જે વગર કારણે યાદ આવે તે જેન્યુઈન દોસ્ત:સૌરભ શાહ

કશુંક ખરાબ થાય ત્યારે સૌથી મોટો સધિયારો એવું વિચારવાથી મળે છે કે આનાથી વધારે ખરાબ થઈ શકયું હોત. આ વિચારમાત્રથી, થઈ ચૂકેલા નુકસાનને હળવાશથી લઈ શકાય એ માટેની મનોદશા તૈયાર થતી હોય છે.

એથીય એક ડગલું આગળ વધીએ. અત્યારની આપત્તિમાં આફતના આવરણ હેઠળ છુપાયેલા આશીર્વાદ છે, એક નવી – અત્યાર સુધી બંધ રહેલી – દિશા ઊઘડી રહી છે, એવી પ્રીતીતિ જે કરાવી શકે એણે સાચા દિલથી આશ્વાસન આપ્યું છે એમ માની શકાય.

તકલીફોની એક મઝા એ હોય છે કે જેને તમે અત્યાર સુધી અવરજવરનું એકમાત્ર દ્વાર માની બેઠા હતા તે જડબેસલાક બંધ થઈ ગયા પછી આ તકલીફો જ તમને અન્ય દરવાજો શોધવાની ફરજ પાડે છે.

જે આયોજનને તમે તમારા અસ્તિત્વનો આધાર માનીને બેઠા હતા એ આયોજન ચૌપટ વળી જતાં તમારે પરાણે અન્ય વિકલ્પો તૈયાર કરવા પડે છે, અત્યાર સુધી આ વિકલ્પોની તમે સદંતર અવગણના કરી હતી, કારણ કે તમને જેનું વળગણ થઈ ગયેલું એ યોજનાના તમે ડાબલા પહેરી લીધા હતા. એકાદ ટેકો બટકીને તૂટી જાય ત્યારે જ કોઈ પણ ભોગે ટટ્ટાર રહેવાનું બળ મળે છે.

સંજોગો કપરા બની જાય એ પછી માણસને ક્ષણની મહત્તા સમજાય છે. વીતેલી ક્ષણ પીડાદાયક હતી. આવનારી ક્ષણ પણ કદાચ વેદનામય હશે. પણ આ ક્ષણે મને જો પક્ષીના કલરવમાંથી, આર.ડી. બર્મનના મ્યુઝિકમાંથી, ગમતા પુસ્તકના વાચનમાંથી કે કોઈ અદ્ભુત વ્યક્તિના સહવાસમાંથી સુખ મળી રહ્યું હોય તો હું શા માટે આ ક્ષણને વેડફી દઉં?

ક્ષણોમાં જીવતાં આવડી ગયા પછી દિવસો, મહિનાઓ અને વર્ષોની દીર્ઘતા ફિક્કી લાગવા માંડે છે.

દુ:ખના દિવસોમાં વ્યક્તિને સૌથી મોટી લાલચ આત્મનિંદા કરવાની થાય: હું જ ખરાબ, મારા જ નસીબ વાંકા, મેં જ ભૂલ કરી, મને કોઈ ચાહતું નથી, મારા જેવો અભાગિયો જીવ આ દુનિયામાં બીજો કોઈ નથી. વાસ્તવમાં જ્યારે કોઈ મિત્ર પાસે ન હોય, આસપાસના સૌ કોઈ દુશ્મન બની ગયા છે એવી લાગણીમાં અટવાતા હોઈએ, ત્યારે જરૂર છે પોતે પોતાના દુશ્મન મટીને જાતને દોસ્ત બનાવી લેવાની. કોઈ પણ માણસ ધારે તો પોતાનો બેસ્ટ ફ્રેન્ડ બની શકે.

આપત્તિઓની પાછળ પાછળ અફસોસ પણ આવવાનો જ, પસ્તાવો પણ થવાનો જ. અફસોસને કારણે જૂની સમસ્યાને નવી દૃષ્ટિએ જોવાની તક મળે છે.

પસ્તાવાની લાગણી પ્રગટે ત્યારે બચવાનું છે એના વમળમાંથી. કયારેક માણસ એકની એક વાતનો અફસોસ કરીને ઘૂમરીઓ ખાધા કરે છે અને હતાશાના કળણમાં ખૂંપી જાય છે. આવી વ્યક્તિઓ આ કળણમાંથી બહાર નીકળવાનો જેટલો પ્રયત્ન કરે એટલા જ ઊંડા તેઓ અંદર ખૂંપતા જાય છે.

સંકટો આવ્યા પછી ડહાપણ આપોઆપ આવતું હોય છે. આ રીતે આવતા ડહાપણની મોંઘી કિંમત ચૂકવવી પડી હોય છે. પણ આકરી કિંમત ચૂકવી હોવાને કારણે જ એ ડહાપણને માણસ જતનપૂર્વક સાચવી રાખે છે. કોઈકનું આ વાકય એકવાર મેં કયાંક ટાંકયું હતું જેનો સાર છે: ‘હવે આપણે ગાઢ મિત્રો છીએ કારણ કે જિંદગીના દર્દભર્યા અનુભવો હવે આપણે એકબીજા સાથે વહેંચી શકીએ છીએ.’

દુ:ખો વહેંચવાની અનુકૂળતા મૈત્રીનો માર્ગ મોકળો કરી આપે છે. જિંદગીમાં સૌથી મોટી નિરાંત આશ્વાસન આપી શકે એવા જેન્યુઈન દોસ્તના ખભા પર અનુભવાતી હોય છે.

આવા જેન્યુઈન દોસ્ત કેવા હોય?

મા વિશે, દીકરી વિશે, વગેરે વિશે જેમ ગુણગાન જ ગાવાનાં હોય એવું દોસ્તી વિશે પણ કરવાનું હોય એવી આપણે ત્યાં પ્રથા છે.

આવી ‘વ્યવહારુ’ દોસ્તીમાં હું માનતો નથી. માણસના બીજા સંબંધોમાં જેટલા અને જેવા સ્વાર્થ હોય છે એટલા અને એવા સ્વાર્થ કેટલીક દોસ્તીમાં પણ હોવાના. એવા સંબંધને તમે દોસ્તી કે મૈત્રી કે ફ્રેન્ડશિપનું રૂપાળું લેબલ ચિપકાવી દો એને કારણે તે નિઃસ્વાર્થ કે પવિત્ર બની જતા નથી.

કેટલાક લોકો પોતાની ઓળખાણોને દોસ્તીમાં ખપાવતા હોય છે. કોઈની સાથે નાનોમોટો પરિચય હોય અને જો એ વ્યક્તિ ફેમસ કે વગવાળી હોય તો એનો ઉલ્લેખ નીકળે ત્યારે અચૂક આપણે કહેવાના કે એ તો મારા ફ્રેન્ડ છે (એક્વેન્ટન્સ છે કે પરિચિત છે એવું કહેવાને બદલે) અને જો મૂડમાં હોઈશું તો કહી નાખીશું કે પર્સનલ ફ્રેન્ડ છે મારા! અને હજુ વધારે પ્રવાહી પેટમાં ગયું હશે તો કહીશું કે યાર, મારે ને એમને તો ઘર જેવો સંબંધ… આટલું કહીને બીજાને ઈમ્પ્રેસ કરવા આપણે રાત્રે 11 વાગ્યે જેની સાથે ‘ઘર જેવો સંબંધ’ છે એ ‘મિત્ર’ને ફોન જોડીશું અને સામેથી કોઈ આપણું નામ જોઈને ફોન ન ઉઠાવે તો કહીશું : બિઝી લાગે છે! આપણને કોઈ પૂછતું નથી કે તમારું નામ સ્ક્રીન પર જોઈને રાત્રે અગિયાર વાગ્યે ભલભલા શું કામ બિઝી થઈ જતા હોય છે.

દોસ્ત, મિત્ર કે ફ્રેન્ડ શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. ઓળખીતા, પરિચિત કે એક્વેન્ટન્સને તમે દોસ્ત-મિત્ર-ફ્રેન્ડ કહો છો ત્યારે જાણે અજાણે મૈત્રીની ઉમદા કન્સેપ્ટનું અપમાન કરો છો. તમારે જેની જોડે રોજની ઉઠબેસ હોય એ પણ તમારો મિત્ર નથી હોતો, તમારે જેની સાથે અંગત વિચારોની આપ-લે કરવાનો નાતો હોય એ પણ તમારો મિત્ર જ હોય તે જરૂરી નથી અને અણીના વખતે જે તમને પૈસા, સમય કે પોતાના સંપર્કોની મદદ કરે છે તે પણ તમારો મિત્ર જ હોય એ જરૂરી નથી.

આ બધાં કામ તમારો શુભેચ્છક કે હમદર્દ કરી શકે છે, તમારા માટે પૂજ્યભાવ-આદરભાવ ધરાવનાર કરી શકે છે, જેને લાગતું હોય કે તમારા માટે આટલું કરવાની પોતાની ફરજ છે એ કરી શકે છે.

જેને ને તેને દોસ્ત કહેવાનું મને ફાવતું નથી. યારી-બાદશાહીનાં ગુણગાન ગાઈને પબ્લિકની સિટી ઉઘરાવવાનું કામ મને ચીપ લાગે છે, ભદ્દું લાગે છે. મેં એવા કેટલાય લોકો મારા જાહેર, સામાજિક તથા અંગત જીવનમાં જોયા છે જેઓ દોસ્તીની બડીબડી બાતાં કરતા હોય અને જેમના ફ્રેન્ડ સર્કલમાં દરેકની પીઠમાં એમણે ભોંકેલાં ખંજર હજુય દેખાતાં હોય. આવા લોકો દોસ્તી-દિલદારીની વાત કરતા હોય ત્યારે હસવું કે રડવું એની સમજ પડતી હોતી નથી. મારું એક ઑબ્ઝર્વેશન છે કે કેટલાક માણસો જે વિચાર/લાગણી/વાત છુપાવવા માગતા હોય તેના કરતાં તદ્દન વિરોધાભાસી વિચાર/લાગણી/વાત પ્રગટ કરવામાં માહેર હોય છે. પોતે લબાડીનો ધંધો કરતા હોય પણ ચાર જણાની વચ્ચે કે માઈક પરથી પ્રામાણિકતાની વાત કરશે. પોતે બિઝનેસમાં કર્મચારીઓ/વર્કર્સનું શોષણ કરતા હશે, જાહેરમાં સેવા અને ગાંધીજીની ટ્રસ્ટીશિપની ભાવનાવાળી વાતો કરશે. પોતે ડરેલા હશે, ભીરુ અને કાયર હશે પણ દેખાડો એવો ઊભો કરશે જાણે પોતે મરદનું ફાડિયું હોય. પોતે પોતાની આસપાસના પરિચિતો પાસેથી ક્યાં, ક્યારે, કેટલો ફાયદો થશે એની ગણતરી ચોવીસે કલાક કરતા હશે અને ઑગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશિપ ડે આવશે ત્યારે દોસ્તીનાં ગુણગાન ગાતાં વૉટ્સ એપ આખો દિવસ ગ્રુપ્સમાં ફૉરવર્ડ કર્યા કરશે.

આવી મૈત્રીઓ નથી જોઈતી મને જીવનમાં. પૂળો મૂકો આવી દોસ્તી પર. કબૂલ, જીવવા માટે તમને તમારી આસપાસના કેટલાક લોકોની જરૂર પડતી હોય છે. તમારા વ્યવસાય માટે, તમારા અંગત કામકાજ માટે, તમારા પ્લેઝર માટે, તમારી કંપની માટે, સલાહ માટે, નાનીમોટી સગવડો સાચવવા, વગેરે હજાર સ્વાર્થ સાધવા તમને તમારી આસપાસની જ વ્યક્તિઓ કામ લાગવાની. પણ એટલે કંઈ એ બધાને દોસ્ત, મિત્ર, યાર-બાદશાહ કહી નાખવાની જરૂર નથી. આધેડ ઉંમરના પુરુષોએ જે ને તે યુવાન છોકરીને ‘બેટા’ કહેવાનું શરૂ કરીને આ પવિત્ર શબ્દનો કચ્ચરઘાણ વાળી નાખ્યો છે એમ આપણે લોકોએ પણ જેને ને તેને ફ્રેન્ડ કહીને મિત્ર શબ્દને સાવ લપટો કરી નાખ્યો છે, પરદેશનું જોઈ જોઈને.

અંગ્રેજીમાં ફ્રેન્ડ શબ્દ સાવ મામૂલી ઓળખીતાઓ કે ક્યારેક પહેલી જ વખત મળનાર વ્યક્તિ માટે પણ વપરાય છે. ઈવન તદ્દન અજાણ્યાઓને પણ તમે લિફ્ટમાં, ક્યૂમાં કે એરપૉર્ટ પર ‘ફ્રેન્ડલી’ સ્માઈલ આપી શકો છો. આવા સ્મિતને ‘મૈત્રીભર્યું’ કહેવાની ઝુર્રત કોઈ છગન જ કરી શકે અને હવે તો એફબીને કારણે તમારા સેંકડો-હજારો ફ્રેન્ડ્ઝ હોઈ શકે છે.

દોસ્ત માટેની મારી અપેક્ષા ખૂબ ઊંચી છે. જે વગર કારણે યાદ આવે તે તમારો જેન્યુઈન દોસ્ત. જે તમારી ભૂલ હોવા છતાં તમને શીખામણ આપ્યા વિના તમારી પડખે રહે તે તમારો જેન્યુઈન દોસ્ત. જે બીજા કોઈ લોકોની સંગતમાં હોય અને ત્યાં તમારા વિશે ઘસાતું બોલાવાની શરૂઆત થાય ત્યારે ચૂપચાપ સાંભળી લેવાને બદલે ત્યાંથી તરત જ ચાલતી પકડે તે તમારો જેન્યુઈન દોસ્ત. જે તમારી નિકટ હોવા છતાં તમને ટેકન ફૉર ગ્રાન્ટેડ ન ગણે તે તમારો જેન્યુઈન દોસ્ત. જિંદગીમાં તમે જેનું એક પણ કામ કરી આપ્યું નથી અને ભવિષ્યમાં પણ કરી આપવાના નથી એવી ખાતરી હોવા છતાં જે તમારો પડ્યો બોલ ઝીલી લે તે તમારો જેન્યુઈન દોસ્ત. જિંદગીમાં જે તમને ક્યારેય કામ લાગ્યો નથી અને ભવિષ્યમાં પણ લાગવાનો નથી એની તમને ખાતરી હોય છતાં તમે એનો પડ્યો બોલ ઝીલવા માટે તત્પર હો તે તમારો જેન્યુઈન દોસ્ત. તમે એકબીજા માટે કરેલા વર્તનની કે એકબીજાને કહેલા શબ્દોની ગામ આખું ટીકા કરતું હોય છતાં તમારા બેના સંબંધમાં નાનીસરખી પણ તિરાડ પડી ન હોય તો તે તમારો જેન્યુઈન દોસ્ત.

આવો એકાદ દોસ્ત પણ તમારા જીવનમાં હોય તો કુન્દનિકા કાપડિયા જેને મનુષ્ય જીવનનું ઉત્તમોત્તમ વરદાન કહે છે તે તમને પ્રાપ્ત થાય. બાકી દસ રૂપિયાના રબરિયા ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધીને કે ફોગટિયા વૉટ્સએપ ફૉરવર્ડ કરીને કોઈએ ફ્રેન્ડશિપ ડેઝ ઉજવવા હોય તો ઉજવો, આપણા કેટલા ટકા.

( તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, 31 જુલાઈ 2022)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

8 COMMENTS

  1. તમારી ભુલ હોય તો ય તમારી પડખે અડીખમ ઉભો રહે એ દોસ્ત.
    But at the same time…. એ ચુપચાપ ઉભો ન રહે .. તમારી ભુલ હોય તો તમને સમજાવે, સતર્ક કરે, જરુર પડે તો બેધડક તમાચો ચોડી લ્યે.
    અને તો પણ તમે ના સમજો તો ???
    છેલ્લે સુધી દુર્યોધન ને પડખે ઉભા રહેનાર કર્ણ ને સાચો દોસ્ત કહેવાય?

  2. 👌લૈખ
    આદર્શ મૈત્રી કૃષ્ણ સુદામાની ખરી કે નહીં ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here