સપનાં કાચ જેવાં ફ્રેજાઈલ હોય છે – નાજુક બોલ ગુલઝારના જેને નમણી ટયુનમાં પરોવ્યા આર. ડી. બર્મને : સૌરભ શાહ

( લાઉડમાઉથ : ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, ૧૧ જાન્યુઆરી ૨૦૨૩)

( આર.ડી. બર્મન વિશેની બે લેખની સિરીઝનો આ બીજો લેખ છે. પ્રથમ લેખની લિન્ક આ રહી: પંચમે પૈસા કે ફેમ પાછળ દોડવાને બદલે પલાંઠી મારીને મા સરસ્વતીની સાધના કરી )

પેરિસની ઝાકઝમાળ જોયા પછી દુનિયાનું કોઈ પણ રંગીન શહેર ફિક્કું લાગે એમ ૧૯૭૫ના વર્ષમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ જે ઝગમગાટ જોયો તે પછી, આવનારું દરેક વર્ષ તમને મોળું લાગે. આર. ડી. બર્મનની બાબતમાં પણ આ વાત સાચી પુરવાર થઈ.

૧૯૭૬ કે એ પછીનાં વર્ષોમાં પણ એમણે ઘણું ઘણું ક્રિયેટિવ કામ કર્યું પણ ૧૯૭૫ના એક જ વર્ષમાં એમણે જે ક્વૉલિટી સાથેની ક્વૉન્ટિટી આપી એવું પછીના એકેય વર્ષમાં બન્યું નહીં.

૧૯૭૭માં આર. ડી.ના સંગીતવાળી ત્રણ ફિલ્મો ખૂબ ગાજી. (ગુલઝારની ‘કિતાબ’ અને ‘કિનારા’ બૉક્સ ઑફિસ પર ‘ગાજી’ એવું ન કહેવાય પણ હિન્દી ફિલ્મ મ્યુઝિકના ચાહકોના મનમાં તો હજુય ગાજી રહી છે). ત્રીજી ફિલ્મ ‘હમ કિસી સે કમ નહીં ખરેખર ગાજી. ‘બચના ઐ હસીનોં…’, ‘ચાંદ મેરા દિલ…’, ‘આ દિલ ક્યા મહેફિલ હૈ તેરે…’, ‘હૈ અગર દુશ્મન…’, ‘હમ કો તો યારા તેરી યારી…’ ‘મિલ ગયા હમ કો સાથી મિલ ગયા’ અને આ ગીત:
કયા હુઆ તેરા વાદા, વો કસમ, વો ઈરાદા
ભૂલેગા દિલ જિસ દિન તુમ્હેં
વો દિન ઝિન્દગી કા આખરી દિન હોગા

‘કિતાબ’નું ‘ધન્નો કી આંખોં મેં રાત કા સુરમા…’માં આર. ડી.એ ગાવામાં અને કંપોઝ કરવામાં કેવી ધમાલ કરી છે. આ જ આર. ડી. ‘કિનારા’માં ‘નામ ગુમ જાયેગા, ચહેરા યે બદલ જાયેગા, મેરી આવાઝ હી પહચાન હૈ, ગર યાદ રહે’ની ઉદાસીથી ઘેરાઈ જાય છે.

૧૯૭૮ની આર. ડી.ના સંગીત માટે બેસ્ટ ફિલ્મ કઈ? ‘ઘર’. ગુલઝારે લખેલાં ગીતો હજુ પણ યાદ આવતાં રહે:
‘ફિર વો હી રાત હૈ, ફિર વો હી રાત હૈ ખ્વાબ કી, રાતભર ખ્વાબ મેં દેખા કરેંગે તુમ્હેં/ માસૂમ સી નીંદ મેં જબ કોઈ સપના ચલે, હમકો બુલા લેના તુમ, પલકોં કે પરદે તલે, યે રાત હૈ ખ્વાબ કી, ખ્વાબ કી રાત હૈ/ કાંચ કે ખ્વાબ હૈં, આંખોં મેં ચુભ જાયેંગે, પલકોં મેં લે ના ઈન્હેં, આંખોં મેં રૂક જાયેંગે, યે રાત હૈ ખ્વાબ કી, ખ્વાબ કી રાત હૈ…’

સપનાં કાચ જેવા ફ્રેજાઈલ હોય છે એવી કલ્પના ગુલઝારની કક્ષાના કવિ જ કરી શકે. અને આવા શબ્દોને નાજુક નમણી ટયુનમાં આર. ડી. જ બાંધી શકે.

‘ઘર’નું શ્રેષ્ઠ ગીત મારા હિસાબે હવે આવે છે. મ્યુઝિકની દૃષ્ટિએ અને બધી જ રીતે:

તેરે બિના જિયા જાયે ના
બિન તેરે, તેરે બિન સાજના
સાંસ મેં સાંસ આયે ના
જબ ભી ખયાલોં મેં તૂ આયે
મેરે બદન સે ખુશબૂ આયે…

ભાવમાં અચાનક પલટો લાવતો છેલ્લો અંતરો સાંભળીને અગાઉના બે અંતરામાં ઘૂંટાયેલા રોમેન્ટિક મૂડના ગળે ડૂમો લાવી દે છે, સાંભળજો નિરાંતે. જુહુના ગોદરેજ બંગલોવાળા સિલ્વર બીચથી શરૂ થતું આ ગીતનું મુખડું રેખાના ઘરમાં જૂના ફોટાઓની યાદમાં પ્રવેશે છે ત્યારે રણજિત ‘કાંચા’એ નાના તબલાં જેવું નેપાળી વાદ્ય માદલ જે રીતે કૉર્ડમાં વગાડ્યું છે તે સાંભળજો. એ ના હોય તો જાણે આ ગીતની નાઈન્ટી પર્સેન્ટ મઝા ઓછી થઈ જાય એવું લાગે.

૧૯૭૯માં ‘ગોલમાલ’નું ‘આનેવાલા પલ જાનેવાલા હૈ, હો સકે તો ઉસ મેં ઝિંદગી બીતા લો, પલ જો યે જાનેવાલા હૈ…’ ગુલઝારનાં ટૉપ ટેન ગીતોમાં સ્થાન પામે.

૧૯૮૧માં રાજેન્દ્ર કુમારે પુત્ર કુમાર ગૌરવને લૉન્ચ કર્યો, આર. ડી.નાં ગીતો સાથે. ‘લવ સ્ટોરી’માં અમિત કુમારે ‘તેરી યાદ આ રહી હૈ…’ ગાયું અને ‘દેખો મૈંને દેખા હૈ યે એક સપના…’ પણ ગાયું. એ જ વર્ષે સુનીલ દત્તે પુત્ર સંજયને ‘રૉકી’માં લૉન્ચ કર્યો. ફરી આર. ડી.નાં સુપરહિટ ગીત: ‘કયા યહી પ્યાર હૈ…’, ‘આ દેખેં ઝરા…’ અને ‘દોસ્તોં કો સલામ…’

૧૯૮૧માં જ ‘ઝમાને કો દિખાના હૈ’ પણ આવી (દિલ લેના ખેલ હૈ દિલદાર કા, હોગા તુમ સે પ્યારા કૌન, પૂછો ના યાર ક્યા હુઆ, બોલો બોલો કુછ તો બોલો). ‘બસેરા’નું ’જહાં પે સવેરા હો, બસેરા વહીં હૈ…’ હિટ થયું. આ વર્ષ આર. ડી.ને ‘કુદરત’ માટે ફળ્યું. ‘છોડો સનમ…’ અને ‘તૂને ઓ રંગીલે’ ગીતો તો હતાં જ એમાં પણ પરવીન સુલતાનાએ (તેમ જ કિશોર કુમારે પણ) ગાયેલા આ ગીતથી પંચમના ચાહકો એવા નશામાં ડૂબી ગયા કે હજુય એનો હેંગઓવર ઊતરતો નથી: હમેં તુમ સે પ્યાર કિતના, યે હમ નહીં જાનતે
મગર જી નહીં સકતે, તુમ્હારે બિના…

આર. ડી. બર્મન પર સહેલાઈથી પીએચ.ડી.ની પાંચ-સાત થીસિસ લખી શકે એવા ભારતના હિંદી ફિલ્મ સંગીતના રિસર્ચર એવા ગુજરાતી અજય શેઠનું કહેવું છે કે પંચમ માટે ૧૯૭૫નું નહીં પણ ૧૯૮૧નું વર્ષ શ્રેષ્ઠ હતું. કવૉલિટી તેમ જ કવૉન્ટિટી બેઉ દૃષ્ટિએ. પંચોતેરમાં ૧૧ ફિલ્મો એમણે કરી એની સામે એકયાશીમાં ૨૧ કરી. ૧૯૮૧માં આ ટોટલ ૨૧ ફિલ્મોમાં ૧૮૦ ગીતો આપ્યાં અર્થાત દર ત્રીજે દિવસે એક ગીત રેકોર્ડ થયું. આ ઉપરાંત બૅકગ્રાઉન્ડ મ્યુઝિક જુદું. ‘બરસાત કી એક રાત’, ‘સત્તે પે સત્તા’, ‘કાલિયા’, ‘હરજાઈ’, ‘દૌલત અને અંગૂર’ વગેરે ઉપરાંત એક બંગાળી ફિલ્મ પણ ખરી જેમાં ‘અયરી પવન’ની ઓરિજિનલ ધૂન હતી.

૧૯૮૧માં ‘ઉમરાવજાન’ રિલીઝ થઈ જેમાં ખય્યામસા’બનું ઉત્કૃષ્ટ મ્યુઝિક હતું એટલે એ વર્ષનો ફિલ્મફેર અવૉર્ડ ખય્યામને મળ્યો પણ આ ભૂલ સુધારી લેવા અથવા તો ૧૯૮૧માં પંચમદાના કૉન્ટ્રિબ્યૂશનને રૅક્ગ્નાઈઝ કરવા એમને ૧૯૮૨માં ‘સનમ તેરી કસમ’ માટે ‘ફિલ્મફેર’થી નવાજવામાં આવ્યા એવું અજય શેઠનું માનવું છે.

૧૯૮૧માં ‘યાદ આ રહી હૈ માટે’ અમિત કુમારને અને ‘હમેં તુમ સે પ્યાર કિતના માટે’ પરવીન સુલતાનાને બેસ્ટ પ્લેબેક સિંગર્સનો ‘ફિલ્મફેર’ અવૉર્ડ મળ્યા પણ એ ગીતોના સંગીતના સર્જનહાર એવા આર. ડી. ૧૯૮૧માં અવૉર્ડથી વંચિત રહ્યા એ માહિતી પણ અજય શેઠ આપે છે. પંચમદા માટે ૧૯૭૫નું નહીં પરંતુ ૧૯૮૧નું વર્ષ શ્રેષ્ઠ પુરવાર થયું એવું રિસર્ચર અજય શેઠ કહેતા હોય તો મારે એ વાત માનવી જ પડે કારણ કે પંચમદાના સંગીત વિશે એમની એટલી બધી જાણકારી છે કે આર. ડી. હયાત હોત તો ખુદ એમણે પણ પોતાની સંગીતયાત્રા વિશેનો અજય શેઠનો અભિપ્રાય અંતિમ માન્યો હોત.

૧૯૮૨માં ‘સનમ તેરી કસમ’ માટે ‘ફિલ્મફેર’ મળ્યા પછી આર. ડી. બર્મનને એ પછીના જ વર્ષ, ૧૯૮૩માં ગુલઝારે લખેલી પટકથા પરથી શેખર કપૂરે બનાવેલી ‘માસૂમ’ માટે પણ ‘ફિલ્મફેર’ મળ્યો. આર. ડી. બર્મને સંગીતબદ્ધ કરેલાં ગુલઝારનાં બધાં ગીત યાદગાર. ‘લકડી કી કાઠી…’, ‘હઝુર ઈસ કદર…’ અને ‘દો નૈના ઔર એક કહાની’ ઉપરાંત અનુપ ઘોષલ તથા લતા મંગેશકર – બે જુદા જુદા વર્ઝનમાં ગવાયેલું આ ગીત કોણ ભૂલી શકે:
તુઝ સે નારાઝ નહીં ઝિંદગી, હૈરાન હૂં મૈં
તેરે માસૂમ સવાલોં સે પરેશાન હૂં મૈં…

૧૯૮૫માં રિલીઝ થયેલી રમેશ સિપ્પીની ‘સાગર’ ટુકડાઓમાં બધી જ રીતે મઝાની ફિલ્મ હતી પણ એ ટુકડાઓ જિગ્ઝો પઝલમાં બરાબર ગોઠવાયા નહીં ને ફિલ્મ ચાલી નહીં. આર. ડી. બર્મન વિશે તમે જ્યારે પણ વાત કરો ત્યારે જે કેટલીક ફિલ્મો વિના એ વાત અધૂરી રહે તેમાંની એક ‘સાગર’ .

‘સાગર’ના બે વર્ષ પછી, ૧૯૮૭માં ‘ઈજાઝત’ રિલીઝ થાય છે. અગેઈન, ‘ઈજાઝત’ વિના આર.ડી.ની વાત અધૂરી રહે. ‘છોટી સી કહાની સે…’, ‘ખાલી હાથ શામ આયી હૈ…’ અને ‘કતરા કતરા’ ઉપરાંત એ યાદગાર ગીત: ‘મેરા કુછ સામાન’ જેના વિશેની અનેક કથાઓ, દંતકથાઓ પ્રચલિત છે. ઘણું લખાઈ ચૂકયું છે, મેં પણ આર.ડી. વિશેના અગાઉના લેખોમાં લખ્યું છે.

‘ઈજાઝત’ના બે વર્ષ પછીની ‘પરિન્દા’ વિધુ વિનોદ ચોપરા અને આર. ડી. બર્મનના એસોસિયેશન માટે એક બહુ મહત્ત્વની ફિલ્મ પુરવાર થઈ. ‘તુમસે મિલ કે…’ અને ‘પ્યાર કે મોડ પે…’ જેવાં રત્નોથી શોભતી આ સુંદર ફિલ્મ પછી વિધુ વિનોદ ચોપડા એમની નેક્સ્ટ ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યા હતા ત્યારે એક અસાઈન્મેન્ટ માટે એમની એક કરતાં વધારે વાર નિરાંતની મુલાકાતો લીધી હતી. વિનોદ ચોપરા બે બાબતે મક્કમ હતા. એક, નેક્સ્ટ ફિલ્મ મ્યુઝિકલ હશે અને બે, એમાં આર.ડી. બર્મનનું જ મ્યુઝિક હશે.

એ ગાળો આર.ડી. બર્મનની કરિયરનો સૌથી ખરાબ ગાળો હતો. મ્યુઝિક કંપનીઓ પંચમદાના મ્યુઝિકવાળી ફિલ્મોના રાઈટ્સ લેવા તૈયાર નહોતી. આર.ડી. પોતે પણ હાલાત સામે લડી લડીને થાકી ગયા હતા. એમની સાથે કામ કરીને મોટા થયેલા પ્રોડ્યુસરો, ડાયરેક્ટરો અને હીરો પણ હવે એમને કામ નહોતા આપતા. દરેક જીનિયસ અને મૌલિક સર્જનહારની જિંદગીમાં આવો ફેઝ આવતો જ હોય છે. વિનોદ ચોપરાની જીદ અને મક્કામતાને લીધે અને પંચમદાની ક્રિયેટિવિટી માટેના એમના અડગ વિશ્ર્વાસને લીધે તેમ જ આર.ડી. બર્મન માટેના એમના, કહો કે પૂજયભાવને લીધે, જે સંગીત સર્જાયું તે ‘નાઈન્ટીન ફોર્ટી ટુ: અ લવ સ્ટોરી’ જેવી અતિ મિડિયોકર ફિલ્મને પણ મહાન બનાવી ગયું. ‘યે સફર…’, ‘રૂઠ ના જાના…’, ‘રિમઝિમ રિમઝિમ…’, ‘પ્યાર હુઆ ચૂપકે સે…’, ‘કુછ ના કહો…’ અને અફકોર્સ ફિલ્મની સિગ્નેચર ટ્યુન જેવું, જાવેદ અખ્તર સા’બની કલમનું વન ઓફ ધ બેસ્ટ નજરાણું:

એક લડકી કો દેખા તો ઐસા લગા
જૈસે ખિલતા ગુલાબ
જૈસે શાયર કા ખ્વાબ…

જૈસે પરિયોં કા રાગ,
જૈસે સંદલ કી આગ…

જૈસે આહિસ્તા આહિસ્તા બઢતા નશા…

ચંદનવનમાં આગ લાગે ત્યારે જે સુગંધનું સામ્રાજય છવાય એ રીતે આર.ડી. બર્મન આ દુનિયામાંથી જતાં જતાં આપણા સૌના દિલ અને દિમાગ પર છવાઈ ગયા.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

16 COMMENTS

  1. મે બીજા number પરથી એક અલભ્ય વિડીયો તમને મોકલ્યો છે.જેમાં r.d. અને આશા સાથે ગાય છે.

  2. સૌરભ ભાઈ આપણને લાગી એટલા માટે આવે કે “મેરા કુછ સામાન ” જેવી અછાંઁદસ રચનાને આટલી સરસ ધુન માં પરોવી તો અવોર્ડ કોને મળવો જોઈએ? તેના બદલે ગુલઝાર ને અને આશાને મલ્યો.

  3. R. D. Burman નાં ૨૫૦ ફિલ્મોમાંથી ફક્ત ૩૦ ફિલ્મના ગીત સારા હતા એટલે લગભગ ૧૨%નો રેશિયો આવે, બાકીની દસેક ફિલ્મના કોઈક જ ગીત સારા હતાં જેમ કે કિનારા નાં૧-૨ ગીતો (નામ ગુમ જાએગા) માસુમ નું (તુઝસે નારાજ નહીં જીંદગી) શરૂઆત નું ‘છોટે નવાબ’ સારૂં હતું
    સૌથી શ્રેષ્ઠ તીસરી મંઝિલ, અમરપ્રેમ,….. પછી
    બહારોં કે સપને , ધી ટ્રેન, અભિલાષા, (પડોસન, પ્યાર કા મૌસમ. બુઢ્ઢા મીલ ગયા, , હરે રામ હરે કૃષ્ણા, બધાં ગીતો સુપરહિટ) કટીપતંગ, કારવાં, નમકહરામ, આપ કી કસમ, અપના દેશ, યાદોં કી બારાત, હીરા પન્ના , અજનબી , પરિચય , પરાયા ધન , મેલા , લાખો મેં એક , આ ગલે લગજા , દો ચોર , શરીફ બદમાશ ,( શોલે- ગીતો ઠીક background મ્યુઝિક જોરદાર) ઝહરીલા ઇન્સાન નું એક ગીત… બસ આ બધી ફિલ્મો નાં ગીત સારા હતાં બાકી બધા ઠીક.
    એની સામે ઓ. પી. નૈયર , શંકર – જયકિશન , લક્ષ્મીકાંત – પયારેલાલ , મદનમોહન , રવિ , નાં ગીતો વધારે હિટ છે.

    • આજે કોની જન્મ/મૃત્યુ તિથિ સૌથી વધુ ઉજવાય છે. કોનાં ગીતો એફએમ પર સૌથી વધુ વાગે છે? કોનાં ગીતો રિમિક્સ કરીને લોકો લાખોની કમાણી કરે છે? સ્ટેજ પર ઑરકેસ્ટ્રાનાં કાર્યક્રમો કોના સૌથી વધુ યોજાય છે? કોની યાદમાં એક જ આયોજક દ્વારા સતત ૨૫ વરસ સુધી વર્ષમાં બે વાર સ્મૃતિ કાર્યક્રમો થયાં?
      With due respect to all the music directors of Hindi film industry who have enriched us, Pancham is Pancham. His music is still fresh and his popularity is still intact.

    • પંચમ ને બીજી રીતે પણ મુલવો . તેના જેટલી અલગ અલગ ધૂનો, અલગ અલગ પ્રયોગો કોઇએ કર્યા છે? દરેક ગીત ના interlude મ્યુઝિક નોખા નોખા. સેકડો પ્રયોગ માંથી ફક્ત એક ઉદાહરણ આપું. ફિલ્મ કિતાબ ના એક ગીત ધન્નો કી આખોમે માં આખા ગીતમાં એક જ tune વાગે છે. તેમાં interlude મ્યુઝિક છે જ નહિ!

  4. સાહેબ
    પંચમ દા વિશે ની માહિતી થી ભરપુર લેખ ખૂબ ગમ્યો. તેમની લોકપ્રિય ધુનો વિશે વાંચતા એ સમય ગાળો તાજો થયો. હું હાલ ૬૫ વર્ષ નો છું અને તમે ઉલ્લેખ કરેલા બધા ગીતો, તર્જ,ધુનો જે તે સમયે ખૂબ માણી છે. ઘણી બધી hidden matter જાણવા મળી.માં સરસ્વતી ના એવા મહાન આરાધક વિશે વાંચીને જ તેમના પુરુષાર્થ અને dedication વિશે જાણવા મળ્યું. આવા જ આર્ટિકલ આપતા રહેશો.

  5. Waah Saurabh bhai . You have complied it so well . Any story of Pancham Da , might miss few mentions as he has left behind an ocean of legacy . Being a crazy fan of RD , I thought , few more points can be added to the story .

    1. The 1973’s Film ” Yaado ki Baarat ” . The title song as well the most famous ” Churaa Liya hai tumne jo dilko ” . The song starts with the most melodious sound of a spoon , hitting a glass .

    2. You did mention about 1982’s film ” Satte Pe Satta ” . Just to add to that ” Pancham da was such a great musical soul that he used both low as well as high octaves in the famous song ” Pyaar tumhe kis mod pe le aaya . Big B’s baritone vocals added the smooth spice to it with a lovely phrase – Shor naa machhao, varna bhabhi jaag jaayegi – . Another of my most favourites from this movie ‘ Zindagi milke bitaayenge ‘ is the priceless gem ”

    The list can have many more items . Pancham Da will remain ” Pa ” of Bollywood music’s octave for centuries to come . The sur ” Pa ” in in any scale is the most important as well as cornerstone sur and is present in almost all the scales . That’s why he was given this lovely name ” Pancham Da ” .

    It was really sad that he had to go through such a phase at the end of his career . It was simply because he just wanted to keep giving us better & better melodies . He could have just tweaked his old compositions a little bit in late 80s and he could have remained Super Star of Bollywood music for ever. But he chose , not to . He just loved composing better and better . He is a real master of music . Pancham Da will remain in hour hearts for ever .

  6. સર, બર્મનસાબ પર આ લેખમાળા રજૂ કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ 🙏 એક એકથી ચડીયાતી ધૂન. મન થાય કે આખો દિવસ સાંભળ્યા જ કરીએ. હું, તમે લખેલા બધા જ ગીતો ફરીથી સાંભળીશ.

    • Saurabhbhai,
      Your dedication towards your write-up is superb.It’s not only with due research but also with your love towards RD Burman.You have covered the whole era of RD.
      Thanks

  7. વાહ સાહેબ સુપર્બ આ બધા જ ગીતનું લિસ્ટ બનાવી ડાઉનલોડ કરી નાખવાના છે🥰😘♥️

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here