કોઈ તમારું અપમાન કરે છે ત્યારે : સૌરભ શાહ

(તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, રવિવાર, ૯ મે ૨૦૨૧)

અપમાનો સીધા તમારા અહમને ઠેસ પહોંચાડે છે. અપમાન થાય છે ત્યારે તરત જ બદલાની ભાવના જાગૃત થાય છે, સ્વમાનનો સવાલ ઊભો થાય છે, આ તો વટનો પ્રશ્ન છે એવી લાગણી સર્જાય છે. વળતો પ્રહાર ન થયો તો લોકો તમને નામર્દ સમજી બેસશે એવું વિચારીને ઇંટનો જવાબ પથ્થરથી આપવાની તૈયારી થાય છે.

અપમાનો ત્રણ પ્રકારે થતાં હોય છે.

એક.સામેવાળી વ્યક્તિએ પહેલેથી જ વિચારી રાખ્યું હોય છે કે એ તમારું અપમાન કરશે. તમને ઉતારી પાડશે. તમારા વિશેની સાચીખોટી વાત કહીને તમારું નીચાજોણું થાય એવું બોલશે કે એવું કંઈક કૃત્ય કરશે કે બીજાઓ પાસે કરાવડાવશે.

બીજા પ્રકારના અપમાનમાં કોઈનો ઈરાદો નથી હોતો તમને ઉતારી પાડવાનો પણ વાત કરતાં કરતાં ત્યાં સુધી વણસી જાય કે એ એવું કંઈક બોલી કે કરી નાખે જેને કારણે તમારું અપમાન થઈ જાય. સામેવાળાને કદાચ (કદાચ) પસ્તાવો પણ થાય કે એણે આવું નહોતું બોલવું પણ બોલાઈ ગયું. જે થઈ ગયું તે થઈ ગયું. હવે જો એ સ્પષ્ટતા કરવા જશે કે દિલસોજી પ્રગટ કરશે તો બીજા લોકોમાં એનું ખરાબ લાગશે એવું માનીને એ પોતાના શબ્દો પાછા ખેંચતો નથી. તમારી સામે હાથ જોડતો નથી.

ત્રીજા પ્રકારના અપમાનમાં તમારી પોતાની ગેરસમજણ હોય છે. એનો એવો ઇરાદો તો નહોતો જ, આવેશમાં પણ એ એવું કંઈ જ નથી બોલ્યો. પણ તમે ધારી લીધું કે આમાં તો તમારું અપમાન થયું કહેવાય. તમારો કોઈ સહૃદયી તમને સમજાવે ત્યારે કદાચ (કદાચ) તમને ભાન થાય કે આમાં ખોટું લગાડવા જેવું કઈ નહોતું. તમે જ તમારા મનઘડંત ચોકઠાં ગોઠવીને આને અપમાનજનક વાત ગણી લીધી. તમારા સિવાય બીજા કોઈનેય આમાં તમારું અપમાન થયું હોય એવું લાગ્યું નથી.

આવાં ત્રણેય પ્રકારનાં અપમાનો તમારી અંગત જિંદગીમાં, તમારા પારિવારિક તેમ જ સામાજિક જીવનમાં અને તમે જો થોડાઘણા જાણીતા હશો તો તમારી પબ્લિક લાઇફમાં તમારે સહન કરવાનાં હોય છે.

કોઈ પણ પ્રકારનું અપમાન થાય ત્યારે કડવો ઘૂંટડો ગળીને તમે તમારું કામ આગળ વધારતા રહો ત્યારે એ વૃત્તિ તમારી જિંદગીની બેલેન્સ શીટના જમા પાસે ઉમેરાતી હોય છે. યાદ રાખજો, અપમાનોનો જવાબ આપવા કે બદલો લેવા માટે તમે જેટલો સમય અને જેટલી શક્તિ ખર્ચો છો તે બધું જ જીવનના અંતે તમારા સરવૈયાની ઉધાર બાજુએ દેખાવાનું છે. વટના કટકાવાળી દંતકથાઓ મનોરંજન માટે બરાબર છે. કોઈએ તમારી સ્ત્રી પર કે તમારા દેશ પર હુમલો કર્યો એને ‘અપમાન’ની વ્યાખ્યામાં ન મૂકી શકાય – એ ગુનો છે, ઘોર અપરાધ છે અને તેનો દંડ પાપીઓને મળવો જ જોઈએ માટે ‘અપમાન’ની વાત થતી હોય ત્યારે આ બધી વાતોને વચ્ચે ઘસડી લાવીને મૂળ મુદ્દાને ચાતરી જશો તો નુકસાન તમારું થશે.

કેટલાક લોકોના સ્વભાવમાં જ હોય છે- બીજાઓને વાતવાતમાં ઉતારી પાડવાનું. તેઓ તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારી સાથે આનંદપ્રમોદ માટે જોડાયા હશે તો પણ કોઈને કોઈ જૂનીનવી વાતે તમને મહેણાંટોણાં મારીને કે દાઢમાં બોલીને તમને સંભળાવી દેશે. તમને તાબડતોબ એની સામે જવાબ આપવાનું મન થશે. સોશ્યલ મીડિયામાં તો આવા ઘણા ટ્રોલર્સ હોવાના. તેઓ તમારી સળી કર્યા કરવાના. વારેઘડીએ બીજાઓને ઘોંચપરોણો કરવામાં એમને પિશાચી આનંદ પ્રાપ્ત થતો હોય છે. એમને જવાબ આપવામાં તમારો સમય બરબાદ થવાનો છે. તમે જે કામ કરી રહ્યા છો કે કરી ચૂક્યા છો એની સામે એમણે તો રતિભારનું કામ કર્યું નથી. એ લોકોએ તો બેઠાં બેઠાં બીજાઓની સામે એલફેલ બોલીને પોતાના પાંચ-પચીસના વર્તુળમાં વ્યર્થ બહાદુરીનું પ્રદર્શન કરવાનું છે. તમે એમને વિવેકથી પ્રત્યુત્તર વાળશો કે (ઇવન એમનું ઘોર અપમાન કરશો તો પણ) એમને તો કાદવમાં રમતા સુવ્વરની જેમ મઝા જ પડવાની છે. નુકસાન તમારાં સમય-શક્તિનું જવાનું છે.

લોકોને શું લાગશે, તમારામાં જવાબ આપવાની તાકાત નથી? તમે જો વળતો પ્રહાર નહીં કરો કે તમારી સામે ફેંકવામાં આવેલા કપોળકલ્પિત આક્ષેપો વિશે સ્પષ્ટતા નહીં કરો તો તમારા શુભેચ્છકો, મિત્રો, ચાહકો વગેરેઓ માની લેશે કે કાં તો આનામાં તાકાત નથી, મર્દાનગી નથી કાં પછી એના પર થયેલા આક્ષેપો સાચા છે. આવી અકળામણ તમને સામે હથિયાર ઉગામવા પ્રેરે છે. તમે સમજતા નથી કે પેલો તો નવરો છે. કામ તમારું ચાલે છે અને ધમધોકાર ચાલે છે. એના પર કોઈને ભરોસો નથી કારણ કે એનો ભૂતકાળ એવો છે. જ્યારે તમારી વિશ્વસનીયતા ઘણી ઊંચી છે. તમે અત્યાર સુધી જે જે કામ કર્યાં છે તેને કારણે તમારી જે શાખ ઊભી થઈ છે એ કંઈ આવાં અપમાનોથી ભોંયભેગી નથી થઈ જવાની.

તમારું અપમાન કરનારાઓમાં અનેક પ્રકારના લોકો હોવાના. આમાંથી તમને જાણી જોઈને ઉશ્કેરનારા લોકોથી તમારે સૌથી વધુ સાવધ રહેવું પડે. તેઓ તમને ઉશ્કેરી-ઉશ્કેરીને વાત એ હદ સુધી ખેંચી લઈ જશે જ્યારે તમે આકરી પ્રતિક્રિયા આપીને તમારું જ નુકસાન કરી બેસશો. પચાસ વર્ષ પહેલાંની એક હિન્દી ફિલ્મમાં પોલીસવાનમાં ગુંડાઓ સાથે પુરાયેલો હીરો વિલનને અપશબ્દો કહીને ઉશ્કેરવાની કોશિશ કરે છે. જડબુદ્ધિ વિલન ઉશ્કેરાઈ રહ્યો છે ત્યારે એ વિલનનો ચાલાક બૉસ સમજી જાય છે અને વિલનને શાંત પાડતાં કહે છે કે આ તો હીરોની ચાલબાજી છે. અત્યારે તું દિમાગથી કામ લે – અપમાનનો બદલો લેવાનું માંડી વાળ.

તમને ભટકાતા લોકોમાં કેટલાક એવા પણ હોય છે જેઓ તમને ઉશ્કેરીને તમારું માનસિક સંતુલન ખોરવી નાખવા માગતા હોય છે. આવા લોકો જાણી જોઈને એવી રીતે વર્તે છે કે તમે એમનું અપમાન કરો. અને જે ઘડીએ તમે ઉશ્કેરણી કરશો તે જ ઘડીએ એને કારણ મળી જશે- તમારી તબાહી કરવાનું.

કોઈનું ય અપમાન કરતાં પહેલાં કે કોઈના અપમાનને કારણે ઉશ્કેરાતાં પહેલાં સાવધ રહેવું—તમારા શત્રુની ચાલમાં તમે ફસાઈ જતા તો નથી ને. તમે જેની સામે બાખડી રહ્યા છો એ જો દુર્જન હશે તો આજે નહીં તો કાલે તમને નડ્યા વિના નહીં રહે. દુર્જન નહીં હોય તોય તમારા ડાઉન ટાઇમ વખતે એ તમને બે લાત મારીને તમે એની સામે જે બોલ્યા હતા તેનો બદલો લેશે, લેશે ને લેશે જ.

શ્રેષ્ઠ તો એ છે કે ક્યારેય કોઈ અપમાન કરે ત્યારે ઇગો વચ્ચે લાવ્યા વિના, વટના કટકા બન્યા વિના, શૂરવીરતા દેખાડી દેવાની ભાવના વિના— એવાં અપમાનોને સદંતર અવગણવાનાં, ઇગ્નોર કરવાનાં. માનવાનું કે કોઈ તમારા પર થૂંકી ગયું તો સામે તમારાથી એના પર એવું કરવા ન જવાય. ગંદકી ધોઈને તમારે તમારા કામે લાગી જવાનું છે. થૂંકનારાઓ જિંદગી આખી એ જ કર્યા કરવાના છે. તમારે તમારા કાર્યમાં એવરેસ્ટની ટોચ પર પહોંચીને તમારા અસ્તિત્વનું ગૌરવ વધારવાનું છે. બસ, આટલું યાદ રાખવાનું.

પાન બનાર્સવાલા

બે જ વિકલ્પ છે તમારી પાસે – બીજાઓ જે કરે છે તેની પ્રતિક્રિયાઓ આપતા રહો અથવા તમારે જે કરવું છે તે કામમાં મગ્ન રહો.

— અજ્ઞાત

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

1 COMMENT

  1. Apman no badlo..khub saras lekh.maja avi gai.you are changing me and people like me.farivar abhinandan. Keep it up.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here