાઈ…????????

  2. આ લેખે શરૂઆતમાં વિચાર કરતા મુક્યા અને અંત બહુજ સરસ કર્યો. હજુ તો ખૂબ લાંબું જીવવાનું છે……

  3. जब हम ने इस जीवन में जन्म लिया तभी ही एक्सपायरी डेट लेकर जन्म लिया था यह अगर हमें स्पष्ट मालूम है तो फिर मृत्यु से किसी बात का भय नहीं होना चाहिए ।
    मृत्यु तो आने की है और हम इस मृत्यु पर आंसू बहाते हैं
    मेरे मत के अनुसार मैं यह कहना चाहता हूं कि कोई भी व्यक्ति जो समझदार होगा वह मृत्यु पर नहीं रोएगा हम दुखी इसके कारण होते हैं क्योंकि जो चीज हमारे पास में थी वह कल नहीं मिलेगी। जिसे हम अंग्रेजी में पेन आफ सिपरेशन बोलते हैं

  4. Where true.i read All your article writing in good morning in Mumbai samachar At p.p.muraribapu in u.p 2 year back. I was reading your article in good morning regularly ?

  5. મજા આવી ગઈ જવાબ વિચારી ને. જોરદાર લેખ ? ? ? ? ? ? સરસ બહુજ સરસ ?

  6. સર , અદ્ભૂત લેખ રહ્યો આપનો. પ્રશ્ર્નોની હારમાળા મૂકીને તમે દર્શાવી દીધુ કે હવે , હજુ જીવિત છીએ , ત્યારે મારે શું કરવાનું છે. આપના દરેક સવાલમાં જ જીવન જીવવાનો સાચો માર્ગ અમને દોરી બતાવ્યો છે આપે. ધન્યવાદ સર ?

    • વાહ ઓર એક વાર…?સાલુ ગજબ નો લેખ..સાહેબ વાંચતા હલબલી ગયો..અને વાંચ્યા બાદ સ્વસ્ત ને મસ્ત થઇ ગયો…વાહ સૌરભ ભાઈ..?..વંદન સાથે આપ નો વાચક મિત્ર.

  7. સૌરભ ભાઈ નમસ્કાર અદ્ભુત, લેખ લખવામાં તમે જીંદગીનાં બાકી જે કામ મૃત્યું પહેલાનાં કરવાનાં છે એની ગજબની છણાવટ કરી.ખુબ ખુબ માહીતી આપી.પરંતુ મોતની તારીખ સામે આવીને ઉભી હોઈ ત્યારે જીજીવિષા ઉચ્ચતમ સ્તરે આવી જાઈ છે.કોઈને મરવું નથી છતાં મરવું પડે છે.આપનો આભાર?

  8. નિખાલસતાથી, કઈંજ ના કરૂ. ચાલવા દઉ જેમ ચાલે છે તેમ.

  9. Mrityu toh mharo favorite topic che…
    Aa lekh vanchine ananad aavyu
    Hu kai dukhiyari nathi
    Pan mrutyu sundar ch
    I’m very Excited

    Morari Bapu ni Manas Mashan katha sambhadi ane pachi Smashan ma pan gayi thi
    Agarbatti, Newspaper, Na ghamta relations(Ae baddha ma pehle thi interest nathi)
    Hosh ma rahi baddhi moment pass thaye aevo icchu
    Jhor Jhor thi bhajan gau…, Dance pan karu aevo thaye

    Koi Buddha purush no sangg 2-3 divas malle toh majja pade
    Mara kapda jaruratmand ne aapi dau
    Read kai na karu
    Pan mast sangeet jarur sambhadu
    Baddha ne radwani na padu
    Anandit bhojan karu ane baddha ne karavi

    Ane haa Mrutyu vishay thodu bolu pan
    Karan k ae mane ghamshe

    ?Mrutyu ne enjoy kari shaku
    Smiling face hoye
    Toh ananad hi ananad?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here