(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : શુક્રવાર, ૧૪ મે ૨૦૨૧)
કળાનો શોખ હોવો એટલે શું? સંગીત, સાહિત્ય, ચિત્રકામ, શિલ્પ-સ્થાપત્ય ઈત્યાદિ કળાઓ માણસના માત્ર મનોરંજન માટે જ છે? અથવા તો શું એ સમય પસાર કરવાનાં સાધનો છે? કળાઓમાંથી મનોરંજન જરૂર મળે છે પરંતુ એ એનો પ્રાથમિક હેતુ નથી હોતો. ફાજલ સમયનો સદુપયોગ કળાને કારણે થાય છે આમ છતાં આ હેતુ પણ પ્રાથમિક ન હોઈ શકે. કળાનો પ્રાથમિક મકસદ શું?
નીલકંઠ ઈશ્ર્વરદાસ મશરૂવાળાની ઓળખાણ દરેકને ન હોય એ સ્વાભાવિક છે. ગાંધીવાદી અને ચિંતક કિશોરલાલ ઘ. મશરૂવાળાના તેઓ ભત્રીજા. ની. ઈ. મશરૂવાળાનો જન્મ ગઈ સદીના પ્રારંભના જ વર્ષમાં – ઈ. સ. ૧૯૦૦ની સાલમાં. ગુજરાતીમાં જેને ગધાપચીસીનાં વર્ષો કહે છે એ ટીન એજ પછીનાં વર્ષોમાં તરુણ ની. ઈ. મશરૂવાળા કેદારનાથજીના સંપર્કમાં આવ્યા. ૨૧થી ૨૫ વર્ષની એ ઉંમર દરમ્યાન એમણે રોજનીશી લખી જેમાં કેદારનાથજી સાથેના સત્સંગ દરમ્યાન ઉદ્ભવેલા પ્રશ્ર્નો તેમ જ એમની પાસેથી મળેલા ઉત્તરોનું આલેખન છે. આવી જ કોઈ બેઠક દરમ્યાન કળા અંગેની વિચારણા કેદારનાથજીએ સ્પષ્ટ કરી. ઘણે બધે અંશે આ વિચારો સાથે સહમત થવાય એવું છે.
કેદારનાથજી કહે છે કે કળા જે પ્રસંગે અને જે ભાવોથી ઉત્પન્ન થાય છે તે પ્રસંગ અને ભાવોને તે આપણા ચિત્તમાં ચિરસ્થાન આપવાનો પ્રયત્ન કરે છે. જ્યાં સુધી એ પ્રસંગ અને ભાવ મનુષ્યને પુરુષાર્થમાં એટલે કે પ્રત્યક્ષ આચરણમાં પ્રવૃત્ત ન કરી શકે ત્યાં સુધી એનું (એટલે કે કળાનું) કોઈ ખાસ પરિણામ મળે છે એવું કહી શકાય નહીં. કળા પ્રત્યક્ષ જીવન પર શુભ પરિણામ કરે તો જ તેનું મહત્ત્વ.
આ ગંભીર અને ચિંતન માગી લે એવા વિચારને સરળ બનાવવા કેદારનાથજી એક દાખલો આપે છે. એક ચિત્ર છે. એ દયાભાવથી ભરેલું છે. હું એને રોજ જોઉં છું અને તે પ્રમાણે બીજાં ચિત્રો આલેખી પણ શકું છું. જોવાથી મારામાં એવો (દયાનો) ભાવ પણ ઊઠે છે, પરંતુ વાસ્તવિક જગતમાં આ પ્રસંગો જોઈને મારામાં દયાનો ભાવ ન ઊઠે, દુખી માણસને પ્રત્યક્ષ મદદ કરવાની વૃત્તિ મારામાં ઉત્પન્ન ન થાય ત્યાં સુધી ચિત્ર જોઈને કે આલેખીને મારામાં ઊઠેલા ભાવોનો ઉપયોગ શો? એનું મૂલ્ય કેટલું?
કેદારનાથજીની વાત સાથે ઘણા આધુનિકતાવાદીઓ સહમત નહીં થાય. કળા ખાતર કળા, આર્ટ ફૉર ધ આર્ટ્સ સેકની વિચારધારા આજકાલ વધુ પ્રચલિત છે. કળા ખાતર કળાની વિભાવના અંશત: છેતરામણી છે. તમે કોઈ પણ કલાકૃતિ બનાવીને એને ભાવક સુધી પહોંચાડો છો ત્યારે કૃતિના સર્જન પાછળના તમારા પોતાના હેતુમાં ભાવકનો દૃષ્ટિકોણ ઉમેરાયા વિના રહેતો નથી. કૃતિને તમે ભાવક સુધી પહોંચાડી અર્થાત્ કવિતાને તમે છપાવી કે કોઈ શ્રોતા સમક્ષ રજૂ કરી કે તમારું ચિત્ર/શિલ્પ તમે કોઈને બતાવ્યું એટલે આપોઆપ તમારા સર્જનનો હેતુ માત્ર નિજાનંદ રહેતો નથી. પોતાના આનંદ માટે જ સર્જન કરવું હતું તો કવિતાને લખીને તમારી ડાયરીમાં જ સંઘરી રાખવી હતી, ગાતી વખતે કોઈ શ્રોતાને સાથે નહોતો રાખવો કે નહોતું એનું ધ્વનિમુદ્રણ કરાવવું. હું મારા પોતાના અને માત્ર મારા પોતાના જ માટે સર્જન કરું છું એવો દાવો કરનારા સર્જકો, સાદી ભાષામાં કહીએ તો દંભ કરે છે, જાતને તો છેતરે જ છે, બીજાઓને પણ.
કેદારનાથજીના વિચારો સાથેની સંમતિ અહીં પૂરી થાય છે. હવે થોડી અસંમતિ, કોઈ નિશ્ર્ચિત હેતુસર, કોઈક વાદનો પ્રચાર કરવા માટે સર્જાતી કૃતિનો અંગતપણે વિરોધ છે. દાખલા તરીકે જે જમાનામાં ભારતમાં માર્ક્સવાદી હોવું ફૅશનેબલ ગણાતું ત્યારે એ વિચારસરણીને અનુસરતા સર્જકોએ સાહિત્ય-નાટ્ય ક્ષેત્રે અનેક કૃતિઓમાં સામ્યવાદનો પ્રચાર કર્યો. એમાંની કેટલીક ટોચની સાહિત્યિક કૃતિઓ પણ ગણાઈ, પરંતુ એ સદ્ભાગ્ય સોએ એકાદ કૃતિને મળે તો મળે, બાકીની તમામ રચનાઓમાંથી ભાવકને પ્રચારની બૂ આવે અને સમયની ગર્તામાં એ બહુ જલદીથી ઊંડે ધકેલાઈ જાય.
બીજી અસહમતિ. ભીમસેન જોષીના કે કિશોરી આમોનકરના ગાયનનું શ્રવણ કરીને મારા મનમાં જે ભાવો પ્રગટે છે તેને મારે પ્રત્યક્ષ જગતમાં કેવી રીતે મૂકવા? કારણ કે એ ભાવોને હું શબ્દસ્થ કરી શકતો નથી. જો એ ભાવ વ્યવહારમાં અમલી ન બનતો હોય તો શું આ ગાયકોની કળા નકામી બની ગઈ?
ના. એવું ન હોઈ શકે.
અને એક છેલ્લી અસહમતિ. બળાત્કારનું ચિત્ર જોઈને ભાવક વ્યવહારમાં એવું કરવા પ્રેરાય તો એ ચિત્રકળા હેતુપૂર્વકની થઈ ગણાય છતાં કામની ખરી?
આ મુદ્દાઓ બાજુએ રાખીને પણ કેટલાક બીજા મુદ્દાઓ તપાસીએ. કોઈ પણ સર્જન પાછળનો સર્જક એક મનુષ્ય તરીકે ઊણો ઉતરતો હોય ત્યારે એની કળા પણ છિછરી પુરવાર થાય. આ છિછરાપણું કદાચ તાત્કાલિક નજરમાં ન પણ આવે. પરંતુ વ્યક્તિ તરીકેની એની આંતરિક સમૃદ્ધિ યા એની આંતરિક ગરીબાઈનો પડઘો એની કળામાં વહેલો મોડો પડ્યા વિના રહેતો નથી. જે કળાકાર માણસ તરીકે મૃત્યુ પામતો જાય છે એની કળા પણ ધીરે ધીરે મરતી જાય છે.
આજનો વિચાર
(ભૌતિક) મહત્ત્વાકાંક્ષા પ્રવેશે છે ત્યારે સર્જનાત્મકતા ઓસરી જાય છે. મહત્ત્વાકાંક્ષી વ્યક્તિ સર્જનશીલ બની શકતી નથી કારણ કે મહત્ત્વાકાંક્ષી વ્યક્તિ કોઈ પણ સર્જનાત્મક પ્રવૃત્તિમાં વગર કારણે ઓતપ્રોત થઈ શકતી નથી.
— ઓશો
••• ••• •••
આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.
‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ
પ્રિય વાચક,
તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.
‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.
વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.
કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.
તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.
દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.
‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.
‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.
‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/