પેલાએ આમ કરવું જોઈએ અને પેલીએ તેમ કરવું જોઈએ

તડકભડક,

સૌરભ શાહ

કોણે શું કરવું જોઈએ એવી સલાહ આપવામાં આપણે સૌ એક્સપર્ટ છીએ. આપણી પોતાની જવાબદારીઓ નિભાવવાને બદલે બાકીના આખા જગતના કામમાં ચરણવિક્ષેપ કરવા માટે આપણે આતુર હોઈએ છીએ. દુનિયામાં કોણે ક્યાં કામ કેવી રીતે કરવાં જોઈએ એવાં સૂચનોની લાંબી યાદી આપણી પાસે તૈયાર જ છે.

અર્થશાસ્ત્રના વિષયમાં એટીકેટી લેનારાઓ સરકારે એફડીઆઈની બાબતમાં શું નિર્ણય લેવો જોઈએ એ વિશે લંબાણથી અધિકારપૂર્વક તમારી સાથે ચર્ચા કરવા માગતા હોય છે. લખોટી અને ગિલ્લીદંડા સિવાય બીજી કોઈ રમત નહીં રમનારાઓ વિરાટ સકોલહીએ કેપ્ટન તરીકે કઈ સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ એવી એક્સપર્ટ કમેન્ટ્સ આપતા હોય છે. પોતાના ગામની બહાર પણ જેમણે પગ નથી મૂક્યો એવા લોકો ભારતને સિંગાપોર કેવી રીતે બનાવવું એ વિશેનાં ચયનિત્રો ઘસડતા હોય છે.

સલાહો આપવાથી પોતે બુદ્ધિશાળી છે, પોતાનામાં લાંબું જોવાની દ્રષ્ટિ છે અને પોતે બીજાની કેટલી ફિકર ધરાવે છે તે સાબિત થઈ જશે એવું ઘણા લોકો માની બેઠા છે. તેઓ સલાહ આપે છે કે દેશમાં અસ્વચ્છતા ઘટવી જોઈએ. એમને જઈને પૂછવાનું કે તમે આ બાબતમાં શું કર્યું? તેઓ સલાહ આપે છે કે સરકારે એવી શિક્ષણનીતિ બનાવવી જોઈએ જેને લીધે વિદ્યાર્થીઓનું મોરલ ઊંચું આવે. એમનામાં નીતિમત્તાનો વિકાસ થાય, એમનું ચારિત્ર્ય ઘડા. આવું કહેનારાઓને જઈને પૂછવું કે તમે તમારા પોતાનાં સંતાનોના ચારિત્ર્ય ઘડતર માટે શું કર્યું? એમની પાસે ગરીબોના ઉધ્ધાર માટે શું કરવું જોઈએ એ વિશે હજાર સૂચનો હોય છે. એમને જઈને પૂછો કે તમે તમારા ઘરે કામ કરતા નોકર માટે કે તમારા પટાવાળાના કુટુંબ માટે કે તમારી સોસાયટીના વોચમેનના દીકરા માટે શું કર્યું?

તેઓ કહેશે કે મારા એકના કરવાથી દેશ કંઈ થોડો બદલાઈ જવાનો છે? અથવા તો કહેશે કે મારા જેવા સામાન્ય નાગરિક પાસે તો ટાઈમ જ ક્યાંથી હોય, આ બધી જવાબદારી તો સરકારની અને સમાજની કહેવાય. અથવા તો પછી એવું બહાનુ કાઢશે કે અમે તો બહુ પ્રયત્નો કર્યા પણ આ દેશમાં સિસ્ટમ જ એવી છે કે બધું ખાડે જઈ રહ્યું છે, એવામાં કોઈ કેટલું કરે?

કશુંક ન કરવા માટેનાં બહાનાં સૌની પાસે હાથવગાં હોય છે. પોતાની જવાબદારી ખંખેરી નાખવા માટે લોકો બીજાઓને સલાહસૂચન આપતા ફરે છે. રિક્શાવાળાએ રોડ પર કેવી રિક્શા ચલાવવી જોઈએ ત્યાંથી લઈને તંત્રીએ પોતાનું છાપું કેવી રીતે કાઢવું તે સઘળાં ક્ષેત્રોને લગતી સલાહોનો ભંડાર એમની પાસે હોય છે. લગ્નસમારંભમાં જશે તો કેટરરે કઈ વાનગી કેવી રીતે બનાવવી જોઈતી હતી તેની ચર્ચા બીજા આમંત્રિતો સાથે કરશે અને પિક્ચર જોયા પછી ડિરેક્ટરે કયો સીન ટૂંકાવ્યો હોત અને કઈ જગ્યાએ ગીત ઉમેર્યું હોત એ વિશેનાં સૂચનો એમની પાસે હાથવગાં હોય છે.

આપણે આપણી જવાબદારીઓ નિભાવતા નથી, નિભાવવા માગતા નથી, એટલે બીજાઓને સલાહ આપતા ફરીએ છીએ. આપણે આપણી નિષ્ફળતાઓને ઢાંકવા માગતા હોઈએ છીએ એટલે બીજાઓની ખોડખાંપણ તરફ સતત આંગળી ચીંધતા રહીએ છીએ.

જિંદગીમાં જેણે કંઈક કરવું છે, છટકવું નથી એ ક્યારેય નહીં કે તમારે આમ કરવું જોઈએ કે એણે તેમ કરવું જોઈએ. એ કહેશે કે ચાલો, આપણે સાથે મળીને આ કામ કરીએ. મારી પાસે આ કામ કરવા માટેના આટલા રસ્તા છે, તમારી પાસે કોઈ વધારે સૂચનો હોય તો આપણે એ રીતે આગળ વધીએ.

સલાહસૂચનોની ફેંકાફેંક એક જૂનો રોગ છે. નવરી બજારની પ્રજા એ જ કામ કરવાની.

પાન બનાર્સવાલા

ચૂપ રહેવાની સુવર્ણ તક ક્યારેય ગુમાવવી નહીં.

-અજ્ઞાત્

(સંદેશ, સંસ્કાર પૂર્તિ, 20 મે, 2018)

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here