ભાજપશાસિત રાજ્યોમાં જ અશાંતિ કેમ સર્જાય છે : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ, ‘ન્યુઝપ્રેમી ડૉટ કૉમ’ : મંગળવાર, ૧ ઑગસ્ટ ૨૦૨૩)

લોકસભાની ચૂંટણી આડે માંડ નવએક મહિના બાકી છે અને રાક્ષસોએ હવનમાં હાડપિંજરો નાખવાની શરૂઆત કરી દીધી છે.

શરૂઆત મણિપુરથી થઈ. મણિપુરમાં સળગાવાયેલી આગ હરિયાણાના નૂંહ (મેવાત) જિલ્લા સુધી પહોંચી ગઈ. ભાજપશાસિત રાજ્યોમાં જ આવા કાંડ શું કામ થાય છે, કૉન્ગ્રેસ-મમતાના રાજ્યોમાં કે દક્ષિણનાં બિન-ભાજપી સરકારોવાળાં રાજ્યોમાં કેમ નહીં?

મણિપુરથી હરિયાણા સુધીની જેટલી દુર્ઘટનાઓ બની રહી છે તે આ દેશમાં અરાજકતા ફેલાવવા માટે થઈ રહી છે. આ બનાવોનાં ખરાં કારણો મીડિયામાંનાં કેટલાંક બદમાશ તત્વો તમારાથી છુપાવે છે અને બેઈમાન તત્વો ભ્રામક વાતોનો પ્રચાર-પ્રસાર કરે છે. કેટલાક બેવકૂફ લોકો હઇસો હઇસો કરીને આગમાં પેટ્રોલ રેડવાની ધ્રુષ્ટતા કરે છે અને જેમને નાક સાફ કરતાંય નથી આવડતું એવાઓની બેદરકારીને કારણે જુઠ્ઠી વાતો આઠ કૉલમનું મથાળું બનીને કે પ્રાઇમ ટાઈમના બ્રેકિંગ ન્યુઝ બનીને તમારા માથે મારવામાં આવે છે.

શું કામ થાય છે આ બધું?

2019 માં એક લેખ લખેલો, યાદ છે? એપ્રિલ 2019 માં. 25મી તારીખે. ન્યુઝપ્રેમીમાં જ પોસ્ટ થયેલો. હેડિંગ હતું: ‘ચિંતા 2019ની નથી, એ પછીનાં પાંચ વર્ષ દરમ્યાન વિપક્ષો જે ભાંગફોડ કરશે એની છે.‘

એ લેખનો એક અંશ અહીં રિપીટ કરું છું:

‘મને ૨૦૧૯ની ચૂંટણીની ચિંતા નથી. મને ૨૦૨૪ની ચૂંટણીની ચિંતા છે. આપણને સૌને હોવી જોઈએ. આવતાં પાંચ વર્ષ દરમ્યાન
એકે એક દિવસ આપણે ચૌકન્ના રહેવું પડશે. વિપક્ષો મરણિયા બનીને મોદીને નુકસાન કરવાના હેતુથી આ દેશનું નુકસાન કરવા
તૈયાર થશે. ભૂતકાળમાં એમણે એ જ કર્યું છે. પોતાનું અસ્તિત્વ જોખમાતું લાગે ત્યારે કૉન્ગ્રેસે દેશનું અસ્તિત્વ જોખમમાં મુકાય એવી હરકતો કરીને પોતાને બચાવી લેવાની અપવિત્ર હરકતો કરી જ છે. મોદીને ઉથલાવવા એમના વિરોધીઓ દેશમાં અસ્થિરતા ઊભી કરી શકે એમ છે. તેઓ માત્ર કોમી રમખાણો જ નહીં, સાઉથમાં, નૉર્થ-ઈસ્ટમાં, બંગાળમાં પણ – સિવિલ વૉરની પરિસ્થિતિ પેદા કરી શકે એમ છે. પગથી માથા સુધી શુદ્ધ એવા મોદી પર રફાલને કૌભાંડ ગણાવીને આક્ષેપોનો મારો ચલાવતા દેશદ્રોહીઓ આગામી પાંચ વર્ષમાં મોદી પર જ નહીં મોદીના સૌથી નિકટના સાથી રાજકારણીઓ તેમ જ મોદીના વિશ્વાસુ હોય એવા બ્યુરોક્રેટ્‌સ તેમ જ મોદી સમર્થકોની ક્રેડિબિલિટી પર એવા એવા પ્રહારો કરશે કે આમ જનતા ભ્રમિત થઈ જાય – આટલું બધું થાય છે તો એમાં કંઈક તો સાચું હશે ને – તમે વિચારવા માંડશો. મરતા ક્યા નહીં કરતાની પરિસ્થિતિમાં મૂકાયેલાઓ માટે તો એ છેલ્લો દાવ હશે. એમણે તો આમેય મરવાનું જ છે. પણ હું તો મરું તને રાંડ કરતી જાઉં એવી ગંદી પણ સચોટ ગુજરાતી કહેવતને અનુસરીને વિરોધીઓ આ દેશને વિધવા બનાવવાની તમામ કોશિશો કરશે. ફિદાઈન આતંકવાદીઓની મેન્ટાલિટીથી આ વિરોધીઓ આવતાં પાંચ વર્ષ દરમ્યાન પોતાની પ્રવૃત્તિઓ કરશે કારણ કે…’

ફરી યાદ કરાવું કે આ લેખ આજથી સવા ચાર વર્ષ પહેલાં, 25 એપ્રિલ 2019ના રોજ લખાયો હતો.

આખો લેખ વાંચવો હોય તો છેક છેલ્લે એની લિન્ક મુકીશ, જોઈ જજો.

હમણાં તમે વાંચ્યું અને સાંભળ્યું કે મોદીના રાજમાં છેલ્લાં ત્રણ વર્ષમાં આટલા લાખ સ્ત્રીઓ ગુમ થઈ ગઈ છે. કોઈકે કહ્યું અને તમે છાપી નાખ્યું. કોઈકે કહ્યું અને તમે બકી નાખ્યું. ભલા માણસ તમે પત્રકાર છો. સમાજ પ્રત્યેની વાચકો-દર્શકો પ્રત્યેની તમારી જવાબદારીનો તો ખ્યાલ કરો. આ જે આંકડા તમારા સુધી આવ્યા છે તેને યથાતથ સ્વીકારીને વાચકો-દર્શકો સુધી પહોંચાડતા પહેલાં મીડિયા તરીકેની તમારી કંઈ જવાબદારી ખરી કે નહીં? જાણીતી વાત છે કે કોઈ એમ કહે કે બહાર વરસાદ છે અને કોઈ કહે કે બહાર વરસાદ નથી તો મીડિયા તરીકે તમારી ફરજ બને છે કે તમે ફૅક્ટ ચેક કરીને જણાવો કે વરસાદ છે કે નહીં. અમે તો બેઉ પક્ષે જે કહ્યું તે તમને જણાવ્યું એવું કહીને છટકી ન જવાય. વાચકો સાથેની ગદ્દારી કહેવાય એને. ગુમશુદા મહિલાઓના આંકડાનું સત્ય શું છે તે શોધવાનું મીડિયા માટે બિલકુલ અઘરું નહોતું. ‘ધ પેમ્ફ્લેટ’ નામના નવા શરૂ થયેલા ડિજિટલ મીડિયાએ થોડીક જ રિસર્ચ કરી અને આ મસમોટા- લાખોના- આંકડા ક્યાંથી આવ્યા તેનું કારણ પકડી પાડ્યું. તમને ખ્યાલ ન હોય તો જણાવવાનું કે ‘ઓપઇન્ડિયા‘ જેવા અતિ વિશ્વસનીય અને ખૂબ ચાહના પ્રાપ્ત કરી ચૂકેલા ડિજિટલ મીડિયાના બે આધાર સ્તંભસમા સહયોગીઓએ છૂટા થઈને ‘ધ પેમ્ફલેટ‘ નામનું નવું ડિજિટલ પ્લૅટફોર્મ શરૂ કર્યું છે. ગુમશુદા મહિલાઓવાળા સનસનાટીભર્યા સમાચારનું ભોપાળું તેઓએ ખુલ્લું પાડ્યું જેની લિન્ક આ લેખ પૂરો થયા પછી મળશે. જરૂર જોઈ લેજો.

આગળ વધીએ.

હમણાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘છોકરીઓ ભગાડી’ જવાની વાત કરી અને એ માટે કાનૂન કરવાની શક્યતા વિશે વાત કરી. એમનો ઇશારો લવજિહાદના વધતા જતા કિસ્સાઓ તરફ હતો એવું દીવા જેવું સ્પષ્ટ હતું. આંધળાને પણ દેખાય.

પણ લવજિહાદના આખા મુદ્દાને ચાતરી જવા ચિંગુમિંગુ મીડિયાએ આખી ગાડી ઊંધે પાટે ચડાવી દીધી. ને પછી તો જે લોલે લોલ ચાલ્યું છે!

સ્થાપિત હિતોની સાથે જ્યારે મીડિયાની બદમાશી અથવા બેવકૂફી અથવા બદતમીજી અથવા બેદરકારી ભળી જાય ત્યારે આવું પરિણામ આવે.

આવી જ બદમાશી કેટલાક ચિંગુમિંગુઓએ પૂ. મોરારીબાપુના 30 ટકાના પાસિંગ માર્ક્સવાળા નિવેદન સાથે કરી. એ બદમાશી ‘ઓપઇન્ડિયા’ના હોનહાર ગુજરાતી પત્રકારોએ ઉઘાડી પાડી. ત્રીજી લિન્ક એની પણ છે.

કેટલાક હરખપદુડા હિન્દુઓ મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસની પાછળ આદુ ખાઈને પડી ગયા છે. 2014 પછી ઈંડામાંથી બહાર આવેલા અને પોતાને મોદી-યોગી-ભાગવત કરતાં સવાયા હિન્દુ માનતા આ બાળકો આદરણીય ભિડે ગુરુજી અને અનાદરણીય ‘ટ્રુ ઇન્ડોલોજી’ ઉર્ફે ભારદ્વાજ સ્પીક્સ નું ઉપરાણું લઈને કોઈ જાતના રેફરન્સ કે કૉન્ટેક્સ્ટ જાણ્યા વિના ફડણવીસનો જોરથી વિરોધ કરી રહ્યા છે. આ બંને ઈશ્યુસને સમજ્યા પછી હું ટ્વીટર પર ફડણવીસનો જાહેર બચાવ કરું છું. (મારું ટ્વીટર હૅન્ડલ @hisaurabhshah છે)

એક વાત સમજી લેજો. તમે જેમના સમર્થક છો, જેઓને તમે ઊંચા પેડેસ્ટલ પર મૂક્યા છે, જેઓ તમારા જીવન માટે અને તમારા વિચારો માટે દિશાસૂચક ધ્રુવના તારા છે એ સૌની પાઘડી ઉછાળવાની રમત ચલાવીને તમને ગુમરાહ કરી દેવાની કોશિશ થઈ રહી છે. અને એમાં માત્ર પપ્પુની ગૅન્ગ કે આપિયાઓ જ સક્રિય નથી. માયસોર પાક, માનુષી આન્ટી, જયપુર ચાચા જેવા રાયતા વિંગવાળા હિન્દુઓ પણ છે. કેટલાક બહાદુરોએ તો વળી સુસુ સ્વામીના આશીર્વાદથી 2024માં મોદી-ભાજપને હરાવીને પોતાનું હિન્દુ રાજ સ્થાપવા માટે એકમ સનાતન સમથિંગનું ગતકડું પણ શરૂ કરી દીધું છે. ઘેટાનું ચામડું ઓઢીને આવતા વરુઓથી અનેકવાર તમને સાવધાન કર્યા છે. કરતા રહીશું. જોતા રહેજો. વાંચતા રહેજો. પૂછતા રહેજો- આજે ન્યુઝપ્રેમી પર નવું શું લખાયું છે?

લિન્ક્સ:

1. ચિંતા 2019ની બિલકુલ નથી, એ પછીનાં પાંચ વર્ષ દરમ્યાન વિપક્ષો જે ભાંગફોડ કરશે એની છે :
https://www.newspremi.com/newsviews-25-04-2019/

2. ગુમશુદા મહિલાઓનું રહસ્ય :
https://twitter.com/pamphlet_in/status/1686000424275570688?s=48&t=da6HAz1TJ3ANZKcvdSK1oQ

3. મોરારી બાપુના મતે મોદી સરકાર નાપાસ? : ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહેલી વાતોના આધારે ભ્રામક દાવા કરાયા, અહીં જાણો સંપૂર્ણ સત્ય :
https://gujarati.opindia.com/fact-check/morari-bapu-modi-government-marks-misleading-claims-what-is-the-truth/

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

5 COMMENTS

  1. આપના અદ્ભૂત લેખ ને વાંચીને ખુબ જ તથ્ય પૂર્વકની જાણકારી મળતી હોય છે. આપ હિન્દી ફિલ્મો અને સંગીત વિશેના લેખો પણ ખુબ જ સુંદર લખો છો. અને હા, મારો સંગીતની સાથે સાથે ખુબ જ ગમતો વિષય નાટક. આપના નાટક, નાટયકારો વિશેના લેખો પણ અપ્રતિમ.
    આપ આ જ રીતે અવિરતપણે લખો, એવી પરમપિતા પરમાત્મા ને પ્રાર્થના.

  2. With my humble request please take explanation from all politician how you create healthy wealthy. It may be ruling party or opposition party.

  3. સર, આજે હરિયાણામાં જે પ્લાનીંગ સાથેની ઘટના બની એ પાક્કુ સાબિત કરી આપે છે કે તમે જે કહ્યું છે એ કેટલું સત્ય અને કેટલું લાંબુ વિચારીને એ સમયે લખેલું છે!!! ગમ્મે તે થાય – મોદી જ આવશે. હવે તો શ્રી મોદીજી ને લાવીને જ રહીશું. ધન્યવાદ, સર આ લેખ તેમ જ નીચે આપેલી દરેક લીન્ક માટે. લખતા રહો ને અમને “જગાડતા” રહેજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here