કુદરત ક્યારેય ગજા બહારનું દુખ નથી આપતી કે પાત્રતા કરતાં વધારે સુખ પણ નથી આપતી : સૌરભ શાહ

( લાઉડમાઉથ : ‘સંદેશ’, ‘અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૩)

જિંદગીમાં જે કંઈ લખ્યું-અનુભવ્યું તેનો નીચોડ આ ગણેશોત્સવ દરમ્યાન મળી ગયો. મારી આ વાતને ગણપતિના આગમન કે વિસર્જન સાથે કોઈ લેવાદેવા નથી પણ એ દસ દિવસ દરમ્યાન હું ઘરમાં રહીને ગણેશજીની પ્રાર્થના કરતો એના ફળસ્વરૂપે જ કદાચ મને આ ત્રણ વિચારો જડ્યા જે મારે હિસાબે આ ચારેક દાયકાની ઉપલબ્ધિ છે. હું જીવતાં જીવતાં લખવાનું શીખ્યો છું કે લખતાં લખતાં જીવવાનું શીખી રહ્યો છું એ કહેવું મારા માટે મુશ્કેલ છે.

પહેલી વાત મને એ સમજાઈ કે જીવનમાં તમારો ગોલ જેટલો મોટો હશે એટલા તમે ઓછા ઈન્સિક્યોર્ડ ફીલ કરશો. લાખો-કરોડો લોકોની જેમ તમે પણ ઝીણા ઝીણા ગોલ માટે જીવતા હશો તો લાઈફમાં સતત અસલામતી અનુભવવાના. તમારો હેતુ નિવૃત્તિ પહેલાં કમાઈને બે પૈસાની બચત કરી, પોતાના નામનો ફલેટ, ભૌતિક સુખસગવડો ઊભી કરી, છોકરાંઓને સેટલ કરી એમનાં લગ્ન કરાવી, પ્રોપર ઈન્વેસ્ટમેન્ટ કરીને પાછલી જિંદગી નિરાંતે ગાળવાનો હશે તો તમે આ બધું જ કર્યા પછી પણ ફફડાટ સાથે જીવવાના. કોઈને હાર્ટ ઍટેક આવ્યાના સમાચાર સાંભળીને તમે તમારું કોલેસ્ટરોલ ચેક કરાવવા દોડી જવાના. કોઈના મૃત્યુના સમાચાર સાંભળીને એમની સ્મશાનયાત્રામાં ચાલતાં ચાલતાં તમને પણ ‘હવે કેટલા દિવસ’ના વિચારો આવી જવાના. માર્કેટમાં ફલાણા શેરનો ભાવ ઘટી જવાના કે કાંદાના ભાવ વધી જવાના સમાચાર સાંભળીને તમારું બીપી ઉપર-નીચે થઈ જવાનું.

જિંદગીના હેતુઓ વિશાળ બનાવ્યા પછી અસલામતીઓ ઓછી થઈ જતી હોય છે. જેની પાસે એવરેસ્ટના શિખરે પહોંચવાનો ગોલ છે તેને ખબર છે કે ત્યાં સુધી પહોંચવામાં કેટકેટલા ખતરા છે. બીમાર પડી શકે છે, હાથપગ પાંસળીઓ તૂટી શકે છે, હિમડંખથી અંગ કપાવવાં પડે તો જિંદગી આખી દિવ્યાંગ બનીને જીવવું પડે છે. એવરેસ્ટના આરોહકને ખબર છે કે ઉપર જતી વેળા મોત પણ આવી શકે છે. એવરેસ્ટનું શિખર સર કર્યા બાદ નીચે ઊતરતાં પણ મોત આવી શકે છે. આમ છતાં એ ઈન્સિક્યોર્ડ નથી. અસલામતીથી ડરતા લોકો ક્યારેય એવરેસ્ટ ના ચઢી શકે, ઈન્સિક્યોર્ડ લોકો ક્યારેય મોટા મોટા ગોલ ના સેવી શકે. પાછલી ઉંમરે ઈન્સિક્યોર્ડ ન રહેવું હોય તો ઝીણા ઝીણા ગોલ છોડીને કોઈ મોટા હેતુઓ પાછળ જીવવાનું શરૂ કરવું જોઈએ.

બીજી વાત એ શીખવા મળી કે જિંદગીમાં મોટા ભાગની બાબતો કહો કે જૂજ અપવાદોને બાદ કરતાં બાકીની બધી જ બાબતો, તમારા માટે નથી સારી કે નથી ખરાબ. માટે દરેકે દરેક ઘટના, વ્યક્તિ કે ચીજ માટે અભિપ્રાય ઘડવાનું રહેવા દઈએ. કોઈની જિંદગીમાં કશુંક બન્યું કે તરત આપણે આપણો અભિપ્રાય આપવા દોડી જઈએ છીએ – સારું બન્યું, અથવા ખરાબ બન્યું. દરેક વ્યક્તિ વિશે પણ આપણે અભિપ્રાય બાંધી લઈએ છીએ – સારી છે, ખરાબ છે. કોઈ પણ ચીજ જોઈને મનમાં એના વિશે અભિપ્રાય બંધાઈ જાય છે – આ નવો આઈ ફોન-૧૫ સારો છે, ખરાબ છે.

આપણી જિંદગી સાથે ખૂબ નજીકથી જે બનાવ/વ્યક્તિ/વસ્તુને નિસબત ના હોય તેના માટે જજમેન્ટલ બનવું વ્યર્થ છે. કશુંક સારું છે કે કશુંક ખરાબ છે એને બદલે એટલું જ સ્વીકારીએ કે એ ‘છે.’ કોઈ પણ નવી વાનગી ‘સારી’ કે ‘ખરાબ’ નથી હોતી – એ માત્ર ‘હોય છે’, તમારો અભિપ્રાય એને ‘સારી’ કે ‘ખરાબ’ બનાવે છે. તમારા અભિપ્રાયો તમારા પોતાના સાંકડા મનોવિશ્ર્વમાં જન્મેલા વિચારોનું પરિણામ છે. વાનગીને, વ્યક્તિને, ઘટનાને તમે આ જ સાંકડા અનુભવોથી જુઓ છો અને પછી દુ:ખી થાઓ છો. આટલી સમજણ આવી જવાથી કંઈ તમે એ સમજણને અમલમાં મૂકી શકવાના નથી. એ માટે ખૂબ સમય લાગવાનો. સમજણ પ્રથમ પગથિયું છે. અનુભવો તમને એકએક પગથિયું ઉપર લઈ જશે. હવે પછી તમે કોઈ વ્યક્તિએ લાલ રંગનું શર્ટ પહેરેલું છે એવું જુઓ ત્યારે એ સારું લાગે છે કે ખરાબ લાગે છે એટલે અભિપ્રાય આપવાને બદલે માત્ર એટલું જ વિચારજો કે હા, એણે લાલ રંગનું શર્ટ પહેર્યું છે – બસ. ધીમે ધીમે વ્યક્તિઓ, બનાવો અને ચીજવસ્તુઓ વિશે જજમેન્ટલ બનવાનું ઓછું થતું જશે તેમ તમને જીવવાની વધારે મઝા આવતી જશે.

ત્રીજી મહત્ત્વની વાત રહી રહીને હું શીખ્યો કે કુદરત ક્યારેય વ્યક્તિને એના ગજા બહારનું દુખ નથી આપતી કે એની પાત્રતા કરતા વધારે સુખ પણ નથી આપતી. અને એ જ સારું છે. મને મૂકેશ અંબાણી બનાવજો એવી તમારી પ્રાર્થના ભગવાન ખરેખર સાંભળી લે અને તથાસ્તુ કહી દે તો તમને લાગે છે કે તમે અત્યારના તમારા કામકાજમાંથી મુક્ત થઈને લાખો કરોડનો કારોબાર સંભાળવા જેટલી જવાબદારી માથે લઈ શકો? સત્યાવીસ માળના એન્ટીલામાં રહેવા જવાની તમને ગમે એટલી હોંશ હોય પણ તમારે એકડે એકથી, જેમ મૂકેશભાઈએ કર્યું એમ, એવડા મોટા ‘બંગલો’ને મૅનેજ કરી શકશો? તમારું એવું ગજું નથી. તમે એટલા બધા સુખને પાત્ર નથી. ભગવાન એટલે જ તમને એવાં સુખોથી દૂર રાખે છે.

અને દુ:ખ પણ તમને એ પ્રમાણસર જ આપે છે. તમે જેટલું સહન કરી શકો છો એટલું જ દુખ એ તમારા જીવનમાં લાવે છે. એને ખબર છે કે દુખ સહન કરવાની તમારી શક્તિ કેટલી છે, તમારો થ્રેશોલ્ડ ક્યાં છે? એ ક્યારેય ઊંટની પીઠ પરનું છેલ્લું તણખલું મુકાવા નહીં દે.

જિંદગીમાં ક્રમશ: આ ત્રણ વાતો લખતાં લખતાં (કે જીવતાં જીવતાં) શીખવા મળી. આ સમજણના આધારે બીજા ૪ દાયકા તો ક્યાં નીકળી જવાના, ખબર પણ નહીં પડે.

સાયલન્સ પ્લીઝ

માણસ જો પોતાના આગવા વ્યક્તિત્વને વફાદાર નહીં હોય તો એ કોઈ બાબતે ભરોસાપાત્ર નહીં હોય.

– કલોડ મૅક્કે (૧૮૮૯-૧૯૪૮: રાઈટર, જર્નલિસ્ટ)

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

5 COMMENTS

  1. વકત સે પહલે કિસ્મત સે જયાદા , કિસી કો મીલા હૈ ના કીસી મીલેગા…..

  2. અનુભવેલા ઉત્તમ ઉદ્દેશો અમારા સુધી પહોંચાડવા માટે આભાર

  3. ખૂબ જ સરળ અને સચોટ વાત કરી છે આપની આ વાત અમરી જેવા વાચકો..પૂરતી જ મર્યાદિત..નથી પણ અમારા મિત્ર મંડળ માં અને ઘણા લોકો માટે કીમતી છે..આપના તરફથી..આવી પોઝિટિવ વતી નો ભંડાર અમને મળતો રહે એજ અભ્યર્થના સહ

  4. સાહેબજી…
    ગણેશ ઉત્સવના સમાપન પછી
    આપને જડેલા ત્રણ વિચારો જેને
    આપ આપના જીવનની ઉપલબ્ધિ સમજો છો.
    આપની આ વાત અને આપના આ વિચારો
    અમારા જેવા આપના વાચકો માટે
    ખૂબ કિમતી છે, અમૂલ્ય છે, ખૂબ પ્રેરક છે.
    આપનું લખાણ વાંચતા હોઈએ ત્યારે
    આપ રૂબરૂ વાત કરતા હો, એવું feel થાય છે.
    ગુજરાતીમાં આપે કરેલ GODFATHER નવલકથા
    એક શ્વાસે , એક જ બેઠકે પુરી કરી.
    મજ્જા પડી ગયી.
    ખૂબ મહેનત કરી છે આપે આ પુસ્તક તૈયાર કરવામાં.
    ખૂબ ખૂબ અભિનંદન સાહેબ તમને.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here