ગાંધીવિચારોનો સંપૂર્ણ સ્વીકાર કે સંપૂર્ણ નકાર શક્ય છે? : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક: રવિવાર, પોષ વદ બારસ, વિક્રમ સંવત ૨૦૭૮. ૩૦ જાન્યુઆરી ૨૦૨૨)

કોઈપણ અતિ મહત્વની બાબત સાથે જે બનતું હોય છે એ ગાંધીજી સાથે પણ થયું. દાખલા તરીકે ભગવાન. કેટલાક લોકો કહે કે છે અને કેટલાક કહે કે નથી.

ગાંધીજીની અસર એમના જમાના પર એટલી મોટી કે ગાંધીજીમાં માનવાવાળા અને ગાંધીજીને નકારવાવાળા એવા બે ભાગમાં લોકો વહેંચાઈ ગયા. બેઉ પક્ષો પોતપોતાના મતને, આગ્રહને, જીદને ખેંચી ખેંચીને એક એક અંતિમ તરફ લઈ ગયા. આને કારણે આવનારી નવી પેઢીઓને જે નુકસાન થયું તે અકલ્પનીય હતું.

આઝાદી પછી જન્મેલી જે પેઢીએ ગાંધીજીને જોયા નથી, એમના જમાનામાં શ્વાસ લીધો નથી એમણે ગાંધીજી વિશેના બેમાંથી એક અંતિમને સ્વીકારીને ચાલવું પડે એવી આબોહવા સર્જાઈ જેને કારણે આ નવી પેઢીનું – ૧૯૪૭/૪૮ પછી જન્મેલી પેઢીનું ઘણું મોટું નુકસાન થયું. આ પેઢીએ કાં તો ગાંધીજીને આખેઆખા યથાતથ સ્વીકારવા કાં ગાંધીજીને સંપૂર્ણતયા નકારવા– રિજેક્‌ટ કરવા, આ જ બે વિકલ્પોમાંથી પસંદગી કરવી પડે એવી પરિસ્થિતિ સર્જાઈ.

ગાંધીજીને સંપૂર્ણપણે સ્વીકારવામાં અને ગાંધીજીને ટોટલી રિજેક્‌ટ કરવામાં – બેઉમાં જોખમ છે અને એમાં સૌથી મોટું નુકસાન આવું કરનારને જ થવાનું છે જે આપણે સમજતા નથી.

ગાંધીજીને તમે આઉટરાઈટ રિજેક્‌ટ કરી શકવાના નથી. ગાંધીજીના તમામ વિચારો અપ્રસ્તુત છે અને ગાંધીજીનું આજના જમાનામાં કશું રિલેવન્સ નથી એવો અંતિમવાદી વિચાર તમારું ભલું નહીં કરી શકે. તમારી વૈચારિક આળસને કારણે કે પછી કોઈ એક ચોક્કસ વિચારસરણીના અનુયાયી હોવાને કારણે તમે તમારી આંખે ડાબલાં બાંધીને ગાંધીવિચારોને શતપ્રતિશત નકારતા હો તો લોકશાહી દેશમાં તમને એવું કરવાની પૂરેપૂરી સ્વતંત્રતા છે પણ એમ તો તમને ઊંચા પર્વત પરથી ખીણમાં પડતું મૂકવાની પણ પૂરેપૂરી છૂટ છે, કોઈ તમને એવું પગલું ભરતાં રોકવા આવવાનું નથી. તમારે જો તમારા માનસિક વિશ્વને વિસ્તરતું અટકાવવું હોય કે સંકુચિત કરી નાખવું હોય તો જ તમે શતપ્રતિશત ગાંધીવિચારોનો વિરોધ કરવાનું ગાંડપણ કરી શકો.

બીજો એક્‌સ્ટ્રીમ પણ એટલો જ જોખમી છે. ગાંધીજીએ જે કહ્યું તે પથ્થરની લકીર એવું માનીને ચાલનારાઓ પણ પોતાની સંકુચિતતાનાં સર્ટિફિકેટો સામે ચાલીને તમને આપતા રહે છે. ગાંધીજી જે જમાનામાં જીવ્યા એ જમાનો જુદો હતો, એ સંજોગો જુદા હતા. આવું સમજ્યા વિના તમામ ગાંધીવિચારો આજે પણ પ્રસ્તુત છે એવું માનવાવાળાઓ હજુય અંગ્રેજોના ગુલામ હોવાની માનસિકતા ધરાવે છે. ગાંધીજીના કેટલાક વિચારો તો એ જમાનામાં પણ પ્રસ્તુત નહોતા અને આજની તારીખે તો એ વિચારોનો અમલ કરવાનો આગ્રહ રાખનારાઓ મૂર્ખામાં જ ખપે.

ગાંધીવિચારના પુનર્મુલ્યાંકનની વાતો વારંવાર થઈ છે, એવા અનેક પ્રયત્નો પણ થયા છે જેમાંના કેટલાક પ્રયત્નો અત્યંત નિષ્ઠાભર્યા પુરવાર થયા છે. આમ છતાં બેમાંથી એક પણ પક્ષ ખુલ્લા દિલે આવા પુનર્મુલ્યાંકનનાં તારણોને સ્વીકારી શકતો નથી એ આપણી ઘણી મોટી કમનસીબી છે.

ગાંધીજી વિશે અભિપ્રાય આપવો હોય, એમના વિચારોની પ્રસ્તુતતા વિશે ચર્ચા કરવી હોય તો ઉપરછલ્લા અભિપ્રાયોની ફેંકાફેંક કરવાથી નહીં ચાલે. ગાંધીજી વિશે કે ગાંધીજીએ લખેલાં બે પુસ્તકો વાંચીને ગાંધીવિચારો વિશેનો મત વ્યક્ત કરવાની હિંમત કોઈ અભણ જ દેખાડી શકે.

ગાંધીજી વિશે જાણવું હોય તો પાયાના પાંચ પગથિયાં પર આગળ વધીને જ કોઈક પ્રકારનો અભિપ્રાય બાંધી શકાય. અને એ પણ તમારામાં જો એ જમાનાના ભારતના તથા એ જમાનાના જગતના આર્થિક-રાજકીય-સામાજિક વહેણોનું બૅકગ્રાઉન્ડ હોય તો. એની સાથોસાથ તુલનાત્મક અભ્યાસ માટે એ પછીના જમાનાનું તેમજ અત્યારના જમાનાનું આવું બૅકગ્રાઉન્ડ પણ જોઈએ.

પાંચ પગથિયાઓમાંનું પહેલું પગથિયું જ તમારી કસોટી કરનારું પુરવાર થશે. ‘ગાંધીજીનો અક્ષરદેહ’ના નામે ગુજરાતીમાં ઉપલબ્ધ અને ‘ધ કલેક્‌ટેડ વર્ક્‌સ ઑફ મહાત્મા ગાંધી’ના નામે અંગ્રેજીમાં પ્રકાશિત કુલ એકસોથી વધુ ગ્રંથ આખેઆખા વાંચી જવા માટે નથી, સઘન રૅફરન્સ માટે છે. ભારત સરકારના પબ્લિકેશન્સ ડિવિઝને આ કામ કર્યું છે. ગુજરાતી પ્રકાશન ગાંધીજીએ સ્થાપેલી પ્રકાશન સંસ્થા – નવજીવને કર્યું છે. આ સોથી વધુ ગ્રંથોમાં તમને ગાંધીજીએ આપેલાં તમામ પ્રવચનો( કે એનો સાર), ગાંધીજીએ લખેલા પત્રો, ગાંધીજીને સંબોધીને લખવામાં આવેલા પત્રો, ગાંધીજીએ લખેલા લેખો( ‘યંગ ઈન્ડિયા’, ‘હરિજન’, ‘નવજીવન’ વગેરે માટે) તેમ જ ગાંધીજીએ લખેલાં(આત્મકથા સહિતનાં) પુસ્તકોનો વિશાળ સંગ્રહ છે. આ ભગીરથ કાર્ય કરવા બદલ ભારત સરકારને તેમ જ આ કાર્ય સાથે સંકળાયેલી એકેએક વ્યક્તિને અભિનંદન આપીએ એટલાં ઓછાં, એમનો આભાર માનીએ એટલો ઓછો. આ સમંદર જેવડા રેફરન્સ વર્કમાંથી તમારે કોઈ પર્ટિક્‌યુલર વિષય વિશે વાંચવું છે( દા.ત. ચંપારણ) તો છેવટના ઈન્ડેક્‌સ વૉલ્યુમ્સમાંથી તમને એ તમામ એન્ટ્રી મળી રહેશે જ્યાં ચંપારણનો ઉલ્લેખ થયો. આ જ રીતે સુભાષચંદ્ર બોઝ કે પછી પંડિત નેહરુ, સરદાર વલ્લભભાઈ, કે બાબાસાહેબ આંબેડકર કે પછી અન્ય કોઈપણ વ્યક્તિ સાથેના ગાંધીજીના ઈન્ટરેક્‌શન વિશે તમારે જાણવું હોય તો તમને મહામહેનતે તૈયાર કરવામાં આવેલા ઈન્ડેક્‌સના ગ્રંથોમાંથી રૅફરન્સ મળી રહે.

ગાંધીજીને સમજવાનું આ પ્રથમ પગથિયું.

ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈએ ડાયરીઓ લખી છે. આ ડાયરીનાં દોઢ ડઝન જેટલાં વૉલ્યુમ્સ પ્રગટ થયાં છે. મહાદેવભાઈની ડાયરીઓનાં આ પાનાંઓમાંથી ગાંધીજીને વધુ નિકટથી સમજવા માટેનો ખજાનો છે.

મહાદેવભાઈના અકાળ અવસાન પછી પ્યારેલાલ નાય્યરે એ જવાબદારી સંભાળી લીધી. ગાંધીજીના અવસાન બાદ ‘પૂર્ણાહુતિ’ નામના ચાર વૉલ્યુમ્સમાં પ્યારેલાલે ગાંધીજીના જીવનના છેલ્લા અડધા દાયકા વિશે મનભરીને વાતો લખી છે.

ગાંધીજીને સમજવા માટે ગાંધીજીનો અક્ષરદેહ, મહાદેવભાઈની ડાયરીઓ તથા ‘પૂર્ણાહુતિ’ ઉપરાંત બીજાં બે પગથિયાં સર કરવાનાં રહે જેમાનું એક છે સરદાર વલ્લભભાઈ પટેલનો પત્રવ્યવહાર( ૧૯૪૫ – ૧૯૫૦) જેનાં બે વૉલ્યુમ્સ ગુજરાતીમાં ઉપલબ્ધ છે. વી. શંકરે સંપાદન કરેલો આ પત્રવ્યવહાર બારસોથી અધિક પાનાંઓમાં પથરાયેલો છે. અને પાંચમું પગથિયું તે પંડિત નેહરુનાં લખાણો. પંડિતજીની આત્મકથા ઉપરાંત એમના સેક્રેટરી એમ.ઓ.મથાઈએ લખેલી એમની જીવનકથા તેમ જ અન્ય કેટલાંક પુસ્તકો તમને નેહરુને સમજવામાં અને એને કારણે ગાંધીજીને સમજવામાં કામ લાગે.

આ પાંચ પગથિયાં તો માત્ર શરૂઆત છે. ગાંધીજીના વિચારોને તમારે સ્વીકારવા કે નકારવા, ક્યા ગાંધીવિચારો અત્યારે કેટલા પ્રસ્તુત છે અને ગાંધીજીનું મહત્વ આ દેશ માટે શું તથા કેટલું છે એ નક્કી કરવાનું કામ પાનના ગલ્લે ઊભા રહીને ચર્ચા કરવાથી નહીં થાય. એ માટે પલાંઠી મારી અભ્યાસ કરવો પડે. આવો અભ્યાસ નહીં થાય તો બહુ જલદી ગાંધીજી માત્ર એમ.જી.રોડ બનીને રહી જશે.

ગાંધીજીની પુણ્યતિથિના દિવસે આ વિચારથી અભ્યાસનો આરંભ કરીશું તો એમની જન્મ જયંતિ દરમ્યાનના આઠેક મહિનામાં કશુંક ગાંધીનવનીત આપણા હાથમાં આવશે.

આજનો વિચાર

તમે જે વિચારો છો, જે બોલો છો અને જે કરો છો એ ત્રણેયમાં જ્યારે સંવાદિતા સધાય ત્યારે ચિત્તની પ્રસન્નતા જન્મે છે.

— ગાંધીજી

•••

આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

9 COMMENTS

  1. ગાંધીજી એક માનવ ની રુપે ન ભૂતો ન ભવષ્યતિ, જ્યાં સુધી યાવત ચંદ્રો દીવાકરો ત્યાં સુધી માનવ જાત માટે પછી એ કોઈ પણ હોઈ સકે,એમને ( ગાંધીજી ના વિચારો ને જીવન ના કોઈ પણ તબક્કે )અનુસરવું પડશે

  2. Bharat ni varsho thi nirash aney nirmalya thayel garib prajane khara hridaythi, premthi jagrut kari Gandhji adbhut kamgiri kari shakya. Virodhio aakhi prajani takavari ma bahuj ochha taka hashey.
    Jindagina chhella varshoma teo dukhi hata, tevun lagyu chhey. Temni smrutine 👏👏👏👏👏
    shraddhanjali.

  3. વડાપ્રધાન માટેના મતદાનમાં લોખંડી પુરુષ સરદાર પટેલ સાહેબને બહુમત મળેલો અને તેને અવગણીને ગાંધીજીએ નેહરુને વડાપ્રધાન બનાવેલા એવી વાતો અમે નવી પેઢીએ સાંભળેલી છે આનો કોઈ દસ્તાવેજી પુરાવો અથવા આધાર હોય તો મને આપવા વિનંતી છે

  4. શ્રીમદ ભગવત્ ગીતા ના સોળમા અધ્યાય ના શ્લોક નંબર ૧ થી ૩ માં ઈશ્વરભક્ત થવા ના ૨૬ ગુણો નુ વર્ણન આપેલ છે..ગાન્ધીજી ના જિવન ઉપર થી એવુ કહી શકાય કે આ છવ્વીસ ગુણો માં થી ઓછામાં ઓછા દસ ગુણ એમના આચરણ માં ઉતરેલા છે.એટલે કે એમની ગતિ એક ઈશ્વરભક્ત થવા તરફ હતી. કોઈ પણ વ્યક્તિ ના આચરણ માં આ છવ્વીસે છવીસ ગુણો એક જ જિવનકાળ માં ન આવી શકે.એમાટે સતત પ્રયત્ન થતો રહેવો જોઈએ.આપણા માં એક ગુણ આચરણ માં લાવવા એક જ જન્મ પૂરતો નથી..એ માટે પેઢીદરપેઢી એ રીત નો પ્રયત્ન જરુરી છે. કૃષ્ણ ના જન્મ મા પણ તેમના આગલા બે જન્મ નો પણ ફાળો હતો.

    બીજી વાત, ભગવાને ગીતા માં સ્પષ્ટ કહેલુ છે કે જે મારા ભક્ત નો દ્રોહ કરશે તેનો હુ અવશ્ય નાશ કરીશ……ન મે ભક્ત પ્રણશ્યતિ….

    અર્થાત ગાન્ધીજી નો દ્રોહ કરી ને આપણે આડકતરી રીતે ઈશ્વર નુ અસ્તિત્વ જ નકારીએ છીએ..

  5. શ્રી નારાયણ ભાઈ દેસાઈ એ લખેલ સમગ્ર ગાંધી જીવન દર્શન “મારું જીવન એજ મારી વાણી” ચાર ભાગ માં છે. ગુજરાતીમાં કદાચ એકમાત્ર ગાંધી જીવન કથા આ હશે. તે પણ વાંચી શકાય. એક ફિલ્મ પુરતી નથી, એ વ્યક્તિ ઉપર તો આખી web series બનવી જોઈએ!

  6. Sinh Purush
    Namni Vir Savarkar na jivan vise lakayeli book
    Vachi javi
    Author – Sarad Thakar

  7. Today’s youth need to be guided with Gandhiji’s values which are appropriate for today’s time. Requesting you to bring it out for all of us, to make our nation powerful & bright

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here