કિતાબી દુનિયા

ગુડ મૉર્નિંગ ક્લાસિક

સૌરભ શાહ

પુસ્તકો મારા માટે પ્રાણ છે. જિંદગીમાંથી પુસ્તકો છિનવાઈ જાય તો બાકી કશું જ બચે નહીં. પુસ્તકો એવા મિત્રો છે જે તમને તમારી શરતે સાથ આપે છે – તમે કહો ત્યારે, તમે કહો ત્યાં. મિત્રોથી કંટાળો ત્યારે તમે એમને કહી શકતા નથી કે હવે તમે જાઓ. પુસ્તકમાં બુક માર્ક મૂકીને તમે ગમે તે ઘડીએ એને બાજુએ મૂકી દઈ શકો છો.

અને બીજે દિવસે ફરી એ જ પુસ્તકનો સાથ મેળવી શકો છો. મિત્રોને તમે કહી તો જુઓ કે હવે તમે જાઓ અને બીજી સવારે એમને પાછા બોલાવશો તો તેઓ આવશે? પુસ્તકો ક્યારેય માઠું લગાડતાં નથી.

અડધી ચડ્ડી પહેરવાના દિવસોથી પુસ્તકો સાથેની દોસ્તી શરૂ થઈ. પાંચમા ધોરણ વખતની વર્ષગાંઠે એક નિકટના સગાએ મૂળશંકર મો. ભટ્ટે અનુવાદ કરેલું પુસ્તક ભેટ આપ્યું. જુલે વર્નનું ‘સાહસિકોની સૃષ્ટિ’. બાળપુસ્તકોમાં હોય એવા મોટા મોટા ટાઈપ નહોતા એટલે પુસ્તક રાખી મૂક્યું. છેક સાતમા ધોરણના વકેશનમાં વાંચ્યું. એ પછી આ અદ્ભુત સાહસકથાની અનેક નવી આવૃત્તિઓ ખરીદી અને ભેટ આપી. સાતમા ધોરણમાં સ્કૂલમાં વિમળા સેતલવાડે કરેલો અનુવાદ ‘સાહસિક કિશોર’ની એક-એક નકલ બધા વિદ્યાર્થીઓને ભેટ આપવામાં આવી. પ્રી-ટીનએજ ઉંમરનો હીરો હતો. એય પાછો એની કોઈ કઝિન-બઝિનના પ્રેમમાં હતો. એ પુસ્તક, મોટા થયા પછી શોધવાની ખૂબ કોશિશ કરી, નથી મળ્યું. બજારમાં પણ ક્યાંય નથી.

આઠમા, નવમા કે દસમા ધોરણમાં અઠવાડિયે એક વાર લાઈબ્રેરીનો પીરિયડ આવે. પ્રિન્સિપાલ મધુસૂદન વૈદ્ય એક આદર્શ આચાર્ય એટલે વિદ્યાર્થીઓમાં વાંચનની ટેવ કેળવવા માગતા. છોકરાઓ લાઈબ્રેરીમાં જઈને ધમાલમસ્તી કરે. પ્રિન્સિપાલે દરેક વિદ્યાર્થીએ ફરજિયાત એક પુસ્તક કાર્ડ પર લખાવીને લેવાનું અને બીજાં અઠવાડિયે પાછું આપી જવાનું એવું ફરમાન કાઢ્યું. મોટાભાગના છોકરાઓ વાંચ્યા વિના જ પુસ્તક પાછું લઈ આવે. વૈદ્યસાહેબ હારે એવા નહોતા. એમણે નોટિસ કાઢી કે હવેથી દરેક વિદ્યાર્થીએ પોતે વાંચેલા પુસ્તક વિશે ક્લાસમાં બોલવાનું. આ તો ઉપાધિ થઈ. એનો રસ્તો અમે કાઢી આપ્યો. વાંચવાના ચોર હોય એવા બધા જ ક્લાસમેટ્સને અમે ઓફર કરી કે તમારી ચોપડી મને આપી દેવાની, હું તમને એ વાંચીને કહી દઈશ કે એમાં શું શું છે. તમારે એ બોલી નાખવાનું.

એક વરસમાં આખી લાઈબ્રેરી વાંચી કાઢી. દસમા ધોરણથી સ્વતંત્રપણે પ્રિન્સેસ સ્ટ્રીટ જઈને પુસ્તકો ખરીદતો થયો. વર્ષગાંઠ નિમિત્તે મળેલા, બહારગામથી દાદા કે નાના કે મામા-કાકા આવ્યા હોય અને જતી વખતે પાંચ-દસ રૂપિયા હાથમાં મૂકતા જાય તે રીતે મળેલા. કે સ્કૂલમાં કોઈક ઈનામબિનામરૂપે મળેલા પૈસા પ્રિન્સેસ સ્ટ્રીટ જઈને વાપરી આવતો.

તે વખતે પ્રિન્સેસ સ્ટ્રીટમાં ‘નવજીવન’ની દુકાન હતી. ગાંધી સાહિત્ય ત્યાં મળે. કાકાસાહેબ કાલેલકર અને એવા બધાની ચોપડીઓ પણ મળે. બહુ સસ્તી. એટલે મોટાભાગની ખરીદી ત્યાંથી થતી.

કૉમર્સ કૉલેજમાં એડમિશન લીધું પણ કૉલેજની લાઈબ્રેરીમાં ગુજરાતી પુસ્તકો ગણ્યાંગાંઠ્યા. એટલે પરીક્ષા વખતે ચોપાટીની ભવન્સ લાઈબ્રેરીમાં વાંચવા જવાનું નક્કી કર્યું. વાંચવાનું એટલે? સવારના આઠ વાગ્યે લાયબ્રેરી ખુલે એટલે આપણી જગ્યા બુક કરીને ત્યાં પાઠ્યપુસ્તકો મૂકી દેવાનાં. પછી નીચે ઉતરીને ન્યૂ યોર્કરમાં નાસ્તાપાણી પતાવીને વાંચવા બેસવાનું. આખો દિવસ શિવકુમાર જોષી, ચંદ્રકાન્ત બક્ષી, મધુ રાય અને એવું બધું વાંચવાનું. સુરેશ જોષીનાં મેગેઝિનોની ફાઈલો (ઊહાપોહ, મનીષા વગેરે) જ્યોતિષ જાનીના સામયિક ‘સંજ્ઞા’ની ફાઈલો ઉપરાંત ‘ગ્રંથ’, ‘સંસ્કૃતિ’, ‘કવિતા’, ‘કવિલોક’ની ફાઈલો ત્યાં હતી. બધું જ વાંચ્યું. કૉમર્સની પરીક્ષાનું પરિણામ જે ધાર્યું હતું તે જ આવ્યું. નાપાસ.

કોઈ પૂછે કે જિંદગીના છેલ્લાં વરસોમાં તમે કેટલાં અને કયાં કયાં પુસ્તકો સાથે રાખો. અત્યારે ખબર નથી કે જિંદગીનાં છેલ્લાં વરસો ક્યારે શરૂ થવાનાં છે. પણ માની લો કે આજથી શરૂ થઈ જવાનાં હોય તો હું ઍયન રેન્ડની નવલકથા ‘ફાઉન્ટનહેડ’ રાખું. આર્કિટેક્ટ બનવા માગતો સિરફિરો હીરો હાવર્ડ રોર્ક કૉલેજમાંથી ડિસમિસ થાય છે. ડીન એણે કરેલી ડિઝાઈનો જોઈને પૂછે છે : આવાં ચિત્રવિચિત્ર મકાનો તને કોણ બનાવવા દેશે? હીરો જવાબ આપે છે: સર, સવાલ એ નથી કે આવાં મકાનો મને કોણ બનાવવા દેશે; સવાલ એ છે કે આવાં મકાનો બનાવતાં મને કોણ રોકશે?

સ્વામી આનંદની ‘કુળકથાઓ’ પણ રાખું. જૂના મુંબઈની ખુશ્બો એમાંથી આવે. ગુજરાતીઓનો આ શહેરમાં કેવો દબદબો હતો. હ્યુ પ્રેથરનું ‘નોટ્સ ટુ માયસેલ્ફ’ મારું ઑલટાઈમ ફેવરિટ પુસ્તક છે. એક સ્ટ્રગલર લેખક તરીકે આ પુસ્તક એણે લખ્યું. કેટલાક પબ્લિશરોએ છાપવાની ના પાડી. છેવટે છપાયું. અત્યાર સુધીમાં કરોડો નકલ વેચાઈ ચૂકી છે.

જેફ્રી આર્ચરની ‘કેન એન્ડ એબલ’, ફ્રેડરિક ફોર્સીથની ‘ધ ડે ઑફ ધ જેકલ’ અને મારિયો પૂઝોની ‘ધ ગૉડફાધર’ – આ ત્રણેય નવલકથાઓ મને અશ્ર્વિની ભટ્ટની ‘આશકા માંડલ’, હરકિસન મહેતાની ‘જગ્ગા ડાકુનાં વેરનાં વળામણાં’ અને વીનેશ અંતાણીની ‘પ્રિયજન’ જેટલી જ ગમે છે.

હરિવંશરાય બચ્ચનની આત્મકથાના ચારેય ભાગ બહુ ગમે છે: કયા ભૂલું, કયા યાદ કરું, બસેરે સે દૂર, દશદ્વાર સે સોપાન તક અને નીડ કા નિર્માણ ફિર.

‘દીવાન-એ-ગાલિબ’ અને રમેશ પારેખનો સમગ્ર કાવ્યસંગ્રહ ‘છ અક્ષરનું નામ’ મને મારી મરણપથારીએ અડખેપડખે જોઈએ. ગુલઝારે કહ્યું છે કે એમણે જે ફિલ્મો બનાવી એમાંથી સૌથી સારું કામ એમણે ‘મિર્ઝા ગાલિબ’ માટે કર્યું. હાલાકિ એ ટીવી સિરિયલ હતી. એ જ સિરિયલ પરથી ગુલઝારે કિતાબ લખી: ‘મિર્ઝા ગાલિબ: એક સ્વાનહી મંઝરનામા’. એ પણ એટલું જ ગમે.

અમદાવાદના પાંચ-છ વરસના વસવાટ પછી કાયમ માટે પાછો મુંબઈ આવતો હતો. મુંબઈના એક મિત્રે મારો સામાન સહી સલામત પહોંચાડવાની ગોઠવણ કરી આપી. પુસ્તકો કેટલાં છે એની ગણતરી કોઈ દહાડો રાખી નથી. પ્રિયપાત્રને કરેલાં ચુંબનોની સંખ્યાનો હિસાબ કોઈ કેવી રીતે રાખે? એક સરખી સાઈઝનાં કાર્ટન ભરાતાં જતાં હતાં. કેટલા ટનની ટ્રક લાવવી તેનો અંદાજ કરવા એક કાર્ટનનું વજન થયું, ગુણાકાર થયો. બે ટન વજનનાં પુસ્તકો થયાં. બે હજાર કિલો. લોકોને ચંદનના લાકડે બળવાનું ખ્વાબ હોય. મને પુસ્તકોની શૈય્યા પર છેલ્લા શ્ર્વાસ લેવાની હોંશ છે.

5 COMMENTS

  1. Kudos to Your Love for Books . Really felt Happy, that the 3 English novels which you have mentioned, have also been read by me , in my college days ( also other novels , by those great authors ) .

  2. નિકોલાઈ નોસાવ નું પુસ્તક જેનો ગુજરાતી અનુવાદ “ભાઈબંધ” નામે થયેલો.. સ્કૂલ ના દિવસો માં વાંચેલુ એ પુસ્તક આજે 25 વર્ષે પણ યાદ છે. અફસોસ, ક્યાંક ખોવાઈ ગયું છે. આ અફસોસ બાળપણ ખોવાઈ ગયા જેટલો જ છે.

  3. Aapna Adbhut pustak prem ne pranam ?
    I revisited my school days’, school library, chandamama, zagmag, Miyan fuski, Tabhabhat, Bhadrambhadra thi kari ne Saat Pagla Aakash maa and many many more…

    2 ton na pustako ? thanks for sharing, karan fakt 2 kabat bhari ne mara pustako matea wife ni katkat matea now it will act as support.

    On Father’s day, my Son gifted me ‘ Maharaj’ ..he knows you and my favorite author ?
    Thanks for- Kitabi Duniya.

  4. સાચે જ સાહેબ અદભુત લેખ છે એમ કહેવા કરતાં અદભુત વસિયતનામું છે એમ કહી શકાય.આજ ના મોબાઈલ અને ટેલિવિઝન ના જમાનામાં વાંચન લગભગ અદ્રશ્ય થયું છે તેવા સમયે માં પ્રેરણાદાયી લેખ. ખરેખર તો આ લેખ વાંચવા વાળા એ પ્રતિજ્ઞા લેવી જોઈએ કે દરરોજ ઓછાનામે એક કલાક તો વાંચીશ જ….

  5. mane chandan ni shiyya par chhello shavash levoo ……
    excellent wish with Lovely Books …………….
    your DNA fit for Reader and BOOKS………………..
    Great say Like me sir,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here