સાઠ પછીનો સૂર્યોદય : સૌરભ શાહ

(તડકભડક :’સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 17 સપ્ટેમ્બર 2023)

ચાળીસ-પચાસ વર્ષની ઉંમર થતાં જ સમજી લેવું જોઈએ કે 60 વર્ષ પછી જિંદગીનો ખરો સુવર્ણકાળ શરૂ થશે, જો તમે આટલી વાતોનું ધ્યાન રાખશો તો.

બાર વાતો છે. આવતા 12 મહિના દરમ્યાન આમાંની એકએક વાત ઘૂંટતા જશો તો જિંદગીના સેકન્ડ હાફમાં બહુ વાંધો નહીં આવે:

1. અમારા જમાનામાં—આ બે શબ્દોનો કાયમ માટે ત્યાગ કરવો. તમારા પિતાના જમાનામાં ઘી કેટલે રૂપિયે શેર મળતું તે સાંભળી સાંભળીને તમે મોટા થયા. તમારા જમાનામાં કોકાકોલા-થમ્સઅપની બાટલી કેટલા પૈસા/રૂપિયામાં મળતી તે યાદ કરીને તમારી નવી પેઢીને ત્રાસ આપવાની કોઈ જરૂર નથી. ‘અમારા જમાના’ને યાદ કર્યા કરતા લોકો વર્તમાન સમય સાથે તાલ મિલાવી શક્તા નથી, ભવિષ્યમાં આવનારા જમાનાને ઝિલવા માટે માનસિક તૈયારી કરી શકતા નથી.

2. અનુભવી બન્યા પછી પોતાના અનુભવને બીજાઓ સાથે વહેંચવાની જબરજસ્ત ચળ ઉપડતી હોય છે. જો આદરપાત્ર રહેવું હોય તો પત્નીને/સંતાનોને/કર્મચારીઓને/મિત્રોને/સગાંઓને/પાડોશીઓને ટોક્યા કરવાની આદત છોડી દેવી. કોઈ સામેથી માગે તો જ સલાહ આપવી અને દસમાંથી નવ કિસ્સાઓમાં તો એ પણ ન આપવી. તમે તમારા કામમાં રચ્યાપચ્યા રહો. તમે જે અનુભવો મેળવ્યા એમાંથી તમારી જિંદગી સુધારો. પારકી પંચાતમાં સમય વેડફવાની જરૂર નથી—અગાઉ ઘણો વેડફ્યો.

3. આમ તો ટીનએજમાં જ આ શીખી જવાનું હતું- અને તે વખતે માતા કે દાદી પાસેથી રાંધતાં શીખી ગયા હોત તો નાનપણથી જે સ્વાદ બેસી ગયો છે તે સ્વાદ મુજબનું ખાવાનું આજે તમે તમારી પત્ની/પુત્રી/પુત્રવધુ કે રસોઈ બનાવવા આવતી વ્યક્તિ પાસે બનાવડાવી શકતા હોત અને જમવા ટાણે ઓછી કચકચ કરતા હોત. હજુય મોડું થયું નથી. પત્નીના હાથની રસોઈ જમવાની ટેવ દાયકાઓથી પડી છે. કાલ ઉઠીને ન કરે નારાયણ ને એ અખંડ સૌભાગ્યવતી બની ગઈ તો આ ઉંમરે તમારાં ભાવતાં ભોજન કોણ જમાડશે તમને? માટે જ તમારી ભાવતી વાનગીઓની યાદી બનાવો અને એમાંથી કમસે કમ પાંચ-સાત આયટમો બનાવતાં શીખી જાઓ અને નિયમિત પ્રેક્ટિસ કરો. જીવનની ઉત્તરાવસ્થાનો એક પ્રૉબ્લેમ સોલ્વ થઈ જશે.

4. નવા નવા શોખ કેળવો અને નવી નવી પ્રવૃત્તિઓમાં રસ લેતા થાઓ. જિંદગીમાં જે જે બાબતોમાં પૅશન હોય તે બધી બાબતોને તો સાચવી જ રાખવી. ઉપરાંત કેટલાક નવા શોખ રાખવા. શાસ્ત્રીય સંગીતમાં અત્યાર સુધી રસ ન પડતો હોય તો એક-બે વાર ટ્રાય કરી જુઓ, કદાચ રસ પડે. નવી પ્રવૃત્તિઓમાં રસ લેવો. ફૂટબૉલ રમવા માટે કદાચ હવે શરીર ના પાડે પણ ટેનિસ જરૂર શીખી શકાય. ગુલઝારે તો 80 વરસની ઉંમરે ટેનિસની ટુર્નામેન્ટમાં ભાગ લઈને ટ્રૉફી જીતી છે.

5. આવું તે કંઈ થાય? આવું તો જુવાનિયાઓને શોભે—આ માનસિકતાવાળી વ્યક્તિ વાસી થઈ જાય. આ ઉંમરે ભલે યંગસ્ટર્સ જેવી ‘અમુક’ હરકતોથી તમે દૂર રહો (સારું જ છે) પણ જિંદગી ઘણી વિશાળ છે. જે કામ તમે અગાઉનાં વર્ષોમાં ક્યારેય નથી કર્યાં (કે નથી કરી શક્યા) તે કામ હવે કરો. અગાઉનાં વર્ષોમાં કદાય સાંસારિક જવાબદારીને લીધે, ભય કે સંકોચને કારણે કે પછી ગેરસમજણને કારણે તમે અનેક કામ કરી શક્યા નથી. હવે મુક્ત મને કરો. કોણ રોકે છે તમને?

6. નિયમિત હેલ્થ ચેક-અપ એક તૂત છે. ડૉક્ટરો-હૉસ્પિટલોને કમાવવાનું એક સાધન છે–આવું સ્વ.ડૉ. મનુ કોઠારી કહેતા. આ ડૉક્ટરઋષિની એ વાત અને બીજી ઘણી વાતો એમનાં પુસ્તકોમાંથી સમજીને જીવનમાં ઉતારવા જેવી છે. છાશવારે મેડિકલ કૅમ્પ થતા રહે છે. આવા કૅમ્પમાં સાજોનરવો માણસ પ્રવેશે છે અને બીમાર બહાર નીકળે છે એવું ડૉ. મનુભાઈ કહેતા. નાનીમોટી શારીરિક ગરબડો દરેકના શરીરમાં રહેવાની. એને છંછેડીએ નહીં તો એ પણ તમને ક્યારેય હેરાન નહીં કરે. અમુક રોગનું નિદાન વેળાસર થઈ જાય તો એની ટ્રીટમેન્ટ સવેળા શરૂ કરી શકીએ એવું મેડિકલ તૂત જગતભરમાં ફાર્મા લૉબીએ ચલાવ્યું છે. સાજાનરવા માણસોનાં ખિસ્સાં ખંખેરવાની આ અબજો ડૉલર કમાવવાની ચાલ છે. આચાર્ય વિજય રત્ન સુંદર સૂરિશ્વર મહારાજ સાહેબે એક સરસ વાત મને કહી હતી : ‘ઉંમરની સાથે ઉર્જા ઘટવાની જ છે, પણ ઉત્સાહ ન ઘટવો જોઈએ.’

ઉંમર ઉંમરનું કામ કરશે જ. સ્વાસ્થ્ય માટે બેદરકાર ન રહીએ પણ મેડિકલ માર્કેટિંગની ચુંગાલમાં ફસાવવાની કોઈ જરૂર નથી.

7. ઉંમર વધતી જાય એમ પોતાનાથી ઉંમરમાં નાના હોય એવા લોકો સાથે દોસ્તી કરતાં જઈએ તો નવું નવું જાણવા મળશે. તમારા પછીની પેઢી અને એ પછીની પેઢી અને એ પછીની પેઢીની સાથે તાલ મેળવવાની કળા આવડશે. તમારા વિલના એક્ઝિક્યુટર તરીકે તમને ભરોસો હોય એવા તમારી ઉંમરના મિત્રો તમારા કરતાં લાંબું જીવશે નહીં, કોને ખબર? તમારા કરતાં યુવાન હોય એવા મિત્રો જીવશે એના ચાન્સિસ ઘણા વધારે છે. આ બધા હેતુઓ ઉપરાંત એક વાત પણ ખરી. અંતિમ યાત્રાએ નીકળતી વખતે ચાર ખભાની જરૂર પડશે. તમારા કરતાં નાની ઉંમરના મિત્રના મજબૂત ખભાઓ એ વખતે કામ આવશે.

8. પાછલી જિંદગી પર નજર નાખીને અફસોસ કરવાનું છોડી દેવાનું. આમ નહીં પણ તેમ થયું હોત તો આજે મારી જિંદગી ક્યાંની ક્યાં હોત એવા વિચારો મનમાં આવે તો તરત જ ખંખેરી નાખવાના. જાવેદ અખ્તરે આ બાબતમાં ફિલ્મની સ્ક્રિપ્ટનો દાખલો આપ્યો હતો. તમને એમ થાય કે 36મો સીન કાઢી નાખવો છે તો એના અનુસંધાને 72મો સીન પણ નકામો થઈ જશે. પણ 72મો સીન તો તમને ગમે છે એટલે 36મો સીન તમારે રાખવો જ પડશે. જે થયું તે બધું બરાબર જ હતું એવું વિચારવું અન્યથા આખી જિંદગી નવેસરથી ગોઠવવી પડે. એ કામ હવે આવતા જન્મ પર મુલતવી રાખો.

9. જે કંઈ અભાવો, વિઘ્નો, અડચણો દૂર નથી થતાં, તેની સાથે રહેતાં શીખી જઈએ. સ્વભાવ બદલીને, પરિસ્થિતિનો સ્વીકાર કરીને, બધાંની સાથે કચકચ કરવાનું બંધ કરીએ. માનસિક શાંતિ મેળવીએ અને આસપાસનાઓને પણ આપીએ. દરેક જણ જન્મથી જે અનેક ભૂલો કર્યા કરે છે તે ભૂલોને એ સુધારે પણ છે. ભૂલ કરતી વખતે કોઈનાય મનમાં એવું નથી હોતું કે હું ભૂલ કરું છું. તે વખતે જે પરિસ્થિતિ હોય, જેટલો અનુભવ હોય, જેટલી માહિતી હોય તેના આધારે નિર્ણયો લેવાતા હોય છે. આવા નિર્ણયો ખોટા પડે ત્યારે એ નિર્ણય ભૂલ બની જાય. પણ જિંદગીમાં લીધેલા કોઈપણ નિર્ણય વિશે અફસોસ ન હોવો જોઈએ. કારણ કે નિર્ણય લેતી વખતે તમે તમારી સદ્દબુદ્ધિથી નિર્ણય લીધો હતો. એ નિર્ણય લેતી વખતે તો તમને પાકી ખાતરી હતી કે એ સાચો જ છે. એનું પરિણામ ધાર્યું ન આવ્યું તો ઠીક છે, પરિણામ ભગવાનના હાથમાં છે. નિર્ણય લેતી વખતે કોઈએ તમને ઉંધે રવાડે ચડાવ્યા અથવા તે વખતે તમારી મતિ ફરી ગઈ હતી અથવા તે વખતની તમારી મજબૂરીને લીધે તમે બીજો વિકલ્પ ન લીધો એવું લાગે તો એને કારણે તમારો નિર્ણય ખોટો હતો એવું માનવાની જરૂર નથી. તે વખતે તમને જે શ્રેષ્ઠ લાગ્યું તે કર્યું. હવે એવા અફસોસમાંથી બહાર આવી જાઓ.

10. જીવનનો હેતું શું છે એવા અટપટા આધ્યાત્મિક સવાલોમાં ગુંચવાઈ જવાને બદલે, ધાર્મિક અર્થઘટનોમાં અટવાઈ જવાને બદલે, એક જ વાતને વળગી રહો કે જીવનનો હેતુ એક જ છે—કામ કરવું. સતત પ્રવૃત્ત રહેવું. શારીરિક મર્યાદાઓને તાબે થવું પડે તો પણ કામ કરતાં રહેવું. જેટલી ક્ષમતા હોય તે પ્રમાણે કરવું.

11. અત્યારે તમારી જે દુનિયા છે તેની બહારના વિશ્વને નિહાળવું. શરૂઆત તમારા ગામ/શહેરથી અને એની આસપાસના પચ્ચીસ-પચાસ કિલોમીટરના વિસ્તારથી કરવી. નવું નવું ઘણું જાણવા મળશે. આ ઉંમરે કુતૂહલ અને વિસ્મય થાય એવી જગ્યાઓને એક્સ્પ્લોર કરીશું તો જિંદગીમાં નવો રસ ઉમેરાશે. જિંદગી બંધિયાર નહીં લાગે. નવી હવાની અવરજવરથી તમારાં વર્ષો તાજગી સભર રહેશે.

12. છેલ્લી વાત. મૃત્યુ વિશે વિચારવાનું બંધ કરવું. આ ઉંમર એવી છે કે સહેજ છીંક આવી જાય તોય આપણી પ્રાર્થનાસભાની ગોઠવણ કેવી હશે એની કલ્પનાઓ તમારું મન કરવા માંડે. નજીકનાં-દૂરનાં સગાં-મિત્રો-ઓળખીતાઓની અંતિમયાત્રામાં જઈને કે એમના બેસણા/ઉઠમણામાં જઇને સ્મશાનવૈરાગ્ય આવી જાય અને હવે મારાં કેટલાં વરસ એવો પ્રશ્ન પણ થાય. પરંતુ જો સ્વસ્થ રહેવું હોય તો આવા વિચારો આવે કે તરત ખંખેરી નાખવાના. આ ઉંમરે તો ખાસ જીવન વિશે જ વિચારવાનું હોય, મૃત્યુ વિશે નહીં.

પાન બનારસવાલા

માણસમાં જેટલી ક્ષમતા હોય છે એની સરખામણીએ જીવન ઘણું ટૂંકું કહેવાય.

-સદ્દગુરુ

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

6 COMMENTS

  1. મારા મતે સૌરભ સર એ લેખ ના મથાળા માં ભલે 60 વર્ષ પછી ના લોકો માટે કહ્યું હોય પણ તેના કરતા પણ આ લેખ વધારે ઉપયોગી 30-40-50 વર્ષ ના લોકો માટે છે, કારણ કે 60 વર્ષ થઈ ગયાં એ તો પેન થી લખાઈ ગયું છે પણ 30-40-50 વર્ષ ના હાથ માં હજી પણ આગળ ની ઉંમર લખવા માટે પેન્સિલ છે, આ લેખ સમજી ને લખે અને ગરબડ થાય તો અત્યારે ક ભૂસી ને સાચું લખી લે.

  2. પ્રિય સૌરભભાઈ,
    આપનો આ લેખ ખૂબ જ માહિતીસભર અને ખાસ તો પ્રેરણાદાયક છે, મારી ઉંમર અત્યારે 52 વર્ષની છે, મારી દીકરીનાં લગ્ન પણ થઈ ચૂક્યા છે, દીકરાના બાકી છે, હવે છેલ્લા 3-4 વર્ષથી હું પણ મારી મનગમતી પ્રવૃત્તિ ટેરેસ ગાર્ડનિંગ અને નેચર ફોટોગ્રાફી કરું છું, પણ ખૂબ જ ટાંચા સાધનો અને મર્યાદિત નાણાંકીય સ્રોત હોવા છતાં હું મારો શોખ પૂરો કરું છું, આપના લેખ બદલ આપનો ખૂબ ખૂબ આભાર
    સદા આપનો વાંચક
    નીતિન પી. વ્યાસ
    (રાજકોટ)

  3. All your points are convincing.

    BRAMHAN/ PARMATMA/ PARAMESHWAR/ ADHYA SHAKTI/…………..whatever name one gives………….whether PARAM SATYA or KALPANIK………..some time given to one or more of them on regular basis (through prayer -bhajan – dhyan – satsang -etcetera) would definitely help to lead a healthy life ahead.

  4. Point no.12- very well said. I laughed little after reading first two sentences. Liked it. Most importantly as Sadguru said it is absolute truth.
    Bit difficult to implement easily every thing, but must attempt and moreover that’s better way to live happily thereafter.

  5. લેખ…. પાછોતરા… વરસાદ જેવો… ઉભા પાકને (ઢસાડાતા જીવનને ) નવજીવન… આપે તેવો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here