…આણિ કાશીનાથ ઘાણેકર

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

કોઇ ટ્રાવેલ એજન્ટ તમને પેરિસનો એફિલ ટાવર બતાવવાનું પ્રોમિસ આપે અને તમે એને પૈસા આપી દો એટલે એ એફિલ ટાવરનું પિક્ચર પોસ્ટકાર્ડ તમારા હાથમાં થમાવી દે તો તમે શું કરો એનું?

કોઇ જ્વેલર તમને ૨૨ કેરેટના સોનાનો દાગીનો વેચું છું એમ કહીને એ ભાવે થતી કિંમત વસૂલ કરીને સોનાનો ગિલેટ કરેલાં પિત્તળનાં દાગીના વેચે તો તમે એને શું કરો?

એવા જ્વેલરને કે એવા ટ્રાવેલ એજન્ટની બોચી પકડીને એને કૉલરથી ઘસડીને લાતો મારતાં મારતાં પોલીસ સ્ટેશને લઇ જાઓ તો સહેજે પાપ ન લાગે.

કમનસીબે, હિન્દુસ્તાનના પ્રેક્ષકોને ઠગી જતા પ્રોડ્યુસર-ડાયરેક્ટર કે અભિનેતાઓ સાથે તમે આવું કરી શકતા નથી.

જુઓ, બે વાત તદ્દન જુદી છે. તમારી ઇન્ટેન્શન સારી હોય પણ પચાસ કારણોસર તમે તમારી ઇન્ટેન્શન જેવી ફિલ્મ ન બનાવી શકો એ શક્ય છે.

ઑડિયન્સ તમને માફ કરી દેશે. ‘મેરા નામ જોકર’થી લઇને ‘સિલસિલા’ સુધીની અનેક ફિલ્મો યાદ આવે જે ઇમ્પરફેક્ટ હતી, કહો કે નબળી હતી, પણ એ બતાવનારાઓની દાનત ખોરી નહોતી.

‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ તો લોકોને ઠગવા માટે જ બની છે. પ્રેક્ષકોને કોઇ જબરજસ્તી નથી કરતું કે તમારે આ ફિલ્મ જોવી જ જોઇએ. કબૂલ પણ કોઇ તમને એફિલ ટાવર બતાવવાનું પ્રોમિસ આપીને એ મુજબના પૈસા તમારી પાસેથી લીધા પછી એફિલ ટાવરને બદલે એનો ફોટો બતાવે તો એ ગુનો છે, છેતરપિંડી છે, ચારસો વીસી છે. ઠગ લોકો તો ઠગવાના જ છે, આપણે સાવધ રહેવું જોઇએ એવી આર્ગ્યુમેન્ટ પણ સાવ વાહિયાત છે. તમે રસ્તે જતા હો અને કોઇ તમારું મંગળસૂત્ર ખેંચી જાય કે તમારી દીકરીની છેડતી કરી જાય ત્યારે તમે એવી દલીલ સ્વીકારવાના છો કે તમારે કે તમારી દીકરીએ સાવધ રહેવું જોઇએ?

‘ઠગ્સ’ ની આવક પહેલા દિવસે પચાસ કરોડ રૂપિયા હતી, બીજા દિવસે વધવાને બદલે માત્ર ૨૮ કરોડ જેટલી થઇ ગઇ અને ત્રીજો દિવસ શનિવાર હોવા છતાં વધુ ઘટીને ૨૨-૨૩ કરોડ જેટલી થઇ ગઇ તે જ પુરવાર કરે છે કે ઑડિયન્સે પ્રોડ્યુસર આદિત્ય ચોપરાને અને દિગ્દર્શક વિજય કૃષ્ણ આચાર્યને ગાલ પર સણસણતો તમાચો તથા યોગ્ય જગ્યાએ કચકચાવીને લાત મારી જ છે. ધે વેરી વેલ ડિઝર્વ ઇટ.

ખેર, જવા દો આ કકળાટ. બેસતા વર્ષે ‘ઠગ્સ’ જોવાને બદલે હું તો મરાઠી ફિલ્મ ‘…આણિ કાશીનાથ ઘાણેકર’ જોવા ગયો હતો એવો મેસેજ એએક મિત્રે મોકલ્યો અને અમે તરત જ ઘાટકોપર જેવા ગુજરાતી બહુલ વિસ્તારમાં આ મરાઠી ફિલ્મ જોવા ઊપડી ગયા. રવિવારે ચાર-ચાર શો હોવા છતાં અમારો બપોરના સાડા બારનો શો હાઉસફુલ હતો. આગળથી બીજી રોમાં ડોકી ઊંચી કરીને ફિલ્મ જોઇ. ના, જોઇ નહીં, માણી. ભરપૂર માણી.

૧૯૮૬માં છપ્પનવર્ષની કાચી ઉંમરે મૃત્યુ પામેલા મરાઠી નાટ્ય જગતના સૌથી લોકપ્રિય અભિનેતા કાશીનાથ ઘાણેકરની આ બાયોપિક છે. થાણેમાં આજે એમના નામનું નાટ્યગૃહ છે. શરાબ-સુંદરી વગેરેને કારણે બદનામ, અપ્રિય તથા ક્યારેક નાટ્યજગતમાંથી ફેંકાઇ ગયેલા આ અભિનેતાની કળા, એમની લોકપ્રિયતા કેટલી ઊંચાઇએ પહોંચી હશે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બંધાયેલા ભવ્ય નાટ્યગૃહને સ્વ.કાશીનાથ ઘાણેકર સભાગૃહ નામ અપાયું.

કાશીનાથ ઘાણેકર મરાઠી નાટ્યઇતિહાસનું એક ગજબનું ચુંબકીય નામ છે. ‘તો મી નવ્હેચ’ જેવા ન ભૂતો, ન ભવિષ્યતિ નાટકના હીરો (લખોબા લોખંડે) પ્રભાકર પણશીકરના તેઓ જિગરી મિત્ર. ‘તો મી નવ્હેચ’ ઉપેન્દ્ર ત્રિવેદીએ ‘અભિનય સમ્રાટ’ના નામે ભજવ્યું અને ‘વો મૈં નહીં ’ ફિલ્મમાં નવીન નિશ્ર્ચલે એ કિરદાર નિભાવ્યું. એક તરફ પ્રભાકર પણશીકર જેવા દિગ્ગજ કલાકાર કાશીનાથ ઘાણેકરના પરમ મિત્ર અને સુખદુખના સાથી છે તો બીજી તરફ એવા જ બીજા દિગ્ગજ અભિનેતા ડૉ.શ્રીરામ લાગુ એમના કટ્ટર પ્રતિસ્પર્ધી છે. (બાય ધ વે, કાશીનાથ ઘાણેકર પોતે પણ ડૉક્ટર હતા – ડેન્ટિસ્ટ તરીકેની પ્રેક્ટિસ કરતા હતા. રંગભૂમિનું એવું આકર્ષણ કે આ ડેન્ટિસ્ટ બૅક સ્ટેજ કરવા, પ્રોમ્પટરનું કામ કરવા નાટકોમાં કામ કરતા અને ડૉક્ટરની કમાણી કરનારો માણસ નાટક પૂરું થયા બાદ પ્રોડ્યુસર આગળ લાઇનમાં ઊભો રહીને પોતાના નાનકડા મહેનતાણાનું કવર સ્વીકારતો.)

કાશીનાથ ઘાણેકરને મરાઠી નાટ્યજગતના સુપર સ્ટાર બનાવવામાં મરાઠીના ખૂબ મોટા નાટ્યકાર વસંત કાનેટકરનો ઘણો મોટો ફાળો. ફિલ્મમાં કાનેટકર-ઘાણેકરની દોસ્તી-દુશ્મની-દોસ્તીની મઝાની વાતો છે જે તમને કાશીનાથ ઘાણેકરની જીવનકથા ‘નાથ હા માઝા…’ માં વિગતે જાણવા મળશે. આ કાશીનાથનાં પત્ની કાંચન કાશીનાથ ઘાણેકરે લખેલી આ જીવનકથા કાશીનાથના અવસાનના ચારેક વર્ષ બાદ ૧૯૮૯માં પુણેના સુપ્રસિદ્ધ પ્રકાશક મહેતા પબ્લિશિંગ હાઉસે પ્રગટ કરેલી.

આ કાંચન કોણ? સુલોચનાનાં દીકરી. આ સુલોચનાજી એ જ જેઓ એક જમાનામાં હીરોઇનના રોલ કરતાં અને પછીનાં વર્ષોમાં હીરોની માતાના રોલમાં આપણે જોયાં. ‘જહોની મેરા નામ’માં દેવસા’બની માતા તરીકે કે બચ્ચનજીની માતા તરીકે ‘મજબૂર’માં અને એવી અસંખ્ય ફિલ્મોમાં ૯૦ વર્ષની ભવ્ય ઉંમરે તેઓ મુંબઇના પ્રભાદેવી વિસ્તારમાં શાંતિથી જીવન માણી રહ્યાં છે.

આ સુલોચનાજી કાશીનાથ ઘાણેકરનાં ગાયનેકોલોજિસ્ટ પત્ની ડૉ.ઇરાવતીનાં પરિચિત. આને કારણે બેઉ ઘરોમાં એકબીજાની અવરજવર. સુલોચનાજીની નાનકડી દીકરી કાંચન ટીનેજથી ‘કાશીરામકાકા’ પર જાન છિડકતી. ડીસન્ટ ભાષામાં કહીએ તો કાફ-લવ.

વખત જતાં ડૉ.ઇરાવતી ઘાણેકરે પતિનો આ બાલિકા સાથેનો પ્રેમ સ્વીકારી લીધો. વધુ વખત જતાં ડૉ. ઇરાવતી કાશીનાથથી છૂટાં થઇને બીજે પરણી ગયાં.

ફિલ્મમાં ડૉ.શ્રીરામ લાગુ, ડૉ.ઇરાવતી, સુલોચના, કાંચન અને અફકોર્સ વસંત કાનેટકર તથા પ્રભાકર પણશીકર ઉપરાંત કાશીનાથ ઘાણેકરની જિંદગી સાથે જોડાયેલાં બીજાં અનેક મહાન વ્યક્તિત્ત્વો તેમ જ કેટલાક નાનાં મોટાં પાત્રો જીવંત થાય છે.

મરાઠી પ્રજાની, એમની રંગભૂમિની, એમના સાહિત્યની. એમની ફિલ્મોની વાત કરતાં ગળું ન થાકે. શું તમને ખબર છે કે ૪થી જાન્યુઆરી એ પુ.લ.દેશપાંડે પરની બાયોપિક આવી રહી છે? મહેશ માંજરેકરે બનાવી છે. અને ૨૪મી જાન્યુઆરીએ બાળાસાહેબ ઠાકરેની બાયોપિક મરાઠીમાં આવી રહી છે? નવાઝુદ્દીન સિદ્દીકી એમાં બાળાસાહેબની ભૂમિકા ભજવે છે. કાશીનાથ ઘાણેકરની ફિલ્મનું નામ ‘…આણિ કાશીનાથ ઘાણેકર’ શું કામ હશે? તમને ક્યુરોસિટી થતી હશે આ અમે આવી બીજી કેટલીક વાતો કાલે શેર કરીશું અને પછી સરદાર-નહેરુની વાત આગળ ધપાવીશું.

આજનો વિચાર

આ તો ભગવાનનો પાડ માનો કે પતિઓ જન્મથી સુંદર જ હોય છે. નહીંતર આ જમાનામાં બે-બે જણનો બ્યૂટી પાર્લરનો ખર્ચો કેમ પોસાય?

એક મિનિટ!

બકો : અલ્યા પકા, આ રેગ્યુલર બાર્બી ડોલની કિંમત ૧૯ ડૉલર અને ડિવોર્સી બાર્બી ડૉલની કિંમત કેમ ૨૯૯ ડૉલર?

પકો : ડિવોર્સી બાર્બી ડૉલની સાથે કૅનની કાર, કેનનનું ઘર, કેનની બોટ, કેનનું ફર્નિચર, કેનની જ્વેલરી, કેનના પૈસા, કેનનું કોમ્પ્યુટર અને કેનનો બેસ્ટ ફ્રેન્ડ મળે છે.

( મુંબઇ સમાચાર : સોમવાર, 12 નવેમ્બર 2018)

2 COMMENTS

  1. Dr. Kashinath Ghanekar faqt Marathi Natak nahi pan even Marathi ane Hindi filmona pan actor hata. Marathi ma emne ghani badhi filmo ma kaam karyu chhe. Hindi ma Dadima (1966) film nu song e ma tujhse alag bhagwan ki surat kya hogi e famous chhe. So, he was not limited to just Marathi drama.

    • I had seen this film. It’s awesome. Mind blowing performance by Subodh Bhave and Sumit Raghava.
      Bole to Ekdam KADAK

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here