“ શબ્દો તો વિચારોની ચલણી નોટના છુટ્ટા કરાવીને લીધેલું પરચૂરણ છે “ : સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૯ એપ્રિલ ૨૦૨૩ )

આઇરિશ સાહિત્યકાર ઓલિવર ગોલ્ડસ્મિથે ‘શી સ્ટૂપ્સ ટુ કૉન્કર’ નવલકથામાં લખ્યું છે કે જૂનું સઘળું મને ગમે છે: જૂના મિત્રો, સમય, જૂની રીતભાતો, જૂનો દારૂ અને જૂનાં પુસ્તકો.

લેખક લખે છે ત્યારે એની પાસે એનું એકાન્ત હોય છે. લખાણ પ્રગટ થયા પછી એનું એકાન્ત એના વાચકોમાં વહેંચાઈ જાય છે. દરેક વાચક નવું નવું વાંચીને આવાં એકાન્ત ભેગાં કરતો રહે છે. આવાં એકાન્તનો જથ્થો જૂનો થઈ જાય છે ત્યારે એને અતીતનું નામ મળે છે. આવો અતીત એકસાથે પાછો હાજર કરી દેવાની જવાબદારી જૂનાં પુસ્તકોએ નિભાવવાની હોય છે. લક્ષ્મીનંદનો તિજોરી ઉઘાડીને નોટોનાં બંડલની વ્યવસ્થિત ઢગલીઓ જોઈને આંખો ઠારે એમ સરસ્વતીપુત્રો પોતાના પુસ્તક મહેલમાં આડાં ઊભાં ત્રાંસાં સીધાં ગોઠવાયેલાં પુસ્તકો પર નજર ફેરવીને સંતોષનો ઓડકાર ખાય.

પુસ્તકો જેવો શાંત મિત્ર બીજો કોઈ નથી. આ એવો મિત્ર છે જે કાયમી છે. આ એવો વડીલ છે જેની પાસે ગમે ત્યારે સલાહ માટે, માર્ગદર્શન માટે જઈ શકો છો. આ એવો ધીરજવાન શિક્ષક છે જેને તમે સતત પ્રશ્ર્નો પૂછતા રહેશો તો પણ એ કંટાળ્યા વિના તમને શાણા અને વ્યવહારુ ઉકેલો ચીંધતો રહેશે.

પુસ્તકો માટે લેખકો કરતાં વાચકો વધારે અગત્યના છે. પુસ્તકો જ નહીં, કોઈ પણ લખાણ માટે. નિજાનંદ માટે લખતો લેખક પણ અંતે તો વાચકના હૃદયના કોઈ એક નાના ખૂણે પડેલી સિતારનો એકાદ તાર ઝંકૃત કરવાની ખેવના રાખતો હોય છે. આ તાર રણઝણતો નથી ત્યારે પ્રત્યાયન અધૂરું રહે છે, કમ્યુનિકેશન પૂરું થતું નથી, સંવાદ સધાતો નથી. અહીં સંવાદનો વિરોધી વિસંવાદ સર્જાતો નથી, પરંતુ નિ:સંવાદ અથવા તો અસંવાદ સર્જાય છે. જે કલમ વાચકના છાના ખૂણે આવું ઝીણું સંગીત જન્માવવામાં કામિયાબ નથી નીવડતી એ કલમ જલદી બુઠ્ઠી થઈ જતી હોય છે.

લેખક ક્યારેય કશું નવું નથી કહેતો. મૌલિક હોવાનો દાવો કરનારાઓ જાત સાથે પ્રામાણિક નથી હોતા. જગતમાં ઈશ્ર્વર સિવાય કશું જ મૌલિક નથી. બધું જ બીજામાંથી ઉદ્ભવેલું હોય છે. અસંખ્ય છાપો ઝીલીને લેખકનો લેખક તરીકેનો પિંડ બંધાતો હોય છે. સેમિયુઅલ જોન્સને કહ્યું હતું કે લેખક નવી વાતને જાણીતી બનાવે છે અને જાણીતી વાતને નવી બનાવે છે. જે. કૃષ્ણમૂર્તિએ આ જ વાત
એમના આગવા અંદાજમાં કરી હતી: વારંવાર વપરાયેલા શબ્દો હું ફરી વાર વાપરું છું, કારણ કે મારા માટે એ નવા છે.

મૌલિકતાવાળી આ વાત જેન્યુઇન લેખકોને જ લાગુ પડે છે, તફડંચીકારો કે પ્લેજિયારિસ્ટોને નહીં, અહીંતહીંથી ભેગું કરીને લખનારાઓને નહીં.

લેખક લખવા બેસે છે ત્યારે એનું દિમાગ અને સામેના સ્ટડી ટેબલ પર પડેલા સફેદ કાગળોની થપ્પી પરોઢિયે ચાર વાગ્યે દેખાતા ચર્ચગેટ સ્ટેશન જેટલાં સૂમસામ હોય છે. જાડી ફાઉન્ટન પેન ઉપાડીને એ પહેલો બ્લ્યુ ભરાવદાર અક્ષર કાગળ પર પાડે છે અને થોડી જ વારમાં વસ્તી વસ્તી થઈ જાય છે. વિચારોની વસ્તી, અભિપ્રાયોની વસ્તી, માહિતીની અને ચિંતનની તથા ચુસ્ત શૈલી અને ચુંબકીય અભિવ્યક્તિની વસ્તી. વસ્તીના આ વિસ્ફોટથી વાચક ક્યારેક વહાલ અનુભવે, ક્યારેક ગૂંગળામણ.

ઉપરછલ્લી નજર ફેરવીને ગડી વાળી આઘે મૂકી દેવામાં આવતું છાપું કે દોઢ પાનું વાંચ્યા પછી અભરાઈએ ચડાવી દેવામાં આવતું પુસ્તક આવી ગૂંગળામણોના શિકાર થયેલાં હોય છે. અંગ્રેજીમાં જેને વેલ થમ્બ્ડ વોલ્યુમ કહે છે એવું ખૂબ વંચાવાથી જેનું બાઈન્ડિંગ કટોકટીભર્યું થઈ ગયું હોય અને જેનાં પાનાં વંચાઈ વંચાઈને ચોળાઈ જવા પર હોય એવું પુસ્તક વાચકોએ લેખકને કરેલા વહાલનો પુરાવો છે.

કેટલાક વાચકો છાપામાંથી મનગમતું લખાણ કાપી લઈ છાપામાં ડોકાબારી જેટલી જગ્યા બનાવી દેતા હોય છે. આ ડોકાબારીની આરપાર શૂન્યાવકાશ નથી હોતો, વાચકોએ લેખકને કરેલો પ્રેમ ફ્રેમ બનાવીને મઢ્યો હોય એવું એ દૃશ્ય હોય છે. કેટલાક વાચકો આવી કતરણોને પર્સમાં મૂકીને, કંટાળો આવશે ત્યારે વાંચવા ચાલશે એવા ઈરાદાથી પાર્ટીમાં આવે છે અને એમને અચાનક એ શબ્દોના સર્જકનો ભેટો થઈ જાય છે ત્યારે વાચક કરતાં વધુ લેખકને આનંદ સાથેનું આશ્ર્ચર્ય થાય છે. સાનંદાશ્ર્ચર્ય જેવા સાક્ષરી અને ભારેખમ શબ્દનો અર્થ આવા વખતે જડી જાય છે.

ઓગણીસમી સદીના ફ્રેન્ચ લેખક જુલે રેનાર્ડે છેક એક સદી પહેલાં કહ્યું હતું: શબ્દો તો વિચારોની ચલણી નોટના છુટ્ટા કરાવીને લીધેલું પરચૂરણ છે. પુ.લ. દેશપાંડેનાં પત્ની સુનીતા દેશપાંડેના મિત્ર અને વિખ્યાત સાહિત્યકાર જી. એ. કુલકર્ણીની આત્મકથામય નવલકથાનું શીર્ષક છે: ‘અરભાટ આણિ ચિલ્લર’ જેનો સંવેદનશીલ અનુવાદ જયા મહેતાએ ‘સુવર્ણમુદ્રા અને…’ના નામે કર્યો છે. ‘અને…’ પછી અધ્યાહાર રહેતું પરચૂરણ અને અરભાટ એટલે સોનામહોર. આ બંનેને લેખક પોતાના વાચકોમાં હોંશે હોંશે વહેંચે છે. શું કહેવું છે એ સ્પષ્ટ હોય તો લેખકને ક્યારેય શબ્દોની ઓછપ લાગતી નથી. શું પામવું છે એ વિશે નિશ્ર્ચિતતા હોય ત્યારે વાચકને લેખકની કોઈ ઊણપ કનડતી નથી.

લેખક લખે છે પોતાની ભૂખને કારણે; કેટલાક માનસિક ભૂખને કારણે, કેટલાક શારીરિક ભૂખને કારણે. લેખકની ભૂખ સંતોષાય છે અને ઓડકાર વાચકને આવે છે. વાચકને ઓડકાર ક્યારે આવે? જે લખાણમાં એને પોતાની ન લખાયેલી આત્મકથાનો અંશ જોવા મળે કે જેમાં એ પોતાની વણલખી રોજનીશીનું એક પાનું શોધી શકે એમાંથી એને તૃપ્તિ મળે. જરૂર નથી કે આખું પુસ્તક કે આખો લેખ સળંગ અને સાદ્યંત એની મંજૂરીને પાત્ર બને. વિદુરને પીરસાયેલી ભાજીનાં બે પાંદડાં પણ સમગ્ર ભોજનનો પર્યાય બની શકતાં હોય છે.

‘એલિસ ઈન ધ વન્ડરલૅન્ડ’માં રાજાને પૂછવામાં આવે છે: ‘વ્હેર શેલ આય બીગિન, પ્લીઝ યૉર મૅજિસ્ટી?’ રાજા જવાબ આપે છે: ‘શરૂઆતથી જ આરંભ કરો’ અને ઉમેરે છે, ‘અંત આવે ત્યારે પૂરું કરજો.’

લેખક અને વાચકનો સંબંધ પણ શરૂઆત સાથે આરંભાતો હોય છે અને અંત આવે ત્યારે પૂરો થઈ જતો હોય છે.

પાન બનારસવાલા

સાચું બોલીને મને હર્ટ કરશો તો ચાલશે,
પણ જૂઠ્ઠું બોલીને મને કમ્ફર્ટેબલ ફીલ કરાવવાની કોઈ જરૂર નથી.

– ફેસબુક સુવાક્ય

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

3 COMMENTS

  1. અતિ સુંદર લેખ મજા આવી ગઇ સૌરભભાઇ તમે લખતા રહો.
    અમે વાંચતા રહીયે 💐

  2. Saaurabhbhai , ‘ shabdo to vicharo nu parchuran ‘ , vah maja padi gai… Aap ne mali ne ek ek rakabi cha pivani ichha chhe…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here