અમારા મહાદેવ દેસાઈ : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : શનિવાર, પોષ વદ બારસ, વિક્રમ સંવત ૨૦૭૮. ૨૯ જાન્યુઆરી ૨૦૨૨)

મહાદેવ દેસાઈનો દેહાંત પંદરમી ઑગસ્ટે થયો હતો. આ મહાદેવ દેસાઈએ છવ્વીસમી જાન્યુઆરીએ કાયમી વિદાય લીધી. પેલી વાત 1942 અને આ તો હજુ હમણાં જ બન્યું. બે દિવસ પહેલાં.

મહાદેવભાઈ હરિભાઈ દેસાઈ ગાંધીજીના અંગત મદદનીશ હતા. મહાદેવભાઈ રણછોડજી દેસાઈ અમારા મિત્ર હતા, વડીલ હતા.

નવસારીના એમના બંગલે પરોઢ થતાં સુધી ખેંચાતી ચર્ચા હોય કે પછી ફોન પરની લાંબી વાતો. અતિ સ્પષ્ટ વિચારો, નક્કર સૂચનો અને પ્રામાણિક અભિપ્રાયો. એમની સાથેની વાતચીતમાં આટલું નવનીત તો તારવી જ શકાય.

એમનું જીવન પણ એવું જ. સીધી લીટી જેવું. ક્યાંય અસ્પષ્ટતા નહીં, કામ સિવાયની બીજી કોઈ મગજમારી નહીં. એમના કામના બે પ્રકાર. એક, વ્યવસાયને લગતું કામ. જાણીતા આર્કિટેક્ટ અને કન્સલ્ટન્ટ હતા. બીજું કામ દેશની ચિંતા કરવાનું. પ્રથમ કામમાંથી ખાધેપીધે ઘણા સુખી થયા પણ જીવનશૈલીમાં કોઈ ભપકો નહીં, સમૃદ્ધિના દેખાડા નહીં. કપડાં પણ સામાન્ય. વ્યાવસાયિક સફળતાને કારણે કોઈને આંજી નાખવા છે એવી કોઈ બોડી લેન્ગવેજ નહીં. માળી-ડ્રાઇવરથી માંડીને મુખ્યમંત્રી સાથે એકસરખા વિવેકથી, હૂંફથી વ્યવહાર રાખે.

બીજું કામ જે દેશની ચિંતા કરવાનું હતું તેને કારણે ત્રણેક દાયકા પહેલાં અમે એકમેકના પરિચયમાં આવ્યા. બહુ જલદી એ પરિચય મૈત્રીમાં પરિણમ્યો.

જાહેરજીવનની નક્કર ફિકર કરનારાઓ બહુ નથી હોતા, મોટાભાગનાઓ તો રાજકારણની વાતો કે સમાજકાર્યની વાતો કાં તો પોતાને પ્રમોટ કરવા કરતા હોય. કાં પછી એ એમનો ટાઇમપાસ હોય.

મહાદેવભાઈ નક્કર સમસ્યાઓના નક્કર ઉકેલો લાવવા મથતા. નવસારીની વિખ્યાત સયાજી લાયબ્રેરી સાથે નિકટથી સંકળાયેલા. બાળકોમાં અને કિશોર વયના વિદ્યાર્થીઓમાં વાંચનવૃત્તિ કેવી રીતે ખીલે, માતૃભાષાનું સંવર્ધન કેવી રીતે થાય, વાંચવાની પ્રવૃત્તિને પોષવા માટે શાળા, સમાજ, સરકાર તરફથી શું શું થઈ શકે એ વિશે એમનું વર્ષોનું કામ. આ અનુભવ ‘વાંચે ગુજરાત’ના અભિયાનમાં પલટાયો. આખો પ્રોજેક્ટ તૈયાર કરીને ગાંધીનગર જઈને તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા. મુખ્યમંત્રીએ આખી યોજના ધીરજપૂર્વક સમજી અને બ્યુરોક્રસી તરફથી તમામ મદદ મેળવીને ‘વાંચે ગુજરાત’ની યોજના આખા રાજ્યમાં અમલમાં મૂકી. મહાદેવભાઈએ આ જવાબદારી નિષ્ઠાપૂર્વક સંભાળી.

વ્યવસાયને કારણે તેમ જ સામાજિક-રાજકારણીય બાબતોમાં ઊંડે સુધી રસ લઈને કામ કરવાને કારણે મહાદેવભાઈને નવસારીમાં જ નહીં બલ્કે બિલિમોરા, વલસાડ-વાપી, સુરત-ભરૂચ સહિત ગુજરાતમાં ઠેર ઠેર મોટા મોટા માણસો સાથે ઓળખાણો. દેશના અનેક મહાનુભાવો એમના સંપર્કમાં. પણ ક્યારેય એમના મોઢે આ મહાનુભાવોનાં નામ સાંભળવા ન મળે કે ગઈ કાલે પેલા વીઆઈપીનો ફોન આવ્યો હતો, પરમ દિવસે ફલાણા વીવીઆઈપીને ત્યાં લગ્નમાં જવાનું છે. સામાન્ય રીતે જાહેરજીવનમાં ખૂંપેલી વ્યક્તિઓ આવું નેમ ડ્રૉપિંગ બહુ કરે જે નોસિયેટિંગ લાગે. મહાદેવભાઈ આમાં જબરજસ્ત મોટા અપવાદ. હા, આવા સંપર્કો થકી સમાજ માટેનાં જેન્યુઈન કામ આગળ ધપાવવાનાં હોય તો એમાં સંકોચ નહીં રાખવાનો.

મહાદેવભાઈની લાઇફસ્ટાઇલ જેટલી સાદી અને સત્વશીલ એટલા જ એમના વિચારો સમૃદ્ધ અને ઠાવકા. ગુજરાતના અનેક પ્રમુખ નાગરિકોથી માંડીને દેશના વડા પ્રધાન સુધીના મહાનુભાવોએ છવ્વીસમી જાન્યુઆરીએ પોતાના બ્લ્યુ ટિકવાળા વેરિફાઇડ ટ્વિટર હેન્ડલથી મહાદેવભાઈને અંજલિ આપી ત્યારે ઘણાને જાણ થઈ હશે કે એમની ઓળખાણો કયા કયા ગજાના મહાનુભાવો સાથે હતી.

દેશ કે સમાજને લગતી વાતોમાં ચિંતા વ્યક્ત થાય ત્યારે કોઈની ટીકા કરવાને બદલે, કોઈને શું નથી આવડતું અને એમને શું સલાહ આપવી જોઈએ એવી સુફિયાણી વાતો કરવાને બદલે નક્કર સૂચનો શોધવાની કવાયત હોય. એમની સાથેની રૂબરૂ વાતો કે ફોન ગોષ્ઠિઓ પછી તમારામાં નવો ઉત્સાહ જન્મે. સૌથી પહેલીવાર છેક પરોઢ સુધી ચાલેલી બેઠકમાં એમનો મોટો પુત્ર રવિન પણ સાથે હતો. એ વખતે તો એ હજુ ભણી રહ્યો હતો. પણ પિતા પાસેથી સંસ્કાર એટલા મળેલા કે અમારા બે કરતાં ડહાપણ-સમજણનો ભંડાર એનામાં ઘણો વધારે છે એવી છાપ લઈને હું નીકળેલો. મોરનાં ઇંડાંને ચીતરવાં ન પડે એ કહેવતનો સાક્ષાત્કાર થાય.

છેલ્લાં બે વર્ષથી કોરોનાને કારણે રૂબરૂ મળવાનું ન થયું પણ ફોન પર અવારનવાર નિરાંતે વાત થાય. છેલ્લે એકાદ મહિના પહેલાં એમનો ફોન આવ્યો ત્યારે એ એક મુદ્દે ગુજરાતના મીડિયાએ કેવો શોરબકોર કર્યો છે તેની ફરિયાદ કરતા હતા. એ બાબતે શું થઈ શકે એની ચર્ચા કરી. મારો મત એવો હતો કે મીડિયા તો બેજવાબદારી દેખાડે જ છે કારણ કે એ લોકોને માત્ર સનસનાટીમાં રસ છે. પણ જે મુદ્દે શોરબકોર થઈ રહ્યો છે એ મુદ્દા સાથે સંકળાયેલી વ્યક્તિઓની તરફદારી કરવાની આપણે જરૂર નથી. મેં મારો અભિપ્રાય એમને વિગતે કહ્યો જે એમણે ધીરજપૂર્વક સાંભળી લીધો. પછી એમણે પોતાનો મત વ્યક્ત કર્યો. નક્કર માહિતી સાથે પોતાના વિચારો પ્રગટ કર્યા. લાંબી ચર્ચા પછી પણ અમે એક મત સાધી શક્યા નહીં. છેવટે એ મુદ્દો પડતો મૂકીને ગાડી બીજે પાટે લઈ લીધી. પોતે જેમાં આગ્રહપૂર્વક માને છે એ વાત બીજાઓ, મિત્રો પણ, ન સ્વીકારે તો કંઈ નહીં, આગળ વધી જવાનું. આવું અનેકવાર ભૂતકાળમાં પણ એમની સાથે થયું છે. એમની કોઈ વાત એમના લાખ પ્રયત્નો પછી પણ મારા ગળે ન ઊતરે તો એ વાતના અંતે હું ઉશ્કેરાયેલો હોઉં પણ એ તો હળવા ને હળવા જ.

અમે નક્કી કરેલું કે એ અને રવિન જો મુંબઈ આવે તો મારે ત્યાં અને મારે જો એ બાજુ નીકળવાનું થાય તો નવસારીમાં એમના બંગલે આખી રાત વાતો કરીશું. નરેન્દ્ર મોદી, હિન્દુત્વ, ભારત, સંસ્કૃતિ, શિક્ષણ, માતૃભાષા અને ઇતિહાસ — આ બધા એમના ફેવરિટ વિષયો. આ મુદ્દાઓ પર અમે ક્યારેય એકબીજા સાથે અસહમત થતા નહીં.

દૂર રહે રહે મિત્રોની ખૂબ કાળજી રાખે. કોરોનાના આરંભના ગાળામાં વડોદરાના જાણીતા વૈદ્ય પાસેથી ઇમ્યુનિટી વધારવાની આયુર્વેદિક દવાઓના કમ્પલીટ ડોઝ મને આંગડિયામાં મોકલી આપ્યા. એ વખતે હજુ પતંજલિની કોરોનિલ-કિટ બજારમાં આવી નહોતી. માત્ર મારા ઘર માટે જ નહીં, મિત્રોમાં વહેંચી શકું એટલે મોટું પાર્સલ મોકલ્યું હતું. પંદરવીસ દિવસ પહેલાં ફોન કરીને કહે કે એક વરસ થઈ ગયું એટલે હવે આ ડોઝ ફરીથી લઈ લેવાનો – બીજે દિવસે કુરિયર આવી ગયું.

છવ્વીસમી જાન્યુઆરીની સાંજ પછી બે-પાંચ મિત્રોને મેં વૉટ્સએપ કરીને જણાવ્યું કે આવતી કાલે મને બૂસ્ટર ડોઝ માટેની અપોઇન્ટમેન્ટ મળી ગઈ છે (હવે 2060 સુધી નિરાંત પછીની વાત પછી). મહાદેવભાઈને પણ આ સંદેશો મેં મોકલ્યો. સંદેશો એમને ડિલિવર થયો પણ ડબલ બ્લ્યુ ટિક દેખાઈ નહીં. બિઝી હશે. અડધો કલાક પછી ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શોકસંદેશો વાંચ્યો. પીએમ જેવા આધારભૂત સ્ત્રોત બીજા કોણ હોઈ શકે? પણ માન્યામાં ન આવે કે મહાદેવભાઈ નથી રહ્યા. નવસારીના એક કૉમનમિત્રને ફોન કરીને પૂછ્યું કે આ આપણા જ મહાદેવભાઈ દેસાઈ? એમણે કન્ફર્મ કર્યું. વૉટ્સએપ પર જઈને મેં મહાદેવભાઈને મોકલેલો સંદેશો ડીલીટ કરી નાખ્યો અને રવિન સાથે વાત કરી. બપોરે RTPCR ટેસ્ટ કરાવીને ઘરે પાછા ફર્યા અને સૌની હાજરીમાં માસિવ હાર્ટ એટેક આવ્યો.

જિંદગીમાં જેમને મળવાનું મન થાય એમને મળી લેવાનું. જેમની સાથે આખી રાત ગપ્પાં મારવાનો પ્રોગ્રામ બનાવ્યો હોય એનો અમલ કરી નાખવાનો. રાહ જોઈએ છીએ અને એ ઘડી વીતી જાય છે.

1999ની છવ્વીસમી જાન્યુઆરીએ, મહાદેવભાઈને પણ જેમના માટે ખૂબ માન હતું એ પત્રકાર શિરોમણિ હસમુખ ગાંધી આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. 2022માં મહાદેવભાઈ.

ખૂબ ગમતી વ્યક્તિઓ આ રીતે અણધારી જતી રહે ત્યારે આયુષ્યમાંથી એકાએક એક દસકો કપાઈ જતો હોય છે.

•••

16 COMMENTS

  1. Mahadevbhai was like our family member and we have known each other from our school days in Navsari. He assisted in building homes for farm workers and also roads in our Village of Sarona. He will be dearly be missed but we will cherish all the memories he has left behind for us. Param Krupalu Parmatma Emna Atmane Sadgati Aape Evi Prarthna Kariye Che. From Orlando Florida USA Raman P Rama & Family.

  2. સાવ સાચું . જીંદગી મા મળવાનું થાય મળી લેવાનું , આખી રાત પાના રમી લેવાના , ગપ્પા મારવાના અને નોનસેંસ વાતો કરવાની

  3. Welcome back Sarubhbhai.

    Bhavpurvak Shraddhanjali to Mahadevbhai. From your article came to know about such a great personality and his simple life.
    Gujarat and Bharat mata lost one of the most loved one.

  4. શ્રદ્ધાંજલિ 🙏🏻
    સૌરભ ભાઈ,

    તમારા થકી,
    મહાદેવ ભાઈ નાં વ્યક્તિત્વ નો ખ્યાલ આવ્યો.

    “કામ અને નામ” સાંભળેલું, માન હતું.
    આજે ગર્વ છે.

    સુંદર ભાવ ભીનું આલેખન.
    તમારા નુકસાન નું દુઃખ છે.

    ભગવાન એમના આત્મા ને શાંતિ દે.
    ૐ શાંતિ
    🙏🏻🌹

  5. Very well-written tribute capturing his life, and what a life he had. Mahadevbhai’s simplicity, his well-rounded knowledge of any subject under the sun, and his effectiveness to turn any vision into reality was second to none.

  6. What a legacy and body of work Mahadevbhai left behind. Very well written tribute! His simplicity, knowledge of every subject and effectiveness of his actions two things always made me respect him. God speed.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here