તમે નથી બદલાતા એટલે જમાનો બદલાઈ જાય છે : સૌરભ શાહ

જમાનો બહુ બદલાઈ ગયો છે—આવું 50, 60, 70 કે 80 વર્ષ વટાવી ચૂકેલા લોકોને લાગતું હોય છે.

જમાનો જો ખરેખર બદલાઈ જતો હોય તો 20 વર્ષની ઉંમરના યુવાનો 30 ના થાય કે 30ના 40ના થાય ત્યારે એમને કેમ એવું નથી લાગતું?

ઈવન 50-60-70-80 ના જે લોકોને અત્યારે એવું લાગે છે કે જમાનો બદલાઈ ગયો છે એમને તેઓ 20માંથી 30ના થયા ત્યારે એવો વિચાર કેમ નહોતો આવતો?

નહોતો આવતો કારણકે તે વખતે તમે પણ જમાનાની સાથે બદલાતા હતા, નવાં નવાં પરિવર્તનોને સ્વીકારતા હતા, નવા જમાના સાથે તાલ મિલાવતા હતા.

જે માણસ પોતે જમાના પ્રમાણે બદલાતો નથી એને જ એવું લાગે છે કે જમાનો બદલાઈ ગયો છે.

અહીં ‘બદલાવું’ પોઝિટિવ અર્થમાં છે. ‘બદલાવું’ એટલે પહેલાં માણસ સારો હતો, હવે ખરાબ થઈ ગયો છે કે પહેલાં પ્રામાણિક હતો અને હવે અપ્રામાણિક થઈ ગયો છે – એ અર્થમાં નહીં. પ્રોગ્રેસના અર્થમાં, પ્રગતિના અર્થમાં, જીવનમાં આગળ વધવાના અર્થમાં. અડધી ચડ્ડીમાંથી પાટલૂન પહેરતો થઈ ગયેલો કિશોર ‘બદલાય’ એ અર્થમાં.

તમારા દાદાને કે. એલ. સાયગલનાં ગીતો ગમતાં. તમારા પિતા તલત મહેમૂદ અને પંજક મલિકને સાંભળતા. તમે રફી-મૂકેશ-કિશોરને સાંભળીને ઝૂમતા. તમારાં સંતાનો ઉદિત નારાયણ, કુમાર સાનુ, અભિજિત, સોનુ નિગમના દીવાના હતા. એમનાં સંતાનો શું સાંભળે છે એની તમને કોઈ ગતાગમ નથી, કોઈ પડી નથી કારણ કે તમે અટકી ગયા છો. તમને અત્યારનું સંગીત ઘોંઘાટ લાગે છે – તમારા પિતાને કિશોર કુમારનું યોડલિંગ ઘોંઘાટ લાગતું એમ. તમે બદલાયા નથી એટલે તમારા માટે જમાનો બદલાઈ ગયો છે.

તમે પહોળી મોરીવાળા બેલબોટમ પહેરીને થોભિયાં વધારતા ત્યારે તમારાં માબાપ તમને આવા વરણાગીવેડા કરવાની ના પાડતા કારણ કે એ લોકોના જમાનામાં સાંકડી મોરીની પતલૂન પહેરાતી. આજે ફાટેલાં જિન્સથી પણ ફેશનની દુનિયા આગળ વધી ગઈ છે.

સ્કૂલમાં હતા ત્યારે તમારા હાથમાં ક્યારેય વાપરવા માટે દસની નોટ નહોતી મૂકાતી કારણ કે તમારા પિતા તમને કહેતા કે અમને તો વાપરવા માટે અડધો આનો મળતો જેમાંથી હું ચવાણું લાવતો અને હું અને મારી મા બેઉ પેટભરીને ખાતા.

આજે તમારાં સંતાનો એમના સ્કૂલે જતા દીકરાને – દીકરીને પાંચસોની નોટ વાપરવા આપે છે ત્યારે તમારી આંખો પહોળી થઈ જાય છે પણ પેલા સ્કૂલ કિડ્સની આંખો વાંચશો તો વંચાશે – બસ, આટલા જ !

તમને લાગે છે કે મોંઘવારી વધી ગઈ છે. તમે જોતા નથી કે ચીજવસ્તુઓના ભાવની સાથોસાથ લોકોના પગારો પણ વધ્યા છે. જે લોકો એ જમાનાના ઘી-તેલ-અનાજ-શાકભાજી-પેટ્રોલના ભાવની અત્યારના ભાવ સાથે સરખામણી કરે છે એ લોકોને પૂછો કે તમારા જમાનામાં, તમારા વર્ગના લોકોને જે પગારો મળતા એમાંથી કેટલા તોલો સોનું આવતું. અને અત્યારે એવું જ કામ કરતા લોકોને થતી માસિક કમાણીમાંથી કેટલું સોનું ખરીદી શકાય છે. સરખામણી થઈ જશે.

ચીજવસ્તુઓની કિંમતની સાથોસાથ મહેનતાણાં પણ વધ્યાં છે. જરા ઊંડો વિચાર કરો. જો ચીજવસ્તુઓના ભાવ ન વધ્યા હોત તો તમારી માસિક કમાણી પણ ના વધી હોત.

બીજી પણ એક વાત છે. તમે અગાઉ જ્યાં ખર્ચા નહોતા કરતા ત્યાં ખર્ચા કરવા લાગ્યા છો એટલે તમને મોંઘવારી હોય એવું લાગે છે. અગાઉ ઘરની બહાર નીકળવાનું મન થાય તો બગીચામાં કે મંદિરમાં કે કોઈ મિત્ર-સગાંને ત્યાં જઈ આવતા. હવે તમે પિત્ઝા-પાઉંભાજી ખાવા કે મલ્ટીપ્લેક્સમાં પિક્ચર જોવા જાઓ છો તો એમાં કોનો વાંક ? એ ખર્ચાઓ શું સરકાર તમને આપે?

અગાઉ બહારગામ ફરવા માટે સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા જેવાં સગાઓનાં ઘર હતાં, નાનામોટાં-જાણીતાં અજાણ્યાં યાત્રાસ્થળો હતાં, જ્યાં ઉતારા માટે ધર્મશાળાઓ હતી. હવે તમને પહેલગામ, મસૂરી, ગેન્ગટોક, ગોવા, કેરળ જવું છે અને ટુ સ્ટાર-થ્રી સ્ટાર હોટેલમાં ઉતરવું છે. ખર્ચા તમે વધારી દીધા છે અને વાંક મોંઘવારીનો કાઢવો છે.

અગાઉ પબ્લિક ટેલિફોનના ડબલામાં આઠ આનાનો સિક્કો નાખીને વાત કરી લેતા અને રાત્રે અગિયાર પછી એસટીડી બુથની લાઈનમાં ઊભા રહીને બહારગામ વાત કરતા. અત્યારે મોબાઈલ તમારા હાથમાં છે. એના ખર્ચા તમારે જ કરવાના છે. તમારી આવકમાંથી જ કરવાના છે. તમારા ખર્ચાઓ વધાર્યા કરો છો અને વાંક ઘઉં-ચોખા-તેલ-ગેસના ભાવનો કાઢો છો ? કેવી વાત કરો છો ?

બેકારી નથી વધી, કામ કરવાની વૃત્તિ ઓછી થઈ ગઈ છે. કામ તો સૌ કોઈને મળી રહે એટલું છે. સારું કામ કરનારાઓની દરેક ક્ષેત્રમાં ભારે અછત છે – ઓફિસ, હોટેલ, ફેક્ટરી વગેરેના માલિકોને પૂછી જુઓ. કહેશે કે સારા માણસો પૈસા આપવા છતાં મળતા નથી. કેમ નથી મળતા ? કારણ કે ઘણા લોકોને ઓછી મહેનતે વધારે પૈસા મળી જાય એવી જિંદગી જીવવી છે. ઈઝી મની જોઈએ છે.

જે વસ્તુઓ મધ્યમ વર્ગ માટે અગાઉ લક્ઝરી ગણાતી તે હવે એમના માટે જરૂરિયાત બની ગઈ છે. ઘરમાં એસી અને ટુ વ્હીલર, ફોર વ્હીલર ખરીદવાની ત્રેવડ હોય એટલા પગારો મધ્યમ વર્ગના નહોતા. આજે છે. તો એ એમની પ્રગતિની નિશાની છે, સમૃદ્ધિની નિશાની છે. પણ જે લોકો પોતાની ત્રેવડની બહાર જઈને આવી લક્ઝરીઓને જરૂરિયાત સમજીને ગળે બાંધે છે તેઓ વીજળીના-પેટ્રોલના ભાવો માટે રાડારાડ કરતા થઈ જાય છે.

અગાઉ આવક પ્રમાણે પોતાની મર્યાદામાં રહેણીકરણી હોય એનું ગૌરવ રહેતું. હવે એમાં શરમ આવે છે. પછેડી પ્રમાણે સોડ તાણવામાં શરમ શેની ? પણ શરમ આવે છે. આમદની અઠન્ની, ખર્ચા રૂપૈયા ગાતાં ગાતાં જીવી રહેલાઓને મોંઘવારી નડવાની જ. એવા લોકોને તો દાળચોખાપેટ્રોલના ભાવ અડધા થઈ જાય તો પણ નથી પોસાવાના કારણ કે વધુ કામ કરીને, વધુ કૌશલ મેળવીને વધુ કમાણી કરવાનો રસ્તો જ એમણે બંધ કરી નાખ્યો છે. આવા લોકો આ જમાનાને, મોંઘવારીને, સમાજને, સરકારને કોસતા રહેવાના છે.

માણસનું મન વિકસવાને બદલે બંધિયાર બની જાય, પોતે જે વર્ષો જીવી લીધાં તે જ શ્રેષ્ઠ હતાં, અત્યારે તો અધોગતિ થઈ રહી છે એવું માનતો થઈ જાય, પોતાની પસંદગીની ચીજો-વાતોને પૂર્વગ્રહોમાં પલટી નાખીને બીજાઓની પસંદગીને ધુત્કારતો થઈ જાય ત્યારે એને લાગવાનું જ છે કે જમાનો બદલાઈ ગયો છે.

કુદરતની કેટલી મોટી કૃપા છે કે એ આવા લોકોની ફરિયાદ સાંભળતી નથી અને જમાનાને સતત બદલતી રહે છે.

જેમ જેમ જમાનો બદલાય છે એમ એમ આ દુનિયામાં જીવવાની મઝા બમણી થતી જાય છે.

પાન બનારસવાલા

આ મારું પોતાનું છે અને આ નથી એવી ગણતરી સંકુચિત મનવાળા લોકો જ કરે.
(વસુધૈવ કુટુમ્બકમનો અર્થવિસ્તાર).

(તડકભડક :‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. રવિવાર 5, નવેમ્બર 2023)

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

  1. જમાના સાથે સાથે ચાલીશું તો યુવાન હોવનું ફિલ થાશે અને હંમેશા તાજા હોવાનું ફિલ થશે. ખૂબ સરસ આર્ટીકલ.
    અભિનંદન

  2. બીજા બધામાં ભલે વિકાસલક્ષી બદલાવ રહ્યો હોય, પરંતુ ખાધ્ય પદાર્થોની મીઠાસ, સોડમ વગેરે ઉતરતી કક્ષાની લાગી રહી છે. અનુભવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here