સરળતાથી મળે તેની લોકોને કિંમત નથી હોતી : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : સોમવાર, ૧૮ ઑક્ટોબર ૨૦૨૧)

સંતોષ અને અસંતોષ બેઉ જરૂરી છે જીવનમાં. લજ્જા અને નફ્ફટાઈ એ બંને પણ જરૂરી. ચાણક્ય સમજાવે છે કે ક્યારે શું જરૂરી છે. ‘ચાણક્યની વ્યવહારનીતિ’ પુસ્તકમાં સ્વામી સચ્ચિદાનંદ ચાણકયનીતિના આઠમા અધ્યાયના ૧૮મા શ્લોકની સમજૂતી આપતાં ૪ વાત લખે છે:

૧. અસંતુષ્ટ બ્રાહ્મણ નષ્ટ થઈ જાય છે. અર્થાત્ બ્રાહ્મણ અને સાધુ વગેરે, જે ભિક્ષાજીવી હોય તેમણે જે કંઈ પોતાની મેળે પ્રાપ્ત થાય તેમાં સંતોષ કરવાનો હોય. જો તે સંતોષ ન કરે અને ‘લાવો-લાવો’ કરે તો તેનું બ્રાહ્મણત્વ અને સાધુત્વ ખોઈ બેસે.

૨. પણ જો બ્રાહ્મણ અને સાધુની માફક રાજા પણ સંતોષી થઈ જાય તો તે નષ્ટ થઈ જાય. રાજા, વ્યાપારી, ઉદ્યોગપતિ અને સાહસિકોએ કદી સંતોષી ન થવું જોઈએ. તેણે તો વધુ ને વધુ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખવાની જેથી તે ચક્રવર્તી રાજા થઈ શકે. આ બધાં ક્ષેત્રોમાં જે સંતોષ કરીને અટકી જાય તેનું પતન થઈ જાય. અર્થાત્ અટકીને સ્થિર થવાતું નથી પણ પતન થતું રહે છે. તેથી અસંતોષ એ રાજાનો ગુણ કહેવાય.

૩. ગણિકા જો બહુ શરમાળ હોય તો તેનો નાશ થઈ જાય. અર્થાત્ તેનો ધંધો ચાલે નહીં. ગણિકા તો નિર્લજ્જ જ હોવી જોઈએ. તે ચેનચાળા-હાવભાવ કરીને કામી લોકોને પોતાની તરફ ખેંચે તો જ તેને સફળતા મળે.

૪. પણ જો કોઈ ખાનદાન ઘરની કુળવધૂ હોય તે જો નિર્લજ્જ થઈ જાય, અર્થાત્ ગમે તેમ હાવભાવ-ચેનચાળા કરતી થઈ જાય તો તે નષ્ટ થઈ જાય. અર્થાત્ તેની કુલીનતા નષ્ટ થઈ જાય. તેણે તો માન-મર્યાદામાં રહીને લજ્જારૂપી વસ્ત્રો ધારણ કરીને જ જીવવાનું હોય.

નવમા અધ્યાયના ત્રીજા શ્લોકમાં બ્રહ્માજીએ સર્જેલી સૃષ્ટિમાં જે પાંચ દોષ રહી ગયા છે તેની વાત ચાણક્ય કરે છે અને સ્વામી સચ્ચિદાનંદે બહુ જ સમજપૂર્વક આ પાંચેય દોષોને વાજબી ઠેરવ્યા છે:

૧. બ્રહ્માજીએ સોનાને સુગંધ ન આપી તે એનો સૌથી પહેલો દોષ. જો સોનું મઘમઘતું હોત તો સોનાના દાગીના પહેરેલી વ્યક્તિમાંથી મઘમઘતી સુગંધ આવતી હોત. પણ જો સોનામાં સુગંધ હોત તો ચોર-લૂંટારાને શોધવા જવું ન પડત. તેને ગમે ત્યાં સંતાડ્યું હોત તો પણ એની સુગંધથી તે જાહેર થઈ જાય, તો તેની રક્ષા કઠિન થઈ જાત.

૨. શેરડીને મીઠો ગળ્યો રસ આપ્યો પણ ફળ ન આપ્યું. જો શેરડીને ફળ લાગતાં હોત તો કેટલા બધાં મીઠાં હોત. આવા મીઠા રસ વિનાનાં વૃક્ષોને મીઠાં ફળ લાગે છે, જેમ કે કેરી, કેળાં, સંતરાં, દ્રાક્ષ વગેરે. તો મીઠા રસવાળા શેરડીના સાંઠાને જો ફળ લાગ્યું હોત તો તે કેટલું બધું મીઠું હોત! બ્રહ્માજીની આ બીજી ભૂલ! પણ માનો કે શેરડી ઉપર ફળોની લૂમ લાગી હોત તો શેરડીમાં રસ જ ન હોત કારણ કે રસ ફળમાં જતો રહેત તો પછી ગોળ, ખાંડ વગેરે પદાર્થોની છૂટ ન હોત અને એટલે જ જે છે તે જ બરાબર છે.

૩. ચંદનમાં મઘમઘતી સુગંધ તો છે પણ તેને પુષ્પો બેસતાં નથી. જો પુષ્પો બેસતાં હોત તો તેની સુગંધ બીજાં બધાં જ પુષ્પો કરતાં વધારે હોત. બ્રહ્માની ભૂલ થઈ ગઈ એમ ચાણક્ય માને છે, પણ સ્વામીજી કહે છે કે જો ચંદનના વૃક્ષને ફૂલો બેસતાં હોત તો ચંદનકાષ્ઠનું કોઈ મહત્ત્વ જ ન હોત. બધી સુગંધ પુષ્પોમાં ચાલી જાત તો ચંદન ઘસીને પૂજન-અર્ચનમાં લગાવવાનું ન હોત. તો ચંદનનું લાકડું એ માત્ર લાકડું જ થઈ જાત, બળતણના કામમાં જ આવતું હોત.

૪. બ્રહ્માએ સરસ્વતીના ઉપાસકો એવા વિદ્વાનોને ગરીબ બનાવ્યા, દરિદ્ર બનાવ્યા, કોઈને ધનાઢ્ય ન બનાવ્યા. ખરેખર તો વિદ્વાનોને ધનાઢ્ય બનાવવા જોઈતા હતા જેથી સરસ્વતી અને લક્ષ્મી એકસાથે રહી શકત. પણ આ દરિદ્રતા અનુભવોનો ભંડાર બની જતી જેમાંથી નિર્મિત થયેલું સાહિત્ય અદ્ભુત બનીને અમર થઈ જતું. ગરીબી વિના જીવનના અનુભવોનો ભંડાર મળતો નથી. ધનભંડાર કરતાં અનુભવભંડાર ઘણો મહાન હોય છે. તેમાંથી રચાયેલા સાહિત્યને અમર સાહિત્યનું પદ મળે છે.

૫. ચાણક્ય બ્રહ્માજીનો પાંચમો દોષ એ બતાવે છે કે તેમણે જે મહાન રાજવીઓ બનાવ્યા અથવા મહાન મનુષ્યો બનાવ્યા તેમને અલ્પાયુ બનાવ્યા. તે બધા વહેલા મરી જતા હોય છે અને મોટા ભાગે જે દુષ્ટ લોકો બનાવ્યા છે તે બહુ લાંબું જીવતા હોય છે. આ ભૂલ થઈ ગઈ કહેવાય. પ્રજાપાલક રાજાઓને દીર્ઘજીવી અને ખલ પુરુષોને અલ્પજીવી બનાવવાની જરૂર હતી, તો લોકો વધુ સુખી થાત. પણ એવું લાગે છે કે તો સજ્જનતાની કે સદ્ગુણોની કદર-કિંમત ન હોત. સજ્જનતા અને સદ્ગુણોની કિંમત-કદર તેમની હયાતીમાં ભાગ્યે જ થતી હોય છે. તેમની ગેરહાજરીમાં લોકોને તેમનો મહિમા સમજાતો હોય છે. લોકોને જે સરળતાથી મળે તેની કિંમત નથી હોતી, તેનો અભાવ થાય ત્યારે જ તેની મહત્તા સમજાય છે.

ચાણક્ય કહે છે કે આ નવ વસ્તુઓનું જેટલું મર્દન કરો તેટલી જ વધુ ગુણકારી થઈ શકે છે.

૧. શેરડીના સાંઠાને જેમ-જેમ ચાવો તેમ-તેમ રસ આપે. સાંઠાને ચાવ્યા વિના માત્ર મોઢામાં મૂકી રાખવાથી રસ ન આવે.

૨. તલને ઘાણીમાં જેટલા પીસો તેટલું વધુ તેલ નીકળે. પીલ્યા વિના તેલ ન નીકળે.

૩. ક્ષુદ્ર એટલે તુચ્છ માણસોને દબડાવતા રહો તો જ કામ આપે. તેમને બહુ માન-સન્માન આપો તો માથે ચઢી જાય, કામ ન કરે.

૪. કાન્તા-સ્ત્રીને વધુમાં વધુ શારીરિક દબાણ-ઘર્ષણ કરો તો પ્રસન્ન રહે, જો તેનો સ્પર્શ પણ ન કરો તો નારાજ રહે. તેને સ્પર્શ-દબાણ-ઘર્ષણ વધુ ગમતાં હોય છે.

૫. હેમ-સુવર્ણને પણ વધુ તપાવીને વધુ ટીપો તો ચળકતું થાય.

૬. ખેતીની ભૂમિને જેમ જેમ હળ વગેરેથી ખેડતા રહો તેમ તેમ તે વધુ ફળ આપતી થાય.

૭. ચંદનને ખૂબ ઝીણું ઘસો તો તેના લેપથી શીતળતા મળે.

૮. દૂધ-દહીંને જેટલું વલોવો તેટલું માખણ આપે. વલોવ્યા વિના માખણ છૂટું ન પડે.

૯. તામ્બૂલ-પાનને જેમ જેમ ચાવતા રહો તેમ તેમ તેમાંથી સ્વાદ મળે.

ચાણક્ય કહે છે કે આ નવ વસ્તુઓને જેમ જેમ ઘસો તેમ તેમ વધુ ફળદાયી થાય.

આ ઉપરાંત ચાણક્ય કહે છે કે:

૧. દરિદ્રતા ધીરજથી શોભે છે. અર્થાત્ જીવનમાં દરિદ્રકાળ પણ આવે તેવા સમયે જો માણસ હાય-હાય કરીને જ્યાં ત્યાં ગમે તેની પાસે રડીને માગતો ફરે તો તુચ્છ થઈ જાય. પણ તેવા સમયે જો ધીરજ રાખીને ચૂપ રહે, શાન્ત રહે, કોઈની પાસે કશું માગે નહીં તો તેની દરિદ્રતા પણ શોભી ઊઠતી હોય છે. દરિદ્રતામાં જ અયાચકતા શોભે છે.

૨. કુવસ્ત્રતા – માણસ સસ્તાં વસ્ત્રો પહેરે, પણ સ્વચ્છ કરીને પહેરે તો સસ્તાં વસ્ત્રો પણ શોભી ઊઠે છે. વસ્ત્રો મોંઘાં હોય પણ મેલાં હોય, લઘરવઘર હોય તો ન શોભે.

૩. સસ્તું અન્ન હોય પણ તાજું, સારી રીતે રાંધેલું હોય તો તે સ્વાદિષ્ટ લાગે છે. મોંઘું અન્ન હોય, પણ કાચુંપાકું, બરાબર રંધાયેલું ન હોય તો તેનો સ્વાદ ન આવે.

૪. કુરૂપતા – માણસ કદરૂપો હોય, પણ શીલવાન હોય તો દીપી ઊઠે. બહુ રૂપાળું માણસ હોય પણ શીલ વિનાનું હોય તો તે શોભે નહીં, તુચ્છ લાગે.

આજનો વિચાર

દુ:ખની જો વાત માંડું તો એમાં એવું છે કે,
અડધો ગયો હું સામો, અડધું એ આવ્યું સામું.

— અનિલ ચાવડા

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here