ગુજરાતી કુટુંબોમાં ઉછરતાં સંતાનો માટે સૌથી મોટી જરૂરિયાત કઈ છેઃ સૌરભ શાહ

(તડક ભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, ૫ ડિસેમ્બર ૨૦૨૧)

*ગુજરાતી* ભાષાનું જતન અને સંવર્ધન કરવા માટેનો જે એક સૌથી મોટો, સચોટ પણ ખૂબ અઘરો ઉપાય છે તેના તરફ ભાગ્યે જ આપણું ધ્યાન ગયું છે.

એ ઉપાય છે બાળસાહિત્ય અને કિશોરસાહિત્યનું સર્જન.

ગુજરાતી કુટુંબમાં ઉછરતાં બાળકો માટે ગુજરાતી ભાષામાં સર્જાયેલું મૌલિક બાળસાહિત્ય કેટલું? કિશોર સાહિત્ય કેટલું? અંગ્રેજી માધ્યમમાં ભણવા જતાં ગુજરાતીઓનાં સંતાનોને શાળામાં ભલે અંગ્રેજી સાહિત્યના બાળસાહિત્યનું એક્સપોઝર મળતું પણ ઘરમાં તમે એમને એમની ઉંમર મુજબ ગિજુભાઈ બધેકા, નાનાભાઈ ભટ્ટ કે મૂળશંકર મો. ભટ્ટ સર્જન-અનુસર્જિત સાહિત્યથી પરિચિત કરી શકો એમ છો.

ગુજરાતીઓની પાંચ-છ પેઢીઓ બકોર પટેલ, મિયાંફૂસકી, અડુકિયો-દડુકિયો જેવાં અમર પાત્રોની આજે પણ તાજી લાગતી વાર્તાઓ હોંશેહોંશે વાંચતી. આગામી પાંચ-પંદર પેઢીઓ પણ જરૂર એનાથી પ્રભાવિત થવાની.

પણ આ ઉત્તમ બાળસાહિત્ય ઉપરાંત બીજું કેટલું લખાયું? કેટલાક આધુનિક ગુજરાતી સાહિત્યકારોએ આ સાહિત્યમાં જરૂર ઉમેરો કર્યો છે, પણ કેટલો? જરૂરિયાતની સરખામણીએ દસ ટકા જેટલો. લગભગ નેવું ટકા માર્કેટ હજુય ખાલી છે.

ગુજરાતી ભાષામાં નવા બાળસાહિત્યના લેખનનું ક્ષેત્ર અલમોસ્ટ ખાલી છે. કિશોર સાહિત્ય તો આખેઆખું કોરુંધાકોર છે. અંગ્રેજીમાં ત્રણથી પાંચ, પાંચથી સાત, આઠથી દસ, પ્રી-ટીન્સ અને યંગ એડલ્ટ્સ (અર્થાત્ ટીનએજર્સ) જેવા અનેક સ્લોટ્સ હોય છે. બાળક હજુ વાંચતાં શીખે એ પહેલાં પેરન્ટ્સ એમને વાર્તા વાંચીને સંભળાવે અને બાળક એ ચોપડીમાંના રંગબેરંગી ચિત્રો જોઈને પોતાની કલ્પનાશક્તિ ખિલવે એવાં પુસ્તકો દાયકાઓથી પ્રગટ થાય છે. એ પછી સાદી ભાષામાં લખાયેલાં, ટૂંકા વાક્યોવાળા અને અટપટા ગ્રામર વિનાનાં બાળપુસ્તકો બાળવાચકો માટે રચાય છે. બાળકની ઉંમર વધતી જાય એમ એને નવું નવું સાહિત્ય મળતું જાય. સિન્ડ્રેલા જેવી વાર્તાઓથી શરૂ કરીને એનિડ બ્લાયટન સુધી બાળક પહોંચે એ પહેલાં જ એની પાસે વિની ધ પુ જેવી ડઝનબંધ કથાઓ આવી જતી હોય છે. નવું નવું સાહિત્ય સર્જાતું જ રહે છે. આ ઉમેરાથી જૂનું સાહિત્ય ભૂંસાતું નથી પણ ઓર સમૃદ્ધ થતું હોય છે. યંગ ઍડલ્ટ્સ માટે લખાતી નવલકથાઓથી ચાર્લ્સ ડિકન્સની ગ્રેટ એક્સ્પેક્ટેશન્સ, ડૅવિડ કૉપરફિલ્ડ કે પિકવિક પેપર્સનું મહત્ત્વ ઘટી જતું નથી.

ગુજરાતીમાં નવી બાળવાર્તાઓ, નવાં જોડકણાં, નવાં બાળકાવ્યો અને નવી કિશોરકથાઓ આવશે તો જીવરામ જોષી કે હરિપ્રસાદ વ્યાસનાં અમરપાત્રોનું મહત્ત્વ ઘટી જવાનું નથી. ચં.ચી.મહેતાનાં ઇલા કાવ્યોનું મહત્ત્વ પણ ઘટી જવાનું નથી. રમેશ પારેખ અને ઘનશ્યામ દેસાઈથી માંડીને અત્યારે પ્રવૃત્ત હોય એવા કેટલાક ઉત્તમ સાહિત્યકારોએ પોતપોતાની રીતે આ બાળસાહિત્યમાં ઉમેરો કરીને એને સમૃદ્ધ બનાવ્યું જ છે. એની નોંધ લીધા પછી પણ કહેવું પડે છે કે જરૂરિયાત કરતાં કુલ મળીને દસ જ ટકા જેટલું કામ થયું છે, નેવું ટકા ફિલ્ડ ખાલી છે અને એટલે જ તક ઘણી મોટી છે.

ગુજરાતી કુટુંબો પાસે બાળકોને આપવા માટે પંચતંત્રની વાર્તાઓ છે, રામાયણ-મહાભારતની કથાઓ છે, આ ઉપરાંત ઘણું સાહિત્ય છે. એ બધું જ બાળકોને આપીએ. એ ઉપરાંત જૂના ગ્રંથોમાંથી શોધી શોધીને જેટલું અપાય એટલું આપીએ. ભારતના વીરપુરુષોની જીવનગાથાઓ બાળસહજ કે કિશોરસહજ શૈલીમાં ઢાળીને આપીએ. પણ સાથેસાથે ગુજરાતીમાં નવું બાળ/કિશોર સાહિત્ય સર્જીને આધુનિક જમાનામાં ઉછરતા સંતાનોના વિવિધ રસને પણ પોષીએ. આવું કરવા માટે બકોર પટેલના હાથમાં મોબાઈલ ફોન પકડાવી દેવાની બિલકુલ જરૂર નથી કે મિયાં ફુસકીને કોરોનાની સામે લડતો બતાવવા માસ્ક પહેરાવવાની પણ જરૂર નથી.

જરૂર છે એ જ ગજાનું નવું કામ કરવાની. નવાં પાત્રો સર્જવાનું કામ ઘણું અઘરું છે. પચીસ-પચાસ-સો વર્ષ પછી પણ જે જીવતાં જાગતાં હોય એવાં પાત્રો સૌ કોઈ સર્જી શકતું નથી. પંચતંત્રની વાર્તાઓમાં સેંકડો વર્ષ પહેલાં એ કામ થયું. બાળસાહિત્યમાં નહીં પણ અન્ય સાહિત્યમાં કવિ કાલિદાસે એ કામ ખૂબીથી કર્યું, ગોવર્ધનરામ ત્રિપાઠીથી માંડીને મુનશી, ર.વ. દેસાઈ સુધીના અનેક સાહિત્યકારોએ પોતાની મહાન કલમ દ્વારા મહાન કાલ્પનિક પાત્રો રચ્યાં જે આજે પણ જીવતા જાગતાં છે. બાળ સાહિત્યમાં આ કામ કરવાનું છે. કદાચ દસમાંથી નવ પાત્રો ભૂંસાઈ જશે પણ જે એક રહેશે તે બકોર પટેલ કે મિયાં ફુસકીની પંગતમાં બેસી શકે એવું હશે.

કિશોર સાહિત્યનું ક્ષેત્ર તો સાવ ખાલીખમ જેવું જ છે. પ્રીટિન્સ માટેની સાહસ કથાઓ પણ ક્યાં લખાઈ છે ગુજરાતીમાં? યંગ એડલ્ટ્સ બની ચૂકેલા ગુજરાતીઓ માટે આર્થર કોનન ડોયલ કે અગાથા ક્રિસ્ટીનાં નબળાસબળા ગુજરાતી અનુવાદોથી ચલાવી લેવું પડે એમ. છે. મૌલિક ડિટેક્ટિવ વાર્તાઓ, ક્લાસિક બની શકે એવી જાસૂસકથાઓ કેટલી આપણે ત્યાં?

કોઈ પણ સાહિત્યનું સર્જન જે રચે છે તેને એટલાં યશ તથા ધન નથી અપાવતાં જેટલાં એના ગયા પછી એના વારસદારોને અપાવે છે. દરેક સર્જકે આ વાત ધ્યાનમાં રાખવી. અને એ પણ ધ્યાનમાં રાખવાનું કે વારસદારો કરતાં એ સાહિત્યના વાચકો-ચાહકો તથા એ જે ભાષામાં રચાય છે તે ભાષા અનેકગણાં સમૃદ્ધ થવાનાં છે. ગુજરાતી ભાષાને બચાવો, બચાવોનો કકળાટ કરવાને બદલે એટલાં ટાઈમ, એનર્જી અને સંસાધનો – રિસોર્સીસ આપણે ગુજરાતીમાં નવું બાળસાહિત્ય, નવું કિશોર સાહિત્ય, નવું યંગ એડલ્ટ સાહિત્ય રચાતું થાય તો માતૃભાષાની સાચી સેવા થયેલી ગણાશે.

પાન બનાર્સવાલા

હસતાં રહેવું. તમારું સ્મિત જોઈને બીજાઓના મોઢા પર સ્મિત ફરકાવતું રહે છે. મૉલમાં ફરતી વખતે કે રસ્તે ચાલતી વખતે અજાણ્યાઓ સાથે આ અખતરો કરી જોજો. સો ટકા રિઝલ્ટ જોવા મળશે.

— અજ્ઞાત

•••

આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

7 COMMENTS

  1. aapne navu gujarati kishor sahitya k baal sahitya na male to atleast junu re-print / relaunch kari sakie with new graphics and images, new cover…ema juni pedhi aane hoshe hoshe potana balko ne aa vanchavse karan k ema emni pan laagni and yaado chupai hase..

  2. આજે પણ, ભાવનગરનું “વિકાસ વર્તુળ” બાળસાહિત્યના વિકાસાર્થ અને બાળ રમતોના વિકાસાર્થ ખૂબ સરસ કામ કરી રહ્યું છે.તેના દ્વારા પ્રકાશિત બાળમાસિક “ધીંગા મસ્તિ” જ્યાં કોઈપણ માધ્યમમાં બીજા-ત્રીજા ધોરણમાં ભણતા બાળકો માટે ખાસ લવાજમ ભરી બંધાવવા જેવું છે. તેઓએ ૪૨ બાળરમતોનો સેટ પણ ખૂબ સરસ તૈયાર કરેલ છે. તદઉપરાંત ગુજરાતી વર્તમાનપત્રોની દર શનિવારની બાળપૂર્તિ પણ સંગ્રહિત કરવા જેવી આવે છે. કાળજીપૂર્વકનું ક્લેકશન જરૂરી છે. વાલીઓએ જાગૃત થવું આવશ્યક છે.

    • ‘વિકાસ વર્તુળ’ની પ્રવૃત્તિઓ વિશે
      હું સારી રીતે પરિચિત છું અને તે ખરેખર સારું કામ કરે છે. બિપિનભાઈ સાથે ઘણો સંપર્ક હતો. ભાવનગરમાં એમણે કારકિર્દી માર્ગદર્શનને લગતું પાયોનિયરિંગ કાર્ય કર્યું છે. હું ત્યાં આવ્યો ત્યારે એમની આ બધી ધમધમતી એક્ટિવિટીઓ નજરે નિહાળીને ભરપૂર સંતોષ થયો હતો. તમે ધ્યાન દોરીને સારું કર્યું. ખૂબ ખૂબ આભાર, તમારો.

  3. છકો મકો, મિંયા ફુસકી તભાભટ્ટ, છેલ છબો,બકોર પટેલ, અડુકિયો દડુકિયો, આજે 80 વરસે પણ યાદ છે. .આજે પણ ક્યાંય વાંચવા મળે તો જલસો પડી જાય છે.સાહિત્ય ને ઉમર નડતી નથી…હરીશ સુતરીયા.

  4. સાહેબ, ગુજરાતી શાળામાં બાળકોની સંખ્યા વધારવા એટલે કે આકર્ષવા શું કરવાની જરુર છે કે જેથી અંગ્રેજી મિડીયમમાં ભણતા બાળકોને એમના પેરેન્ટસ ગુજરાતી તરફ વાળી શકે.
    એવો લેખ લખવા વિનંતી.

  5. ખૂબ જ સરસ લેખ. નવું બાળ સાહિત્ય અત્યારની ફક્ત ગુજરાતી માં જ નહીં ભારતની દરેક ભાષાની તાતી જરુરીયાત છે.

    પણ ઘડાઈ ચુકેલા એડલ્ટો પાસે બાળપણનું ભોળપણ અને સુક્ષ્મ સંવેદના ક્યાંથી આવે?

  6. બાળપણમાં વાંચેલી છકા-મકા ની વાર્તા પ્રી-ટીન્સ માટેની ગણી શકાય?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here