હૉલિવુડ ઠીક છે પણ બૉલિવુડ-ઢોલીવુડ શું કામ?: સૌરભ શાહ

( હરદ્વારના યોગગ્રામમાં રહીને આરોગ્યચિંતન ઉપરાંતના વિષયો પર લખવાનું ગમે છે. આજના ‘સંદેશ’ની રવિવારીય ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રગટ થયેલો આવો જ એક લેખ પ્રસ્તુત છે જે અહીં આવ્યાના દસમા દિવસે લખીને મોકલી આપ્યો હતો.)

(તડકભડકઃ ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, 17 એપ્રિલ 2022)

‘ગૉડફાધર’ ક્રાઇમ ફિલ્મ છે, ગૅન્ગસ્ટરોની વાર્તા છે એમાં. પણ એમાં કુટુંબ પરિવાર માટેની પણ વાત છે (‘બહારનાઓ સાથે ચર્ચા થતી હોય ત્યારે પરિવારના કોઈ પણ સભ્યે, આપસમાં મતભેદ હોય તો પણ, ઘરનાઓનો સાથ છોડીને બીજાઓનો પક્ષ લેવાનો ન હોય). એમાં બિઝનેસ એથિક્સની પણ વાત છે (‘એક વાર જુબાન આપી તે આપી’). આ પ્રકારનાં અનેક વિચારો મૂળ નવલકથામાં અને ફિલ્મમાં અનેક ઠેકાણે તમને જોવા મળે અને એટલે જ આ ફિલ્મ પચાસ વર્ષ પછી પણ હૉલિવુડની ટૉપ ટેન ફિલ્મોની કોઈ પણ યાદીમાં પહેલા સ્થાને બિરાજમાન હોય છે.

આ માર્ચમાં ફિલ્મની રિલીઝની સુવર્ણ જયંતિનો અવસર હતો. 1972ના માર્ચમાં રિલીઝ થયેલી. આ પ્રસંગે પેરામાઉન્ટવાળાએ વિશ્વના પ્રમુખ શહેરોમાં ‘ગૉડફાધર’ ફરી રિલીઝ કરી. મુંબઈમાં એક અઠવાડિયાને બદલે ત્રણ અઠવાડિયાં ચલાવવી પડી. મિત્રો સાથે અમે પણ મોટા સ્ક્રીન પર પહેલીવાર જોઈ. (ટીવીના નાના પડદે તો એટલી વાર જોઈ છે કે એના એકેએક ડાયલોગ ઉપરાંત દરેક શૉટમાં એક્ટરોની નાનીનાની જેશ્ચર પણ મોઢે થઈ ગઈ છે). એક જ શબ્દ આ મોટા પડદાના સૌ પ્રથમ અનુભવ માટે — અલૌકિક.

આમ તો આ ફિલ્મ પ્રથમવાર રિલીઝ થઈ ત્યારે કૉલેજકાળ ચાલતો હતો. 1972માં હૉલિવુડમાં લાગેલી ફિલ્મ ઇન્ડિયામાં છેક 1976માં પહેલવહેલીવાર આવી હતી. અત્યારે જોઈ ત્યારે સેન્સરના સર્ટિફિકેટ પરથી એક્ઝેટ વર્ષની ખબર પડી. સર્ટિફિકેટમાં ઊડીને આંખે વળગે એવી ‘અપર્ણા મોહિલે’ની સહી હતી જે સહી સેવન્ટીઝની અનેક ફિલ્મોના સેન્સર સર્ટિફિકેટમાં તમે જોઈ હશે.

એ જમાનો હતો જ્યારે કૉલેજમાં ગુટલી મારીને દોસ્તારો સાથે ‘ગન્સ ઑફ નેવરોન’ અને ‘વ્હેર ઇગલ્સ ડેર’ જેવી દાયકા જૂની હૉલિવૂડની ફિલ્મો જોવાતી. નવી આવતી ‘પોસાયડન ઍડવેન્ચર’, ‘ટાવરિંગ ઇન્ફર્નો’, ‘મૅન, વુમન એન્ડ ચાઇલ્ડ’, ક્રૅમર વર્સીસ ક્રૅમર’ અને ‘સૅટરડે નાઇટ ફીવર’ કે ‘એન્ટર ધ ડ્રેગન’ પણ જોવાતી.

સ્કૂલિંગ પૂરેપૂરું ગુજરાતી મીડિયમમાં એટલે કૉલેજમાં અંગ્રેજીમાં ફાંફાં. પણ અંગ્રેજી માધ્યમમાં ભણેલા ગુજરાતી મિત્રો ફિલ્મ જોતાં પહેલાં, ઇન્ટરવલમાં અને ફિલ્મ પૂરી થયા પછી કથાસાર આપે એટલે આ બધી ફિલ્મોના લાંબા ડાયલોગવાળા ‘ટૉકેટિવ’ પાર્ટ થોડા થોડા સમજાય.

કન્ટેમ્પરરી હિન્દી ફિલ્મો પણ જોવાતી. સ્વાભાવિક છે. કોઈ પણ કૉલેજિયન બચ્ચનજી, ચિન્ટુજી વગેરેની ફિલ્મો દર શુક્રવારે જુએ, જુએ ને જુએ જ. એ ઉપરાંત મૉર્નિંગ કે મેટિની શોમાં ગુરુદત્તની ફિલ્મોનો, દેવ આનંદની બ્લૅક એન્ડ વ્હાઇટ ફિલ્મોનો દર રવિવારે કે આખો અઠવાડિયાનો ફેસ્ટિવલ ચાલે, તેમાં પણ જવાનું. પણ એમાં આ ફિલ્મરસિક મિત્રો ન આવે. એમને એ બધામાં રસ ઓછો.

અમે તો 1973માં રિલીઝ થયેલી શ્યામ બેનેગલની અનંત નાગ-શબાના આઝમીવાળી આર્ટ ફિલ્મ ‘અંકુર’ પણ પહેલા જ વીક એન્ડમાં થિયેટરમાં જોયેલી. બાસુ ચેટર્જીની ‘રજનીગંધા’ જેવી મિડલ ઑફ ધ રોડ (ન કમર્શિયલ ફિલ્મ, ન આર્ટ ફિલ્મ— બેઉની વચ્ચે રહીને બનાવેલી) ફિલ્મ પણ એ જ રીતે જોયેલી. આ બે ફિલ્મોથી હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આર્ટ ફિલ્મો અને મિડલ ઑફ ધ રોડ ફિલ્મો બનાવવાનું પૂરજોશમાં શરૂ થયું. પૂરજોશમાં. બાકી આવી ફિલ્મો છુટક છુટક તો અગાઉ બનતી જ હતી. ‘સારા આકાશ’, ‘ભુવન શોમ’, ‘મુસાફિર’ ઇત્યાદિ.

ફિલ્મો, રંગમંચ, લાઇવ શોઝ, વિવિધ પ્રકારનાં પરફોર્મન્સ, શાસ્ત્રીય સંગીતની બેઠકો…આ બધું જ પાંચમા વેદ તરીકે ઓળખાતા ભરતમુનિના નાટ્યશાસ્ત્રની પરંપરાનો એક હિસ્સો છે. ભારતીય ફિલ્મોમાં, હિન્દી ફિલ્મોમાં જે અમુક ખરાબીઓ હતી (અને હજુય છે) તે તો એનું કાળું પાસું છે. એ દૂર કરવાની કોશિશ જ નહીં, તનતોડ પ્રયત્નો કરીએ.

હૉલિવુડને લોકો અમસ્તા જ વગોવે છે. નાસમજ પ્રજા છે એ. આવા નાસમજ લોકોએ હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ‘બૉલિવુડ’ જેવું ભદ્દું નામકરણ કર્યું છે અને એમાંના કેટલાક દોઢડાહ્યાઓ ગુજરાતી ફિલ્મોની ઇન્ડસ્ટ્રીને ‘ઢોલીવુડ’ના ચીતરી ચડે એવા નામથી ઓળખે છે. લ્યાનત છે આવા લોકો પર. આપણી માતૃભાષાની ફિલ્મો છે – જરાક તો કદર કરતાં શીખો. કદર કરતાં ચૂંક આવતી હોય તો ચૂપ રહેવાનું પણ ઢોલીવુડ?

ફિલ્મો, રંગમંચ, લાઇવ શોઝ, વિવિધ પ્રકારનાં પરફોર્મન્સ, શાસ્ત્રીય સંગીતની બેઠકો-હિન્દુસ્તાની ક્લાસિકલથી માંડીને કર્ણાટકી સંગીત સુધીની, વોકલ કે ઇન્સ્ટ્રુમેન્ટલ. આ બધું જ પાંચમા વેદ તરીકે ઓળખાતા ભરતમુનિના નાટ્યશાસ્ત્રની પરંપરાનો એક હિસ્સો છે. અભિનયકળામાં વિવિધ પ્રકારનું સંગીત ભળે ત્યારે એ સંગીત પણ આ પરંપરામાં સામેલ થઈ જાય – હાલાંકિ શાસ્ત્રીય સંગીતના વિવિધ પ્રકારોની એક અલગ જ ગૌરવવંતી વિધા છે.

ભારતીય ફિલ્મોમાં, હિન્દી ફિલ્મોમાં જે અમુક ખરાબીઓ હતી (અને હજુય છે) તે તો એનું કાળું પાસું છે. એ દૂર કરવાની કોશિશ જ નહીં, તનતોડ પ્રયત્નો કરીએ. એને લગતા કડકમાં કડક નિયમો બનાવી એને લાગુ પાડવા જોઈએ. મોરારીબાપુ કહે છે એમ નૈતિકતાના રક્ષણ માટે કાયદાને તોડવા પડે તો તે કરવામાં ખોટું નથી.

પણ સૂકા ભેગું લીલું ન બળે એનું ધ્યાન રાખવાનું. સ્વરા ભાસ્કર કે એવા ડઝનબંધ એન્ટી-નેશનલ વિચારો-પ્રવૃત્તિઓ કરનારાઓ કરતાં અનેકગણા દેશપ્રેમીઓ-વિવેક અગ્નિહોત્રી જેવાઓએ- આપણી હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઉજળી બનાવી છે. ભારતીયજનોના મનોરંજનનું આ બહુ મોટું માધ્યમ છે – હિંદી ફિલ્મો, તમિળ-તેલુગુ-મલયાલમ ફિલ્મો, બીજી પ્રાદેશિક ભાષાની ફિલ્મો. નાટક પણ એવું જ એક મોટું માધ્યમ છે. એક જમાનો હતો જ્યારે નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામા જેવી ખમતીધર શિક્ષણ સંસ્થામાં ભણીને આવેલા ધુરંધર અભિનેતા-અભિનેત્રીઓ ત્યાંના વાતાવરણને કારણે ચોક્કસ વિચારસરણીના રંગે રંગાઈને આવતા. હવે આ સંસ્થાનો કારભાર રાષ્ટ્રવાદી વિચારસરણી ધરાવતા ગુજરાતીઓના ગૌરવ સમા અભિનેતા પરેશ રાવળને સોંપવામાં આવ્યો છે. પૂણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યુટથી માંડીને સેન્સર બોર્ડ સુધીની સંસ્થાઓ તેમ જ યુ.પી. ગુજરાત જેવાં પ્રગતિશીલ રાજ્યોની સરકારો— આ બધા પોતપોતાની રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો માહોલ બદલી રહ્યા છે જેનું સામૂહિક પરિણામ રાતોરાત તો નથી જ આવવાનું. આવશે ત્યારે ચકિત થઈ જશો.

પવિત્ર ગંગા મેલી થઈ ગઈ છે એવી બહુ બદનામી થઈ. ગંદકીવાળી વાતમાં સત્ય તો હતું પણ એ સત્યની એટલી બધી અતિશયોક્તિ થઈ ગઈ કે ભારતીયજનોની ગંગાજી પરની શ્રદ્ધા ઓછી થવા માંડે એવા પ્રયત્નો થતા રહ્યા. ‘નમામિ ગંગે’ પ્રોજેક્ટ હેઠળ ગંગામાં જે કંઈ માનવસર્જિત પ્રદૂષણ ઠલવાતું તે બંધ થઈ રહ્યું છે. આ માટે રાજ્યસરકારોનો સહયોગ જોઈએ જે અગાઉ નહોતો મળતો. ગંગાજીની જેમ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ ક્રમશઃ પ્રદૂષણમુક્ત થઈ રહી છે.

હૉલિવુડનું તો હૉલિવુડવાળા જાણે. ત્યાંની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની તો અત્યારે દશા બેઠી છે. પૈસો ખૂબ જ છે એ લોકો પાસે પણ સર્જનાત્મકતા સૂકાઈ ગઈ છે. એટલે જ જુઓને જૂની હિટ ફિલ્મોની સિક્વલો અને સિરીઝો બન્યા કરે છે અને એય કોઈ દમ વિનાની. છેલ્લા એક દાયકામાં માંડ એકાદ બે એવી યાદગાર ફિલ્મ હૉલિવુડે આપી જે ભવિષ્યની ટૉપ હન્ડ્રેડની યાદીમાં સામેલ થવાની પાત્રતા ધરાવતી હોય.

લેખની શરૂઆત આપણે ‘ગૉડફાધર’થી કરી હતી. વાત તો બાકી જ રહી ગઈ. આવી મહાન ફિલ્મ વિશે એકાદ-બે-ત્રણ લેખ નહીં એક આખું પુસ્તક લખી શકાય જેમાં આ ફિલ્મ જેના પર બેઝ્ડ છે તે આ જ નામની મારિયો પૂઝોની નવલકથા વિશે પણ વાત થઈ શકે.

‘ગૉડફાધર’ 1976માં મુંબઈમાં રિલીઝ થઈ તે વખતે જોવાનું તો રહી જ ગયું પણ ઘણા લાંબા સમય સુધી ન તો આ ફિલ્મ જોવાનું થયું, ન આ નવલકથા વાંચવાનું બન્યું. હાલાંકિ કૉલેજનાં પાછલાં વર્ષોમાં જેફ્રી આર્ચર, ઇરવિંગ વૉલેસ, સિડની શેલ્ડન, એલીસ્ટર મેક્લિન, આર્થર હેલી, રૉબર્ટ લુડલમ વગેરે થ્રિલરના બેતાજ બાદશાહો વાંચતા થઈ ગયા હતા. સૌથી પહેલાં ભાડાના વીડિયો પ્લેયર પર ‘ગૉડફાધર’ જોઈ હતી અને એના થોડા સમય પછી એની વીસીડી વસાવી. પછી ડીવીડી અને છેવટે બ્લ્યુ રે. ‘ગૉડફાધર’ નવલકથાની પણ હાર્ડ બાઉન્ડ, પેપરબેક અને બીજી ત્રણેક પ્રકારની આવૃત્તિઓ વસાવી. ‘ગૉડફાધર’ વિશે પ્રગટ થયેલાં અડધોએક ડઝન દમદાર ગ્રંથો મારી પાસે છે. એના કળાકારો, દિગ્દર્શક વિશેનાં પુસ્તકો તો પાછાં જુદાં. મારિયો પૂઝોએ ‘ધ ગૉડફાધર પેપર્સ’ નામે આ વિષયક લેખોનું સંકલન આપ્યું છે. દિગ્દર્શક ફ્રાન્સિસ ફૉર્ડ કોપોલા, માર્લન બ્રાન્ડો, અલ પચીનો આ સૌએ પોતપોતાની રીતે ઘણી અનુભવકથાઓ આ ફિલ્મને ધ્યાનમાં રાખીને શેર કરી છે. પચાસ વર્ષ પછી પણ નિનો રિટાનું મ્યુઝિક અવિસ્મરણીય છે. યુ ટ્યુબ સર્ચ કરીને સાંભળજો. એકદમ હૉન્ટિંગ છે.

ફિલ્મ ‘ગૉડફાધર’ વિશે આવતા અઠવાડિયે માંડીને વાત કરીએ. આ તો માત્ર પ્રસ્તાવનાનો જ લેખ થઈ ગયો!

પાન બનાર્સવાલા

તમારા મિત્રોને હંમેશાં તમારી નજીક રાખો અને તમારા દુશ્મનોને એથીય વદારે નજીક રાખો (જેથી એમની દરેક ચાલ પર નજર રાખી શકો).

—‘ગૉડફાધર’

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

15 COMMENTS

  1. GOD FATHER જેવી all time classic નો ગુજરાતીમાં અનુવાદ કરવા બદલ અમે સૌ આપણા આભરી છીએ….
    મે બુક વાંચી છે અને વસાવી પણ છે….બસ એક ઇચ્છા છે બુકમાં તમારો autograph લેવાની……🙏🏼

  2. Dear Sh. Saurabhbhai,
    I am reminded of my college time.
    Had lots of curiosity and lots of energy. English was difficult to understand, especially pronunciations.
    I recall that I told my parents after watching “Tora Tora Tora” that I could understand Japanese (with sub-titles) much better than English.
    Thanks for the article.
    Best regards, Kamlesh.

  3. બોલીવુડ ટોલીવુડ ઢોલીવુડ નામકરણ કરવાવાળાઓ પાસે સર્જનાત્મકતાનો અભાવ golden era જેવું standard જોવા મળતું નથી

  4. સૌરભભાઇ, આ લેખમાં ઉલ્લેખ કરેલી તમામ ફિલ્મો તો જોઇ જ છે કોલેજ કાળમાં, એ ઉપરાંત પણ ‘ મેકેનાઝ ગોલ્ડ , ટેન કમાન્ડ મેન્ટસ, બેનહર, બોન્ડ સિરિઝ, રેડ સન, સેમસન એન્ડ ડીલાઈલા વગેરે અઢળક અંગ્રેજી ફિલ્મો જોઈ છે.
    પરંતુ આજે પણ એ ફિલ્મો એટલી જ જોવી પણ ગમે છે, એના વિષે વાંચવું પણ એટલું જ ગમે છે, એ ભૂખ તમારા લેખો થકી ઘણીખરી સંતોષાય છે. તમારા લેખોને કારણે એવી ઉચ્ચ કોટીની ફિલ્મો વિષેની બારીકી જાણીને દિલ બાગ બાગ થય જાય છે, અન્ય ફિલ્મો વિષે પણ પિરસતા રહી અમારા જેવા વાચકોની ભૂખ ભાંગતા રહો ઍજ એક માત્ર આશાસહ……

  5. આપના પ્રત્યેક લેખમાં કંઇક નવુ વિચાર, નવી માહિતી નવા સ્વરૂપે મળતી રહે છે. આપના લેખો વાંચવાનું વ્યસન થઈ ગયું છે.

  6. બોલીવુડ ટોલીવુડ અને ઢોલીવુડ શબ્દો કોણે ક્યારે શરુ કર્યા શરમજનક ખરેખર ચિતરી ચઢે અત્યારની ફિલ્મો મા ભારતીયતા જડતી નથી

  7. ગોડફાધર નુ હિન્દી dabed કયા ઉપલબ્ધ છે

  8. હું પણ ગુજરાતી માધ્યમ માં ભણેલો છું,આપે વર્ણન કર્યું તેમ મને પણ હોલિવૂડ ની મહાન ફિલ્મો વિશે ઇંગ્લિશ માધ્યમ માં ભણતા મિત્રો પાસેથી જાણવા મળ્યું છે.

  9. આ ઢોલીવુડ શબ્દ મનેય નથી ગમતો… હવે તો અહીં પણ અર્બન ફિલ્મો બની રહી છે તો પછી ઢોલીવુડ શબ્દ શુ કામ…
    હું તો રાહ જોઉં છું જ્યારે હરકિસન મહેતા અને અશ્વિની ભટ્ટ ની નોવેલ ઉપર થી ફિલ્મ બને..

    • જો હું ભૂલતો ન હોવ તો હરકિશન મહેતા ની નવલકથા ઉપર સૌથી વધુ સીરીયલ બની છે.
      સોની ચેનલ ઉપર આવતી….

  10. Koik jagya e vanchelu k aa film ma kaam karva maate Marlon Brando e ghani vakhat na paadeli ane pachhi mand mand maani gaya.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here