ભર બપોરને અંધારી રાત પુરવાર કરી શકનારાઓ વિશે : સૌરભ શાહ

પ્રાચીન જમાનામાં શાસ્ત્રાર્થ થતો. કોઈ એક મુદ્દો લઈને બે સામસામા મતને વ્યક્ત કરતા જ્ઞાનીઓ વચ્ચે વાદવિવાદ થતો. પરસ્પર વિરુદ્ધ મત ધરાવતા પંડિતોની ચર્ચામાં તણખા ઝરતા અને સાંભળનારાઓને પ્રકાશ મળતો. એક પક્ષ મતનું ખંડન કરે તો સામો પક્ષ મંડન કરે. એટલે કે એક પક્ષ ચર્ચા હેઠળના મુદ્દાને ખોટો ઠેરાવવા દલીલો કરે, તર્ક દોડાવે અને પોતાની વાતના સમર્થનમાં પુરાવાઓ રજુ કરે. બીજો પક્ષ ચર્ચા હેઠળના મુદ્દાનું સમર્થન કરે, તર્ક લડાવે અને પુરાવાઓ આપે. આ પંડિતો તે વખતે ખંડનમિશ્ર અને મંડનમિશ્ર તરીકે ઓળખાતા.

આવી ચર્ચાઓ ખૂબ ઉપયોગી નીવડતી. દુનિયાના જ્ઞાનના ભંડારોમાં ઉમેરો કરતી. સાંભળનારાઓના મનમાં રહેલી શંકાઓ દૂર થતી. ક્યારેક સાંભળનારના મનમાં ઘર કરી ગયેલી ખોટી માન્યતાઓ દૂર થાય અને અત્યાર સુધી પોતે જે મત ધરાવતા હોય તેની વિરુદ્ધનો મત સાચો લાગવા માંડે એવું બનતું અને એ મુદ્દાને લઈને માણસ સામેવાળાના પક્ષનો થઈ જાય.

આવું થતું હોય છે, થતું જ રહેવાનું. અને સારું છે આ.

કમશ: આવી ચર્ચાઓ કૃતક થતી ગઈ, અહમ્ પોસવા માટેનું સાધન બની ગઈ અને ટૂંકા સ્વાર્થોને સિદ્ધ કરવાનો માર્ગ બની ગઈ. તમને જો ખંડનમિશ્ર બનવામાં આર્થિક ફાયદો જણાય કે બીજા લાભ મળતા હોય એવું જણાય તો તમે પ્રસ્તુત મુદ્દાનું ખંડન જ કર્યા કરો. અંદરથી ભલે તમને ખબર હોય કે સાચું શું છે પણ ખંડનમિશ્ર બનીને તમે તમારા અંતરાત્માના અવાજને દબાવી દો.

આ જ રીતે તમને જો ખબર હોય કે આજકાલ ફ્લેવર ઓફ ધ સિઝન અમુક મુદ્દો છે તો તમે એ મુદ્દાનો પક્ષ લઈને તમારું લૉજિક એ તરફ વાળો, મંડનમિશ્ર બની જાઓ.

હવે તો એક ત્રીજી પ્રજાતિ ઊભી થઈ છે. ચાલાક પંડિતો સ્થળ-કાળ અને સ્વાર્થ મુજબ પોતાનો મત એ રીતે રજુ કરતા થઈ ગયા છે કે તમે એમને ખંડનમિશ્ર તરીકે ઓળખાવો તો કહેશો કે ના ભાઈ, હું તો મંડનમિશ્ર છું. અને તમે એને એ જ મુદ્દાના મંડનમિશ્ર ગણાવો તો કહેશે કે અરે, હોય કંઈ ? હું તો ખંડનમિશ્ર છું. વળી આ ચતુર લોકો પોતાની બેઉ આઈડેન્ટીટીના પુરાવા પણ સાથે રાખતા હોય છે ને તરત જ માનસિક બગલથેલામાંથી કાઢીને રજુ કરતા હોય છે. તમે ભોંઠા પડી જાઓ અને લોકોની આંખોમાં તમારી વિશ્ર્વસનીયતા ક્વેશ્ર્ચનેબલ બની જાય. હકીકતમાં હોય છે એવું કે એમના બગલથેલામાંથી નીકળેલું ચિત્ર છત્તું રાખીને જુઓ તો ઘોડો દેખાય અને ઊંધું કરીને દેખાડો તો ગધેડો દેખાય એ રીતે ચિતરેલું હોય છે. આજકાલ આવા ચીતારાઓ બહુ નીકળી પડ્યા છે. એક જમાનામાં પણ ગંગા ગયે ગંગાદાસ અને જમુનાગયે જમનાદાસ હતા પણ આટલા બધા નહીં. ડોક્ટર જેકિલ એન્ડ મિસ્ટર હાઈડ ઠેરઠેર જોવા મળતા પણ એ બધા એકલદોકલ રહેતા. હવે તો આવા લોકોનાં ટોળેટોળાં જોવા મળે છે. જ્યાં જુઓ ત્યાં આવા લોકો પાસે એ ચિત્ર જોવા મળશે. ઘોડા-ગધેડાના ચિત્રની લાખો ફોટોકોપી છપાઈ હોય એવું લાગે છે.

આ બધામાં અસલી જ્ઞાનનું અજવાળું ઝાંખું પડી જાય છે. આવા અર્ધઅંધારામાં સામાન્ય માણસ રસ્તો ભૂલી જાય છે, અટવાઈ જાય છે. એને ખબર નથી પડતી કે અડધો માર્ગ કાપી લીધા પછી હવે કઈ દિશામાં આગળ વધવું ? પૂર્વ કે પશ્ર્ચિમ ? ઉત્તર કે દક્ષિણ ? અને આ ગૂંચવણમાં પોતે ભળતી જ દિશા પકડી લે છે. જે મંઝિલ તરફ પહોંચવાની કઠિન યાત્રા શરૂ કરી હતી તેને બદલે એ ફરી પોતે જ્યાં હતો ત્યાં જ આવી જાય છે.

સિલેક્ટિવ ફેક્ટ્સનો આ જમાનો છે. વિકૃત તર્કશાસ્ત્રનો આ જમાનો છે. જે સત્ય અત્યાર સુધી માનવજાતને સમૃદ્ધ કરતું આવ્યું છે તે સત્યનાં કિરણોને ત્રિપાર્શ્ર્વ કાચમાંથી પસાર કરીને તમને કહેવામાં આવે છે કે સત્યનો અસલી રંગ આ છે અને તમે મૂંઝાઈ જાઓ છો કે તમે તો સત્યને રંગહીન માનીને ચાલતા હતા, અચાનક એમાં આટલા બધા રંગ કેવી રીતે ઉમેરાઈ ગયા ? ક્યારેક તમે પણ વહેતા પ્રવાહમાં હાથ ધોઈ લેવા માટે જી. દાસમાંથી જે. દાસ અથવા જે. દાસમાંથી જી. દાસ બની જવાની રમતમાં સામેલ થઈ જાઓ છો અને ભવિષ્યમાં તમને થનારું નુકસાન વહોરી લો છો. પણ અત્યારે તમને એની ખબર નથી, પડી પણ નથી. હાલનો ફાયદો એટલો મોટો છે કે ભવિષ્યમાં નુકસાન થૈ થૈને કેટલું થશે એવું વિચારીને નિશ્ર્ચિંત રહો છો.

જૈન પરંપરાના સ્યાદવાદ અને અનેકાંતવાદની ઉપેક્ષા ન કરવાની હોય પણ એનો સગવડિયો લાભ લેનારાઓથી ચેતી જવાનું હોય. એક વ્યક્તિએ પહેરેલા ખમીસનો આગલો હિસ્સો કાળો હોય અને પાછલો શ્ર્વેત હોય તો બેઉ તરફ ઊભેલી વ્યક્તિઓનો આ શર્ટના કલર માટેનો મત જુદો જુદો હોવાનો. આંખે પાટા બાંધીને હાથીના શરીરના જુદા જુદા અંગ વિશે મત બાંધનારાઓની દૃષ્ટાંતકથા તમે જાણો જ છો. પાટા છોડીને જુઓ તો ખબર પડે કે આ કયું પ્રાણી છે.

પણ સિલેક્ટિવ ફેક્ટ્સ યાને કિ હકીકતોને મારીમચડીને, એમાં કાપકૂપ કરીને, ફરી સાંધવામાં આવીને તમારી સમક્ષ રજુ થતી હકીકતો તમને છેતરે છે. અનેકાન્તવાદ અને સ્યાદવાદના પવિત્ર લેબલો વડે ચાલાક-ધૂર્ત લોકો દ્વારા તમારી સાથે છેપરપિંડી થતી હોય છે. તેઓને તમારી પરંપરા સાથે કોઈ મતલબ નથી. એ લોકો તો પોતાના સ્વાર્થ મુજબ તર્ક લડાવીને તમારી દલીલને કાપવાના કસબમાં નિપુણ બની ગયા છે. એમના માટે શરૂમાં આ ધંધો પોતાના સર્વાઈવલ માટે જરૂરી હતો, હવે એમને ખબર પડી ગઈ છે કે પોતાની સફળતાનો આધાર પણ પવન મુજબ પીઠ ફેરવવામાં જ છે.

ટીવીની ન્યુઝ ચેનલો પરની ડિબેટમાં કે યુટ્યુબ પર ફૂટી નીકળેલી ચિંગુમિંગુ ચેનલો પર કે પછી સોશિયલ મિડિયામાં થતી ચર્ચાઓમાં તમને જ્યારે જ્યારે ખંડનમિશ્રો કે મંડનમિશ્રો જોવા મળે ત્યારે આ લેખને યાદ કરજો.

પાન બનારસવાલા

વર્તમાનની ક્ષણ સ્મૃતિ બની જાય પછી જ એ ક્ષણનું મહત્ત્વ સમજાતું હોય છે.
-અજ્ઞાત

(તડકભડક : રવિવાર, 29 ઓક્ટોબર 2023)

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here