વેદ-ઉપનિષદ અને રામાયણ-મહાભારત-પછી પુરાણો લખાયાં તેમાં ફાયદો થયો કે નુકસાન થયું? : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક: ચૈત્ર વદ એકમ, વિક્રમ સંવત ૨૦૭૭. ૨૮ એપ્રિલ ૨૦૨૧)

સ્વામી સચ્ચિદાનંદ કહે છે: “મહાભારત કોઈ એક સમયખંડમાં નથી રચાયું. આ ગોત્રગ્રંથ છે. ગોત્રગ્રંથ એટલે શું? હું રચું, પછી મારો છોકરો રચે, પછી છોકરાનો છોકરો રચે, પછી એનો છોકરો રચે, એમ પેઢી દર પેઢી એમાં ઉમેરો થયા કરે. કબીરનું પણ એવું છે. કબીરનાં નામે જેટલાં ભજન મળે છે એ બધાં કબીરનાં નથી. કબીરની ગાદીએ બેઠો હોય એય પાછો કબીરના નામે ભજનો રચે.

“મહાભારતની રચના કેવી રીતે થઈ? પહેલાં ‘જય’ નામનો ગ્રંથ રચાયો, પછી એમાં ‘ભારત’ ઉમેરાયું, પછી એમાં બીજા શ્લોકો ઉમેરાયા અને ‘મહાભારત’ બન્યું અને કુલ સવા લાખ શ્લોકો થયા. મહાભારતના મંગલાચરણમાં આ લખ્યું છે: નારાયણમ્ નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમમ્/દેવીં સરસ્વતીં ચૈવ તતો જયમુદીરયેત. મહાભારત ગોત્રગ્રંથ છે. એટલે એની અસર એની ભાષા પર પડે છે. નરસિંહ મહેતાના સમયની ભાષા જુદી હતી. આજની ભાષા જુદી છે. મારા ખ્યાલથી… એ ગ્રંથને પૂરો થતાં એક હજાર વર્ષ લાગ્યાં હશે… પુરાણો એની પછી રચાયાં. પુરાણોનો કાળ બહુ મોડેથી આવે છે. પહેલો કાળ આવે છે વૈદિક કાળ, પછી ઉપનિષદ કાળ, પછી રામાયણ અને મહાભારતનો કાળ, પછી આવે છે શ્રમણ કાળ એટલે કે બુદ્ધ અને મહાવીરનો સમય અને શ્રમણ કાળ પછી પુરાણ કાળ. પુરાણ કાળ પછી સંત કાળ-કબીર, નાનક, તુલસી, મીરા વગેરે. અને પછી આવે છે સુધારા કાળ-રામમોહન રૉય, દયાનંદ સરસ્વતી વગેરે.”

અહીં મને એક પ્રશ્ન થયો, ‘બાપજી, પુરાણો માટે એમ કહેવાય કે વેદ-ઉપનિષદ સમજવામાં બહુ કઠિન હતા એટલે એનો સાર સામાન્ય લોકોને સમજાય એ માટે પુરાણો લખાયાં. શું એ સાચી વાત?

સ્વામી સચ્ચિદાનંદજી કહે, ‘ખરેખર તો પુરાણોમાં વેદ-ઉપનિષદના સાર કરતાં બીજું વધારે છે. વેદ-ઉપનિષદમાં જે છે જ નહીં તે બધું એમાં લાવવામાં આવ્યું છે. અને કેટલીક વાર તો હદ મૂકી દીધી છે. આ તો સારું છે કે ભાગવતકારો લોકોને બધું સંભળાવતા નથી. બધું સંભળાવી જ ના શકાય. એક બહેન આવીને મને કહે કે બાપુ, તમારી પાસે ‘શિવ પુરાણ’ છે? મેં કહ્યું, છે. તો આ શ્રાવણ મહિનો ચાલે છે તો મને આપશો, મારે વાંચવું છે. મેં કહ્યું, લઈ જાઓ. લઈ ગઈ. શ્રાવણ મહિનો પૂરો કરીને આવી. મને કહે: આમાં તો આવું લખ્યું છે! આવું કેમ લખ્યું હશે? મેં કહ્યું, મને ખબર નથી… આ પુરાણોની અંદર બીભત્સતા બહુ આવી. બધાં પુરાણોની અંદર. એકમાં જ નહીં, ભાગવતમાં જ નહીં. શિવ પુરાણમાંય એવું. બીજાં પુરાણોમાંય એવું. અને એ કોઈ ઋષિમુનિઓએ નથી લખ્યાં. લખ્યાં છે વિદ્વાનોએ, એમાં કોઈ ના નહીં, પણ એ વિદ્વાનોએ પોતાની અંદરની વિકૃતિઓ પણ એમાં રાખી છે. એટલે દયાનંદ સરસ્વતીએ પુરાણોનો ઉચ્છેદ કરી નાખ્યો, પુરાણો તો જોઈએ જ નહીં. જો કે, હું એ પક્ષમાં નથી. આપણે એને ચાળણીથી ચાળીને પણ એમાં જે ઉપયોગી હોય તે લેવું જોઈએ. મારી સમજણ પ્રમાણે સૌથી વધારે અનર્થ થયો વલ્લભાચાર્યજી પછી (અર્થાત્ આજથી પ૦૦-૬૦૦ વર્ષ પહેલાં. અર્થાત્ ભાગવત રચાયાના સો-બસો વર્ષ પછી). વલ્લભાચાર્યજીએ પ્રસ્થાનત્રયીની જગ્યાએ પ્રસ્થાન ચતુષ્ટય કર્યું. બીજા બધા આચાર્યોએ ઉપનિષદ, બહ્મસૂત્ર અને ગીતા આ ત્રણેને સ્વીકાર્યાં જેમાં ચોથું ભાગવત ઉમેર્યું વલ્લભાચાર્યે. ભાગવત ઉપર એમણે ટીકા પણ લખી અને એ ટીકા પરથી એમના ઉત્તરાધિકારીઓએ તો દાટ વાળી નાખ્યો. ભાગવતમાં જે દબાવી દેવા જેવું હતું એને જ વધારે ઉપસાવ્યું. ધર્મના નામે ઘણો મોટો અનાચાર થયો. આ તો ભલું થજો પેલા પત્રકાર કરસનદાસ મૂળજીનું જેણે પોતાના સામયિક ‘સત્યપ્રકાશ’ દ્વારા આ બધું બહાર લાવ્યા. કોઈ જગ્યાએ એ મહાન પત્રકારનું સ્ટેચ્યુ મૂકાવું જોઈએ, કોઈ સ્મારક બનાવવું જોઈએ. એણે પોતાના જ સંપ્રદાયમાં ચાલતા આ અનર્થનો વિરોધ કર્યો. કેટલું સહન કર્યું.’

આ તબક્કે મેં કહ્યું, ‘બાપજી, મારી જે અવઢવ હતી તે ખાસ્સી એવી તમે દૂર કરી નાખી. તમને લાગે છે મહાભારતના કૃષ્ણ પછી ભાગવત પુરાણમાં એમના જીવનની કલ્પિત ઘટનાઓનું ચિત્રણ થવાથી ધર્મનું, સમાજનું અહિત થઈ રહ્યું છે? ભાગવતકાળમાં જ નહીં, આજની તારીખેય કેટલાય લેખકો, પ્રવચનકારો, કથાકારો, ચિંતકો, વિચારકો વગેરેઓ કૃષ્ણની શૃંગારમય પ્રેમલીલાઓનાં વર્ણનો કરીને શ્રોતાઓ-વાચકોનાં મન બહેલાવીને હજુય એ અનર્થનો વ્યાપ વધારીને ધર્મનું અહિત કરી રહ્યા હોય એવું લાગે છે તમને?’

સ્વામી સચ્ચિદાનંદજી કહે છે: ‘અહિત થઈ રહ્યું છે એ વાત સાચી… પણ જો વ્યાખ્યા સુધારવામાં આવે તો એ અહિતને અટકાવી શકાય. ‘શ્રીકૃષ્ણલીલા રહસ્ય’ પુસ્તકમાં મેં એ કર્યું છે. બીજો એક નવો મુદ્દો મારે તમને આ સંદર્ભમાં સમજાવવો છે. આ જે શ્રમણ માર્ગ છે તે ત્યાગ માર્ગ છે. શ્રમણોનું કહેવું છે કે આપણો જન્મ પરલોક સુધારવા માટે થયો છે. જૈનો એને મોક્ષ કહે છે અને બૌદ્ધો એને નિર્વાણ કહે છે. આ ત્યાગ માર્ગ નકારાત્મકતાના આધારે ઘડાયો છે. જો તમારે મોક્ષ કે નિર્વાણ જોઈતાં હોય તો તમારે ત્યાગ કરવો જોઈએ. કોનો ત્યાગ કરવાનો? સુખોનો. સુખ ભોગવીને મોક્ષ મળી શકે નહીં, એવું એ લોકો માને. કયાં સુખો? તો એની બે કેટેગરી. સ્ત્રી અને પૈસો. આ બંનેનો ત્યાગ કરવાનો. તીર્થંકરોનું ખાસ નામ છે વિતરાગ. વારંવાર આ શબ્દ આવે છે. વિતરાગ. એમને કોઈના પર રાગ જ ના હોય. રાગ એટલે લાગણી. વિતરાગી એટલે લાગણીહીન માણસ. લાગણીહીન માણસ હોય તે કેવો લાગે? એની સામે આપણે ત્યાં પુરાણોએ લાગણીવાળા માણસો ઊભા કર્યા. કૃષ્ણ લાગણીવાળા માણસ છે. કૃષ્ણને બધાની ઉપર લાગણી છે. રામને બધાની ઉપર લાગણી છે. પછી શ્રમણોનું અનુકરણ આપણે કર્યું એટલે આપણે ત્યાં પણ પરલોક અને સંસાર છોડો અને એવું બધું આવ્યું. મેં બે માર્ગ પાડ્યા છે. ઋષિ માર્ગ અને શ્રમણ માર્ગ. ઋષિ માર્ગમાં સંસાર છોડવાનો નથી. પતિ-પત્ની કાયમ સાથે રહે. અને મોક્ષ મેળવવો હોય તો બેઉએ સાથે જવાનું! કોઈનો ત્યાગ નહીં. આ ઋષિ માર્ગ છે. લગ્ન કરવાં જ જોઈએ. પ્રજાના તાંતણાને તોડીશ નહીં-આ ઋષિનો ઉપદેશ છે. પ્રજાતંતુ મા વ્યવરછેત્સી. તૈત્તિરીય ઉપનિષદમાં આ કહ્યું છે. આ ઋષિ માર્ગ છે. એટલે રામ-કૃષ્ણ આપણા ભગવાનો લાગણીવાળા છે.’

મેં પૂછ્યું, ‘જો ભાગવત પુરાણ ના રચાયું હોત અથવા એમાં જે કંઈ ઈચ્છનીય નથી તે ન લખાયું હોત તો આજે કૃષ્ણની જે ઈમેજને આપણે પૂજતા હોત તેને કારણે ફાયદો થયો હોત સમાજને?’

સ્વામીજી સ્પષ્ટતા કરતાં કહે છે: “ખરી વાત તો એ છે કે ભાગવત પુરાણ લખાયું હોવા છતાં જો વલ્લભાચાર્ય ના થયા હોત તો ભાગવતનો જે આટલો બધો પ્રચાર થયો તે ના થયો હોત. રામાયણના પ્રચારનો વધારે શ્રેય તુલસીદાસને છે અને ભાગવતના પ્રચારનું મોટું શ્રેય વલ્લભાચાર્યજીને છે.

આ સાથે સ્વામીજી સાથેની પ્રથમ સેશન પૂરી થઈ અને ત્યાં જ લંચ ટાઈમની સૂચના આપતો ઘંટનાદ થયો. આશ્રમમાં સવારના ભોજનનો સમય શાર્પ દસ વાગ્યાનો છે. ભોજન પછી વિશ્રામના બહાને હું ઉપર ઉતારાના ખંડમાં ગયો અને બે લેખ લખીને બપોરે ત્રણ વાગ્યે નીચે આવ્યો ત્યારે બાપજી એક લાકડાની પાટ પર ગાદી વિના સૂતા હતા. બે વર્ષ અગાઉ પડી ગયા પછી ચાર મણકાની તકલીફ છે. પણ દરેક શારીરિક તકલીફોને અવગણીને તેઓ હજુ એક સેશન કરવા તૈયાર છે. મેં બપોરની ચા પીને એમની સાથે વાર્તાલાપનો ઉત્તરાર્ધ શરૂ કર્યો. 

આવતી કાલે.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

4 COMMENTS

  1. આભાર આપનો સૌરભજી.
    આપ સ્વામી સચ્ચિદાનંદજીનો કોન્ટેક નંબર અથવા ઈમેલ આઇડી આપશો તો આભારી થઇશ. મારા ઈમેલ પર મોકલાવશો તો પણ ચાલશે. આપના હિસાબે સ્વામીજી ના વાંચવા લાયક પુસ્તકોની યાદી મોકલાવશો તો મને ખુશી થાશે. આભાર…

  2. સૌરભજી, આ લેખમાં જણાવ્યુ છે કે પ્રથમ વૈદિક કાળ, ઉપનિષદ કાળ, રામાયણ કાળ…. વગેરે અને પુરાણો ખુબજ મોડા આવ્યા જેમાં શિવ પુરાણ પણ છે.મારો સવાલ એ છે કે તો શું શિવજી ( શંકર ભગવાન) પુરાણકારો દ્વારા જ કાલ્પનિક રીતે ઉત્પન કરવામાં આવેલ છે ? શું શિવજી આદિકાળથી નથી ? આપ વૈષ્નવ છો એટલે કદાચ આ બાબત નો વધુ અભ્યાસ નહિ કર્યો હોય તો ક્રુપા કરીને સ્વામી સચ્ચિદાનંદજી દ્વારા મારા આ પ્રશ્ન નો જવાબ આપશો. હું આપ બંને નો ચાહક છું.

    • મહાદેવ ખરા અર્થમાં મહા દેવ છે. આદિકાળથી શિવજીનું અસ્તિત્વ છે. પણ શિવપુરાણ હજાર બે હજાર વર્ષ પહેલાં જ લખાયું. જેમ ભાગવત લખાયું એના હજારો વર્ષ પહેલાં શ્રીકૃષ્ણ થઈ ગયા એવું જ શંકર ભગવાનું. આપણે મૂળ સ્વરૂપોમાં આસ્થા રાખવાની, એ જ આપણા આરાધ્ય દેવ. પુરાણોમાં જે સારી ભાવનાથી કહેવાયેલી વાતો છે એનો આદર કરીને કથા તરીકે માણવાની પણ જે વાતોથી મન ભટકતું થઈ જાય કે અસમંજસમાં મૂકાઈ જાય એનાથી આપણે પોતે દૂર રહેવું, બીજાઓને જે ઠીક લાગે તે તેઓ કરે, આપણે શું?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here