સુથારનું મન બાવળિયે, લેખકનું મન કાગળિયે : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : આસો સુદ દસમ, દશેરા, વિક્રમ સંવત ૨૦૭૭. શુક્રવાર, ૧૫ ૨૦૨૧)

જે લખે તે લેખક એવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. હકીકત એ છે કે જેનું લખાણ લોકો વાંચતા હોય તેને જ લેખક કહેવાય. જે અભિનય કરે તે અભિનેતા— એવું ન હોય. અરીસા સામે ઊભો રહીને હું બચ્ચનજીની અદામાં એમના ફેમસ ડાયલોગ બોલતો હોઉં (ઐંય…) તો મને કોઈ અભિનેતા કહેવાનું નથી. ફિલ્મના પડદા પર કે તખ્તા પર તમારો અભિનય જોવા માટે લોકો પૈસા ખર્ચીને આવતા થાય ત્યારે તમે અભિનેતા કહેવાઓ.

લખે તે લેખકવાળી ભ્રમણાઓ બહુ ફેલાવવામાં આવી. આને લીધે અનેક લોકો પોતાને લેખક માનતા થઈ ગયા. એ લોકોને એમના ભ્રમમાં જીવવા દઈએ.

આજીવિકા રળી આપનારા દરેક પ્રામાણિક કામ જેટલું જ અઘરું કામ લખવાનું પણ છે. જબરજસ્ત મહેનત અને પરસેવો —લખવા માટે જે મૂળભૂત બાબતો તમારામાં હોય એ પછી પણ આ તો જોઈએ જ.

ઑપરેશન થિયેટરમાં ડૉક્ટર કામ કરતા હોય ત્યારે એમને ડિસ્ટર્બ ન કરાય એવી કૉમન સેન્સ અભણ લોકોમાં પણ હોવાની. પણ ભલભલા ભણેલા માણસો ધડ દઈને કોઈ ક્ષુલ્લક કારણોસર લેખકને ફોન કરતાં અચકાતા નથી. તદ્દન અજાણ્યા હોય એવા કે પછી ઈવન પરિચિત હોય એવા લોકો લેખક જાણે ચોવીસે કલાક નવરો બેસીને તમારા ફોનની રાહ જોતો હશે એવી લાગણીથી બિનધાસ્ત એના મોબાઈલ પર ફોન કરશે અને પોતાનું નામ પણ અનાઉન્સ કર્યા વિના ચાલુ થઈ જશે: કંઈ ખાસ કામ નહોતું પણ થયું કે પાંચ-દસ મિનિટ તમારી સાથે વાત કરીએ!

વિચારોનું વિશ્વ જ્યારે રચાતું હોય અને તર્કની એકએક કડી એકબીજા સાથે જોડાતી હોય એવા સમયે આવા ફોન આવે ત્યારે તમને તમારા ફોનને પવઈના તળાવમાં પધરાવી દેવાનું મન થાય.

લખતી વખતે ક્યારેય થાક નથી લાગતો હોતો. લખતાં લખતાં થાકી જાય એને લેખક નહીં લહિયો કહેવાય. બીજાનું એઠુંજૂઠું લઈને લખનારાઓ માટે લખવું માત્ર ફિઝિકલ પ્રોસેસ છે. જ્યારે પોતાના મૌલિક વિચારો કાગળ પર ઉતારનારા લેખકો માટે આ માત્ર શારીરિક નહીં, માનસિક પ્રક્રિયા પણ છે. અને આ નવા નવા વિચારો પ્રગટાવીને તમે કાગળ પર ઉતારતા જાઓ છો ત્યારે તમે જેટલું વધારે આવું કામ કરો છો એટલા વધારે તરોતાઝા થતા જાઓ છો. પછી તમારે બેટરી ચાર્જ કરવા તમારા સ્ટડી રૂમની બહારના કોઈ પણ સ્થળે જવાની જરૂર નથી રહેતી. તમારું સ્ટડી ટેબલ જ તમારો સનસેટ પોઈન્ટ, તમારાં પુસ્તકોનો સંગ્રહ જ તમારું સ્વિત્ઝરલૅન્ડ અને તમારા કાગળ પર દોડતી તમારી પેન-પેન્સિલ એટલે તમારી ખંડાલા સુધીની લૉન્ગ ડ્રાઈવ.

લેખક જ્યારે લખે છે ત્યારે તો લેખક હોય છે જ અર્થાત્ જે ક્ષણોમાં એ હાથમાં પેન-પેન્સિલ પકડીને કાગળ પર અક્ષરો પાડતો હોય છે ત્યારે તો ખરો જ, ઉપરાંત જે કલાકોમાં આ ફિઝિકલ પ્રોસેસ નથી ચાલતી હોતી ત્યારે પણ એ લેખક જ હોય છે. તે વખતે એના દિમાગમાં કોઈ અદૃશ્ય પેન કોઈ અદૃશ્ય કાગળ પર અક્ષરો પાડતી રહે છે. ક્યારેક તો લેખકને પોતાને પણ ખબર ન હોય એવી રીતે આ પ્રક્રિયા ચાલતી રહે છે.

સુથારનું મન બાવળિયે હોય એમ સાચા લેખકનું મન પણ હંમેશાં કાગળિયે જ હોવાનું. આસપાસના વાતાવરણમાંથી કઈ કઈ વસ્તુની છાપ એના મનમાં સંઘરાઈને ક્યારે એના લખાણોમાં પ્રગટશે એની ખુદ લેખકને પણ ખબર નથી હોતી.

લેખક તરીકે લોકો તમને ઓળખતા થયા હોય તો તમારી ફરજ બને છે કે તમારે તમારી એ ઓળખાણનો, એ પહેચાનનો મલાજો જાળવવો જોઈએ અને લખવું જોઈએ, રોજ લખવું જોઈએ, ખૂબ લખવું જોઈએ. લેખક તરીકે તમારી પ્રતિષ્ઠા બન્યા પછી તમે ઓછું લખવા માંડો કે ઓછું સારું લખવા માંડો અને બાકીનો બધો સમય ઈતર પ્રવૃત્તિઓમાં વીતાવતા થઈ જાઓ તો મા સરસ્વતીએ આપેલા આશીર્વાદનો દ્રોહ થયેલો ગણાય.

લેખકે ખૂબ લખવું જોઈએ. સતત લખવું જોઈએ. ચિક્કાર લખવાની વાતને લખાણોની ગુણવત્તા સાથે કોઈ સંબંધ નથી હોતો. ઓછું લખનારો સર્જક જેમ નબળું પણ લખી શકે તેમ વધુ લખનારો સર્જક સારું પણ લખી શકે. લતા મંગેશકરે જેટલાં ગીતો ગાયાં છે એટલાં ગીતો બીજા કોઈ ગાયકે નથી ગાયાં. અને આને લીધે લતાજીની ગુણવત્તામાં ક્યારેય ઘટાડો નથી થયો.

જ્યોર્જ સિમેનોન સુરેશ જોષીના પ્રિય થ્રિલર રાઈટર હતા. સિમેનોને અઢીસોથી વધુ મૌલિક સસ્પેન્સ નવલકથાઓ લખી હતી. પચાસ-સાઠ વર્ષની લેખન કારકિર્દીના શરૂના ગાળામાં સિમેનોન દર વર્ષે આઠથી દસ નવલકથાઓ લખતા. ત્યાર બાદ લખવાનું સહેજ ઓછું કરી નાખ્યું. ઓછું એટલે? વરસની ત્રણ-ચાર નવલકથાઓ!

અર્નેસ્ટ હેમિંગ્વે રોજના છ કલાક લખવામાં ગાળતા. સમરસેટ મૉમ ચાર કલાક, બાલ્ઝાક છથી બાર કલાક અને આલ્ડસ હકસલે પાંચ કલાક લખતા. લેખક ન લખે તો એની પેનની નિબ કટાઈ જાય. લેખક જો પ્રોલિફિક લખવાને બદલે વરસને વચલે દહાડે લખતો થઈ જાય તો પેનની નિબ ઉપરાંત એનું દિમાગ પણ કટાઈ જાય. પછી એ લેખક, લેખક ન રહે. અને એટલે જ એવા લોકોએ પ્રચાર કરીને ભ્રમણા ફેલાવવી પડે કે જે લખે તે લેખક. કારણ કે બાય ધૅટ ટાઈમ એ વંચાતો બંધ થઈ ગયો હોય!

આજનો વિચાર

નવલકથાકારનુું કલ્પનાજગત વાસ્તવિકતામાંથી ભાગી છૂટવા માટે નથી સર્જાતું, વાસ્તવિકતાને વધુ સારી રીતે સમજવા માટે સર્જાય છે.

— અજ્ઞાત

એક મિનિટ!

ડૉક્ટર: નાનો એવો જખ્મ છે. ચિંતા કરવાનું કોઈ કારણ નથી.

(એટલામાં એમની નજર પેશન્ટના આઈફોન-13 પર પડી)

ડૉક્ટર: તો પણ ટુ બી ઓન સેફર સાઈડ તમે એમઆરઆઈ કરાવી લો.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here