પરફેક્શનનું દુખ અને અપૂર્ણતાનું સૌંદર્ય : સૌરભ શાહ

(લાઉડમાઉથ: ‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, બુધવાર, 25 નવેમ્બર 2020)

નવીનક્કોર કાર તમારા ઘરે શોરૂમમાંથી જે દિવસે આવે એ જ દિવસે એના પર ગોબો પડી જાય તો તમે શું કરો? લૉન્ડ્રીમાંથી તાજા જ ડ્રાય ક્લીન થઈને આવેલાં કપડાંના પૅકેટ પર કોઈ ભૂલથી બેસી જાય અને કપડાં ચોળાઈ જાય તો તમે શું કરો? ખૂબ કાળજીથી સુંદર અક્ષરે સારા કાગળ પર મોંઘી ઈન્કવાળી ફાઉન્ટન પેનથી કાળજીપૂર્વક કોઈને પત્ર લખ્યો હોય અને છેક છેલ્લા વાક્યે અજાણતાં ધક્કો વાગતાં છેકછાક થઈ જાય તો તમે શું કરો?

સ્ક્રીન પર, સ્ટેજ પર કે નવલકથાનાં પાનાંમાં દેખાતી હીરોઈનો સર્વગુણ સંપન્ન હોય છે. લગ્નસંબંધી જાહેરખબરો વાંચશો તો ખબર પડશે કે ગુજરાતી યુવાનો આવી જ કન્યાની તલાશમાં હોય છે. ગોરી, ઊંચી, દેખાવડી, નમણી, હસમુખી, સંસ્કારી, ભણેલી, ગૃહકાર્યમાં કુશળ. માય ગૉડ. આવી સ્ત્રી લાવવી ક્યાંથી? છતાં સૌ કોઈ આશા બાંધીને બેઠા છે. એમણે ખૂબસૂરત મૉડેલ ગર્લના ફોટા જાહેરખબરોમાં જોયા છે. કૉલેજમાં અવ્વલ નંબરે આવતી ફિલ્મની હીરોઈનને ડાન્સ કરતાં પણ એટલી જ સારી રીતે આવડે છે તે જોયું છે. જિંદગીમાં પણ એ જ જોઈએ છે. ગોબા વગરની નવીનકોર ગાડી સૌ કોઈનો આદર્શ છે.

મેકઅપમૅનને પૂછો. હીરોઈનના ચહેરાના માઈનસ પોઈન્ટ્સને એ કેવી ખૂબીથી છુપાવે છે. ડ્રેસ ડિઝાઈનર કહેશે કે પરફેક્ટ આંકડા ધરાવતું ફિગર કુદરતની નહીં પણ માસ્ટર કટરની સરજત છે. કૅમેરામેનને પૂછજો, ખબર પડશે કે લાઈટિંગની કરામતથી ભલભલી સાદા દેખાવની નારીઓને તેઓ અપ્સરા બનાવી શકે છે.

આપણે સ્વીકારી શકતા નથી કે ઘડી-બેઘડી આ બધો અસબાબ ઠીક છે, ચોવીસે કલાક જ્યારે વાસ્તવિકતા સામે ઝીંક લેવાની હોય ત્યારે આ બધું ખરી પડતું હોય છે. પરફેક્શન કે સંપૂર્ણતાનો આગ્રહ માણસને અવાસ્તવિક બનાવી દે છે. સંપૂર્ણતાના વળગણથી માણસ પોતાની પાસેથી તેમ જ આસપાસના સૌ કોઈની પાસેથી વધુ પડતી અપેક્ષાઓ રાખતો થઈ જાય છે.

તો આનો અર્થ શું એવો કાઢવો કે આપણે જિંદગીમાં ધકેલ પંચા દોઢસોની નીતિ અપનાવી લેવી? સો ટકા પરફેક્શન શક્ય નથી એવું સ્વીકારી લીધા પછી કોઈપણ કામમાં કે કોઈપણ વ્યક્તિમાં કોઈ ધોરણનો આગ્રહ ન રાખવો?

ના. એવું નથી. પરફેક્શન માટે પ્રયત્નો કરવા. પણ એ પ્રયત્નો વળગણમાં પલટાઈ જતા હોય એવું લાગે ત્યારે સાવધ થઈ જવું. સમયની બાબતમાં નિયમિતતા રાખતા આગ્રહીઓને તમે જોયા હશે. ઘણું માન છે એવા લોકો માટે. પણ કોઈ એમને ચાર વાગ્યે મળવાનું કહીને સવા ચારે આવે તો તેઓ આખી દુનિયા ઊંધીછત્તી થઈ ગઈ હોય એટલા વ્યાકુળ થઈ જતા હોય છે. પંદર મિનિટ મોડું કરવા બદલ તેઓ ત્રીસ મિનિટ સુધી નિયમિતતાની આવશ્યકતા પર લેક્ચર આપી દેતા હોય છે. રસોઈમાં મીઠું સહેજ વત્તુંઓછું પડી જાય કે પાપડ જરા કાચોપાકો રહી જાય ત્યારે આખું ઘર માથે લેતા પતિદેવો તમે જોયા હશે. કદાચ, તમારા પોતાના ઘરમાં જ હશે. બાળકના હોમવર્કમાં એકાદ દાખલો ખોટો પડે કે પાટલૂનને મૅચિંગ મોજાં વૉર્ડરોબમાંથી ન મળે તે દિવસે આખો જન્મારો એળે ગયો હોય એવી લાગણી વ્યકત કરતા લોકોની આપણી આસપાસ ખોટ નથી.

પરફેક્ટ કોઈ જ નથી અને પરફેક્ટ કશું જ નથી. અપૂર્ણતાનું સૌંદર્ય સ્વીકારી લેવાથી જે સંતોષ મળે છે તેનું મૂલ્ય નાનુંસૂનું નથી. સંબંધો, સગવડો, વ્યક્તિઓ કે વસ્તુઓમાં અપૂર્ણતા હોઈ શકે છે એ સ્વીકારી લીધા પછી જિંદગી ઘણી આસાન બની જાય છે. કલ્પનાની દુનિયા અને વાસ્તવિકતાની દુનિયા વચ્ચેનો તફાવત સમજી લીધા પછી જ પરફેક્શનનો આગ્રહ ઓગળી શકે છે.

એક નોંધ: પ્લેન બનાવવામાં પરફેક્શન ન હોય અને એક કાણું રહી જાય તો ડિઝેસ્ટર થાય તે રૉકેટ ઉડાડવામાં સેકન્ડના સોમા ભાગનું પ્રીસિશન પણ જો ન જળવાય તો… અને સોનું કે હીરો જોખવામાં એક ગ્રામના દસમા, સોમા કે હજારમાં ભાગનું ધ્યાન રાખવામાં ન આવે તો… કે તમને દસ હજારના બંડલમાં સોની એકાદ નોટ કોઈ ઓછી આપી દે તો…. એવી આર્ગ્યુમેન્ટ કરવાનું મન આ લેખ વાંચીને કોઈને થાય તો બે હાથ જોડીને વિનંતી કે આજથી મારા લેખો વાંચવાનું બંધ કરી દેવું. હું તમારા માટે લેખક તરીકે લાયક નથી. ઘણી વખત મેં જોયું છે કે વાતનું હાર્દ પકડવાને બદલે કેટલાક લોકોને બુઠ્ઠા લૉજિકની છરી વાપરવાની એવી મઝા આવતી હોય છે. હું એવા લોકો માટે લખતો જ નથી. એવા લોકો સાથે ક્યારેય જીભાજોડીમાં ઉતરતો પણ નથી. એમને સહન કરવાની મારામાં કોઈ શક્તિ પણ નથી. પોતાની સ્માર્ટનેસ ચાર જણ આગળ પ્રગટ કરવા માટે આડી હવાઈઓ ફોડનારાઓ સાથે હું છેડો ફાડી નાખતો હોઉં છું.

હં, તો મારો મુદ્દો શું હતો? મુદ્દો તો ક્યારનો પૂરો થઈ ગયો!

સાયલન્સ પ્લીઝ!

અશક્ય ઘણી વખત એ જ લાગતું હોય છે જેના માટે હજુ સુધી પ્રયત્નો જ કરવામાં આવ્યા નથી.

– જિમ ગુડવિન

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here