નિકટતા ઉપરછલ્લી અને આભાસી હોય ત્યારે – સૌરભ શાહ

(લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 26 જૂન 2024)

પાયાનો સવાલ એ છે કે માણસ બદલાય એટલે કે એના સ્વભાવ અને/અથવા એના વિચારોમાં પરિવર્તન આવે ત્યારે એ વિશે એને ફરિયાદ કરવી જોઈએ કે અભિનંદન આપવાં જોઈએ?

તમારી આસપાસની દુનિયા વિશે, તમારી આજુબાજુના લોકો વિશે તમે પાંચમા ધોરણમાં ભણતા હતા ત્યારે શું વિચારતા હતા? પરણ્યા પહેલાં અને પરણ્યા પછી શું વિચારતા હતા? આજની તારીખે શું વિચારો છો? વિચારોમાં થતી તમારી પ્રગતિને તમારી આસપાસના લોકો સાંખી શકતા નથી. તેઓ તમારો પગ ખેંચીને તમને જ્યાં હતા ત્યાં ફરી પાછા લઈ જવા માગે છે. વિચારો કરતાં એમને વધારે કઠે છે તમારું વર્તન. પહેલાં તો કેટલી સારી રીતે વાત કરતા હતા, કેટલો બધો સમય મારી સાથે ગાળતા હતા, હવે તો ત્રણ મિસ્ડ કૉલ થાય તોય જવાબ આપતા નથી, આ ફરિયાદ એકદમ કૉમન છે. આવી ફરિયાદ કરતી વખતે આપણે એ શક્યતા તપાસવાની ભૂલી જઈએ છીએ કે કદાચ આપણે પોતે જ બદલાઈ ગયા છીએ જેને કારણે સામેવાળી વ્યક્તિ હવે આપણો ફોન ઉપાડતી નથી.

કોઈ વ્યક્તિની ખૂબ નિકટ આવી ગયા પછી શા માટે થોડા જ વખતમાં એ બદલાઈ ગયેલી લાગતી હોય છે? મેં તો એમને બિલકુલ એવા નહોતા ધાર્યા એવું વલય વહેલુંમોડું મનમાંથી પસાર થયા વિના રહેતું નથી. આવું થવાનાં કારણો શું? એક કારણ સમજાય છે. કઈ વ્યક્તિની તમે નિકટ અથવા ખૂબ નિકટ આવતા હો છો? બે પ્રકારની. કાં તો એ તમને અંગત લાગણીના ધોરણે ખૂબ ગમી હોય, કાં તમને એ વ્યક્તિ તમારા જીવનમાં, તમારી કારકિર્દીમાં કે તમારા ધંધા-કામકાજ-નોકરીમાં ઉપયોગી છે એવું લાગ્યું હોય. બેમાંથી કયા કારણસર તમે એ વ્યક્તિની નજીક આવો છો એ અહીં અગત્યનું નથી. કોઈ પણ વ્યક્તિની નિકટ આવતી વખતે તમે એની તમામ નબળાઈઓ પ્રત્યે આંખ આડા કાન કરતા હો છો. લાગણીનો તાર જેની સાથે જોડાય છે એની નાનીમોટી ખરાબ આદતો શરૂમાં બિલકુલ કનડતી નથી અને કનડતી હોય તોય એના વિશે વિરોધનો સૂર પ્રગટ કરવાની લાપરવાહી હોય છે. આ લાપરવાહી છલકાઈ જતી લાગણીઓને કારણે કે ભાવવિભોર બની જતા મનને કારણે હોઈ શકે અને ફરિયાદ કરીશું તો જે કંઈ મળી રહ્યું છે તે પણ ઝૂંટવાઈ જશે એવી અસલામતીને કારણે પણ હોઈ શકે. આ ઉપરાંત, એ ગાળામાં સામેની વ્યક્તિને જોવાની દૃષ્ટિ જ કંઈક એવી થઈ ગઈ હોય જેને કારણે એનામાં રહેલા કોઈ દોષ, એની કોઈ એબ ધ્યાનમાં ન આવે. એ વ્યક્તિ પોતાના દોષ, પોતાની એબ છુપાવવા માગે છે એવું નથી, તમે જ એને જોવા નથી માગતા.

સમય જતાં સંબંધો સરળતાપૂર્વક સડસડાટ વહી શકે એવો તબક્કો આવે ત્યાં જ જાદુગરની ટોપીમાંથી એક પછી એક અવનવી ચીજો નીકળે એમ સામેની વ્યક્તિના સ્વભાવની તમામ ખોડખાંપણ એક પછી એક તમને દેખાવા માંડે. નાના નાના પ્રસંગો અને ક્ષુલ્લક કિસ્સાઓ દ્વારા એના સ્વભાવમાંના કાંકરા બહાર નીકળી તમને વાગવા માંડે. આ એ જ કાંકરા છે જે અગાઉ ત્યાં જ હતા, તમે ધાર્યું હોત તો એને જોઈ શકતા હતા, પણ તમે તે વખતે એને જોવા માગતા નહોતા. એથીય વધુ કડવું સત્ય એ છે કે તમારી આંખને એ કાંકરા હીરાના પાસાદાર ટુકડા જેવા લાગતા હતા. આવું થાય ત્યારે તમે હવે પહેલાં જેવા રહ્યા નથી એવી ફરિયાદ કેટલી વાજબી?

કેટલાક લોકો ખરેખર બદલાતા હોય છે. અગાઉ તેઓ અત્યારે છે એવા નહોતા, કારણ કે એવા થઈ શકવાનું એમને પોસાય એમ નહોતું. કેટલીક વ્યક્તિઓ સ્વભાવગત તોછડી, ઘમંડી અને સ્વકેન્દ્રી હોય છે. પણ સંજોગોને કારણે એમણે પોતાના આવા સ્વભાવનાં લક્ષણો દબાવી રાખવાં પડે છે. સત્તા કે કીર્તિ કે પૈસો અથવા આ ત્રણેય આવી જતાં તેઓ માનવા માંડે છે કે હવે જીવનમાં આગળ વધવા માટે વિવેકી બનવાની કે કોઈને ઉપયોગી થઈ પડવાની હવે જરૂર રહી નથી. માણસમાં જ્યારે આવો ભ્રમ જન્મે કે જિંદગીમાં હવે બીજા કોઈની જરૂર નથી ત્યારે એના સ્વભાવમાં જન્મજાત પડી રહેલાં કુલક્ષણો બહાર આવીને દેખાવા માંડે છે. આવા લોકો માટે કહેવાતું હોય છે કે તેઓ હવે બદલાઈ ગયા છે. વાસ્તવમાં હવે તેઓ જેવા હતા તેવા પ્રગટ થતા હોય છે.

‘લોકો બદલાય છે અને એકબીજાને કહેવાનું ભૂલી જાય છે’- અમેરિકન લેખિકા લિલિયન હેલમનનું આ વાક્ય અમેરિકાથી એક મિત્રે મોકલેલા પોસ્ટકાર્ડની પાછળ લેખિકાના ફોટા સાથે છાપેલું છે. લિલિયન હેલમને બદલાઈ જતા લોકોમાં અગાઉ ઉલ્લેખેલા બે પ્રકારના નહીં પણ ત્રીજા જ પ્રકારના લોકોની વાત કરી છે જેમાં આપણા સૌનો સમાવેશ થઈ જાય છે. માણસો ખરેખર બદલાઈ જતા હોય છે અને એકબીજાને કહેવાનું ભૂલી જતા હોય છે કે અમે બદલાયા છીએ. નવા વિચારો, નવી માહિતી, નવા સંજોગો અને જૂના વિચારો-માહિતી-સંજોગોનું નવું અર્થઘટન- આ તમામને કારણે માણસના બાહ્ય સ્વભાવમાં ધીમું પણ ચોક્કસ પરિવર્તન આવે છે. એના વ્યક્તિત્વની લાક્ષણિકતા સમો એનો અંદરનો સ્વભાવ એનો એ જ રહે છે. જેમ કે ઉદાર માણસ ઉદાર અને કૃપણ વ્યક્તિ કૃપણ. પરંતુ જે મનોભાવો વાણી દ્વારા વ્યક્ત થાય છે એમાં પરિવર્તન આવ્યા વિના રહેતું નથી. જેમ કે: અધીરાઈને ઠેકાણે ઠાવકાઈ.

જે વ્યક્તિની નિકટ આવ્યા હોઈએ એની સાથેની નિકટતા ઉપરછલ્લી અને આભાસી હોય ત્યારે એના સ્વભાવના માત્ર ઉપલા એક-બે પડનો જ પરિચય થતો હોય છે. એ પડ જ્યારે ઊખડી જાય છે કે જ્યારે એના પર બીજાં પડ ચડે છે ત્યારે એ વ્યક્તિ બદલાઈ ગયેલી લાગે છે. સતહી સંબંધો, સપાટીછલ્લા સંબંધો ન હોય તો પણ અંતરના ગર્ભ સુધી પહોંચ્યા પછી સંબંધો બંધાયેલા હોય તો આવી તકલીફ બહુ પડતી નથી. આવા સંબંધો હોય તો વ્યક્તિમાં આવેલું દરેક પરિવર્તન સહ્ય બને છે.

બધા જ બદલાય છે, પણ જે સભાન રહીને બદલાય છે તે પોતાની મૂળ માટી સાચવી રાખી શકે છે. બદલાયા વિના આગળ નથી વધી શકાતું. બદલાવું પડે છે કારણ કે જેવા બનવું છે એવા સ્વરૂપે ભગવાન પણ આપણને જન્મ નથી આપતો. બદલાતી વખતે કોઈકને કશુંક તૂટવાનો અવાજ સંભળાય કદાચ. ઇંડાનું કોચલું તૂટતી વખતે, પંખીનું બચ્ચું બહાર આવતું હોય ત્યારે, એવો એવો અવાજ આવતો હશે જે કદાચ આપણા સુધી પહોંચતો નહીં હોય કારણ કે આવા અવાજો વિનાશક સૂર લઈને નથી આવતા. આવા સર્જનાત્મક અવાજો, ભલે પછી એ કશુંક તૂટવાના કેમ ના હોય, જરૂરી હોય છે જિંદગીમાં. કારણ કે એને તો મહત્ત્વ કોચલાની અખંડિતતાનું નથી હોતું, એને તોડીને બહાર આવતી નવી સૃષ્ટિનું હોય છે.

સાયલન્સ પ્લીઝ

રહેં ના રહેં હમ
મહેકા કરેંગે…

– હિંદી સિનેમાનું એક અમર ગીત

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

 1. Dear Saurbh bhai,
  Just now I read your Gujarati article on” transition”
  One word that enthralled me most is ” sapatichhalla”.
  I found it very much akin to ‘superficial ‘
  Hats off for using this robustly minted word.
  With regards
  Vijay Kanabar

 2. હરિ ઓમ.
  પરિવર્તન જરુરી જ નહિ …અનિવાર્ય હોય છે.
  પણ બદલાવ ના આ પ્રોસેસ મા આપણુ અસ્તિત્વ, આપણી મુળ ઓળખ, આપણા સુસંગત અને સુસંસ્કૃત વેલ્યુ સીસ્ટમ ન બદલાઈ જાય એ વિચાર તમારા લેખ મા સરસ રીતે પ્રગટ થયો છે.
  આભાર અને સહદય પ્રણામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here