ત્રણ વિચારોની ત્રિવિધાઃ સૌરભ શાહ

(તડકભડક : સંદેશ, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 19 ડિસેમ્બર 2021)

ભારતની સનાતન પરંપરામાં વસુધૈવ કુટુમ્બકમ્ જેવા વિચારોનું મહત્ત્વ છે. આપણી પ્રાર્થનાઓમાં ‘મારું’ નહીં પણ ‘સૌનું’ કલ્યાણ કરવાની વાત હોય છે. શું આ વિચારો માત્ર દેખાડા પૂરતા છે? આપણે ખૂબ ઉદારદિલ પ્રજા છીએ એવું દુનિયા કહે એટલે આવા વિચારોનો જન્મ થયો?

ના. અંતે તો આ બંને વિચારો આપણા જ સ્વાર્થ માટે છે – આ વિશ્વને કુટુંબસમાન ગણવું અને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરવી.

કેવી રીતે?

આ દુનિયા આખી તમારું કુટુંબ છે એવી ભાવના હશે તો જ તમે સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી શકશો. ‘સૌ’ એટલે કોણ? દુનિયાના તમામ પ્રદેશો, તમામ દેશો, તમામ ધર્મો અને જાતિઓ-સંપ્રદાયો તથા તમામ રંગના લોકો આ ‘સૌ’માં આવી જાય.

અને કલ્યાણ એટલે?

એમાં ત્રણ વાત આવે, એક સુખ. દરેક પ્રકારનું સુખ. શારીરિક, માનસિક, અધ્યાત્મિક, ખાવાનું સુખ, સંબંધોનું સુખ વગેરે તમને જે જે ક્ષેત્રોમાં જોઈતું હોય તે તમામ ક્ષેત્રોમાં સુખ મળે. કલ્યાણનો આ પ્રથમ ભાગ. બીજા હિસ્સામાં સમૃદ્ધિ. આખી દુનિયાના તમામ લોકો દરેક રીતે સમૃદ્ધ થાય. આર્થિક બાબતમાં તો થાય જ. ઉપરાંત વૈચારિક સમૃદ્ધિ મળે, સાંસ્કૃતિ સમૃદ્ધિ મળે – બીજા અનેક ક્ષેત્રોની સમૃદ્ધિ મળે – દરેક ક્ષેત્રની, જે ક્ષેત્રની જોઈએ તે દરેક ક્ષેત્રની સમૃદ્ધિ મળે. કલ્યાણનું ત્રીજું અંગ સંતોષ. સૌ કોઈને પોતાને મળેલાં સુખ સમૃદ્ધિથી સંતોષ હોય.

સૌનું કલ્યાણ થજો એવી પ્રાર્થના કરીએ છીએ એનો અર્થ એ થયો કે દુનિયાની, આખા વિશ્વની, દરેકે દરેક વ્યક્તિ સુખી થાય, સમૃદ્ધ થાય અને સંતોષી થાય.

આમાં આપણો સ્વાર્થ શું? દુનિયાના બધા લોકો સુખી, સમૃદ્ધ અને સંતોષી હશે તો એમાં આપણો પણ સમાવેશ થઈ જવાનો. આપણે પણ સુખી-સમૃદ્ધ-સંતોષી બનીશું. પણ તો પછી દુનિયાના બાકીના લોકોને સુખી-સમૃદ્ધ-સંતોષી બનાવવાની પ્રાર્થના શું કામ કરીએ? આપણે એકલા જ સુખી-સમૃદ્ધ-સંતોષી ના થઈએ! બાકીના લોકો પોતપોતાનું ફોડી લે!

આપણા ઉપરાંતના બાકીના લોકો સુખી-સમૃદ્ધ-સંતોષી થાય એમાં આપણો જ ફાયદો છે. તેઓ સુખી હશે તો એમને આપણા સુખની ઈર્ષ્યા નહીં થાય, તેઓ સમૃદ્ધ હશે તો તેઓ તમારી સમૃદ્ધિ પર તરાપ નહીં મારે. તેઓ સંતોષી હશે તો પોતાનાં સુખ-સમૃદ્ધિ માટે તમારા પર આક્રમણ નહીં કરે. તમને તમારી રીતે જીવવા દેશે. તમારા જીવનમાં માથું નહીં મારે. તમારા હવનમાં હાડકાં નાખવાં નહીં આવે. એટલે જ પ્રભુને પ્રાર્થના કરવાની કે સૌને સુખી, સમૃદ્ધી ઉપરાંત સંતોષી પણ બનાવો. સૌ કોઈ સંતોષી હશે ત્યારે સૌ કોઈ પોતપોતાનાં સુખમાંથી આનંદ મેળવતું હશે. સૌ કોઈ સંતોષી હશે તો સૌ કોઈ પોતપોતાની સમૃદ્ધિને માણવામાં વ્યસ્ત હશે. તમારી તિજોરી પર, તમારી સ્ત્રી પર તમારા વૈભવ પર, એ લોકોની નજર નહીં બગડે. તમે તમારી પરંપરા મુજબ જીવી શકશો.

વસુધૈવ કુટુમ્બકમ્‌ની ઉદાત્ત ભાવનાનો વિચાર આપણા ઋષિમુનિઓને કદાચ આવા જ કોઈ ચિંતનના પરિપાકરૂપે આવ્યો હશે.

ઇઝરાયલમાં આવો નિયમ છે ભારતમાં કેમ નથી? ચીન આ રીતે આગળ વધી શકે તો ભારત કેમનહીં? સિંગાપોરના રસ્તાઓ લિસ્સા છે તો ભારતના કેમ નહીં? સાઉદી અરેબિયા જે કરી શકે તે ભારત કેમ નથી કરતું? આવી સરખામણીઓ કરીને કેટલાક લોકો આપણને ઉશ્કેરતા હોય છે. આમાંના એકેય દેશમાં ભારત જેવી જડબેસલાક લોકશાહી નથી, ભારત જેવું વાણીસ્વાતંત્ર્ય, ભારત જેવી અભિવ્યક્તિની સ્વતંત્રતા, ભારત જેવું ફ્રીડમ ઑફ પ્રેસ આમાંના એકેય દેશમાં નથી. પણ આપણે એ સમજવા જ તૈયાર નથી. આ કે અન્ય દેશોની સફેદ બાજુઓની વાત કરીએ છીએ અને સામેના પલ્લામાં ભારતની ઓછી સારી વાતો મૂકીને તોળીએ છીએ. ક્યારેક તો પ્રયત્ન કરી જુઓ કે એક પલ્લામાં ભારતની સારી બાજુઓ હોય અને સામેના પલ્લામાં બીજા દેશોની માઇનસ સાઇડ્સ હોય.

દરેક દેશ, દરેક ભૌગોલિક પ્રદેશ, દરેક પ્રજાની તાસીર જુદી હોય છે, એ સૌની જરૂરિયાતો જુદી હોય છે. દક્ષિણ ભારતમાં લોકો રોજ બાજરાનો રોટલો કેમ નથી ખાતા અને સૌરાષ્ટ્રના ખેડૂતો રોજ સવારે ઇડલી-ઢોંસાનો નાસ્તો કેમ નથી કરતા એવી સરખામણી જો કોઈ કરે તે મૂરખ ગણાય. એવી જ મૂર્ખાઈ સિલેક્ટિવ બાબતોમાં ભારતની સરખામણીએ આ ચાર કે બીજા ચાળીસ દેશોની સાથે કરનારા કરતા હોય છે.

ચંપામાં ગુલાબનાં રંગરૂપ શોધવાનાં ના હોય, મોગરામાં ચમેલીની સુગંધ શોધવાની ના હોય એ મતલબની વાત કવિ ઉમાશંકર જોશીએ ભલે અલગ સંદર્ભમાં કરી હતી પણ દેશની બાબતમાં પણ એ લાગુ પડે છે. અને વ્યક્તિની બાબતમાં પણ લાગુ પડી શકે. સ્કૂલમાં સાથે ભણતા બે મિત્રો એકસરખા બુદ્ધિશાળી પણ એમાંથી એકનો સદા પહેલો નંબર આવે, બીજાનો ક્યારેય પહેલો નંબર ન આવે – હંમેશાં પાંચથી દસમા નંબરે પાસ થાય. બીજાને એનાં માબાપ બહુ ટોક ટોક કર્યા કરેઃ જરાક ભણવામાં ધ્યાન રાખે તો પેલાની જેમ તું પણ પહેલો નંબર લાવી શકે. પણ આ સાંભળે નહીં, અભ્યાસ કરવાને બદલે આખો દિવસ પુસ્તકાલયોમાં જઈ જઈને ચોપડીઓ વાંચ્યા કરે. મોટા થયા પછી પહેલો નંબર લાવનાર વિદ્યાર્થી લોકોના હિસાબકિતાબ રાખનાર હિસાબનીશનું કામ કરીને કરોડો રૂપિયા કમાય છે. ‘રખડી ખાનાર’ વિદ્યાર્થી જગતને નવા નવા વિચારો આપીને આખા વિશ્વને સમૃદ્ધ કરનારું સાહિત્ય રચીને નોબેલ પારિતોષિક મેળવે છે.

ક્રિકેટરને ક્યારેય સલાહ નહીં આપવી કે તું ફૂટબૉલ કેમ નથી રમતો. બાંસુરીવાદકને ક્યારેય શીખામણ નહીં આપવી કે તમે સંતુર કેમ નથી બજાવતા.

*

…પણ એમણે તો કહ્યું છે અને લખ્યું પણ છે કે હું ‘આ’ વિચારમાં માનું છું અને એનું સમર્થન પણ કરું છું.

આવું કહીને કોઈ તમને એમણે વ્યક્ત કરેલા ‘આ’ વિચારનું કટિંગ દેખાડે કે એની વીડિયો ક્લિપ પણ દેખાડે. તમારે ભરમાવાનું નહીં. તમારે એ જોવાનું કે એ વ્યક્તિએ ‘આ’ વિચારોની તદ્દન સામા છેડાના વિચારો કેટલીવાર વ્યક્ત કર્યા છે. નવ્વાણું વાર સામા છેડાના વિચારો વ્યક્ત કર્યા હોય અને ક્યારેક એક વાર ‘આ’ વિચારનો ગણગણાટ કર્યો હોય તો તમારી સામે પુરાવા હોવા છતાં તમે એ વ્યક્તિના આ એક જ વખત વ્યક્ત થયેલા વિચારોને કારણે એને માન આપવા બેસી જાઓ એવું કરતા નહીં. સો ચૂહા ખાઈને બિલ્લી હજ પર જાય છે એવી કહેવત તમે નથી સાંભળી? કેટલાક લોકો પોતે જે વિચારોમાં માનતા હોય એના કરતાં તદ્દન વિરુદ્ધ વિચાર સોએ એક વાર વ્યક્ત કરીને પોતાને સેફ સાઇડ પર મૂકવાની કોશિશ કરતા હોય છે જેથી ભવિષ્યમાં કોઈ એવો આક્ષેપ કરે કે તમે તો ફલાણાવાદી છો ત્યારે પોતે બચાવમાં કહી શકે કે ના હું તો ઢીંકણાવાદી છું. નવ્વાણું અને એકવાળા રેશિયોની આ ગેમ સમજીને તમારે નક્કી કરવાનું કે કોનો કેટલો સ્વીકાર કરવાનો. અને આ જ રીતે કોઈએ એક વાર પોતાના 99 વારના વિચારોથી કંઈક જુદી વાત કહી દીધી તો એને એક વિચાર માટે ધોકો લઈને ધોઈ નાખવાની કોઈ જરૂર નથી. 99 વાર એણે શું કર્યું છે એનો હિસાબ તપાસી લેવો, પેલી એક વારની વાત વિસારે પાડી દેવાની.

આજના દિવસ માટે આ ત્રણ છુટક-ત્રુટક વિચારોની ત્રિવેણી પૂરતી છે.

પાન બનાર્સવાલા

દૄષ્ટિવાન એને કહેવાય જ્યારે તમે બીજાઓ માટે જે અદૃશ્ય છે તે જોઈ શકતા હો.

-અજ્ઞાત્

•••

આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here