‘સાક્ષીભાવ’—નરેન્દ્ર મોદીની કવિથી વડાપ્રધાનપદ સુધીની યાત્રા : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : સોમવાર, 8 જૂન 2020)

“એક વ્યક્તિ તરીકેની, એક સર્જક તરીકેની એમની મૂંઝવણ અંદરને અંદર ઘૂંટાયા કરે છે. મનુષ્યના મનને પામવાની ઝંખના છે, પણ માણસ પોતે શું શોધી રહ્યો છે એ મુખ્ય વાત પકડી પકડાતી નથી. કદાચ સ્વમાં રસ છે એટલો સર્વમાં નથી. બે માણસ મળે છે એમાં યોગ કરતાં ઉપયોગ વધારે છે. કોઈપણ સંબંધો છેવટે સાંકળ જ છે, જંજીર છે, બેડી છે. અપેક્ષાઓનો ભારો છે. કહે છેઃ માનવી માનવીને નીચોવી રહ્યો છે. એલિયેટની પંક્તિ યાદ આવે છે. વી મીટ ઇચ અધર, ટુ એક્સ્પ્લોઇટ ઇચ-અધર…”

‘સાક્ષીભાવ’ કાવ્યસંગ્રહની પ્રસ્તાવનામાં સુરેશ દલાલે આ વાત લખી છે. નરેન્દ્ર મોદીનો આ બીજો કાવ્યસંગ્રહ છે. અહીં નરેન્દ્ર મોદી ન તો એક મુખ્ય પ્રધાન છે, ન વડાપ્રધાન. 1986ના ગાળામાં લખાયેલાં આ કાવ્યો છે, જે 2014ના માર્ચમાં એટલે કે બે મહિના પહેલાં સંગ્રહરૂપે પ્રગટ થયાં છે. આ કાવ્યો લખાયાં તે વખતે કવિ આર.એસ.એસ.ના પ્રચારક હતા.

મનમાં ઊમટતી લાગણીઓને કાવ્યનો આકાર આપીને કાગળ પર ઉતારતા અને બે-ચાર મહિને અનાસક્ત બનીને એ પાનાંઓને તાપણામાં બાળી નાખતા નરેન્દ્ર મોદીએ આ કાવ્યસંગ્રહના આરંભમાં નોંધ્યું છેઃ

“એક વેળાએ આ બધું નષ્ટ કરતો હતો ત્યારે મારા એક અંગત વડીલ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક આદરણીય નરેન્દ્રભાઈ પંચાસરાની બારીક નજર આ કાગળો પર પડી… જે થોડાઘણા બચી ગયા હતા તેને સાચવવા તેઓએ આગ્રહ કર્યો… (એમનો) પ્રેમપૂર્વકનો આગ્રહ ન હોત તો આટલાં પાનાંઓ પણ ન સચવાયાં હોત.”

આ કાવ્યસંગ્રહ કવિએ નરેન્દ્રભાઈ પંચાસરાને અર્પણ કર્યો છે.

સુરેશ દલાલની પ્રસ્તાવનામાંથી જે વાત અહીં ક્વોટ કરી છે તે કાવ્યસંગ્રહના અંતિમ કાવ્યના સંદર્ભમાં થઈ છે. એ કાવ્યમાં કવિ નરેન્દ્ર મોદી કહે છેઃ

ભલે આજે માનવી સ્વાર્થી બન્યો હોય,
સઘળું પોતાના સુખની આસપાસ જ ગોઠવતો હોય,
‘સ્વ’ના સુખ માટે રચેલી દુનિયાને
બીજાની લાગણી સમજવી બહુ જ કઠિન હોય છે.
તેમની સુખવૃત્તિને સંતોષ પણ ક્યાં હોય છે?
તેમને તો પ્રતિપળ વધુ અને વધુ અપેક્ષા હોય છે.
કંઇક ને કંઇક નવું, નવી રીતે,
અવનવું પામવું વૃત્તિ અવિરત વૃદ્ધિગત થતી જ રહે છે.

અને કાવ્યને અંતે તેઓ એક મહાન વાક્ય ટાંકે છે. (વિશ્વમાં ખૂબ પ્રસિદ્ધિ પામેલી આ વાત જાણીતા સાયકોથેરપિસ્ટ ક્રિટ્ઝ પેરિઝની ઇન્ટરપર્સનલ રિલેશનશિપને લગતી ગેસ્ટાલ્ડ થિયરીનો નિચોડ છે. કેટલાકે એને ગેસ્ટાલ્ટ પ્રેયર તરીકેનો દરજ્જો પણ આપ્યો છે.

આઇ ડુ માય થિંગ
એન્ડ યૂ ડુ, યોર થિંગ.
આયમ નોટ ઇન ધિસ વર્લ્ડ
ટુ લિવ અપ ટુ યો એક્સપેક્ટેશન
એન્ડ યુ આર નોટ ઇન ધિસ વર્લ્ડ
આયમ નોટ ઇન ધિસ વર્લ્ડ
ટુ લિવ અપ ટુ યોર એક્સપેક્ટેશન
એન્ડ યુ આર નોટ ઇન ધિસ વર્લ્ડ
ટુ લિવ અપ ટુ માઇન.
યુ આર યુ એન્ડ આયમ આય.
એન્ડ ઇફ બાય ચાન્સ
વી ફાઇન્ડ ઇચ-અધર
ઇટ ઇઝ
બ્યૂટિફુલ.

છેલ્લા કાવ્યના આરંભમાં એક તબક્કે કવિ મોદી કહે છેઃ

માનવને અપેક્ષા ન હોય તે
સ્થિતિ તો આવકારદાયક છે.
પરંતુ ‘મારી અપેક્ષા નથી’ના અંચળા નીચે
સ્વનો જ વિકાસ કરવાની મથામણને શું કહેવું?
જ્યાં અંશમાત્ર સમર્પણ જ ન હોય તેવા જીવનને કેવી રીતે કલ્પવું?
આપણે ત્યાં કહેવત છે-
‘મારું મારા બાપનુ. તારામાં મારો ભાગ’
-આ વૃત્તિ શું બતાવે છે?

આવી વૃત્તિમાંથી નિવૃત્તિ મેળવવાની ઝંખનાનો ઉત્તર તમને ‘સાક્ષીભાવ’માંથી મળે છે.

એક કાવ્યમાં નરેન્દ્ર મોદી લખે છે (યાદ રાખો આ કાવ્યો 1986ના ડિસેમ્બરમાં લખાયેલાં છે)

સ્વસ્થ રહેવાની કામના સ્વપ્ન જ છે.
આમેય આપણે ત્યાં કહે છેઃ
દુઃખનું ઓસડ દહાડા…
કદાચ સમય વીતતાં,
કાર્યની વ્યસ્તતાને કારણે
બાહ્ય જશે સ્થિતિમાં પરિવર્તન આવતું,
પણ કેમ અંદરનો કોલાહલ શમશે કે
એ કહેવું કઠિન છે.
મા, હું તો એ દિશામાં પ્રયત્ન
કરવાની બાબતે પણ
પામરતા અનુભવું છું.

અંદરના કોલાહલનો અવાજ કવિને સંભળાય છે ખરો, પણ એને દૂર કરવાના પ્રયત્નને પણ એ કુદરતની સામે પડવા બરાબર ગણે છે. છેવટે સ્વીકારી લે છે. એ કોલાહલ છે તો છે. ભલે રહ્યો. મન સ્વસ્થ બને એવી કામના સ્વપ્નવત્ રહેતી હોય તો ભલે. આનું જ નામ ‘સાક્ષીભાવ’.

દેખીતી રીતે ભગવાન સામે, કુદરત સામે કઈ ફરિયાદ નથી, કારણ કે કવિ આ કહી ચૂક્યા છેઃ

એક પ્રાર્થના કરું?
જે કંઈ બનવાનું હોય તે બને…
છતાં રહી રહીને મન પાછું પડે છે અને કહે છેઃ
હા… એક વાત રહી ગઈ.
મા… તારી સામે એક ફરિયાદ તો છે જઃ
સતત ચાલતા અંતરમનના કોલાહલને
તું શા માટે અસ્પષ્ટ રાખે છે?
મા… તને એમ લાગે છે કે
તેની સુસ્પષ્ટતા મને ભરખી જશે?
શું તું એમ માને છે કે એ કોઇકને રોળી નાખશે?
મા… શું તું તારાને જ નથી ઓળખતી?
તેં જ તો મને સ્વસ્થતા અર્પી છે,
તેં જ તો મને દ્રષ્ટિ અર્પી છે.
તો પછી આજે આવી સ્થિતિના નિર્માણનું કારણ શું?…
કે પછી મારે મારા સ સાથે
આમ જ જીવી લેવાનું છે?…
કે પછી આ પણ તારી કસોટીનો જ ભાગ છે?

નિરાશા અને હતાશા વખતે ચાલતા મંથનનો કોલાહલ જ માણસને નવી દિશાઓ તરફ લઈ જાય છે. મનોમંથનભરી પરિસ્થિતિને કારણે બેબાકળા થઈ જતા મનને જેઓ સમજી શકે છે તેઓ જ આગળ વધી શકે છે અને આગળ તેઓ જ વધી શકે છે, જેમની પાસે શ્રદ્ધા છે.

‘સાક્ષીભાવ’માં એક સામાન્ય માનવીમાંથી સ્વસ્થ માનવ તરીકેની યાત્રાનો નક્શો તમે જોઈ શકશો અને તમારી દ્રષ્ટિ જો વધારે કેળવાયેલી હશે તો તમે એમાં એક કવિની વડાપ્રધાન બનવાની મહાયાત્રાના પડાવોને પણ નિહાળી શકશો. ફોટોગ્રાફર વિવેક દેસાઈની અદભુત તસવીરોથી શોભતા આ કાવ્યસંગ્રહમાંથી જડતું એક આશાનું તરણું પકડી લઈએઃ

પ્રતીક્ષાનો અંધાપો મારું સૃજન છે.
પ્રતીક્ષાની વિહવળતા મારું સૌંદર્ય છે.
પ્રતીક્ષાની પ્રતીક્ષા મારી કામના છે.
માટે જ,
મા… તેં અર્પેલી પ્રત્યેક પળ માટે
કોઈ ફરિયાદ નથી…

આ પ્રતીક્ષાનો અંત આવે છે ત્યારે શું થાય છે? કવિને જ સાંભળીએઃ

જે પળે પ્રતીક્ષાનો અંત આવે છે,
ઇચ્છિત મિલન થાય છે ત્યારે…
જરા તમારાથી પર જોઈ શકાય તો જોજો,
પેલાં પુષ્પો નાચતાં હશે…
પેલાં પાંદડાં ગાતાં હશે…
પેલી ડાળીઓ હિલોળા લેતી હશે…
પેલું થડ હૂંફ બક્ષતું હશે!

આજે ન્યૂઝ ચેનલો પર પરિણામો જોતાં-જોતાં શક્ય હોય તો ઊભા થઈને બારીની બહાર નજર કરજો, એવી જ પ્રતીતિ થવાની. પણ દરેક પ્રતીક્ષાનો અંત આવો નથી હોતો. પ્રતીક્ષાના બિયારણને ખાતર-વરસાદ પણ જોઇએ. કેવું ખાતર અને કેવો વરસાદ? એક તબક્કે કવિ કહે છેઃ

આશા-અરમાનોના અંકુરો ફૂટે,
આંખોમાં સ્વપ્નોનાં મોજાં હિલોળા લે,
પણ વિશ્વાસનો વરસાદ વરસે જ નહીં
ત્યારે કઠિન પળો પેદા થાય છે.

પ્રતીક્ષા ફળીભૂત ન થતી દેખાય ત્યારે વેદના જન્મે છે. આશાઓ સેવીસેવીને થાકી ગયા પછીની હતાશાની પળો વેદનાને જન્મ આપે છે. માણસના જીવનમાં વેદના જન્મ્યા પછી બે શક્યતાઓ ઊભરે છેઃ સર્જન, કાં તો સંહાર. વેદનાનું ખૂબ અલગ અર્થઘટન કવિએ આ કાવ્યમાં કર્યું છે. વેદના માટેની આપણી સમજણ બદલાય અને આવી કઠિન પળોમાં પણ શાતા મળે એવું આ અર્થઘટન છેઃ

કેટલી અસહ્ય વેદના
કદાચ અંતરમનને ડહોળી નાખનારી અવસ્થા.
લોકો કહે છે, પ્રત્યેક સર્જનના મૂળમાં સર્જકની વેદના અસ્તિત્વ ધરાવે છે.
મારી આટઆટલી વેદના છતાં સર્જનનું નામોનિશાન કેમ નથી?
મને સદાય લાગ્યા કરે છેઃ
સર્જનનું કારણ વેદના કરતાં કરુણા જ હશેને?
વેદના એ તો ક્રિયા પછીની પ્રત્કિર્યાનું પરિણામ છે.
વેદના આમ તો નકારાત્મકતાનું ફરજંદ કહેવાય ને.
અનુભૂતિના અંતની બાધ્યતા હશે,
વેદના જન્મજાત નથી હોતી.
વેદનાનો જન્મ, ઉછેર, તીવ્રતા
સઘળું અનુભૂતિ ઉપર આધારિત હોય છે. વેદના અનાથ નથી હોતી.
ભલે વેદના વાંઝણી રહે તો ઠીક, નહીં તો સર્જન જ કરશે તેની ખાતરી શું?
કદાચ આક્રોશને પણ જન્મ આપે.
અને સર્જન નહીં, સંહાર દ્વારા વાંઝિયાપણું મિટાવવાનો પ્રયાસ પણ કરે.

માણસને એકાંત ભલે પ્રિય હોય, પણ એ એકલવાયો ન હોવો જોઈએ. જિંદગી જીવવા માટે સાથીની, સાથીઓની પણ જરૂર રહેવાની. જેટલું મોટું કામ કરવું હશે એટલા વધુ લોકોના સાથની જરૂર રહેવાની. આ વાત કવિ નરેન્દ્ર મોદી સિવાય આટલી સહજ રીતે બીજું કોણ મૂકી શકે.

સવાર-સાંજ કેટકેટલા લોકોને જોવાનો, મેળવવાનો મોકો મળતો હોય છે
પણ માનવમનને પામવાની પિપાસા હોય એવા કેટલા?
આવી ઉત્કંઠ ઇચ્છા કેટલાં હૃદયોમાં વાસ કરતી હશે?
સમજાતું નથી.
માનવ શું શોધી રહ્યો છે?
એવું તો નથી ને કે
માનવ પોતાનું પ્રતિબિંબ શોધવામાં જ ગૂંથાઈ ગયો છે?
તો ક્યારેક પોતાની આવશ્યક્તાઓની પૂર્તિ માટે જેમ
તેને સાધનોની જરૂરિયાત હોય છે તેમ
અન્ય માનવ પણ સાધનરૂપે જ આવશ્યક છે?
ચોતરફ નજર કરતાં જાણે હૃદયનો ચિત્કાર
આવા જ સંકેત કર્યાકરે છે.
માનવીને ખપ છે માટે શોધે છે,
મેળવવા માટે પ્રયાસ કરે છે,
મેળવવાનો સંતોષ વધુ મેળવવાની
આગ ચાંપ્યા કરે છે અને
આ ચક્ર ચાલ્યા જ કરે છે.
વળી આ બધી ક્રિયા-પ્રક્રિયાને
કેવું સુંવાળું નામ અપાય છે
સંબંધ
તો ક્યારેક ‘અંગત’
તો ક્યારેક ‘પોતાનું માણસ’
તો ક્યારેક ‘મિત્ર’
તો ક્યારેક ‘પ્રેમી’

કવિ નરેન્દ્ર મોદીમાં સર્જનની સૂઝ છે. એમને કવિતાની સૂઝ છે. ગુજરાતના કવિઓએ આ કવિતા ખાસ વાંચવા જેવી છે. ‘સર્જન અને શૂન્યાવકાશ’ કાવ્યમાં તેઓ કહે છેઃ

કવિતાની સૃષ્ટિની વૃષ્ટિ
આખાય ગુજરાતની જેમ દુષ્કાળમાં ડૂબેલ છે.
હા, ક્યારેક ઉત્પાદન (પ્રોડક્શન) થઈ જાય,
પણ… સર્જન (ક્રિએશન) તો નહીં જ.
ઉત્પાદનનું તો એવું છે કે
તેમાં જરૂરી કાચો માલ ભરો…
વળી ઠાંસીઠાંસીને ભરો
પછી યંત્રની ચાંપ દબાવો,
પેન, પેન્સિલ જેવું યંત્ર જોડો…
બસ, પછી શું?
અક્ષરોનાં ચોસલાં ક્યારેક શબ્દ બની,
ક્યારેક શબ્દસમૂહરૂપે
ગજા પ્રમાણેની લંબાઈ સાથે ઉત્પાદિત થયા કરે.
ભરેલો કાચો માલ ખૂટે એટલે ઉત્પાદન બંધ!
ઉત્પાદનનું તો એવું છે કે ઉત્પાદિત થયા કરે.
હા… લોકો તેને સર્જન કહી
સ્વીકારી લે છે તે વાત જુદી,
કારણ… આમેય પાઉડરના દૂધથી છોકરાં ઉછેરવા ટેવાયેલ
આપણને સમજ છે ખરી?

નરેન્દ્ર મોદી કવિહૃદય છે, પણ હવાઈ કિલ્લાઓ ચણીને રહેવામાં તેઓ માનતા નથી. માણસ પ્રેક્ટિકલ છે. કવિતા એમને સંવેદનશીલ બનાવે છે, પલાયનવાદી નહીં. ભગવાનની શક્તિમાં એમને શ્રદ્ધા છે, પણ પુરુષાર્થની તાકાતમાં અખૂટ વિશ્વાસ છે. જીવનને પલાયનવાદી બનાવતી બનાવટી ફિલસૂફીઓમાં તેઓ નથી માનતા, પણ આધ્યાત્મિક તાકાત કોને કહે એની એમને ખબર છે. ‘અસીમ આત્મવિશ્વાસ’ કાવ્યમાં તેઓ કહે છેઃ

અહીં રચાયો છે – આત્મવિશ્વાસનો અગાધ સાગર,
સર્વસ્વ ન્યોછાવર કરવાનો તરવરાટ,
માતૃભૂમિના કલ્યાણનાં સ્વપ્નોનો સમુદ્ર,
વામનાંથી વિરાટ બનવાની અપ્રતિમ આકાંક્ષા,
શિસ્ત અને સંગઠનનો સુભગ સંગમ,
સમર્પણયાત્રાની સરવાણી ફૂટી છે…
ઉજ્જવળ ભવિષ્યનો પ્રકાશપુંજ દેખા દે છે.
અહીં ‘તપ’-‘તપસ્યા’ જેવા શબ્દોનો ઉપયોગ નથી.
અહીં કોઈ દેવાત્માનું અધિષ્ઠાન ઊભું કરાયું નથી.
અહીં તો તેના હૃદયમાં… વિવેકાનંદે કહ્યા પ્રમાણે
દરિદ્રનારાયણોની કામના જ ઝંકૃત કરાઈ છે.
આ સત્-શક્તિનું મિલન છે.

બધાને ખબર છે કે નરેન્દ્ર મોદી કેટલા કર્મઠ છે. વર્ષોથી અત્યંત મામૂલી નિદ્રાથી ચલાવી શકે છે. એ રીતે એમણે મનને, તનને કેળવ્યાં છે. તેઓ આજે કે દસ-બાર વર્ષથી નહીં, દાયકાઓથી અતિ વ્યસ્ત જીવન જીવે છે. કામગરા જીવને કવિતા લખવાની ફુરસદ ક્યારે મળતી હશે? શું કામ તેઓ કવિતા લખતા હશે? કવિતા એમના અંતરતમ વિચારોની અભિવ્યક્તિ છે.

‘સાક્ષીભાવ’માં એક તબક્કે એમણે લખ્યું છેઃ લાગણીની તીવ્રતા કુંઠિત બને ત્યારે અભિવ્યક્તિને આધારની જરૂર પડે.
કવિતા એમની અભિવ્યક્તિનો આધાર છે. આજની 16મી મે, પછી ગુજરાત છોડીને નવી દિલ્હી પ્રસ્થાન કર્યા પછી એમને આવા આધારની જરૂર વારંવાર પડવાની. શું કામ? આ પંક્તિઓ વાંચી જજોઃ

ક્યારેક ઉત્કૃષ્ટ આનંદ, તો ક્યારેક અતિ વિષાદ…
હવે તો મારે પણ આ બધાથી ટેવાવું જ રહ્યું ને!
કેવી વિપરીત પળો વચ્ચેથી
આજકાલ હું પસાર થઈ રહ્યો છું!
કેવી-કેવી અનુભૂતિઓ સાથે
જીવનને જીવવું પડે છે!
ક્યારેક ઉમંગ, ક્યારેક શોક, ક્યારેક પ્રતીક્ષા,
ક્યારેક વિદાય, ક્યારેક સંવાદ, ક્યારેક વિવાદ,
ક્યારેક આશા, ક્યારેક નિરાશા…
ન જાણે કેવી તીવ્ર લાગણીઓ-
અને તે પણ બે છેડાની…

કદાચ વ્યક્તિત્વની આ વેરણછેરણ અવસ્થા જ નવસર્જનનો આધાર તો નહીં હોય ને!
અને આ કાવ્ય એમણે આજે જ લખ્યું હશે એવું લાગેઃ

મારી નવી જવાબદારી અંગે
બાહ્ય વાતાવરણનું તોફાન
લગભગ શમી ગયું છે
સહુનું આશ્ચર્ય, પ્રશ્નો વગેરે…
હવે પૂર્ણતાએ છે.
વે અપેક્ષાઓનો આરંભ થશે.
અપેક્ષાની વ્યાપકતા અને તીવ્રતા
ખૂબ હશે
ત્યારે મારા નવજીવનની રચના જ હજુ તો બાકી છે.
મા… અપ્રતિમ કષ્ટ કરવાનો સંકલ્પ છે.
…બીજા અર્થમાં કહું તો મારે મન
સંસ્કાર-વારસાનો આ કસોટીકાળ છે.

‘સાક્ષીભાવ’ કાવ્યસંગ્રહના પૃ.59ની આ રચના તા.8-12-1986ના રોજ સર્જાઈ હતી.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

5 COMMENTS

  1. ભાઈ શ્રી સૌરભ શાહ, આપની ગુડ મોર્નિંગ કોલમ વાંચ્યા પછી જ જમવાનું પચી શકતું, કોઈ પણ મુદ્દા ની સ્પષ્ટ છણાવટ, સુંદર, સીધું લોહીમાં ભળી હૃદય, મગજ અને મન સુધી શબ્દે શબ્દ પહોંચતો, બે દિવસ પહેલાં જ ધ્યાન ગયું…..
    શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે આ લેખ વાંચી માન ખૂબ ખૂબ વધારે થયું, આમેય ભક્ત હવે પરમ ભક્ત બનવા પ્રેરે એવો સરસ લેખ. ખૂબ ખૂબ આભાર, આવું સરસ કેટલુંય લખાણ અમારાં બધાં સુધી પહોંચાડવા માટે. અસ્તુ…

  2. આપનો આ લેખ વાંચીને મને શ્રી નરેન્દ્રભાઈની આ કવિતાઓ યાદ આવી
    https://youtu.be/qPHTFPIgVf0
    કવિ શ્રી નરેન્દ્રભાઇ મોદીની ખૂબ જ હૃદયસ્પર્શી રીતે સ્વરબદ્ધ કરેલી આ રચના તેમની સંવેદનશીલતા અને તેમના નિસર્ગપ્રેમનો પરિચય કરાવે છે.
    https://youtu.be/42DXf93IIUs
    આ કાવ્યમાં સચ્ચાઈના એક રણકા સાથે તેમના વ્યક્તિત્વમાંની ખુમારી તેમ જ નીડરતા ઉજાગર થાય છે.

  3. Modiji prime minister nu paad toh sobhavvi j rakhyya che emna viraal karyye thi …..pan maan ni vaato ne Kavyye ma rachnnar kavvitao pan atlli j Bhavyye

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here