સુરત જઈને ખમણ-ઘારીને બદલે પિત્ઝા ખાનારાઓ વિશેઃ સૌરભ શાહ

(તડકભડકઃ સંદેશ, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 12 ડિસેમ્બર 2021)

હમણાં ક્યાંક વાંચ્યું કે કોઈએ ઉદયપુરથી પૂણે જતાં વચ્ચે સુરતમાં નાઇટ હૉલ્ટ કર્યો. ભૂખ લાગી પણ ખબર નહીં કે ક્યાં ખાવું. છેવટે પિત્ઝા મગાવીને ખાઈ લીધો.

સુરતમાં ખમણ, લોચો, રતાળુ પુરીથી માંડીને ઘારી-ઘેવર અને ખારી-નાન-ખટાઈ સુધીની ડઝનબંધ ખાવાની ચીજો વર્લ્ડ બેસ્ટ સ્ટાન્ડર્ડની મળે છે અને સિઝનમાં ઉંધિયું-પોંક તો ખરાં જ. પણ એ બધું છોડીને કોઈએ પિત્ઝાનું શરણું લેવું પડે તો વાંક કોનો? સુરતનો કે ત્યાં એક રાત માટે રોકાયેલા એ ભાઈનો? એના અજ્ઞાનનો?

અજ્ઞાન તો ખરું જ. પણ એણે બે-ચાર જગ્યાએ પૂછપરછ ના કરી, ગૂગલ સર્ચ પણ ના કર્યું અને સીધો જ ડોમિનોઝમાં જઈને પિત્ઝા ખાઈ આવ્યો એ એની આળસ હતી.

અજ્ઞાન દૂર કરતાં પહેલાં આળસ દૂર કરવી પડે. અજ્ઞાન દૂર કરતાં પહેલાં માનસિક રીતે તૈયારી કરવી પડે કે આ અજ્ઞાન છે, એને મારે દૂર કરવું છે. અજ્ઞાન દૂર કરવાની દાનત હોય તો જ આળસ દૂર થાય અને તો જ ચાર જણને પૂછવાનું સૂઝે.

સૂરતમાં સારી ખાવાની જગ્યાઓ વિશે પૂછીને માહિતી મેળવી લેવાનું કામ તો કોઈનાય માટે ડાબા હાથનો ખેલ છે. પણ એવી કેટલીય માહિતીઓ આપણી પાસે નથી હોતી જે કેઝ્યુઅલી બે-ચાર જણને પૂછીને પ્રાપ્ત થઈ જતી નથી. ગૂગલ કે વિકિપીડિયા પણ એ બાબતમાં તમને સાચી જ માહિતી આપશે એવી કોઈ ગેરન્ટી નથી.

વચ્ચે મુંબઈમાં એક જાણીતી ઇરાની ખુલ્લી છે કે નહીં તેની ગૂગલ પર ચકાસણી કરીને છેક લાંબા થયા અને ત્યાં પહોંચીને ખબર પડી કે અંદર બેસીને ખાવાપીવાનું અલાઉડ નથી. માત્ર બેકરીની બેચાર ચીજો બંધાવીને લઈ જઈ શકો. આવું જ ઘાટકોપરના ફેમસ ઢોસાવાળાએ નવી ખોલેલી રેસ્ટોરાંની બાબતમાં થયું. ગૂગલ પર દેખાડે કે રેસ્ટોરાં ખુલ્લી છે. કોઈએ પાંચ દિવસ પહેલાં અપલોડ કરેલા એ જગ્યાના ફોટા પણ દેખાય. ત્યાં જઈને ખબર પડી કે ચાર મહિનાથી આ જગ્યા બંધ છે. ગૂગલ પરથી પ્રાપ્ત થતી તમામ માહિતી સો ટકા સત્ય નથી હોતી. ગૂગલ પરની માહિતી સામાન્ય પ્રજા દ્વારા અપલોડ થાય છે, ફેસલેસ વ્યક્તિઓ-આમ જનતા આ બધાં રમતરોળાં કરે છે જેમને તમે ગેર માહિતી આપવા બદલ જવાબદાર ઠેરવી શકવાના નથી.

આવું જ વિકિપીડિયાનું છે. અમુક ચોક્કસ વિચારધારાની ગૅન્ગ દ્વારા આ માધ્યમનો કબજો લઈ લેવામાં આવ્યો છે. તેઓ મૂળ માહિતી સાથે ચેડાં કરીને ભ્રમણા ફેલાવનારી બનાવટી વાતો લખીને, આ જ સત્ય છે એવો માહોલ ઊભા કરતા રહે છે. જ્યાં તમારે પોતાનો અભિપ્રાય ઘડવાનો કે ચકાસવાનો હોય એવી બાબતો માટે વિકિપીડિયા પર આધાર ના રાખી શકાય.

જે માહિતી તમારી પાસે નથી તે ગમે ત્યાંથી મળી જાય અને તમે અપનાવી લો તે તો એવી વાત થઈ કે ભૂખ લાગી હોય ત્યારે તમે રસ્તા પરની ગંદી જગ્યાએથી આરોગ્યને હાનિકારક થાય એવો ખોરાક પેટમાં પધરાવી લો.

કોઈ પણ માહિતી મનમાં ઉમેરાય ત્યારે આ જ ધ્યાન રાખવાનું છે. કોઈ બિન આરોગ્યપ્રદ સૂત્રોમાંથી એ આવે છે કે પછી જેની આ બાબતે, આ વિષયે પ્રતિષ્ઠા છે અને જેની દેશ પ્રત્યેની નિષ્ઠામાં કોઈનેય કંઈ શંકા નથી એની પાસેથી આવે છે?

માહિતીનાં સ્ત્રોત હવે ખૂબ બધાં થઈ ગયાં છે. સારું જ છે. ધ્યાન એટલું રાખવાનું કે માહિતી આપનારનું નામ જ્યાં ના હોય તે માહિતીને ચાર ગળણે ગાળ્યા પછી જ સ્વીકારવાની. કેટલીક વખત તો તમને કોઈના નામે માહિતી મળે. ફલાણાએ આવું કહ્યું. પણ ચકાસવા જઈએ તો ખબર પડે કે ફલાણાએ આવું કહ્યું જ નથી. ખોટી માહિતી, તદ્દન જુઠ્ઠી માહિતી ખૂબ ઝડપથી ફેલાઈ જતી હોય છે અને વર્ષો સુધી લોકો એનો ઉપયોગ કરતા રહે છે. આ માહિતી ખોટી છે એવા ખુલાસાઓ થયેલા હોવા છતાં ભ્રમણાઓ ફેલાતી રહે છે.

ભારતની પરંપરામાં બે વાતનું મહત્ત્વ સૌથી મોટું છે. એક તો જ્ઞાન/માહિતીનો પ્રકાશ જ્યાંથી મળે ત્યાંથી લેવો. અને બીજું, નીરક્ષીર વિવેક. આ બેઉ જરૂરી છે.
માહિતી કે જ્ઞાનનું જો કોઈ એક જ સ્ત્રોત પકડીને બેસી રહીશું તો આંખે ઘોડાના ડાબલા બાંધ્યા હોય એવી એકાંગી દૃષ્ટિ થઈ જશે. ખુલ્લા મનથીબધું જ જાણવાનું. જે મત ન ગમતો હોય, અસ્વીકાર્ય હોય તે મનની પુષ્ટિ કરતી માહિતી પણ મેળવવાની. એક જ મુદ્દા પરનાં વિવિધ દૃષ્ટિકોણ જાણવાનાં. વિવિધ વિષયોમાં રસ લેવાનો. વિશ્વના જ્ઞાનભંડારમાંથી મળતો પ્રકાશ છેવટે તો તમારા જીવનને અજવાળવાનો છે એવી ભાવના સાથે ઉદાર હૃદયે બધું જ આવકારવાનું.

પણ સાથે નીરક્ષીર વિવેક હોવો જોઈએ. દિમાગમાં માહિતીનો ઉકરડો થઈ ના જાય એનું ધ્યાન રાખવાનું. તમારા માટે શું કેટલું કામનું છે એ નક્કી કરવા માટે તમારી કોઠાસૂઝ વિકસાવવી પડે. આ ઉપરાંત બે વિરુદ્ધ મતમાંથી કયો મત સાચો એની ચકાસણી કરીને થાકી જાઓ છતાં કોઈ નિર્ણય પર ના આવી શકો ત્યારે તમારા અંતરાત્માને પૂછવું પડે. નીરક્ષીર વિવેકબુદ્ધિ વિકસાવી હશે તો અંતરાત્મા સાચી દિશા સૂઝવશે.

માહિતી અને જ્ઞાનનાં સોર્સ અનેક હોવાનાં. ક્યારેક તમને જે સોર્સ ઉપર પાકો ભરોસો હોય તેના તરફથી મળતી માહિતી કે એમનો અભિપ્રાય તમને સ્વીકાર્ય ન લાગે તો શું કરવું?

સૌ પ્રથમ તો ભરોસાપાત્ર સૂત્રો તરફથી મળેલી એ માહિતીની બે-ત્રણ વિવિધ સોર્સમાં જઈને ચકાસણી કરવી. શક્ય છે કે તમને જે ભરોસાપાત્ર સોર્સ લાગે છે એમને કોઈ છેતરીને ભ્રમિત માહિતી એમના ગળે વળગાડી ગયું હોય. અને એ પણ શક્ય છે કે આ ભરોસાપાત્ર સોર્સ જ પોતાના કોઈ અંગત અને છુપા સ્વાર્થને કારણે ગેરમાહિતી ફેલાવી રહ્યા હોય.

અભિપ્રાયો માહિતી કરતાં જુદા હોય છે. એક જ માહિતીને ટાંકીને બે તદ્દન વિરોધાભાસી અભિપ્રાયો પ્રચલિત થઈ શકે. કોઈ પણ અભિપ્રાય બાંધતાં પહેલાં જે માહિતીના આધારે એ અભિપ્રાય બાંધી રહ્યા હોઈએ તે માહિતીના ખરા-ખોટાપણાની ચકાસણી કરી લેવી.

મોટા ભાગના લોકો અધ્ધર વાતોના આધારે અભિપ્રાય બાંધી લેતા હોય છે. તમારી આસપાસના કે તમારા પરિચિતો વિશેના તમારા અભિપ્રાયો સારા હોય કે ઓછા સારા- તમને જ એને કારણે ફાયદો-નુકસાન થશે. જાહેરજીવન જીવતી વ્યક્તિઓ વિશેના તમારા અભિપ્રાયો સૂઝપૂર્વક પ્રગટ થવા જોઈએ. બેજવાબદારીથી પ્રગટતા અભિપ્રાયોને લીધે તમારી પોતાની માનસિકતા છતી થઈ જાય એવું બને.

જે લોકોને કંઈ પડી જ નથી કે સાચી માહિતી ક્યાંથી મેળવવી તે લોકો સુરત જઈને પણ પોંક-ઉંધિયું ખાધા વિના પિત્ઝાના ડૂચા મારીને ઘરે પાછા ફરતા હોય છે.

પાન બનાર્સવાલા

આપણે સતત જે વિચારો કરતા રહીએ છીએ એવા જ છેવટે બની જઈએ છીએ.
-ભગવાન બુદ્ધ

•••

આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here