ગુડ મૉર્નિંગ
સૌરભ શાહ
આજે સાંજે બરાબર ૬ વાગ્યાને ૧૪ મિનિટે નરેન્દ્ર મોદીએ ભારતના વડા પ્રધાનપદના સોગંદ લીધે બરાબર ચાર વર્ષ પૂરાં થશે. ૬.૦૮ કલાકે રાષ્ટ્રપતિનું આગમન થયું. ૬.૧૦ કલાકે સોગંદવિધિ શરૂ થઇ : મૈં…મૈં…નરેન્દ્ર દામોદરદાસ મોદી…અને ૬.૧૪ કલાકે મોદીએ સોગંદનામા પર સહી કરીને વિધિ પૂરી કરી.
થ્રુઆઉટ સોગંદવિધિ અમારી આંખમાં હરખનાં આંસું હતાં. ભારતનો ભાગ્યોદય થઇ રહ્યો હતો. આ ચાર વર્ષ દરમ્યાન એ ભાવના દિનપ્રતિદિન વધતી ગઇ, એક પણ દિવસ એમાં ઘટાડો થવા દીધો નથી મોદીએ, એમની નીતિઓએ, એમની રાજનીતિઓએ.
ખબર નથી પડતી કે ભારતનો સુવર્ણયુગ ચાર વર્ષ પહેલા શરૂ થઇ ગયો છે અને અત્યારે ભારતનો સુવર્ણયુગ ચાલી રહ્યો છે એવું કહું છું ત્યારે કેટલાક લોકોના પેટમાં કેમ દુખે છે? દેશવિરોધી તત્ત્વો મોદી વિરુદ્ધ ગમે તેવું બોલે એ તો સમજ્યા જાણે. એમનો તો એ ધંધો છે. મોદીને કારણે તેઓ લૂંટાઇ ગયા છે. ઘરબાર વિનાના ઘાંઘા થઇ ગયા છે. રાહુલને જુઓ, માયાવતીને, અખિલેશને, ઉદ્ધવને-કોઇને પણ જુઓ. બધા નવરારૂપ થઇ ગયા છે. જે લોકો પોતાનો પક્ષ સરખી રીતે ચલાવી શકતા નથી તેઓ ભેગા મળીને દેશ ચલાવવાની વાતો કરે છે. સત્તા વગરના ભૂખ્યાડાંસ વિપક્ષો અત્યારે રસ્તા પરના કૂતરાંની જેમ એકબીજા સામે ઘૂરક્યા કરે છે તો વિચાર કરો કે સત્તાની રોટી એમની પાસે આવી જશે તો કેવી ઝૂંટાઝૂંટ કરશે આ તકવાદી અને તકલાદી લોકો. સામ્યવાદી સ્ટ્રીટ ડૉગ્સ પણ આ લૂંટમાં ભાગ પડાવવા પહોંચી જશે.
પણ આ લોકોની મહત્ત્વાકાંક્ષા અને પાત્રતા વચ્ચે ઘણું મોટું અંતર છે. વિશ્વસનીય વિકલ્પોની અવેજીમાં તેઓએ ઘણા દાયકા સુધી આ દેશ પર અને એમાંના કેટલાકે કેટલાંક રાજ્યો પર રાજ કર્યું. પ્રજા આગળ તેઓ ઉઘાડા પડી ગયા પણ પ્રજા પાસે તે વખતે કોઇ વિકલ્પ નહોતો. હવે જ્યારે વિકલ્પ મળી ગયો છે ત્યારે એને સાચવવાની આપણી ફરજ છે. કોઇએ વોટ્સએપ પર મોકલ્યું હતું કે દુકાનદાર પણ જો પોતાને સરખો મજૂર મળી જાય તો એને સાચવી લેતો હોય છે. અહીં તો દેશને પ્રધાનસેવક મળ્યો છે જે આ દેશના કોઇપણ નાગરિક કરતાં વધારે કલાકો મજૂરી કરે છે. અને એ પણ પૂરી નિષ્ઠાથી. અને એ પણ પોતાના કે કુટુંબીઓના ગજવાં ભરવા માટે નહીં.
અને આમ છતાં કેટલાક લોકો એ પ્રધાનસેવક માટે એલફેલ બોલતા રહે છે. આવી બીહેવીયર એમની અસલી જાત ભણી નિર્દેશ કરે છે, એમનું લેવલ છતું કરે છે.
ધંધાઓમાં મંદી છે, બજારો ઠપ થઇ ગયાં છે, માલ છે પણ ખરીદનારાઓ ગાયબ છે, કોઇની પાસે કૅશ નથી, ભારતમાં આર્થિક મહામંદી આવી રહી છે- આવું સાંભળ્યું છે તમે? હું તો રોજ સાંભળું છું. વળી, આમાં વિશ્ર્વસનીયતા ઉમેરવાના બહાને તેઓ હવામાં અધ્ધર કોઇ આંકડાઓ કાઢીને ટાંકતા હોય છે. એમની વાત બરાબર છે. જેમના બે નંબરી ધંધા હતા તે સૌ નોટબંધી-જીએસટી પછી મુસીબતમાં ફસાઇ ગયા છે. જેમણે વર્ષો સુધી બે નંબરનાં બિલો ફાડીને સો રૂપિયાની કમાણીની સામે સરકારને માત્ર રૂપિયા દસની જ કમાણી દેખાડીને આખા દેશ સાથે ગદ્દારી કરી છે તેઓ અત્યારે રડીને કહેવાના જ છે કે નોટબંધી ખોટું પગલું હતું, જીએસટી નિષ્ફળ પ્રયોગ છે.
દેશ સુખી છે અને કેટલાક લોકો જે આ દેશમાં દુખી હતા તેઓ ઓછા દુખી છે. તમારે ત્યાં કામ કરનારા નોકર-ચાકરોને પૂછી જોજો. તેઓ ઓછા દુખી છે. એમને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પોતાનું ઘર બનાવવા બે લાખ રૂપિયા મળ્યા છે. મારા ઘરે કામ કરતાં બહેને એ રકમમાં પોતાની ઘરની બચતો તથા બીજી લોનો ઉમેરીને લોનાવલા નજીકના એના વતનના ગામે એક બિલ્ડરે શરૂ કરેલી સ્કીમમાં ઘર નોંધાવી દીધું છે. તમારી કામવાળી કકળાટ કરતી હોય તો એને મદદ કરજો, કાગળિયાં સમજાવવામાં.
દરેક જગ્યાએ ધંધો પૂરજોશમાં ચાલે છે. કોઇ ઘરે નથી બેસી રહ્યું (સિવાય કે રાહુલ ગાંધી). દરેક જણ પોતાના ગજા પ્રમાણે ચિક્કાર કમાણી કરી રહે છે કમાણી કરી રહ્યું છે (સિવાય કે આ લખનાર પોતે). બજારોમાં ભરપૂર માલ છે, ઉત્પાદન પૂરજોશમાં ચાલુ છે કારણ કે એક તો ડિમાન્ડ છે, બીજું લેબર ટ્રબલ ભાગ્યે જ છે અને ત્રીજું ઑકટ્રોય-એક્સાઇઝ-સેલ્સ ટેક્સ જેવી સરકારી મગજમારીઓ બંધ થઇ ગઇ છે. જીએસટીની ટી ધિંગ ટ્રબલ એક વરસ પછી થાળે પડવા આવી છે અને હજુ પણ એનું સરળીકરણ થશે, બહુ ઝડપથી થશે, ‘ઇન્ફોસિસ’ને આ કામ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી સોંપવામાં આવ્યું છે. અને નંદન નિલેકણિએ પર્સનલી આ બાંહેધરી મને આપી છે.
નૉટબંધી પછી જેમને નાઇટમેર્સ આવતાં હતાં તે હવે બંધ થઇ ગયાં છે. વાસ્તવિકતા સ્વીકારીને તેઓ બે નંબરનો પૈસો ભેગો કરીને મનફાવે એમ ખર્ચો કરવાનાં ખ્વાબ જોતાં બંધ થઇ ગયાં છે.
હા, જેમની પાસે નોટબંધી પછી, ૫૦-૬૦-૭૦-૮૦ ટકાએ સેટલમેન્ટ કર્યા પછી જે બે નંબરી રકમ રહી ગઇ છે એમના માટે ‘ભારતમાં આર્થિક મંદી’ ચાલી રહી છે. અગાઉ એમનો દીકરો કે એમની દીકરી પોતાનાં ગર્લફ્રેન્ડ બૉયફ્રેન્ડ સાથે કૉફીશૉપમાં જવા માટે પાંચસોની નોટ માગતાં ત્યારે એ લોકો એના હાથમાં હજારહજારની બે નોટ થમાવીને લાડ કરતા : બેટા, સીસીડીમાં નહીં સ્ટારબક્સમાં લઇ જજે.
અને આજે હવે કોફી પીવાના પૈસા માગે છે ત્યારે આ જ લોકો હાથમાં માત્ર સોની નોટ આપીને કહે છે કે જા, ઉડિપીમાં જઇને ફિલ્ટર કોફી પી આવ અને બાકીના પૈસા મને પાછા આપજે.
અગાઉ એમની પાસે જે હજારહજારની નોટો હતી તે બે નંબરની હતી, એના પર એક પૈસાનો ટેક્સ નહોતો ભર્યો. અર્થાત સરકાર પાસેથી ચોરેલાં નાણાંમાંથી સંતાનોને લાડકોડ કરાવતા હતા જે હવે વ્યાજબી રીતે જ બંધ થઇ ગયા છે. આ લોકોને મોદીકાકો કાળ જેવો લાગવાનો જ છે. એમને ૨૦૧૯માં મોદીનું ભાવિ ધૂંધળું લાગવાનું જ છે.
દર ત્રીજે દિવસે પેટ્રોલના ભાવનો કકળાટ થાય છે. ક્રૂડતેલના ઇન્ટરનેશનલ ભાવોમાં મારી ચાંચ ઝાઝી નથી ડૂબતી. પણ એટલી મને ખબર છે કે ૨૦૦૯-૧૦ના ગાળામાં પેટ્રોલનો ભાવ લીટરદીઠ રૂપિયા પચાસની આસપાસ હતો. મે ૨૦૧૪માં કૉંગ્રેસની સરકાર ઉડી ગઇ ત્યારે કેટલો હતો તે ગૂગલ સર્ચ કરીને જોઇ લો. અત્યારે તમે ભરાવતા હશો તો ખબર જ હશે કે કેટલો વધારો થયો છે. પછી આટલો કકળાટ શું કામ? અને પેટ્રોલની ખરીદ કિંમત સરકારે હવે ઓછી આપવી પડતી હોય તો સરકાર કંઇ એ બચત જેટલી અમિતભાઇનાં ગજવાં ભરવામાં થોડી વાપરે છે? કૉંગ્રેસે કરેલાં દેવાં ભરપાઇ કરવામાં વાપરે છે.
તમારી કામવાળીઓનાં ઘર બનાવવામાં વાપરે છે. વાંધો છે તમને?
દેશમાં શાંતિ છે. કેરળ અને પશ્ર્ચિમ બંગાળ જેવાં રાજ્યો સિવાય હિંસા-ખૂનામરકીના બનાવો ઓછા બને છે. બેકારી વધી નથી પણ જૉબ ઑપોર્ચ્યુનિટીઝ વધી છે. શિક્ષણનું સ્તર અને પ્રમાણ વધી રહ્યું છે. એકનો એક રાગ આલાપતા વિરોધીઓની વાતોમાં નહીં આવતા. એ લોકોની એનજીઓને તો મોદીએ આવ્યાના ચાર-છ મહિનામાં જ તાળાં લગાવી દીધાં હતાં. એ મવાલીઓનું ફોરેન ફંડિંગ બંધ થઇ ગયું.
કૉંગ્રેસે બાંધી આપેલાં સાલિયાણાં બંધ થઇ ગયાં. ખોટા આંકડાઓ આપીને તમારું પર્સેપ્શન ખોરવી નાખવામાં માહિર છે એ પ્રજા.
મોદીએ એક ઝાટકે એ નવરી બજારને કામે લગાડી દીધી. પણ એમની પાસે કોઇ આવડત, ક્વૉલિફિકેશન નથી. ક્યાંથી જૉબ મળે? બેકારી વધી છે આવા લોકોમાં.
માત્ર ચાર જ વર્ષમાં આવડો મોટો દેશ આટલી બધી પ્રગતિ કરી શકે! દુનિયા આશ્ર્ચર્યચકિત બનીને જોઇ રહી છે. થર્ડ વર્લ્ડ ક્ધટ્રી અને ડેવલપિંગ નૅશન ગણાતા ભારતના પ્રાઇમ મિનિસ્ટરો દુનિયાની મહાસત્તાઓ પોતાની હરોળમાં ઊભા રાખીને, એમને પોતાના લીડર તરીકે સ્વીકારીને, લળીલળીને, ઝૂકીઝૂકીને, હસીહસીને સલામ કરે છે અને સૌથી પહેલું પ્રવચન આપશ્રી કરો અને અમે અદબ પલાઠીવાળીને મોઢા પર આંગળી મૂકીને તમને સાંભળીએ છીએ એવી ભાવના વ્યકત કરે છે. હવે આના કોઇ પુરાવા નહીં માગતા આવા કોઇ ફોટા નથી. આ એક અલંકાર છે. સમજ્યા, મોદીદ્વેષીઓ?
હજુ એક આખું વરસ બાકી છે. મોદી પાસે જે બાજી છે એમાં હજુ કેટલાક એક્કાઓ છે. નોટબંધી, જીએસટી પછી તેઓ ક્યું હુકમનું પાનું ઉતરે છે એની આખો દેશ રાહ જોઇ રહ્યો છે અને બેટિંગ લગાવી રહ્યો છે કે ૨૦૧૯માં મોદીને ત્રણ ચતુર્થાંશ બહુમતી કરતાં કેટલી બેઠકો વધુ મળશે? કૉંગ્રેસની ડબલ ડિજિટમાંથી સિંગલ ડિજિટ બેઠકો થઇ જશે? પપ્પુ જે રીતે ગાંડાઘેલાં કાઢી રહ્યો છે તે જોતાં આસાર તો એવા જ લાગે છે.
આખા દેશને હેપી એનિવર્સરીની સાથે મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે.
આજનો વિચાર
કોઇની પાસે રાહુલ ગાંધી ‘ભારત માતા કી જય’ બોલતા હોય કે ‘વંદે માતરમ’ ગાતા હોય એવો વીડિયો હોય તો મોકલી આપો. મારી પાસે નથી.
-વોટ્સએપ પર વાંચેલું.
એક મિનિટ
પત્રકાર : મિસ્ટર પ્રેસિડન્ટ, તમે ઇરાક પર શું કામ હુમલો કર્યો હતો?
અમેરિકન પ્રેસિડન્ટ : ઇરાક પાસે વેપન્સ ઑફ માસ ડિસ્ટ્રકશન્સ હતાં.
પત્રકાર : અને સિરિયા પર શું કામ કર્યો?
અમેરિકન પ્રેસિડન્ટ : એની પાસે પણ વેપન્સ ઑફ માસ ડિસ્ટ્રક્શન્સ હતાં.
પત્રકાર : તો પછી તમે નોર્થ કોરિયા પર કેમ હુમલો નહીં કર્યો?
અમેરિકન પ્રેસિડન્ટ : પાગલ થઇ ગયા છો? એની પાસે ખરેખર વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રકશન્સ છે.
(મુંબઈ સમાચાર: શનિવાર, 26 મે 2018)
Elephant never responds
When dogs barks
PROUD U …Sir ji
અત્યારે ભારત નો ખરેખર સુવર્ણયુગ ચાલી રહ્યો છે, આ ચાર વર્ષ માં દેશના દરેક ગરીબ, મધ્યમ વર્ગના લોકો માટે, અને દેશ ના વિકાસ ને લગતા અનેક ક્ષેત્રો જે આપણી જાણ બહાર હતા, તેવા અનેક ક્ષેત્રોની વિકાસ યોજનાઓ જોવા મળી રહી છે, આગામી એક વર્ષ આપણા સૌ માટે સુવર્ણ યુગ સાબિત થશે, અને ત્યારબાદ પણ આ સિલસિલો અકબંધ ચાલુ જ રહે, તેવી પ્રભુને પ્રાર્થના. દેશનો વધતો જતો વિશ્વાસ, સાફ નિયત, સહી વિકાસ.
very nice efforts
????
My Namaskar to SHREE MODIJI
& I hope our true Bhartiya will support. But bribery in GUJARAT election – threat & murder in Karnataka by other oppo. Has to stop.
Farm workers & labors are Really shorteg in GUJARAT. Particularly so GUJARAT.
There is reality now days those workers are Not working 3-4 hours in a day Because they get MANREGA – NAREGA & no one to super wise them.
ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાહેબ, આપશ્રી ને મળવાનું નવું માધ્યમ જોઈ ખુબ આનંદ થયો, આપની આ સાઈટ સફળતા ના નવા શિખરો સર કરે તેવી પ્રભુને પ્રાર્થના.
ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાહેબ, ‘ન્યુઝપ્રેમી’. આપશ્રી ની નવી વેબસાઈટ જોઇ, વાંચી ને ખૂબ જ આનંદ થયો, આ સાથે આપના ‘ ખબર છે.કોમ’ માં પ્રસિદ્ધ થતી કોલમ ‘ જિંદગી મિલેગી ના દોબારા’ ના પણ લેખો આવરી લેશો તો આનંદ થશે. પ્રભુ ને દિલથી પ્રાર્થના કે આપ ની આ સાઈટ સફળતા ના નવા શિખરો સર કરે.