રિયાઝ અને રસોડું: સૌરભ શાહ

(તડકભડકઃ ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, 8 જાન્યુઆરી 2023)

એક ગિટારિસ્ટને તમે ગિટાર વગાડતાં જુઓ છો. કોઈ પ્રયત્ન વિના એની આંગળીઓ ગિટારના તાર પર ફરી રહી છે અને મધુર સંગીત રેલાઈ રહ્યું છે. એના ચહેરા પર ગિટાર બરાબર વાગે છે કે નહીં એનો કોઈ સ્ટ્રેસ નથી, એકદમ સાહજિક રીતે-રોજિંદુ કામ હોય તે રીતે એ ગિટાર વગાડી રહ્યો છે. તમને પણ ગિટાર વગાડવાનું મન થઈ જાય છે અને સંગીતનાં સાધનો વેચતી દુકાનમાં જઈને તમે પણ તમને પોસાય એના કરતાં પણ મોંઘી એક ગિટાર ખરીદી લાવો છો. આજે એ ગિટાર ઘરના કોઈ ખૂણામાં પડી છે. અંદર ઘરેલુ જીવજંતુઓનો નિવાસ છે.

સચિન તેન્ડુલકર કે હાર્દિક પંડ્યાને ક્રિકેટ રમતાં જોઈને તમને પણ એવી સ્ફૂર્તિથી રમવાનું મન થઈ આવે છે. બૅટ ખરીદીને ઘરની નજીકના ગ્રાઉન્ડમાં જઈને ક્રિકેટ રમવાનું શરૂ કરો છો. વર્ષો પછી તમે સચિન-હાર્દિકની જેમ ટેસ્ટ મેચ કે ઇન્ટરનેશનલ ક્રિકેટ તો શું રણજી ટ્રોફીની ટીમમાં પણ નથી રમી શકતા. એ વાત તો જવા દો પેલા ગ્રાઉન્ડમાં રમાતી ક્રિકેટ ટીમના કૅપ્ટન પણ એકેય વખત બન્યા નથી.

રિઝલ્ટ્સની મૌસમ આવી પહોંચે છે અને ડઝનબંધ એસએસસી, આઈસીએસસી, સીબીએસસીના બોર્ડ રેન્કર્સના પાસપોર્ટ ફોટાઓ છાપતી કોચિંગ ક્લાસીસની જાહેરખબરોથી છાપાંનાં ફ્રન્ટ પેજ છલકાઈ જાય છે. તમે સપનું જોતાં થઈ જાઓ છો કે એક દિવસ તમારાં દીકરા-દીકરીનો ફોટો પણ આ જ રીતે છાપાંમાં છપાશે.
પણ આવું નથી થતું.

શું કામ?

કારણ કે આપણને ખબર જ નથી કે જેમના ફોટા છપાયા છે એ તમામ વિદ્યાર્થીઓ તેજસ્વી હોવા ઉપરાંત એમણે આખું વરસ ભણવા પાછળ કેટલી મહેનત કરી છે. મોબાઈલ પર વૉટ્સઍપગીરી કરવાને બદલે અને દોસ્તાર-બહેનપણીઓ સાથે કૉફીશૉપમાં કે પબમાં જઈને કલાકો સુધી ગપ્પાં મારવાને બદલે ઘરમાં/લાયબ્રેરીમાં સ્ટડી ટેબલ પર જઈને કલાકો સુધી ટેક્સ્ટબુક્સ અને નોટ્સ વાંચ્યાં છે. એક દિવસ નહીં, આખું વરસ.

સચિન, વિરાટ, હાર્દિક કે બીજા કોઈપણ ક્રિકેટરે ક્રિકેટને પોતાનો શોખ નથી માન્યો, જીવન માન્યું છે. તમે ટાઈમ મળે ત્યારે ક્રિકેટ રમવા ઉપડી જતા – ‘ટાઇમ મળે ત્યારે’. એ લોકોએ ફુરસદમાં ક્રિકેટ નથી રમી, ક્રિકેટ માટે પોતાની ફુરસદનો ભોગ આપ્યો છે. સવારે જાગીને રાતના સૂવા સુધી જે ટાઈમ મળ્યો હોય તે તમામ ટાઈમ ક્રિકેટ રમવામાં, ક્રિકેટ વિશે વિચારવામાં અને મહાન ક્રિકેટરોની રમતને જોવામાં ગાળ્યો છે.

નવી નવી ગિટાર હાથમાં આવી ગયા પછી અઠવાડિયામાં ત્રણ દિવસ એક-એક કલાક માટે ગિટારના ક્લાસ જૉઈન કરી લેવાથી ગિટાર વગાડતાં આવડી જશે એવા ભ્રમમાં છો તમે. તમારા ફેવરિટ સૉન્ગના બે-ચાર બાર વગાડતાં આવડી ગયું એટલે ગિટાર શીખી ગયા એવું તમને લાગ્યું અને એટલે જ આજે તમારી ગિટારમાં ઘૂસીને ઉંદરડીએ દસ બચ્ચાંને જન્મ આપ્યો છે.

આપણે હંમેશાં સફળ વ્યક્તિઓના જીવનમાં, એમણે કરેલા કાર્યનું અંતિમ પરિણામ જોઈએ છીએ. એ સફળતાથી અંજાઈ જઈએ છીએ. આપણને ખબર જ નથી કે અત્યારે વાજબી રીતે લાઇમલાઇટમાં મહાલી રહેલા આ લોકોએ એકાન્તમાં, ગુમનામીના અંધારામાં કેટલા કલાકો, દિવસો, વર્ષો સુધી થાક્યા વિના, કંટાળ્યા વિના, કોઈ રીતે હતાશ થયા વિના એકધારી પ્રેક્ટિસ કરી છે, રિયાઝ કર્યા છે, રિવિઝન કર્યું છે.

આપણને માત્ર સફળ વ્યક્તિઓનો આદર કરતાં શીખવાડાય છે, એમના પ્રત્યે અહોભાવની નજરે જોતાં શીખવાડાય છે. આપણે પણ એમના જેવા બનવું એવું શીખવાડવામાં આવે છે. તમે સચિન બનો, વિવેકાનંદ બનો, સરદાર પટેલ બનો, લાલબહાદુર બનો, પંડિત રવિશંકર બનો, વિક્રમ સારાભાઈ બનો, જમશેદજી તાતા બનો એવું કહી કહીને આપણા શિક્ષકો થાકી ગયા, મા-બાપની જીભ સૂકાઈ ગઈ. પણ આપણે ન બન્યા. એમાં વાંક કોનો?

સૌથી પહેલો વાંક તો આવું કહેનારા શિક્ષકો-માતા-પિતાઓનો જેમણે ક્યારેય વિગતવાર સમજાવ્યું નહીં કે આ મહાન હસ્તીઓ વર્ષો સુધી એવું તે શું કરતી રહી જેને કારણે તેઓ આ નામ કમાઈ શક્યા, એમની સિદ્ધિઓ વિશે આખી દુનિયાને જાણ થઈ. આ હસ્તીઓએ દિવસરાત શું કામ કર્યું, કેવી રીતે કામ કર્યું, કેવી કેવી અડચણોનો કેવી કેવી રીતે સામનો કર્યો એ તેઓએ આપણને મહિનાઓ અને વર્ષો સુધી ભણાવવાનું હતું. એમણે કરેલી ભૂલો વિશે સમજાવવાનું હતું. એમણે પોતાના જીવનમાં આવેલી તકને તત્કાળ ઉપાડી લેવા માટે કઈ કઈ તૈયારીઓ પહેલેથી જ કરી રાખી હતી તે સમજાવવાનું હતું. સારો પાક મેળવવા માટે એમણે પોતાની ભૂમિને કેવી રીતે કસદાર બનાવી અને ઉત્તમ ખાતર-પાણી-બિયારણ વાપરવા ઉપરાંત ક્યારેક જો કુદરત રૂઠે તો હાર્યા વિના બીજા વરસ માટેની ફસલ ઉગાડવા કેવી રીતે મનોબળને દૃઢ કર્યું એ વાત પણ આપણને શીખવાડવાની હતી. નાની-નાની સફળતાઓ મળવાની શરૂઆત થાય ત્યારે એ સફળતાની ઉજવણીઓમાં સમય વેડફીને, માઈન્ડ ડાયવર્ટ કરવાને બદલે હજુ વધારે મહેનત કરીને હજુ વધારે આગળ વધવા માટેનું લોખંડી મનોબળ સર્જવાની સલાહ કોઈએ આપણને આપવાની જરૂર હતી. સફળતાનાં ઉચ્ચતમ શિખરે પહોંચીને આપણાથી ઓછી સફળ, અસફળ કે નિષ્ફળ વ્યક્તિઓ સાથે કેવી રીતે ગ્રેસફુલી વર્તવું એની સલાહ કોઈએ આપવાની જરૂર હતી.

અને શિક્ષકો, માતા-પિતાઓ જો પોતાની આ ફરજ બજાવવાનું ચૂકી ગયા તો આપણે પોતે આ જવાબદારી સ્વીકારી લેવાની હતી. એમણે જે જે કંઈ ન સમજાવ્યું એ બધું જ આપણને પડીઆખડીને સમજ પડે એવી અક્કલ વિકસાવવાની હતી. પણ આપણે પણ આપણા માટે એ કામ ના કરી શક્યા અને એટલે જ આજે ગિટાર-બૅટ માળિયામાં છે. છાપાંમાં છપાતા તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટાઓ જોઈને એક જ વિચાર હવે આવે છે કે ક્યારેક મારો ફોટો પણ આ છાપાંમાં છપાશે. શ્રદ્ધાંજલિની જાxખમાં.

ઘરમાં રસોઈ કેવી રીતે બને છે એની જાણ જો ઘરના સભ્યોને હશે તો કોઈપણ ન ભાવતી વાનગી પણ ભાવતી થઈ જશે. બહારથી શાકપાંદડું અને મરીમસાલા તેલ વગેરે ખરીદવાના પૈસા ક્યાંથી આવે છે, એ પૈસા કમાવવા માટે કેટલો પરસેવો પાડવો પડે છે એ વિશે માહિતી આપીને કુટુંબીજનને કે દીકરાને/દીકરીને રસોડામાં લઈ જાઓ. એમને ન ભાવતું શાક કે ન ભાવતી વાનગી બનાવવા માટે ગૃહિણી કેટલી મહેનત કરે છે એ બતાવો. પછી જમતી વખતે એને પીરસો. જરૂર ભાવશે.

મહાન હસ્તીઓની કીર્તિ કેવી રીતે સર્જાય છે એ જોવા માટે એમના રસોડામાં બેસીને વરસો સુધી એમને જોતા રહો. એકને એક દિવસ તમારા જીવનમાં પણ એ સિદ્ધિ પ્રવેશશે. તો જ પ્રવેશશે. એના વિના નહીં પ્રવેશે.

પાન બનારસવાલા

નિષ્ફળ લોકોની ઈર્ષ્યા ક્યારેય થતી નથી.

-અજ્ઞાત

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

10 COMMENTS

  1. ખરી વાતની રજુઆત કરી.
    તેથીજ કહ્યું છે ને ‘સફળતા એને વરે જૅ પરસેવે નહાય ‘

  2. Excellent
    One more point: Along with hard work and practice, the natural skill set has to align with the activity or hobby that is chosen.

  3. Very true. Bahu sachu kidhu. Je pravruti kare che, tene aa Loko jivan banavi mehanat kare che. Part time job, Shokh nahi. AEK jatni Sadhana.
    Hahu sachu analysis che. 🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here