જે પોષતું તે મારતું : સૌરભ શાહ

(તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, રવિવાર, ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૧)

એક જમાનામાં રાત્રે ઊંઘ ઊડી જતી તો આપણે શું કરતા? સોમાંથી એક જણ પાણી પીવા રસોડામાં જતું. સોમાંથી એક જણ ફ્રિજ ખોલીને કંઈક લેફ્ટ ઓવર છે કે નહીં તે શોધતું. સોમાંથી એક જણ વઘારેલા મમરાના ડબ્બામાંથી ફાકો મારતું. સોમાંથી એક જણ ટીવી ખોલીને સર્ફિંગ કરતું. સોમાંથી એક જણ… વેલ, સોમાંથી ૯૫ જણની આંખ ઊઘડે તો એ પડખું ફેરવીને સૂઈ જાય. નૉર્મલ સંજોગોમાં નૉર્મલ માણસને સાત-આઠ કલાકની ઊંઘ મળી જતી.

પણ હવે શું થાય છે? રાતના ઊંઘ ઊડી જાય તો તરત હાથ મોબાઈલ તરફ લંબાય છે. અડધી રાત્રે તમને કોઈ વૉટ્સઍપ નથી કરવાનું, કોઈ એફ.બી.ની તમારી પોસ્ટ વાંચીને કમેન્ટ નથી કરવાનું છતાં તમે ચેક કરી લેવાની લાલચ રોકી શકતા નથી. સૂતાં પહેલાં ઑલરેડી તમે તમારી ફેવરિટ ન્યૂઝ સાઈટ્સ પર બે વાર આંટા મારી આવ્યા છો તે છતાં અડધી રાતે ઊંઘ ઊડી જાય ત્યારે ફરી ત્યાં પહોંચી જાઓ છો અને રાકેશ ટિકૈતની ધરપકડ હજુય કેમ નથી થઈ એવા વિચારોમાં ખોવાઈ જાઓ છો. કશું જ નવું નથી દેખાતું એટલે ઈમેલ ચેક કરો છો. ત્યાં પણ સ્પામમાં નાખવા જેવા માર્કેટિંગના મેલ્સ સિવાય નવું કશું નથી. છેવટે યુટ્યુબ પર જાઓ છો. અવાજ મ્યુટ કરીને જાતજાતની વીડિયો ક્લિપ્સ જુઓ છો. પછી બગાસું ખાઈને સૂઈ જવાની કોશિશ કરો છો. કલાક-અડધો કલાક ઊંઘ નથી આવતી એટલે ફરી પાછો મોબાઈલ હાથમાં લઈને વૉટ્સઍપ, ફેસબુક, ન્યુઝસાઈટ્સ વગેરેનું ચક્કર ચાલુ કરો છો.

ઈલેક્ટ્રોનિક મીડિયા, ડિજિટલ મીડિયા, વેબ, ઈન્ટરનેટ, લૅપટૉપ, મોબાઈલ આ બધું જ જબરજસ્ત આશીર્વાદરૂપ છે. હજુ થોડાક દાયકા સુધી તમારે તમારા વતનના ગામે કૌટુંબિક ઈમરજન્સીને કારણે ફોન પર વાત કરવી પડે એમ હોય તો અર્જન્ટ કૉલ બુક કરવો પડતો, વધારે અગત્યનું કામ હોય તો નૉર્મલ કરતાં આઠગણો (અને અર્જન્ટ કરતાં ચારગણો) ભાવ ચૂકવીને લાઈટનિંગ કૉલ કરવો પડતો. ક્યારેક બદમાશી કરીને તાર-ટપાલ-ટેલિફોન ખાતાને છેતરવા માટે પી.પી. (પર્ટિક્યુલર પર્સન)ના નામે ફોન થતો. સામે છેડેથી પી.પી. નોટ અવેલેબલ એવો સંદેશો સાંભળીને મૂકી દો તો તમારા ઘણા પૈસા બચી જતા અને પેલે છેડે સંદેશને પહોંચી જતો કે ગગો સહીસલામત પહોંચી ગયો છે, બકો પરીક્ષામાં પાસ થઈ ગયો છે કે પછી નાનકીનું પાકું થઈ ગયું છે.

આજની તારીખે તમે સાવ મામૂલી ખર્ચે અને મૂકેશભાઈની કૃપાથી તો અલમોસ્ટ ફોગટના ભાવે ધારો એટલી વાત કરી શકો છો એટલું જ નહીં, હજારો માઈલ દૂર બેઠેલી દીકરીને પૂછી શકો છો કે આજે તેં ડિનરમાં શું ખાધું અને એને જણાવી શકો છો કે તમે લંચમાં શું જમવાના છો.

ટેલિગ્રામ પછી ફેક્સ આવ્યા ત્યારે લાગતું હતું કે જમાનો કેટલો મૉર્ડન થઈ ગયો છે. આજે ફેક્સ બાબા આદમના જમાનાની શોધ થઈ ગઈ છે. ઈ-મેઈલથી ઘડીના છઠ્ઠા ભાગમાં તમે ધારો એટલા પત્રો, ફોટા, દસ્તાવેજો જગતના એક ખૂણેથી બીજા ખૂણે પહોંચાડી શકો છો.

તમારો બાબો (કે બાબાનો બાબો) હવે ચાલતો થઈ ગયો છે. એના ફોટા જ નહીં, એની વીડિયો ક્લિપ પણ નહીં, એનું જીવંત પ્રસારણ તમે ફેસટાઈમ, સ્કાઈપ વગેરે પર તમારા મોટાભાઈ-ભાભી સાથે શેર કરી શકો છો.

બધું જ કરી શકો છો, પણ તમને ખબર નથી કે આ જ મોબાઈલ અને આજ લૅપટૉપ તમારી અમૂલ્ય જિંદગીની સાથે કેવી રમત કરી રહ્યા છે. તમને ખબર છે કે તમારો કિંમતી સમય આ રમકડાં ખાઈ જાય છે, પણ કેવી રીતે ખાઈ જાય છે, શું કામ ખાઈ જાય છે અને એ ખાઈ ના જાય તે માટે શું કરવું એની ખબર નથી.

કોરોનાના સમયમાં તમે ઑનલાઇન ભણતર માટે મોબાઈલ વગેરેનો ઉપયોગ કરો ત્યાં સુધી ઠીક છે. શરીર માટે જેટલી શર્કરા અનિવાર્ય હોય એના કરતાં વધારે સાકરનો ઉપયોગ કરો તો ડાયાબિટીસ થાય. મોબાઈલ વગેરેનું પણ એવું જ છે.

તમારો મોબાઈલ, તમારું આઈપેડ કે તમારો ટેબ્લેટ, તમારું લેપટૉપ કે પીસી તમારા માટે અને તમારી પ્રગતિ માટે અનિવાર્ય છે, દુનિયાની પ્રગતિ માટે પણ.

પણ જ્યારે તમે એના ઍડિક્ટ બની જાઓ છો ત્યારે તમારી જિંદગીની સૌથી મોટી મૂડી તમે ગુમાવી બેસો છો અને એ છે તમારો સમય. ઍડમ ઑલ્ટર સાયકોલોજિસ્ટ છે. માત્ર સાડા નવ મિનિટના પ્રવચનમાં એણે આ વાત સમજાવી છે અને એનું સૉલ્યુશન પણ આપ્યું છે. ઍડમની આ ટેડ ટૉક તમને યુટ્યુબ પર મળી જશે.

ઍડમ કહે છે કે પોતાની જ હૉટેલમાં જમતો હૉટેલનો માલિક ગ્રાહકોમાં વિશ્ર્વાસ પેદા કરે છે. ર૦૧૦માં સ્ટીવ જૉબ્સે એપલનું આઈપૅડ લૉન્ચ કર્યું. સ્ટીવ જૉબ્સે ઉછળી ઉછળીને આઈપૅડનાં વખાણ કર્યાં. આઈપૅડ વાપરનારાઓ પણ ખુશ હતા. આઈપૅડ બજારમાં મુકાયાના થોડા મહિના બાદ એક પત્રકારે સ્ટીવ જૉબ્સને પૂછ્યું, ‘તમારાં બાળકો પણ આઈપૅડના પ્રેમમાં હશે નહીં.’ પત્રકારે ધાર્યું હતું તેના કરતાં તદ્દન જુદો જ જવાબ મળ્યો. સ્ટીવ જૉબ્સે કહ્યું, ‘છોકરાંઓએ હજુ વાપર્યું નથી. ઘરમાં છોકરાંઓના હાથમાં કેટલાં ગેજેટ આપવામાં આવે ને કયાં નહીં એ વિશે અમે નિયમો બનાવ્યા છે.’

સ્ટીવ જૉબ્સ જેવો સ્ટીવ જૉબ્સ પોતાનાં બાળકોને નાની ઉંમરથી આઈપૅડ વગેરેની લત લગાડવા નહોતો માગતો. બાકી એના માટે ક્યાં આઈપૅડ, આઈફોનની કમી હતી? એના માટે તો એ બધું એના ઘરના વાડામાં ઝાડ પર ઊગવા બરાબર હતું. આમ છતાં… આમ છતાં એણે બાળકો માટે આ બધા પર પ્રતિબંધ મૂક્યો હતો અને આપણે? આપણે ‘મારો બે વરસનો બાબો તો મોબાઈલ પર ગેમ રમતાં શીખી ગયો છે.’ એવું કહીને પોરસાઈએ છીએ.

ઍડમ કહે છે કે સિલિકોન વેલી જ્યાં જગત આખાની કમ્પ્યુટર કંપનીઓ છે ત્યાં, વૉલ્ડૉર્ફ સ્કૂલ ઑફ પેનિન્સુલા છે, જ્યાં આઠમા ધોરણ સુધી સ્ક્રીન્સ અલાઉડ નથી. સ્ક્રીન્સ એટલે મોબાઈલ, આઈપૅડ, ટેબ્લેટ, લેપટોપ, પીસી વગેરે. આ સ્કૂલમાં ભણતા ૭૫ ટકા વિદ્યાર્થીઓનાં માબાપ કૉમ્પ્યુટર ક્ષેત્રમાં ટોચના ટેક્નોલોજિસ્ટ છે. આ જાણ્યા પછી ઍડમે આ વિષયમાં ઊંડા ઉતરવાનું નક્કી કર્યું. છેલ્લાં થોડાં વર્ષથી એ સ્ક્રીન્સને લીધે આપણા જીવન પર પડતા પ્રભાવ વિશે સંશોધન-અભ્યાસ કરે છે.

ઍડમ કહે છે કે ર૪ કલાકના દિવસમાં આપણે નૉર્મલી સાડા સાતથી આઠ કલાક ઊંઘમાં ખર્ચીએ છીએ. સાડા આઠથી નવ કલાક કામ કરવામાં ખર્ચાય છે. રોજના ત્રણ કલાક જિંદગીના રૂટિન્સમાં ખર્ચાય છે-ખાવા પીવામાં નહાવાધોવામાં, બાળકો પાછળ વગેરે. હવે જે બાકી સમય બચ્યો તે છે ચારેક કલાક જેટલો. આ સમય આપણો પર્સનલ સમય છે. આપણી જિંદગીનો એ અમૂલ્ય સમય છે. આ સમયનો આપણે જે રીતે ઉપયોગ કરીશું એ રીતનું આપણું વ્યક્તિત્વ ઘડાશે. આ સમયમાં આપણા શોખ આપણે પોસી શકીએ છીએ, આપણા સંબંધોને મહોરાવી શકીએ છીએ, આ સમયમાં આપણે આપણી લાઈફ વિશે ગંભીરતાથી વિચારતા હોઈએ છીએ, આ સમયમાં આપણી કલ્પનાશક્તિ મુજબ આપણે સર્જનાત્મક થઈએ છીએ, આ સમય દરમિયાન આપણે આપણી અંદર ઝાંકીને જોઈએ છીએ કે આપણી જિંદગી જીવવા જેવી બની કે નહીં. આમાંનું કેટલુંક આપણને કામના કલાકો દરમિયાન પણ પ્રાપ્ત થતું હોય છે. પણ કેટલુંક જ.

હવે જોઈએ કે આ ચાર કલાકનો સમય વાપરવાની પૅટર્ન છેલ્લા દાયકા દરમિયાન કેટલી બદલાઈ છે. ર૦૦૭માં આઈફોનના આવ્યા પછી આ ચારમાંના લગભગ બે કલાક આપણે સ્ક્રીન્સ પાછળ ગાળતા થઈ ગયા છીએ. એના આઠ વર્ષ પછી, ર૦૧૫માં ચારમાંથી અલમોસ્ટ ત્રણ કલાક આપણે સ્ક્રીન્સને આપતા થઈ ગયા અને એ પછી તો આપણી પાસે માંડ થોડીક મિનિટો જ સ્ક્રીન્સની ગુલામી વિનાની રહી ગઈ.

ઍડમ ઑલ્ટરે આપણને બહુ ખતરનાક પરિસ્થિતિની વાત કહી છે. આપણે સૌએ આ અનુભવ્યું છે, જોયું છે કે હવે આપણી પાસે છાપાં-પુસ્તકો વાંચવાનો સમય ઓછો બચે છે. ટીવી પર સારો પ્રોગ્રામ જોતી વખતે કે ઓટીટી પર કોઈ સારી ફિલ્મ જોતી વખતે પણ વારંવાર આપણે મોબાઈલને મચડ મચડ કરીએ છીએ. કોઈનો ફોન આવે તો ઝડપથી રિસીવ કરવાની લાહ્યમાં ઘરના બાકીના સભ્યો જે ઈન્ટરેસ્ટથી ટીવી જોઈ રહ્યા છે, તેમના રસમાં ભંગ પાડીએ છીએ. ચાલુ ફિલ્મે કોઈનો વૉટ્સઍપ આવે તે તદ્દન ફાલતુ હોય (૯૦ ટકા વૉટ્સઍપ એવા જ હોવાના, ટાઈમપાસ માટેના) તો પણ એનો જવાબ લખવા માંડીએ અને બીજાઓને ડિસ્ટ્રેક્ટ કરીએ, ડિસ્ટર્બ કરીએ. પ્રવાસમાં કમ્યુટિંગ કે ટ્રાવેલિંગ દરમિયાન-કંટાળીએ એટલે નવરા નવરા લોકોને ફોન કરીને સહપ્રવાસીને ડિસ્ટર્બ કરીએ. કારમાં તમે એકલા હો ત્યારે હેન્ડ્સ ફ્રી વાપરો તે બરાબર છે, પણ સાથે કોઈ બેઠું હોય ત્યારે કારના સ્પીકરને ફુલ વોલ્યુમમાં રાખીને તમે તમારા ફોનને એની સાથે જોડીને ધંધાની કે પર્સનલ વાતો કર્યા કરો તો તદ્દન જંગલી, ગંવાર, જાહિલ વ્યક્તિનું લક્ષણ છે એટલુંય નથી સમજતા આપણે.નાટક-સિનેમા-સભા-પ્રવચન દરમિયાન ફોન તો ન જ વાગવો જોઈએ, ફોનના સ્ક્રિનની લાઈટ પણ બાજુવાળાને જ નહીં આજુબાજુના બીજા ઘણા લોકોને ડિસ્ટ્રેક્ટ કરતી હોય છે. ફોન વાપરવો અનિવાર્ય જ હતો તો શું કામ અહીં આવો છો? બીજાઓને ડિસ્ટર્બ કરવા?

પણ તમને ખબર નથી કે આવું કરવામાં તમે પોતે કેટલા ખર્ચાઈ જાઓ છો. તમારા ફોનની બૅટરી તો ડિસ્ચાર્જ થશે પણ એની સાથે તમારી પોતાની પેલા ચાર કલાકવાળી અમૂલ્ય શક્તિઓ, શક્યતાઓ હણાઈ જશે.

ઍડમ ઑલ્ટર ‘ટેડ ટૉક’માં આગળ કહે છે કે સ્ક્રીન્સ (એટલે કે મોબાઈલ ફોન, આઈ પૅડ-ટેબ્લેટ, લૅપટૉપ વગેરે) પર કેટલીક ઍપ્સ એવી છે જે વાપરવાથી લોકોને સારું લાગે છે. એવરેજ રોજની ૯ મિનિટ જેટલો સમય આવી ઍપ્સ પાછળ ખર્ચાય છે જે હવામાન, વાંચન, શિક્ષણ, આરોગ્ય, કસરત, રિલેક્સેશન વગેરેને લગતી હોય છે.

આની સામે જે ઍપ્સ પાછળ ત્રણગણો સમય ખર્ચાય છે, એવરેજ ર૭ મિનિટ, તે ઍપ્સ વાપર્યા પછી લોકો કહે છે કે ‘અમને સારું નથી લાગતું.’ આ ઍપ્સ સોશ્યલ મીડિયાને લગતી, મનોરંજન, ગેમિંગ, ન્યૂઝ, ડેટિંગ, વેબ બ્રાઉઝિંગ વગેરેેની છે. જે ઍપ્સ પાછળ ત્રણગણો સમય ખર્ચાય છે તે ઍપ્સ વાપરીને ‘મઝા’ કેમ નથી આવતી? ‘સારું કેમ નથી લાગતું? ઍડમ ઑલ્ટરે એનું કારણ આપતાં ‘સ્ટૉપિંગ ક્યૂઝ’ શબ્દોનો ઉપયોગ કર્યો છે. ‘સ્ટૉપિંગ ક્યૂઝ’ એટલે ક્યાં રોકાવું એની નિશાની. ‘સ્ટૉપિંગ ક્યૂઝ’ એટલે હવે આ કામ અહીં પડતું મૂકો અને બીજું કોઈ કામ હાથમાં લેવું હોય તો લઈ લો એવો ઈશારો. . પુસ્તકમાં પ્રકરણ પૂરું થાય છે તે ‘સ્ટૉપિંગ ક્યૂ’ છે. ટીવી પર એક એપિસોડ પૂરો થયા પછી તમને ‘સ્ટૉપિંગ ક્યૂ’ મળે છે કે હવે તમારે ટીવી સ્વિચ ઑફ કરીને બીજા કોઈ કામે લાગવું હોય તો લાગી જજો. પણ સોશ્યલ મીડિયા પર તમે ટચસ્ક્રીન પર આંગળી ફેરવતાં જ રહો છો. ત્યાં કોઈ સ્ટૉપિંગ ક્યૂ તમને મળતી નથી. અત્યાર સુધી દરેક બાબતમાં તમને જે ‘સ્ટૉપિંગ ક્યૂ’ મળતી તે હવે સ્ક્રીન્સની મોટાભાગની ઍપ્સમાં નથી મળતી. તમને ખબર જ નથી પડતી કે ક્યાં અટકવું.

જર્મન કાર કંપની ડેઈમ્લર (મર્સીડીઝ-બેન્ઝની પેરન્ટ કંપની) એ એના સ્ટાફ માટે એક એવી સુવિધા ઊભી કરી છે જે બધી કંપનીઓએ કરવી જોઈએ. તમે વૅકેશન પર હો અને તમારી ઑફિશ્યલ મેલ આઈડી પર કોઈ પણ ઈમેલ આવે તો ‘આ વ્યક્તિ વૅકેશન પર છે અને વહેલોમોડો તમારો સંપર્ક કરશે.’ એવો ઑટોમેટિક રિપ્લાય આપવાને બદલે ઈમેલ કરનારને સંદેશો મળે છે: ‘આ વ્યક્તિ વૅકેશન પર છે. અમે તમારો ઈમેલ ડીલીટ કરી નાખ્યો છે. તમે મોકલેલો ઈમેલ આ વ્યક્તિ સુધી ક્યારેય પહોંચવાનો નથી. તમે થોડાં અઠવાડિયાં પછી ઈમેલ કરજો અથવા તો પછી કંપનીમાં બીજા કોઈનો સંપર્ક કરજો.’

આ કંપનીમાં કામ કરનારાંઓ જ્યારે વૅકેશન પર જતા હોય છે ત્યારે એમને લાગતું હોય છે કે પોતે ખરેખર વૅકેશન પર છે. પણ આ તો કંપનીની વાત થઈ. ઘરનું શું? ઘરમાં હું અમુક સમયથી અમુક સમય સુધી ફોન વગેરે નહીં વાપરું એવું નક્કી કરીએ કે તરત આપણા પર ‘ફોમો’ સવાર થઈ જાય છે. ‘ફિયર ઑફ મિસિંગ આઉટ’ હવે એક પ્રચલિત થયેલી ટર્મ છે. તમને લાગે છે કે તમે વારેઘડીએ વૉટ્સઍપ ચેક નહીં કરો કે એફબી ચેક નહીં કરો કે ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર પર આંટાફેરા નહીં કરો તો તમે કશુંક મિસ કરી બેસશો અને તમારા ઓળખીતાપાળખીતાના બધા એ લહાવો લઈ જશે, તમે એકલા પડી જશો.

પણ ધીરે ધીરે ટેવ પાડવાથી આ ભયમાંથી મુક્તિ મળતી હોય છે. ડ્રગ્સ, સિગરેટ કે દારૂ બંધ કરી દીધા પછી જેમ વિથ્ડ્રોઅલ સિમ્પટમ્સનો સામનો કરવો પડે છે એમ સ્ક્રીન્સથી દૂર રહેવાનો નિશ્ર્ચય કર્યા પછી પણ અમુક વખત સુધી તમારો હાથ ઑટોમેટિક ફોન તરફ લંબાવાનો જ છે.

બૅસ્ટ ઈઝ રાતના ૯ કે ૧૦થી સવારના ૯ કે ૧૦ સુધી તમારો ફોન, આઈપૅડ વગેરે તમારા સૂવાના રૂમમાં ન જોઈએ. શરૂઆતમાં થોડું અડવું લાગશે, પણ જેમ જેમ તમારી ઊંઘની ગુણવત્તા સુધરતી જશે એમ એમ આ સૂચન સોનાનું લાગશે.

તમારો વ્યવસાય પોલીસવાળાનો, બંબાવાળાનો, ઉબર ચલાવવાનો, ન્યૂઝ રિપોર્ટરનો કે અમુક પ્રકારના નિષ્ણાત ડૉક્ટરોનો કે પછી એવી જ કોઈ ઈમરજન્સી સર્વિસ પ્રોવાઈડરનો ન હોય તો દિવસના બાર કલાક તમે ફોનનું રિંગર ઑફ રાખી શકો છો. (એસએમએસ અને વૉટ્સઍપનું પણ અને તમામ ઍપનાં નોટિફિકેશન્સ પણ બંધ). તમારે તાત્કાલિક પ્રતિભાવ આપવા પડે એવા ફોન/સંદેશા રોજના કેટલા આવે? સિવાય કે તમારી પત્ની બ્રિજવાસીમાં સમોસા લેવા ગઈ હોય અને એણે તમને ફોન કરીને પૂછ્વું પડે કે સમોસા ખલાસ થઈ ગયા છે તો કચોરી અહીંથી જ લાવું કે પછી રમણ વિઠ્ઠલની લાવું? આવી જીવનમરણના ખેલ જેવી પરિસ્થિતિ સિવાય આપણી લાઈફમાં નરેન્દ્ર મોદી જેવી, તત્કાળ રિસ્પોન્સ આપવો પડે એવી કેટલી ઘટના બની છેલ્લા ૩૬૫ દિવસ દરમિયાન?

આપણને માથેરાનનો સૂર્યાસ્ત જોવા કરતાં કે એફિલ ટાવરનું વાતાવરણ માણવા કરતાં વધારે રસ સૂર્યાસ્ત સાથેની કે એફિલ ટાવર સાથેની સેલ્ફીઝ લેવામાં હોય છે. ઘરથી આટલે દૂર સુધી, આટલો સમય ખર્ચીને, આટલા પૈસા ખર્ચીને મિત્રો કે કુટુંબીઓ સાથે આવ્યા છીએ તો કોઈ ઉચાટ વિના, નિરાંતજીવે આ બધાં દૃશ્યો માણવાનાં હોય. સંભારણારૂપે (કે પછી પુરાવારૂપે!) એકાદ ફોટો લઈએ તો ઠીક છે. પણ અહીં તો આપણે ધડાધડ અલગ અલગ એન્ગલ્સથી ડઝનબંધ સેલ્ફીઝ, ગ્રુપીઝ લેવામાંથી ઊંચા નથી આવતા અને અધૂરામાં પૂરું વૉટ્સઍપ પર શોધી શોધીને પરિચિતોને આ ફોટાઓ મોકલીને લખીએ છીએ: વિશ યુ વેર હિયર!

ક્યારેક સારો કાર્યક્રમ માણતાં ઑડિટોરિયમમાં બેઠા હોઈએ અને કોઈને સોલો ઊપડે એટલે ફટાફટ સ્ટેજ પર ચાલતા સંગીત કાર્યક્રમના ફોટા પાડીને એફ.બી. પર મૂકે: એન્જોઈંગ આર.ડી. બર્મન્સ લાઈવ મ્યુઝિક ઈન ધ પ્રેઝન્સ ઑફ આશા ભોસલે.

આટલું કરવામાં અડધું ગીત ક્યાં જતું રહે એની ખબર પણ ના પડે. પછી બાકીનો આખો કાર્યક્રમ દર બે-પાંચ મિનિટ એફબી ચેક કરવામાં જાય. કોની કોની લાઈક આવી, કોણે કમેન્ટ નાખી. અજયભાઈ તો આર.ડી.ના દીવાના છે, એમણે હજુ સુધી કેમ કોઈ કમેન્ટ આપી નહીં (અજયભાઈ શું કામ કમેન્ટ કરે? એ તો અત્યારે તારી બાજુમાં બેઠા બેઠા કાર્યક્રમ માણી રહ્યા છે).

સ્માર્ટફોન નવા નવા હતા કે આઈ-પૅડ વગેરે હજુ બહુ વપરાતાં નહોતાં એ વખતે આવી સમસ્યા પર ઝાઝું ધ્યાન નહોતું અપાતું. નવા જન્મેલા બાળકને તેડીને બધાને એને રમાડવાની મઝા આવે એમ ચાલી જતું, પણ હવે એ ટીનએજ બની ગયું છે. એને આખો વખત તેડીને ના ફરાય.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

3 COMMENTS

  1. Alarming situation of Social media and smartphone addiction. No surprise to see deaddiction centres for this in near future.
    Heartiest Thanks for eye opener article.

  2. પોતાની લાઈફમાં આવા પ્રોટોકોલ અપનાવવા પળશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here