હર હર ગંગે, હર હર મહાદેવ : સૌરભ શાહ

(બનારસ ડાયરી : ભાગ 3)

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : બુધવાર, 20 મે 2020)

ગંગોત્રી સેવા સમિતિના વડા પૂજારીના નેતૃત્વ હેઠળ વેદ તથા ઉપનિષદનો ઉચ્ચ અભ્યાસ કરી રહેલા પાંચ યુવાનો પિતાંબર પહેરીને ત્વમેવ માતા ચ પિતા ત્વમેવના શ્લોક સાથે દીર્ઘ સમય સુધી શંખનાદ કરે છે. વારાણસીના દશઅશ્વમેધ ઘાટ અને ડૉ. રાજેન્દ્રપ્રસાદ ઘાટ પર સાંજની ગંગા આરતીનો આરંભ થાય છે. ઘંટનાદથી આખું વાતાવરણ ગુંજી ઊઠે છે. દરેકની પાસે સાત સ્તર ઊંચી આરતીના દીવા છે. છેક ઉપરના સ્તરે એક દીવો છે, એની નીચેના સ્તરે ત્રણ, એ પછીના સ્તરે હજુ વધારે એમ છેક સાતમા સ્તરે એક ડઝન કરતાં વધુ દીવાઓની જ્યોત છે. આરતી માટે દીપ પ્રાગટ્ય કરતાં પહેલાં ધૂપદાની દ્વારા વારાફરતી ચારેય દિશાઓનું શાસ્ત્રોક્ત પૂજન કરવામાં આવે છે, પંચમહાભૂતોનું સ્મરણ કરવામાં આવે છે. દરેક યુવાન પૂજારી એકમેક સાથે તાલ મિલાવીને દરેક ક્રિયા કરી રહ્યા છે.

દીપ પ્રાગટ્ય કરીને દરેક પૂજારી ઊંચા દીવાને વર્તુળાકારમાં ઘુમાવીને આરતી શરૂ કરે છે. એક સાથે આટલા બધા દીવાની જ્યોત તમારી આંખને ઠારે છે. મા ગંગાના આશીર્વાદથી આ ભારેખમ દીવાઓ યુવાન પૂજારીઓના હાથમાં ફૂલ જેવા હળવા થઈ ગયા હોય એવું લાગે. બીજે દિવસે મેં આ બંને ધૂપદાની અને આરતીનો દીવો વારાફરતી એક હાથે ઊંચકવાની કોશિશ કરી. એમાં ઘીનું વજન નહોતું તોય ભારેખમ હતો. આટલી બધી વાર ધીરજપૂર્વક એને ઉપાડીને આરતી કરવા માટે બાવડામાં પણ જોર જોઈએ. આવું જ જોર હલેસાંવાળી હોડી ચલાવવામાં જોઈએ. હલેસાંને અહીં ચપ્પુ કહે. જોકે, અત્યારે અમારી નૌકામાં મોટર એન્જિન છે જે આરતી દરમ્યાન શાંત છે. લગભગ પોણો કલાકની ગંગા આરતીના સાક્ષી થયા પછી અમે પાછા અસ્સી ઘાટ જવાને બદલે દશઅશ્વમેધ ઘાટ પર જ હોડી છોડી દીધી. દશઅશ્વમેધ ઘાટનો ઉચ્ચાર દશાશ્વમેધ ઘાટ થાય છે પણ સંધિ છૂટી પાડીને જાણી જોઈને લખી રહ્યો છું જેથી અર્થ સ્ફુટ થાય. બ્રહ્માજીએ અહીં દસ અશ્વમેધ યજ્ઞ કર્યા હતા જેથી નિર્વાસન બાદ ભગવાન શિવ માટે બનારસ પાછા ફરવાનું આસાન બને. ગઈ કાલે હનુમાન ઘાટ વિશે વાત કરતાં મારી ચૂક થઈ ગઈ. વલ્લભાચાર્યનો જન્મ નહીં પણ એમનો દેહત્યાગ આ જગ્યાએ થયો – આષાઢી બીજના દિવસે. વલ્લભાચાર્યજીનો જન્મ ચંપારણમાં થયો એ તો બહુ જાણીતી માહિતી છે છતાં ચૂક થઈ ગઈ. ચંપારણ ગામ એક જમાનામાં મધ્ય પ્રદેશ રાજ્યમાં ગણાતું. નવાં રાજ્યો બન્યા પછી છત્તીસગઢમાં આવે છે. ( ગળીના ખેડૂતોના સત્યાગ્રહવાળો ચંપારણ જિલ્લો જુદો જે બિહારમાં છે.અને ‘લગાન’વાળું તો વળી સાવ જુદું જે ફિક્શનલ છે, કપોળકલ્પિત છે.)

દશઅશ્વમેધ ઘાટ પર ઊતરીને અમે અહીંના વિશ્વવિખ્યાત કાશી વિશ્વનાથનાં દર્શને જઈ રહ્યા છીએ. આ ઘાટ પરથી બહાર આવો કે તરત તમને મુંબઈનો ભૂલેશ્વર વિસ્તાર યાદ આવે એવું તળ વારાણસી દેખાય. કાપડ વેચતી એક નાનકડી દુકાન પાસે રોકાઈને એક ગમછો લીધો. એકથી મન ન ભરાયું એટલે બીજો એક જરા મોટી સાઈઝનો ગમછો પણ લીધો. આ બીજો ગમછો મુંબઈ પાછા આવતી વખતે બૅગમાં મૂકવાનો જ રહી ગયો. લાલચ બડી બૂરી ચીજ છે. હવે મુંબઈમાં એક ગમછાથી ચલાવી લેવું પડશે. સાવ સસ્તો છે. માત્ર ત્રીસ રૂપિયાનો. આર્થર રોડ જેલનિવાસી છગન ભુજબળ એમના સારા દિવસોમાં ગળામાં લંડનની બર્બરી બ્રાન્ડનો ચેક્સવાળી ડિઝાઈનનો ‘ગમછો’ પહેરતા જેની કિંમતમાં અમે વારાણસીથી ખરીદ્યા એવા એકથી દોઢ હજાર ગમછા આવી જાય.

ગમછો ગળામાં લગાવી વટભેર અમે ઝડપી પગલે કાશી વિશ્વનાથના મંદિર તરફ ચાલ્યા. ભારતભરમાં શિવજીનું આ સૌથી વધુ મહાત્મ્ય ધરાવતું મંદિર. બાર જ્યોતિર્લિંગોમાંનું એક.

નહેરુની કૉન્ગ્રેસ સરકારે દિલ્હીના એક રાજ માર્ગને જેનું નામ આપ્યું છે અને જેને બદલવાની વાત થાય તો સેક્યુલરોની પૂંઠે ઝાળ લાગે છે એ છઠ્ઠા મોગલ બાદશાહ ઔરંગઝેબે આ મંદિર તોડીને એના અવશેષોમાંથી એ જ સ્થળે જ્ઞાનવાપી મસ્જિદ બનાવી. ઔરંગઝેબ આલમગીર એવું આખું નામ એનું એટલે આ આલમગીર મસ્જિદ તરીકે પણ જાણીતી છે. આ મસ્જિદમાં અત્યારે હિંદુઓને પ્રવેશ નથી. દૂરથી જુઓ તો ખ્યાલ આવે કે ઢાંચો મંદિરનો જ વાપર્યો છે. નંદીનું કદ જોતાં ખબર પડે કે શિવલિંગનું કદ કેટલું મોટું હશે. ૧૭૮૦માં આ મંદિરવાળી જગ્યાને અડીને ઇંદોરનાં મરાઠા શાસક અહિલ્યાબાઈ હોળકરે અત્યારે જે મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા છીએ તે બનાવ્યું. ૧૯૮૩થી આ મંદિરનું મૅનેજમેન્ટ ઉત્તર પ્રદેશ સરકાર કરે છે. ભારતનાં અનેક પ્રમુખ મંદિરોનાં ટ્રસ્ટ સરકાર મૅનેજ કરે છે. મસ્જિદો અને ઈસ્લામનાં બીજાં ધર્મસ્થળો પર તેમ જ હિન્દુ સિવાયનાં અન્ય ધર્મોનાં સ્થાનકો પર સરકારની કોઈ આણ નથી, કોઈ દખલગીરી નથી.

ઈસ્લામમાં અડગ શ્રદ્ધા રાખતા મોગલ શાસકો જે મંદિરની પાછળ પડી ગયા હોય, ૧૧૯૪થી ૧૬૬૯ દરમ્યાનના પાંચ-પાંચ સૈકા સુધી સતત જે મંદિરનો ધ્વંસ કરતા રહ્યા હોય તે મંદિરની મહત્તા એ જમાનામાં પણ કેટલી હશે તેની કલ્પના તમે કરી શકો છો.

સ્કંદ પુરાણમાં જેનો ઉલ્લેખ છે તે આ કાશી વિશ્વનાથના મંદિરને ઔરંગઝેબે ૧૬૬૯ની સાલમાં રગદોળ્યું તે પહેલાં મોહમ્મદ ઘોરીના સેનાપતિ કુતબુદ્દીન ઐબકે ૧૧૯૪માં કનૌજના રાજાને પરાસ્ત કર્યા બાદ ધ્વસ્ત કર્યું હતું. એ પછી એક ગુજરાતી વેપારીએ દિલ્હીના સુલતાન ઈલ્તુતમિશ (૧૨૧૧-૧૨૬૬)ના શાસન દરમ્યાન આ મંદિરનો જિર્ણોદ્ધાર કર્યો. આ ફરી બંધાયેલા મંદિરને હુસૈન શાહ શાર્કી (૧૪૪૭-૧૪૫૮) કે સિકંદર લોધી (૧૪૮૯-૧૫૧૭)એ ફરી એકવાર તોડી નાખ્યું. અકબરના શાસન દરમ્યાન રાજા માનસિંહે ફરી આ મંદિર બંધાવ્યું પણ એ નવા બંધાયેલા મંદિરમાં કોઈ હિન્દુ દર્શન કરવા જતા જ નહીં. હિન્દુઓ અને શિવભક્તોના આ બૉયકોટનું કારણ એ કે રાજા માનસિંહે પોતાના કુટુંબની સ્ત્રીઓને મોગલો સાથે પરણવા દીધી હતી. છેવટે ૧૫૮૫માં રાજા ટોડરમલે એ મંદિરનું ફરી બાંધકામ કર્યું, પણ લેસ ધૅન અ સેન્ચ્યુરીમાં ઔરંગઝેબે ફરી આ મંદિર તોડ્યું.

ઈસ્લામમાં અડગ શ્રદ્ધા રાખતા મોગલ શાસકો જે મંદિરની પાછળ પડી ગયા હોય, ૧૧૯૪થી ૧૬૬૯ દરમ્યાનના પાંચ પાંચ દાયકા સુધી સતત જે મંદિરનો ધ્વંસ કરતા રહ્યા હોય તે મંદિરની મહત્તા એ જમાનામાં પણ કેટલી હશે તેની કલ્પના તમે કરી શકો છો. જ્ઞાનવાપી મસ્જિદ એ મંદિરના અવશેષો પર બનેલી છે તે પ્રુવન ફેક્ટ છે. અનેક આર્કિયોલોજિકલ પુરાવાઓ છે. ઐતિહાસિક દસ્તાવેજો પણ છે.

મંદિરમાં પ્રવેશવાના એકાધિક દ્વાર છે. અમે જે દ્વારમાંથી પ્રવેશ્યા ત્યાં અમારી જમણી તરફ એક ઊંચી વાડ બાંધેલી જેની આરપાર જ્ઞાનવાપી મસ્જિદ અમે જોઈ શકતા હતા. કાશી વિશ્વનાથની રક્ષા કરવા માટે સેંકડો પોલીસો, સુરક્ષા દળના જવાનો ઠેર ઠેર જોવા મળે છે. ત્રણ-ત્રણ જગ્યાએ અમારી શારીરિક જાંચ થઈ. મોબાઈલ અને ધાતુના બક્કલવાળો ચામડાનો કમરપટ્ટો તેમ જ ચામડાનું પૈસાપાકીટ અમે પ્રવેશતાં પહેલાં જ સોંપી દીધેલું – ખપ પૂરતી રોકડ રકમ ખિસ્સામાં લઈ લીધેલી.

કાશી વિશ્વનાથનાં દર્શને આવનારાઓમાં તમિળનાડુથી આવેલા જાત્રાળુઓ સૌથી વધારે જોવા મળે છે. આપણે લોકો તિરુપતિ જઈને વાળ ઊતરાવીએ છીએ. કેટલાય તમિળયનો અહીં આવીને મુંડન કરાવતા હોય છે. ફૂલ અને બીજો પૂજાપો વેચનારાઓ પણ એમને જોઈને તમિળમાં ભાવ બોલતા થઈ જાય છે, જે ભાષા તમને ધંધો અપાવે તે શીખી લેવાની (અમારા માટે તો ગુજરાતી પૂરતી છે).

અમે સંધ્યા આરતી સમયે પહોંચ્યા છીએ એટલે ગર્ભગૃહ સુધી જવાની કોઈ ગુંજાઈશ નથી. ગર્ભગૃહની બહાર એક નાનકડો છતવાળો ચોક છે. ત્યાં ક્લોઝ સર્કિટ ટીવી પર એ આરતી દેખાડવામાં આવી રહી છે. અન્ય શિવભક્તોની સાથે અમે પણ ત્યાં પલાંઠી મારીને બેસી જઈએ છીએ. જોકે, મને સીસીટીવીના લાઈવ કવરેજમાં રસ નથી. શિવજીને હાજરાહજૂર મળવું છે. થોડી રાહ જોવી પડશે. કાને આરતી સંભળાય છે પણ મન આલમગીર ઉર્ફે જ્ઞાનવાપી મસ્જિદ તરફ ભટક્યા કરે છે. વાપી એટલે કૂવો. તે જગ્યામાં ખરેખર એક કૂવો છે એવું સાંભળ્યું છે. એને જ્ઞાનનો કૂવો કહેતા હશે, એટલું સારું છે કે આ મસ્જિદને પ્રશાસન દ્વારા ચીતરાયેલા સાઈન બોર્ડ્સમાં ક્યાંક આલમગીર મસ્જિદ નથી કહેતા, જ્ઞાનવાપી જ કહે છે. વિસ્તાર પણ જ્ઞાનવાપી તરીકે જ ઓળખાય છે.

આરતી પૂરી થઈ ગઈ છે. ગર્ભગૃહ તરફ જવા માટે ધમાચકડી મચી છે. એ પહેલાં અંદર જમા થયેલા શ્રદ્ધાળુઓને તો બહાર આવવા દઈએ. બધા બહાર આવી ગયા પછી અમારા જેવા લોકોની ભીડ અંદર જવા ઉતાવળી થઈ છે. દરેક જગ્યાએ આપણે ભીડમાં હોઈએ ત્યારે વિચારીએ છીએ કે કેટલી ભીડ છે અહીં, પણ એ નથી વિચારતા કે આપણે પણ આ ભીડનો જ એક હિસ્સો છીએ. મુંબઈના રસ્તા પર કારમાં કે ટેક્સીમાં જતી વખતે વિચારીએ છીએ કે કેટલો બધો ટ્રાફિક છે પણ એ નથી વિચારતા કે આ ટ્રાફિકમાં ઉમેરો કરનારી એક ગાડી તમારી પોતાની જ છે. બીજાઓને બ્લેમ કરવામાં આપણે સૌ ઉસ્તાદ છીએ.

ભીડ ચસક્તી નથી. અમારી બાજુમાં ઊભેલો યુ.પી. પોલીસનો એક ગણવેશધારી ઈન્સ્પેક્ટર મોટેથી બૂમ પાડીને અંદર સૂચના આપે છે કે ‘અંદર કોઈ ખેંચનારાઓ છે કે નહીં?’ અમને સમજ નથી પડતી કે આ સૂચના શું કામ આપી હશે. થોડી મિનિટોમાં અમારો વારો આવે છે. ગર્ભગૃહમાં દાખલ થતાંવેંત અમારા બે હાથ જોડાઈ જાય છે પણ ત્યાં જ બે પોલીસવાળાઓ એક-એક હાથે અમને પકડીને શિવલિંગ તરફ નમાવે છે. અમે દર્શન કરીએ ન કરીએ ત્યાં જ એ બે પોલીસવાળા પાસેથી બીજા બે પોલીસવાળા અમને ખેંચી લે છે. એ પછી વધુ બીજા બે અમને ખેંચે છે અને અમે ગર્ભગૃહની બહાર આવી જઈએ છીએ. આ રીતે ખેંચમતાણી ન થાય તો હજારો દર્શનાર્થીઓનો વારો જ ન આવે. મને આ વ્યવસ્થા સામે કોઈ જ વાંધો નથી. કોઈ અન્ય વિકલ્પ ન શોધાય ત્યાં સુધી શ્રીનાથજીના મંદિરના ઝાપટિયાઓ જેવી સેવા યુપીની પોલીસે બજાવવી જ પડે. ગર્ભગૃહની બહાર મંદિરના પરિસરમાં એ પૂજારી સૌના ભાલ પર શિવજીની ભસ્મનો પ્રસાદ લગાડતા દેખાય છે. અમે પણ દક્ષિણા મૂકીને અમારા કપાળને પવિત્ર કરીએ છીએ. વધુ જરૂર તો એ કપાળની પાછળ રહેલા દિમાગને પવિત્ર કરવાની છે. પણ જેવી મહાદેવજીની કૃપા. આટલું તો આટલું.

થોડી વાર શાંતિથી ઊભા રહીને, શિવલિંગ તરફ મોઢું રાખીને પ્રાર્થના કરીએ છીએ. ભારતની મહાન પરંપરાઓ કેવી રીતે સચવાઈ છે એનો સાચો ઈતિહાસ જ્યાં સુધી આપણને ખબર ન હોય ત્યાં સુધી આપણે એનું મૂલ્ય સમજી શકતા નથી. ભોળાનાથની કૃપાથી આજે અમે એમનાં દર્શન કરી શક્યા છીએ.

અને હવે અમને કકડીને ભૂખ લાગી છે.

14 COMMENTS

  1. સુંદર લેખ..સવિસ્તાર માહિતી…આભાર સૌરભ ભાઈ…5 દાયકા કે 5 શતક…ઇતિહાસ તો એજ રહેવા નો સાહેબ..વંદન ?.આપ નો વાચક મિત્ર.

  2. ખૂબ જ સુંદર વર્ણન. અને સચોટ તેમજ સવિસ્તર માહિતી. જાણે ગંગામાતાએ દર્શન દીધા હોય એવી અનુભૂતિ. ખૂબ ખૂબ ધન્યવાદ સૌરભભાઈ.

  3. આપના લેખ વાંચવા ગમે છે લેખ વાંચી જીવનમાં એકવાર પવિત્ર ભૂમિમાં દર્શન કરવાનો સૌને મોકો મળે તેવી બાબાને પ્રાર્થના જય ભોલે…હર હર ગંગા…જય સીયારામ ?

  4. આરતી ના દર્શન કરી ક્રૄતાર્થ થઇ ગયા…અનેરો ઇતિહાસ..અને પરંપરા વાંચી મન માં આનંદ આવી ગયો. ૫.સૈકાનો ઇતિહાસ..અતિ સુંદર..

  5. વાંચવાનો ખૂબ આનંદ આવ્યો. મા ગંગાની આરતીનુ વર્ણન વાંચીને જાણે કે તાદ્રશ્ય જોતા હોઈએ એવો અનુભવ થયો. નાનામાં નાની વાતને તમે લેખમાં વણી લીધી છે. ખૂબ ખૂબ આભાર આ લેખ શૅર કરવા માટે.

  6. 1194 to 1664 Panch Panch Dayaka Nahi pan ,
    5 Century …
    Garbh Gruh na Darshan Kahevay ke riots Vakhate ni Police Kamgiri …
    CCTV par Darshan thay to Shu Difference Kahevay ,
    Saurabh Bhai please Clarify …
    I think You are also Tired,
    Aetale Jadithi Nipatavi Didhu …

    Hindu Dharm Sthal par Govt. No Shu Roll ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here