ફરી જલદી પાછો આવું છું, બનારસ: સૌરભ શાહ

(બનારસમાં પાંચ દિવસ: ભાગ 9)
(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : મંગળવાર, 26 મે 2020)

વારાણસીમાં આજે અમારો છેલ્લો દિવસ છે. ગઈકાલે સવારે અમે કાશીના રાજાનો કિલ્લો જોવા રામનગર ગયા હતા. કાશીના રાજા કાશીમાં રાજમહેલ બનાવવાને બદલે સામા કાંઠે કિલ્લો બાંધીને શું કામ રહેતા હશે તેની એક વાયકાનો ઉલ્લેખ કર્યો હતો કે કાશીના રિયલ સમ્રાટ તો ભગવાન શંકર કહેવાય એટલે કાશીનરેશ માનતા કે એક શહેરમાં બે રાજા ક્યાંથી રહી શકે એટલે કાશી છોડીને રામનગર રહેવા ગયા.

લોકવાયકા તરીકે આ કથા ઠીક છે, પણ કોઈ રાજા પ્રજાનું રક્ષણ કરવા એમની વચ્ચે મહેલ કે કિલ્લો બાંધીને રહેવાને બદલે ગંગાપાર જઈને રહે એ જરા અજુગતું લાગે. ઈતિહાસમાં એનાં સાચાં કારણો કદાચ દટાઈ ગયાં હશે. કાશીનરેશ વિશે વર્ષો અગાઉ ટીવીના એક ફૂડ શોમાંથી જાણેલું કે આ રાજાઓની પરંપરા એવી છે કે તેઓ કોઈના દેખતાં જમતા નથી. ભોજનખંડમાં પાટલો મૂકીને જમવા બેસે ત્યારે પીરસણિયાઓ નાનાં નાનાં પાત્રોમાં એમની થાળીની આસપાસ વધારાની તમામ વાનગીઓ ગોઠવીને બારણું ભીડી દે પછી રાજા એકલા જ ભોજન આરોગે. આસપાસ કોઈ ન હોય. વારાણસીથી રામનગરનું અંતર માત્ર ગંગાના પટ જેટલું જ છે અને પાંચ વર્ષથી બંધાઈ રહેલો નવો પુલ તૈયાર થઈ જશે એ પછી દસ-પંદર મિનિટમાં જ ત્યાં પહોંચી શકાશે. અત્યારે જરા લાંબું ચક્કર કાપવું પડે છે એટલે ટ્રાફિકને લીધે પોણોએક કલાક થઈ જાય. નવો પુલ જે બંધાઈ રહ્યો છે તેની બાજુમાં પૈદલ જવા માટે કે સાઈકલ અને ટુ વ્હીલરની અવરજવર માટેનો સાવ નીચો એવો જૂનો પુલ છે પણ ફોર વ્હીલર માટે એ નથી વપરાય એવો.

કાશીનરેશનો એક જમાનામાં આખા હિન્દુસ્તાનમાં ભારે દબદબો હતો. કાશી અતિ શ્રીમંત રાજ્ય હતું. વ્યાપારના ધામ તરીકે પણ કાશીની મોટી ખ્યાતિ હતી. રામનગરનો કિલ્લો જોતાં તમને અહીંની એક જમાનાની જાહોજલાલીનો અંદાજ આવે.

વીસમી સદીના આરંભમાં બનેલી અનેક વિન્ટેજ ગાડીઓનું કલેકશન અહીંના મ્યુઝિયમમાં છે. સાથે જાતજાતની પાલખીઓ અને અંબાડીઓ પણ સચવાયેલી છે. સંગ્રહાલયનું સૌથી મહત્ત્વનું પાસું મને અહીંના શસ્ત્રાગારનું લાગ્યું. બેનાળી અને ચતુર્નાળી બંદૂકો, તમંચા, ઑટોમેટિક ગન્સ, રિવોલ્વર્સ, વિવિધ પ્રકારની તલવારો તથા ખંજરો. આ તો સોથી બસો વર્ષ પછી સચવાયેલાં પ્રતીક રૂપનાં શસ્ત્રો છે. એ જમાનામાં તો ઘણો મોટો ભંડાર હતો. આપણા રાજાઓ પાસે આટલાં શસ્ત્રો હોય એનો મતલબ હોવાનો કે સૈનિકો પણ રહેવાના. લશ્કર રાખવાનો મતલબ એ કે તેઓ આક્રમણખોરોનો સામનો પણ કરવાના. અમસ્તા જ આપણે આપણા જ પૂર્વજોને બદનામ કરતા રહીએ છીએ કે આપણે કોઈની સામે લડતા નહોતા, આપણે લડાકુ નહોતા.

બપોરે રામનગરથી પાછા આવીને લંચ માટે કાશી ચાટ જઈએ છીએ પણ હજુ દુકાન મંડાઈ રહી છે. અડધો કલાક લાગશે. અમે સામેની લાઈનમાં આવેલી દીના ચાટમાં ફરી એક વાર ટમાટર, ટિકિયા વગેરે માણીએ છીએ.

રામનગર ગયાની આગલી સાંજે રામાનન્દજી સાથે મુલાકાત થઈ હતી. એમને અમારે આજે સાંજે મળવાનું હતું. દુર્ગા મંદિરની સાવ નજીકમાં જ ‘પિલગ્રિમ્સ’ નામની એમની પુસ્તકોની દુકાન છે. દુકાન કહીએ તો આ સ્થળને અન્યાય થઈ જાય. મંદિર છે પુસ્તકોનું. આનાં કરતાં વિશાળ બુક શૉપ્સ તો યુરોપ-અમેરિકાના પ્રવાસીઓએ ઘણી જોઈ હશે, પણ આ પુસ્તક-મંદિરનું ઈન્ટિરિયર તમને જોતાવેંત ટ્રાન્સમાં લઈ જાય. નીચે અને ઉપર બે માળ. ઉપરના માળે જવા માટે બેઉ બાજુથી લાકડાના કઠેડાવાળા પગથિયાં. ઉપલા માળે ચડીને તમે નીચેની આખી દુકાન જોઈ શકો. ‘માય ફેર લેડી’માં પ્રોફેસર હિગિન્સના સ્ટડી રૂમનું વિશાળ વર્ઝન જોઈ લો.



ઈન્ટિરિયર જેટલું જ મહત્ત્વ અહીં વેચાઈ રહેલાં પુસ્તકોનું. ઈતિહાસ, સંસ્કૃતિ, ધર્મ, અધ્યાત્મ વગેરે વિષયોના પુસ્તકોનું આટલું મોટું કલેકશન એકસાથે જુઓ તો તમે પાગલ થઈ જાઓ. રામાનન્દજીની કાઠમંડુમાં આના કરતાંય ઘણી મોટી બુક શૉપ હતી જે ત્રણચાર વર્ષ પહેલાં આગમાં ભસ્મીભૂત થઈ ગઈ. સાથે દુર્લભ હસ્તપ્રતો, ચીજવસ્તુઓ તથા ચિત્રો વગેરેનું હ્યુજ કલેકશન પણ બળીને ખાખ થઈ ગયું. કરોડો રૂપિયાની મિલકતો નષ્ટ પામી. રામાનન્દજી કોઈ અફસોસ વિના, મસ્ત મૌલાની જેમ, તદ્દન નિર્લેપ ભાવે આ વાતો કરે છે. એ પોતે પ્રકાશક પણ છે. જે પ્રકારનાં પુસ્તકો નૉર્મલ કમર્શિયલ પ્રકાશક ન છાપે તેને છાપે અને ખૂબ વેચે એવું નેટવર્ક છે એમનું. અમારી વાતો ખૂટતી નહોતી. રામાનન્દ તિવારી એમનું મૂળ નામ. પછી અટક છોડી દીધી. સાધુ નથી પણ વૃત્તિ સાધુની, પહેરવેશ તો ખરો જ.

પુસ્તકો છાપવાનો અને વેચવાનો બહોળો ધંધો કરે છે છતાં વેપારી નથી કે નથી એમનામાં વાણિયાવૃત્તિ. સાથોસાથ લાખના બાર હજાર કરવાની વૃત્તિ પણ નથી . ધંધો છે તો એમાંથી કમાણી પણ થવી જોઈએ જેથી વધુ ને વધુ સારાં કામ થઈ શકે. એમની દુકાનમાં ગ્રાહકોને ડિસ્કાઉન્ટ નથી મળતું, એમનાં પોતાનાં પ્રકાશનો પર પણ નહીં. મ્યુઝિકનું પણ સારું એવું કલેકશન છે એમની દુકાનમાં. એમનાં પત્ની પોતે અમારા માટે જલપાન લઈને આવે છે. (બાય ધ વે જલપાન એટલે માત્ર જળનું પાન નહીં. આપણે જેને ચાનાસ્તો કહીએ તેને ઉત્તરમાં બધે જલપાન કહે.) વાતો હજુ અધૂરી હતી અને અમારે જાલાનજી યોજિત સંગીત મહોત્સવમાં જવાનું હતું જ્યાં પોરબંદરના સાંદીપનિ આશ્રમથી પધારેલા પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા સાથે મુલાકાત થવાની હતી. રામાનન્દજીએ સવારે બ્રેકફાસ્ટ (બાલભોગ!) માટે આમંત્રણ આપ્યું. અમારે સારનાથ જવાનું હતું અને એ પહેલાં એક છેલ્લી વાર પ્રભાતે નૌકાયન કરવું હતું, પણ એમના આગ્રહને કારણે સમયમાં ફેરફારો કરીને હા પાડી દીધી.

બીજે દિવસે સાડાપાંચ વાગ્યે ફરી એક વાર હલેસાંવાળી હોડીમાં નૌકાયન કરવા નીકળી પડ્યા. ફરી સુબહ-એ-બનારસનો નજારો. દશાશ્વમેધ ઘાટ નજીક જઈને તમે નદીમાં ભુજિયા (સેવ) નાખો તો બહારગામથી આ ઋતુમાં અહીં આવેલાં સીગલ્સ એને ખાવા ટોળે વળે. સેવનો એક દાણો ન છોડે. સૂર્યના ઉદય સાથે પંખીઓને ચહકતા સાંભળવાની આ મઝા બે કલાક ચાલી.

પાછા અસ્સી ઘાટ આવીને મલાઈ ટોસ્ટ અને ચા માટે ફરી એક વાર ચૌક ગયા. ત્યાંથી બ્રેકફાસ્ટ માટે રામાનન્દજીના ઘરે. દુકાનની ઉપર જ ત્રણ માળનું ઘર. ફરી ફરીને બધું બતાવ્યું. એમના અંગત ખંડમાં અનેક દુર્લભ હસ્તપ્રતો તથા વિવિધ રામાયણોનું કલેકશન છે. પાંચ-સાત વિવિધ પ્રકારના નવાં નવાં ફ્રૂટ્સના મોટા બૉલમાં મૂસળી તથા ડ્રાયફ્રૂટ્સ અને ઉપર દહીં. આટલો સમ્ચ્યુઅસ બાલભોગ ખાધા પછી બીજા એક મોટા બૉલમાં દલિયાની સાથે વિવિધ બોઈલ્ડ વેજિટેબલ્સ. સાંજ સુધી હવે ભૂખ લાગવાની નથી. પછી ચાની સાથે લોકલ બેકરીના બ્રેડના લોફની સ્લાઈસ. આટલી વજનદાર કેવી રીતે? હોલ વ્હીટ અને મલ્ટિ ગ્રેઈન બ્રેડની એક જ જાડી સ્લાઈસ ટોસ્ટ કરીને ખાધા પછી થયું કે રામાનન્દજીએ લંચ કે ડિનર માટે ન બોલાવ્યા તે સારું થયું. અન્યથા સારનાથ તો શું મુંબઈ જવાનું માંડી વાળવું પડત.

વારાણસીથી અડધો-પોણો કલાકનો માર્ગ પ્રવાસ કરો એટલે સારનાથ પહોંચી જાઓ. ભગવાન બુદ્ધે સૌથી પહેલું પ્રવચન આ સ્થળે આપ્યું હતું. ખૂબ વિશાળ સ્તૂપ એમની યાદગીરીમાં બંધાયેલો છે. બૌદ્ધ સાધુઓની પ્રાચીન વસાહતોના અવશેષો મળી આવ્યા છે. આપણી રાજમુદ્રા સમો અશોક સ્તંભ પણ અહીંથી મળી આવ્યો અને અશોકચક્ર પણ. આ બધું જ અહીંના ઍરકંડિશન્ડ મ્યુઝિયમમાં સરસ રીતે સચવાયેલું છે.

ભગવાન બુદ્ધના તત્ત્વજ્ઞાનથી ખૂબ જ પ્રભાવિત છું, પણ બૌદ્ધ ધર્મની અસર હેઠળ સમ્રાટ અશોક જેવા ભારતના પ્રતાપી અને ચક્રવર્તી રાજાએ અહિંસાવ્રત લઈ લીધું એવા ઈતિહાસના પ્રકરણને હું ભારત માટે ગૌરવપ્રદ નથી ગણતો. અશોકના ચાર સિંહોવાળા અશોક સ્તંભને તથા અશોકચક્રને રાજચિહ્ન બનાવીને કે રાષ્ટ્રધ્વજમાં સ્થાન આપીને નહેરુની કૉન્ગ્રેસી સરકાર કયો સેક્યુલર ઉપદેશ આપવા માગતી હશે તે ભગવાન જાણે. આપણો રાષ્ટ્રધ્વજ તો વચ્ચેથી ત્રિકોણાકારે કપાયેલો ભગવો જ હોવો જોઈતો હતો અને એમાં અશોકચક્રને બદલે ત્રિશૂળ કે સૂર્યના પ્રતીકને સ્થાન હોવું જોઈતું હતું. સારનાથની યાત્રા કરી તો મારા આ વિચારો વધારે સ્પષ્ટ થયા, દૃઢ થયા.

સાંજે વારાણસીની વિદાય લેતાં પહેલાં જાલાનજીએ મલાઈની ગિલ્હૌરી નામની મીઠાઈ બંધાવી આપી, સાથે ઑરેન્જ (સંતરા)ની પણ મીઠાઈ હતી. આ ઉપરાંત ઘર માટે આલુના પાપડ અને મિર્ચીનું આચાર પણ હતું. મુંબઈથી આવ્યા ત્યારે સામાનનું જેટલું વજન હતું તેના કરતાં બમણું વજન લઈને પાછા જઈ રહ્યા છીએ. અને આમાં જો સ્મૃતિમાં સચવાયેલો ભંડાર ઉમેરો તો એક આખું કાર્ગો વિમાન ભરાય. ફરી જરૂર આવીશું વારાણસીમાં. બહુ જલદી આવીશું.

14 COMMENTS

  1. વાહ, અદ્ભુત પ્રવાસ વર્ણન. બીજા લેખોની જેમ આમાં પણ તમે મોજ કરાવી દીધી. ઘરે બેસીને આખું બનારસ ફર્યો હોઉં એવું લાગ્યું. આભાર સાહેબ 🙂

  2. Lovely and most informative articles.after reading these, it is realised that we have hardly seen anything in Varanasi.so have to plan another trip.had also read your related write ups in Mumbai Samachar.tjoroughly enjoyed.keep feeding us with such articles

  3. Kashi yatra ni anubhuti thai avi. Pavitra nagri hajaaro varsho thi mata Ganga ne tire vashi chhe.

    Gautam Budhha karta ena pracharako ne lidhe, Bharat na rajao Buddha Dharma taraf aakarshit thaya ane Kshatriya dharm no tyaag karyo. Bharat Varsh par aakaraman thaya. Pushyamitra Shunga defeted Greek invasion of Demetrius and later he defeated Mauyra and established Shunga dynasty and brought back Sanatan Dharma.

    Om Namaha Shivay.

  4. સૌરભ ભાઈ તમારા આ સુંદર લેખે મારી બનારસ જવાની ઈચ્છા ખુબ જ પ્રબલ થઈ. હવે બનારસ જઈશ ત્યારેજ શાંતિ થશે. તમારો ખુબ આભાર.

  5. હું પણ બનારસ ફયૌ છે પણ બનારસ નો આવો ઐતિહાસિક
    ઈતિહાસ દર્શન નો લાભ મેળવી શકાયો નથી.
    આભાર, સૌરભભાઇ.

  6. ઘેર બેઠા કાશી નગરી ની મજેદાર યાત્રા નો આનંદ આપ્યો.

    • વાહ સાહેબ…અદ્ભુત…શું પ્રવાસ વર્ણન..વાહ મોજ પડી ગઈ…સૌરભ ભાઈ આભાર સાહેબ ખૂબજ સુંદર લેખ વાંચી ધન્ય થઈ ગયો છું. વંદન સાથે ?.આપનો વાચક મિત્ર.

  7. Aapna tnya Budhdha vichar dhara and jain vichar dhara e ahinsa no khoti rite prachar karyo …parinam swaroop aapne atma raksha vali Hinsa pan bhuli gaya… adhura ma puru kahevata Mahatma Gandhi e samjavyu ke koi ek lafo mare to bijo Gaal dharvo ….. ama apne kurukshetra nu Geeta gyan pan bhuli gaya …..
    Again Buddh and jain vichar dhara chhe alag dharma nathi …. kem ke ane Janma to sanatan hindu dharma ma thi j thayo chhe …

  8. Excellent description of Banaras n its hosting n foods we will certainly visit the place you have described. Thanks

  9. લોક ડાઉન પછી તરત જ

    બનારસ તરત જ

    જવા નું મન થયું છે.

    મોદી જી ની જીત માટૈ લીધેલ માનતા

    પૂરી કરવા જવું છે

    આભાર

  10. I had missed many things in BANARAS as mentioned by you. I also eager to visit Kashi as early as possible..Jai Baba Kashi Vishwanath

  11. Feel like catching first available flight to Banaras and see everything that you have described so fabulously.Thanks

  12. Varanasi. I had tasted sweet PARVAL. this vegetable was filled with mawa and dunked in sugar syrup. Wonderful taste.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here