તંદુરસ્ત જીવન જીવવું હોય તો શું ભાવતાં ભોજનનો ત્યાગ કરવાનો?—હરદ્વારના યોગગ્રામમાં ૯મો દિવસ : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ: ચૈત્ર સુદ આઠમ, વિક્રમ સંવત ૨૦૭૮. શનિવાર, ૯ એપ્રિલ ૨૦૨૨)

સ્વામી રામદેવના હરદ્વાર સ્થિત યોગગ્રામ-નિરામયમ્ આશ્રમની એક શિસ્ત છે. અહીં પ્રવેશ્યા પછી જ્યાં સુધી તમારું બુકિંગ હોય એ દિવસ પહેલાં તમે પ્રવેશદ્વારની બહાર પગ ન મૂકી શકો. આ ડિસિપ્લિન ન હોય તો અહીંની અમુક બાબતોને લીધે જેમને ઘરની ટેવો યાદ આવી જતી હોય તેઓ બહાર જઈને ગમે તે ખાઈ આવે.

જોકે, સૌથી નજીકનું ગામ અહીંથીં ઘણું દૂર છે. યોગગ્રામ પ્રેક્ટિકલી જંગલમાં આવેલું છે. યોગગ્રામને અડીને રાજાજી નૅશનલ પાર્ક છે.

એક દિવસ સાંજે ચાલવા નીકળ્યા ત્યારે મુખ્ય પ્રવેશદ્વારની બહાર સ્ટાફબસના પાર્કિંગથી થોડે દૂર એક આઇસ્ક્રીમવાળો અને એક શેરડીના રસવાળો ઊભા હતા. ધંધો ચાલતો હશે તો જ અહીં સુધી લાંબા થતા હશે ને. સ્ટાફના માણસો અને બહારથી નોકરી પર આવતા થેરપિસ્ટો વગેરેની ઘરાકી સારી એવી હશે.

આવી જ રીતે ચાલતાં ચાલતાં, આગલા દિવસે જેણે મારા પગના તળિયે ઍન્ટી-કોલ્ડ માલિશ કરી હતી તે, થેરપિસ્ટ એના મિત્રો સાથે દેખાયો. મેં પૂછ્યું, ‘ઇવનિંગ વૉક માટે નીકળ્યા છો?’ એણે કહ્યું, ‘મેઇન ગેઇટની બહાર નીકળીને ચાર કિલોમીટર ચાલીશું અને ચાર કિલોમીટર ચાલીને પાછા આવીશું.’ ‘સારું કહેવાય!’ મેં એને બિરદાવ્યો તો એ બોલ્યો, ‘ત્યાં ગામમાં ચા અને સમોસા ખાવા જઈએ છીએ! નહીં તો અમને જેલ જેવું લાગે!’

અહીંના સ્ટાફ, ડૉક્ટરો, થેરપિસ્ટો અને ચિકિત્સક સહાયકો માટેનું ફૂડ જુદું બને છે. અમને લોકોને આપે છે એવું બધું નથી હોતું. આમ છતાં કેટલાક સ્ટાફને ચા-સમોસાની લાલચ થઈ આવે તો ચાર દુની આઠ કિલોમીટર ચાલીને પણ મઝા કરી આવે. વડીલ નિબંધકાર અને ચિંતક ગુણવંત શાહ ખાવા-પીવા-ચાલવામાં ખૂબ જ નિયમિત છે. આહારમાં કંઈક વધારે ખવાઈ જાય તો એટલી કેલરી બાળી નાખવા વધારે ચાલે. એમના એક લેખમાં આવતું વાક્ય હું વર્ષોથી વારંવાર મિત્રો આગળ દોહરાવતો હોઉં છુઃ ‘એક સમોસું મને એક કિલોમીટરમાં પડ્યું!’

આ હિસાબે આઠ કિલોમીટર ચાલનારા પેલા થેરપિસ્ટે આઠ સમોસાં તો ખાધાં જ હોવા જોઈએ!

મને અહીં ન તો મુંબઈનાં સાયન-ગુરુકૃપાનાં સમોસાં યાદ આવે છે, ન સાંતાક્રુઝ-રામશ્યામની સેવપુરી યાદ આવે છે, ન માટુંગા-રામાશ્રયના ઇડલીસંભાર યાદ આવે છે.

સવારના નિત્ય યોગાભ્યાસ સમયે સ્વામી રામદેવે એક સરસ ટિપ આપી હતી: ‘તમે લોકો માત્ર બે મહિના સુધી તમારા જૂના સ્વાદને ભૂલી જાઓ. આખી જિંદગી જે બધું ખાધા કર્યું છે તેનો કાયમ માટે સંપૂર્ણ ત્યાગ કરો એવું હું નથી કહેતો પણ માત્ર બે જ મહિના માટે એ તમામ ખોરાક બંધ કરી દો. પછી તમતમારે જે ખાવું હોય તે ખાજો-પ્રમાણસર. તમારી બેલગામ સ્વાદવૃત્તિ પર આપોઆપ કન્ટ્રોલ આવી જશે.’

કેરીના રસથી માંડીને ભજિયાં-બટાટાવડાં કે પછી ભેળપુરી-પાણીપુરીથી માંડીને પાઉંભાજી, ફાફડા-જલેબી સુધીની ઘરે બનતી કે બહાર મળતી ડઝનબંધ વાનગીઓ આપણે મોજથી ખાઈએ છીએ. કશું ખોટું નથી એમાં—જો જરાક સભાન થઈને થોડું ધ્યાન આપીએ તો.

સ્વામીજીની વાત સાચી છે. ફરસાણ, મીઠાઈ કે પછી બીજી ડઝનબંધ ‘ભાવતી’ વાનગીઓ ખાતી વખતે આપણી બે ભૂલ થતી હોય છે. એક તો આપણે એની ક્વૉન્ટિટી પ્રત્યે સભાન નથી હોતા અને બીજું એની ફ્રિક્વન્સી જાળવતા નથી. જરા વિગતે સમજવા જેવી આ વાત છે. અને આ સમસ્યાનું નિરાકરણ પણ મારે હિસાબે સાવ સિમ્પલ છે.

કેરીના રસથી માંડીને ભજિયાં-બટાટાવડાં કે પછી ભેળપુરી-પાણીપુરીથી માંડીને પાઉંભાજી, ફાફડા-જલેબી સુધીની ઘરે બનતી કે બહાર મળતી ડઝનબંધ વાનગીઓ આપણે મોજથી ખાઈએ છીએ. કશું ખોટું નથી એમાં—જો જરાક સભાન થઈને થોડું ધ્યાન આપીએ તો.

સૌથી પહેલાં તો આવી વાનગીઓ સિવાયનો જે ઘરનો ખોરાક છે — રોટલી-શાક, દાળ-ભાત, ખીચડી વગેરે બીજું ઘણું— તે પૌષ્ટિક ખોરાકની અવેજીમાં પેલું બધું ન ખાઈએ. શરીરને જે ખરું પોષણ મળે છે તે ઘરનાં શાકભાજી, ધનધાન્ય, કઠોળ, ફળફળાદિ વગેરેમાંથી. તે બે ટંક આવા જ ખોરાકથી મળે તે જોવાનું. એ પછી નાની-મોટી ભૂખ લાગે ત્યારે કે બહાર જઈએ ત્યારે કે મિત્રો ભેગા મળીએ ત્યારે મોજથી પેલું બધું આરોગીએ પણ આ બે વાત ધ્યાનમાં રાખીને:

1.જે કંઈ ખાઈએ તે ઓછી ક્વૉન્ટિટીમાં ખાઈએ. ફરસાણની દુકાને બેઠા જ છીએ તો ફાફડા, કચોરી, ખમણ, પેટિસ, જલેબી, ચવાણું વગેરે જે કંઈ પાટિયા પર લખ્યું હોય તે બધું જ ખાઈ લેવું છે એવી લાલચ રોકીએ. ફરી કોઈ વાર આવી શકીએ જ છીએ. દુકાન ક્યાંય જવાની નથી, તમે પણ અહીં જ છો. પછી અધીરાઈ શું કામ. અને જે કંઈ ખાઈએ તે એકાદ-બે ડિશ પણ શેર કરીને માણીએ. બધું જ એકલાએ ઠાંસી દેવાની જરૂર નથી. ટૂંકમાં ભેળપુરી-ભજિયાં બધું જ ખાઇએ પણ ઍટ અ ટાઇમ સ્મૉલ ક્વૉન્ટિટીમાં. અત્યાર સુધી જે ટેવ હતી તેના કરતાં અડધી ક્વૉન્ટિટી કરી નાખીએ. ડબલ મઝા આવશે. કેવી રીતે? બીજો મુદ્દો પૂરો કરીને કહું.

2. બીજો મુદ્દો એ છે કે ફ્રિક્વન્સી ઘટાડી નાખીએ. ઘરમાં અઠવાડિયે બે વાર દાળવડાં બનતાં હોય કે બહારથી આવતાં હોય તો એકવાર કરી નાખીએ. પાણીપુરી દર અઠવાડિયે ખવાતી હોય તો પખવાડિયે એકવાર કરી નાખીએ. ભાવતું હોય તે સાવ છોડી દેવું શું કામ? પણ ફ્રિક્વન્સી જરૂર ઘટાડી શકીએ.

ક્વૉન્ટિટી અને ફ્રિક્વન્સી આ બે વાત યાદ રાખી હોય તો જિંદગીમાં ક્યારેય એવો સમય જોવાનો વારો નહીં આવે જ્યારે ડૉક્ટરો હાથ ઊંચા કરીને તમને કહી દે કે, ‘શીખંડ-પુરી-બટાટાવડાં બધું જ બંધ, બહાર ભૂલેચૂકે નથી ખાવાનું. જીવવું હોય તો ચૂપચાપ ઘરમાં બનાવેલી ઘી વિનાની બે રોટલી કે ખીચડી ખાતાં શીખી જાઓ અને તો ય ભૂખ લાગે તો એક વાટકી વઘાર્યા વિનાના મમરા ખાવાના—નહીં તો વધુમાં વધુ બે વરસ જીવશો અને રિબાઈ રિબાઈને મરશો.’

ક્વૉન્ટિટી તથા ફ્રિક્વન્સીવાળી વાત જો તમારા ગળે ઉતરતી હોય તો એને અમલમાં મૂકવાની ટિપ આપું: જે કંઈ ખાઈએ તે શાંતિથી, ધીરેધીરે, એકએક કોળિયાનો ભરપૂર સ્વાદ લેતાં લેતાં ખાઈએ. કોઈ જાતના ડિસ્ટ્રેક્શન વિના, વાનગીનો સ્વાદ માણીને ખાઈએ. પાણીપુરીવાળો ભલે ફટાફટ તમને એકએક પુરી પીરસતો રહે, તમે તમારો ટર્ન જતો કરીને પણ ધીમે ધીમે પુરીમાંના પાણીને, ચણામગબટાટાના કે રગડાના કે બુંદીના પુરણને, ખાટીમીઠી ચટણીને માણ્યા કરો. ડબલ મઝા આવશે. અને ઓછી પાણીપુરી ખાઈને વધારે સંતોષ મળશે.

ઘરમાં ટીવી સામે બેસીને કે ગામગપાટા મારતાં મારતાં કેરીના રસના ત્રણ વાટકા ઝાપટી જઈશું તો પણ એટલો સંતોષ નહીં આવે જેટલો સંતોષ આ સૌની સાથે બેસીને, પણ ઓછામાં ઓછી વાતો કરીને, તેમ જ ટીવી બંધ રાખીને, ધીરે ધીરે એક વાટકો રસ ખાવામાં આવશે.

કોઈ પણ ભોજનનો રિયલ સ્વાદ લેવાનું ચૂકી જઈએ છીએ ત્યારે આપણે અસંતોષને કારણે હજુ વધુ, હજુ વધુ કરીને ખાતાં રહીએ છીએ, છતાં ધરાતા નથી. આ બધું હું તમને મારા અનુભવો પરથી, મારી કુટેવો પરથી કહું છું. છેક નાનપણથી મને જમતી વખતે વાંચવાની ટેવ હતી. નાસ્તા કરતી વખતે પણ ચોપડી હાથમાં જોઈએ. પછી ટીવી આવ્યું, ડીવીડી, ઓટીટી બીજું ઘણું આવ્યું. મિત્રો સાથે ખાતાપીતા હોઈએ તો ગમે એટલી સ્વાદિષ્ટ વાનગીનો સ્વાદ માણવાને બદલે ગામગપાટા જ મુખ્ય હોય. આને કારણે શું ખાધું, કેટલું ખાઈ ગયા એની સરત જ ન રહે.

ભાવતી વસ્તુઓ ખૂબ ઝડપથી ખાઈ નાખીએ, ચાવીચાવીને એનો સ્વાદ વધારવાને બદલે ક્વૉન્ટિટીનું ભાન ન રાખીએ, ફ્રિક્વન્સીનું પણ નહીં. અઠવાડિયામાં મન થયું ત્યારે અહીં ખાવા ગયા, ત્યાં ખાવા ગયા, ફલાણું યાદ આવ્યું તો ત્યાં જઈ આવ્યા. કોઈ નિયમ નહીં, કોઈ શિસ્ત નહીં. આને કારણે શું થાય કે તમે ગમે એટલું ખાઓ પણ કોઈ ધરવ જ ન થાય.

સ્વામીજીએ બે મહિનાવાળી જે વાત કરી છે તે બહુ જ કન્વિન્સિંગ લાગી મને. ભોજન ભગવાને આપેલી એક મહામૂલી ભેટ છે. અ-સ્વાદ વ્રત આપણા જેવા સંસારીઓ માટે નથી – તપસ્વીઓ માટે છે. અમુક પ્રકારના ફૂડનો સદંતર ત્યાગ કરીએ તે તો સારું જ છે. પણ ભાવતું બધું જ છોડી દેવાનો કોઈ મતલબ નથી. દરેક ભોજનનો આદર કરીએ – ક્વૉન્ટિટી જાળવીને, ફ્રિક્વન્સી નક્કી કરીને.

યોગગ્રામમાં ભલે બે મહિના પૂરા નથી રહેવાના, દસ દિવસ ઓછા રહીશું – પચાસ જ દિવસ. પણ સ્વામીજીએ જે લેસન આપ્યું છે તે ઘરે જઈને હોમવર્કરૂપે પાકું થઈ જાય તો જિંદગીના સુવર્ણદિવસો શરૂ થઈ જાય.
તાજા કલમ: આ લેખ લખ્યા પછી હવે મારે ડાયનિંગ હૉલમાં ડિનર માટે જવાનું છે. આજનું મારા માટેનું મેનુ છે— દૂધીનો સૂપ,પપૈયાનો બૉલ અને જમ્યાની વીસ મિનિટ પછી મેથી-રાઈના પાઉડરની બે ચમચી, સૂતાં પહેલાં એન્ટી કોલ્ડ ક્વાથ અને સપનામાં સેવપુરીની અડધી પ્લેટ.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

20 COMMENTS

  1. તમારા યોગગ્રામ ના અનુભવોના લેખો નિયમિત વાંચું છું અને મને પણ લાગે છે કે એક વાર ત્યાં જઈને રહેવું જોઈએ.

  2. Tame Pacha aavo pachhi sevpuri ni full plate ,half half share Kari ne khashu,Ane te pan Santa Cruz , Ram Shyam ni.😊

  3. હરિ ઓમ આપણા વડાપ્રધાન મોરારજીભાઇ દેસાઇ કહેતા કે આપણું રસોડું એ જ આપણું દવાખાનું છે કોઈ પણ બીમારી રસોડા થી શરૂ થઈ રસોડામાં જ સમાપ્ત કરી શકીએ છીએ
    આ વાક્ય મારા વડીલ ડોક્ટર હીરાલાલ જગજીવનદાસ સાયણી હંમેશા પોતાના દર્દીઓને અને મને પણ કહેતા
    આપના લેખો દ્વારા ઘણા લોકોને તંદુરસ્ત રહેવાની બધી જ પ્રેક્ટિકલ tips મળી રહી છે માટે લખતા રહો સૌરભભાઈ

  4. Saurabhbhai Sirji…..enjoying your articles from Raamdev Ji‘d Yogaashram @Hardwar 🇮🇳…🙌👌👌🙏💐…I have one suggestion for your articles ..when you back Mumbai 🏠 check possibility of converting your articles in audio book…this will be great for your followers like us in not only in 🇮🇳 but all around world 🇨🇦🇺🇸😷..🌎..This will make option for listening you through xour articles even driving 🚗 or travelling… I m sharing link of my FB post for support my suggestion 👇🏻👇🏻

    https://www.facebook.com/1127832398/posts/10221104642982205/?d=n
    Thanks 🙏🙏

  5. ઉંમરના વધવા સાથે ધીરે ધીરે જન્ક ફૂડનો ત્યાગ કરવાનું તમારું સૂચન ખૂબજ આવકાર્ય છે.
    “કમ ખાવ અને ગમ ખાવ”તેમજ “અન્ન મારે અને અન્ન જીવાડે” જેવાં લોકીક સૂચનો ધ્કયાનમાં લેવાં જેવાં છે.

  6. ખુબ સરસ મારા ગુરૂજી કહ કે જે વસ્તુ બહુ ભાવતી હોય તે થોડીક ઓછી ખાવી એટલે જીવનભર ખાઈ શકીયે

  7. ખુબ સરસ વ્યંજનો અને તેના નિયંત્રણ વિશે લખ્યું છે આપે સર. રોગો ની ભયાનકતા ભલભલા ખાવા ના શોખીનો ની શાન
    ઠેકાણે લાવી દે એવો આપનો લેખ છે સર . ધન્યવાદ 💐🙏

  8. ખૂબ સરસ લેખમાળા, અમારા પણ યોગગ્રામ માં સાધના ના દિવસો ચાલતા હોય તેમ લાગે છે. આપનો ખૂબ આભાર.

  9. ભાવતા ભોજન ની ઓછી quantity અને ફરી ફરી થી ન બનાવી ને કોઈક વાર બનાવવાની ટીપ મસ્ત!!!
    Khubaj સરસ લેખ

  10. બહુ જ રસપ્રદ અને પાલન કરવા યોગ્ય.આભાર.

  11. Very nice 👍👍👍 તમારા અનુભવો share કરતા રહો આ લેખ અમોને જિંદગી માં ખુબજ ઉપયોગી થશે એવું અમે હાલ માં અનુભવીએ છીએ

  12. Your experience with the Yoggram is fruitful .
    You and we with you will get excellent lessons for life.
    Thanks for supplying superb information.
    👍

  13. સપના માં તો આખી પ્લેટ ખાવી હતી,ભલા માણસ. બાકી અમારે તો તમારા લેખ થી જ ધરવ થઈ જાય છે.😊

  14. Saurabhbhai, enjoying reading your ashram daily routines and quiet inspiring too. Today’s article seems too short. Now it’s a habit to ready your article and to get feel we are at shibir with you.. enjoying daily with your articles..

    Bhavin Shah

  15. Sir we love you very much.thanking you for your experience at yoggram patanjali
    Regards
    Dr.vaja kodinar

  16. Yog gram ma javani khub iChha che .Tya sudhi Tamara lekh ma quantity and frequency of bhavta bhojan ni takor karta rehjo.

  17. I love to read your artical on your shibir experience…… I have 1 request, once you return from shibir please print a book on your 50 days experience at shibir…… title shud be ‘ Jeevan na 50 suvarna divaso.’
    Keep writing…
    Regards,
    Gaurav ajey chokshi
    Vadodara.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here