(ગુડ મૉર્નિંગ ક્લાસિક: ચૈત્રી પૂનમ, હનુમાન જયંતિ, વિક્રમ સંવત ૨૦૭૭. મંગળવાર, ૨૭ એપ્રિલ ૨૦૨૧)
‘હવે મહાભારતના જે કૃષ્ણ છે એમાં વ્યવહારિકતા છે,’ પેટલાદ નજીકના દંતાલીના આશ્રમમાં સ્વામી સચ્ચિદાનંદ મારા કુતૂહલભર્યા પ્રશ્નોનો જવાબ આપીને મારું અજ્ઞાન દૂર કરી રહ્યા છે. આ સળંગ વક્તવ્ય છેક સુધી એમના શબ્દોમાં:
“અને આવ્યવહારિકતા એટલી હદે છે કે જેને વ્યવહાર શીખવો હોય એણે મહાભારત વાંચવું જોઈએ. અને વ્યવહારનો અર્થ થાય છે: સત્યાનૃતે ચ મિથુનીકૃત્ય ભવતિ લોક વ્યવહાર: શંકરાચાર્યે ‘ઉત્થાનિકા’માં આ લખ્યું છે. કદી પણ પૂરેપૂરા સત્યથી લોકવ્યવહાર ના થાય. કદી પણ પૂરેપૂરા અસત્યથીય લોકવ્યવહાર ના થાય. તમે સતત જુઠ્ઠું બોલીને લોકવ્યવહાર ના કરી શકો. ચોર લોકો પણ અંદર અંદર સાચું બોલે છે. સૌથી વધારે સાચું કોણ બોલે છે ખબર છે? આ બેનામી ધંધા કરનારા. એકલું સત્ય બોલીને વ્યવહાર ના થાય. એકલું અસત્ય બોલીને પણ વ્યવહાર ના થાય. સત્યાનૃતે ચ મિથુનીકૃત્ય ભવતિ લોક વ્યવહાર: એમાં બેઉનું મિશ્રણ હોય છે. પણ અસત્યનું પ્રમાણ કેટલું છે અને સત્યનું પ્રમાણ કેટલું છે એ જોવાનું હોય. જેમાં સત્યનું પ્રમાણ વધુ હોય ત્યારે આપણે કહીએ કે આ સાચું બોલે છે.
“ધર્મરાજ યુધિષ્ઠિરે સત્ય બોલવાની પ્રતિજ્ઞા કરીને સૌને મુશ્કેલીમાં મૂકી દીધા. નરો વા કુંજરો વા – આ એક પ્રકારનું અસત્ય જ છે, અડધું અસત્ય તો છે જ. એમ કહેવાય છે કે ગાંધીજીએ આખી જિંદગી સત્ય અને અહિંસાના પ્રયોગો કર્યા પણ હું એમાં સંમત નથી. ગાંધીજીએ ઘણી વાર સત્યની ઉપરવટ જઈને વ્યવહાર કર્યો છે. પહેલો વ્યવહાર તો જ્યારે વલ્લભભાઈને પંદરમાંથી બાર કમિટીઓનું સમર્થન મળ્યું અને નેહરુને એકેનું નહોતું મળ્યું, છતાંય નેહરુને પ્રધાનમંત્રી બનાવ્યા – આ અસત્ય વ્યવહાર હતો. આને સત્ય વ્યવહાર કહેવાય? જો એ સત્યના આગ્રહી હોય તો એમણે વલ્લભભાઈનો પક્ષ લેવો જોઈતો હતો. આ તો હડહડતું જુઠ્ઠાણું હતું જેનું પરિણામ દેશ ભોગવે છે. આ એક વાત. બીજી વાત. અંગ્રેજોએ ભારત છોડતી વખતે ત્રણ શરતો કહી હતી: જે રજવાડાને ભારતમાં ભળવું હોય એ ભારતમાં ભળી શકે છે, જે રજવાડાને પાકિસ્તાનમાં ભળવું હોય તે પાકિસ્તાનમાં ભળી શકે છે અને આ સત્તા રાજ્યની પ્રજાને નહીં, રાજાને છે અને ત્રીજી વાત – બેમાંથી એકેયમાં ના ભળવું હોય તો એ સ્વતંત્ર રહી શકે છે. આ શરતે આપણે આઝાદી લીધી હતી. જૂનાગઢના નવાબને પાકિસ્તાનમાં ભળવું હતું અને પાકિસ્તાનમાં ભળવાના દસ્તાવેજો પર સહીસિક્કા પણ થઈ ગયા હતા. જે શરતોએ આપણે આઝાદી લીધી તે શરતો પ્રમાણે ગાંધીજીએ તો પાકિસ્તાનનું સમર્થન કરવાનું હોય. રાજાને/નવાબને અધિકાર હતો પાકિસ્તાનમાં ભળવાનો. ગાંધીજીએ કહ્યું કે જૂનાગઢમાંથી નવાબની સત્તા જવી જોઈએ એટલે શામળદાસને તૈયાર કરી આખું આંદોલન ઊભું કર્યું અને જૂનાગઢને પાકિસ્તાનમાં જતું બચાવી લીધું.
“ગાંધીજીએ જે કર્યું તે સારું જ કર્યું એમાં કોઈ શંકા નથી, પણ જો તમે માત્ર સત્યનો દાવો કરતા હો તો અહીં તમારા સત્યનું વિલોપન થયું છે. સત્ય જૂનાગઢના નવાબના પક્ષમાં છે. રાજકારણમાં તમે સત્યવાદી ના થઈ શકો. એટલે કૃષ્ણે યુદ્ધમાં યુધિષ્ઠિરને રાજનેતા નહોતા બનાવ્યા, આવી પ્રતિજ્ઞાવાળો માણસ ના ચાલી શકે, દાટ વાળશે. અર્જુનને બનાવ્યા. એટલે સત્યાનૃતે ચ મિથુનીકૃત્ય ભવતિ લોક વ્યવહાર: લોકવ્યવહારમાં બંને હોય – સત્ય અને અસત્ય બંને. અને ચાણક્યની રાજનીતિ અલગ જ વસ્તુ છે. ધર્મનીતિ અલગ છે, રાજનીતિ અલગ છે
‘હવે માનો કે ભારતના હવાઈ દળના પાઈલટને પાકિસ્તાને પકડી લીધો અને પૂછે છે કે તમારા કયા કયા ઍરપોર્ટ ઉપર કયાં કયાં વિમાનો છે? ત્યારે શું એણે સાચું બોલી જવાનું? અને સાચું બોલી જાય તો એ દેશદ્રોહી ના થાય? એ વખતે એનો ધર્મ જુઠ્ઠું બોલવાનો છે. અને એ વખતે પણ જો એ દુરાગ્રહ રાખે કે ના, ના, હું તો સાચું જ બોલીશ તો તો એ ગદ્દાર કહેવાય. એવી જ રીતે માનો કે કોઈની દીકરી છે અને જુવાનીમાં એનાથી કોઈ નાનીમોટી ભૂલ થઈ ગઈ પણ ભૂલ ઢાંકી દીધી. હવે એના લગ્નપ્રસંગે એની જે ભૂલ છે એને ભારતીય સમાજના વાતાવરણમાં બીજાઓને ના કહેવાય. આખું જીવન બરબાદ થઈ જાય. સત્યં ન સત્યં ખલુ યત્ર હિંસા. જેનાથી લોકનો નાશ થતો હોય એને સત્ય ના કહેવાય. દયાન્વિતં ચાનૃતમેવ સત્યમ્. પણ જેમાં દયા હોય અને લોકોનું ભલું થતું હોય એ જ સત્ય. આ અપવાદ છે. પછી આને પકડીને લોકો બધું જ ખોટું કહે એ બરાબર નહીં. પણ આવા અપવાદો હોય.
“તો કૃષ્ણનું ચરિત્ર જે મહાભારતમાં છે તેમાં એમનાં બે રૂપ છે. એક યુદ્ધનેતા અને બીજા વ્યવહારનેતા. વ્યવહારનેતા આદર્શ છે. સુદામાના તાંદુળ ખાતા હોય, વિદુરની ભાજી ખાતા હોય – એ બધા આદર્શો છે. પણ જ્યારે યુદ્ધ થતું હોય ત્યારે બીજા કૃષ્ણ છે. યુદ્ધમાં કૃષ્ણ પોતાનો પક્ષ લે એ માટે આમંત્રણ આપવા પહેલો દુર્યોધન કૃષ્ણ પાસે આવ્યો. કૃષ્ણ સૂતા છે. દુર્યોધન એમના માથા આગળ બેઠો. પછી અર્જુન આવ્યો. એમના પગ આગળ બેઠો. કૃષ્ણ જાગ્યા. એમણે બંનેને આવવાનું કારણ પૂછયું. તો કહે, યુદ્ધમાં અમારા પક્ષે લડાઈ કરવા આમંત્રણ આપવા આવ્યા છીએ. દુર્યોધન કહે કે પહેલો હું આવ્યો છું. કૃષ્ણને અસમંજસ થયું. એમણે કહ્યું તમે પહેલા આવ્યા છો અને આ તમારા પછી આવ્યો છે. હવે હું તમારા બંને વચ્ચે વિકલ્પ મૂકું છું. એક તરફ શસ્ત્ર વિનાનો હું એકલો રહીશ અને બીજી તરફ મારી સમગ્ર યાદવીસેના તમામ શસ્ત્ર-સરંજામ સાથે રહેશે. બોલો, કોને શું જોઈએ છે? દુર્યોધન કહે, પહેલાં મને માગવા દો. કૃષ્ણ કહે, ભલે તમે પહેલાં માગો. દુર્યોધન કહે મને તમારી યાદવીસેના જોઈએ છે. ભગવાને અર્જુનને પૂછયું, તને વાંધો છે? અર્જુને કહ્યું, ના, કોઈ વાંધો નથી. મારા માટે તમે એકલા બહુ થઈ ગયા. મારો રથ સંભાળજો એટલે બહુ થયું.
“તો આવું તમને કયાં જોવા મળશે? આ બાજુ આખી યાદવીસેના લડે. આ તરફ કૃષ્ણ એકલા – નિ:શસ્ત્ર. કૃષ્ણે યુદ્ધના મેદાનમાં કેટલાંય સ્ખલનો કર્યાં છે, જેને ખરેખર સ્ખલનો ના કહેવાય. પણ માત્ર જાણવા માટે. પહેલું સ્ખલન ભીષ્મ સાથે કર્યું. શીખંડીને આગળ ઊભો કરી દીધો. ભીષ્મે હથિયાર મૂકી દીધાં: હું હથિયાર નહીં ચલાવું. કૃષ્ણે અર્જુનને કહ્યું: તું બાણ ચલાવ. અર્જુને કહ્યું: પણ એમણે હથિયાર છોડી દીધાં છે. કૃષ્ણ કહે: એમાં આપણે શું કરીએ? આપણે થોડા કહેવા ગયા છીએ? અજાણતાં હાથમાંથી શસ્ત્રો પડી ગયાં હોય અને શત્રુ શસ્ત્ર વિનાનો હોય તો એને શસ્ત્ર લેવાની તક આપવી જોઈએ ધર્મયુદ્ધમાં. પણ આ તો જાણી કરીને છોડી દીધાં છે. હવે એમણે પ્રતિજ્ઞા કરી હોય કે હું સ્ત્રી સામે ધનુષ્ય નહીં ચડાવું તો તમારી પ્રતિજ્ઞા તમે જાણો એમાં અમારે શું લેવાદેવા? તું તારે બાણ ચલાવ. અને અર્જુને કૃષ્ણનું કહ્યું માન્યું.
“એવું જ દ્રોણાચાર્ય વખતે થયું. અશ્વત્થામાવાળી જુઠ્ઠી વાત યુદ્ધના મેદાનમાં ફેલાવી. એ વખતે પણ આજના જેવું મીડિયા હોવું જોઈએ! દ્રોણે કહ્યું કે મારો પુત્ર અશ્વત્થામા હણાયો એ હું માનવા તૈયાર નથી, પણ જો ધર્મરાજ કહે તો હું માનું. એ વખતે ધર્મરાજ કહે કે હું ખોટું ના બોલું. ત્યારે એમને કહેવામાં આવ્યું કે અશ્વત્થામા નામનો હાથી (કુંજર) હણાયો છે તો નરો વા કુંજરો વા – એટલું તો બોલશોને? ધર્મરાજ કહે કે હા, એમ બોલીશ. અને યુધિષ્ઠિર જ્યારે આખું વાક્ય પૂરું કરી રહ્યા છે અને ‘કુંજરો વા’ બોલે છે ત્યારે એવા ઢોલ વગાડ્યા કે એ શબ્દો સંભળાય જ નહીં. આ રાજનીતિ કહેવાય, આ યુદ્ધનીતિ કહેવાય. અને એ રીતે દ્રોણાચાર્યનો વધ થયો. એ જ રીતે કર્ણનો, શલ્યનો, દુર્યોધનનો – બધાનો વધ કૃષ્ણની ચાલાકીથી થયો છે. એક યુદ્ધનેતા કૃષ્ણ છે, બીજા વ્યવહારનેતા કૃષ્ણ છે અને ભાગવતમાં રૂપકો છે. એ આખી વાત જ જુદી છે.”
વધુ આવતી કાલે.
• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.
•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
યોગેશ્વર શ્રીકૃષ્ણ સિવાય ના જે શ્રીકૃષ્ણ જેમાં છે એ પુરાણો, વાર્તાઓ કે કાવ્યો માં કોઈ પ્રતીક શોધવા ના જોઈએ. એ નર્યો વાણીવિલાસ જ છે.
રામાનંદ સાગર અને ચોપરા જેવાએ એને માટે કચકડા અને કેમેરા નો ઉપયોગ કર્યો જ્યારે એ વખતે ભોજપત્ર અને કલમ નો ઉપયોગ થયો. બસ એટલો જ ફરક.જોકે થોડી ફોલોસોફી અને સમાજદર્શન પણ છે એમાં.